ચાહત
ચાહત
બાપુ તો કહી ગયા કે કિરતારમાં અખૂટ ચાહત કાયમ રાખજે તો તને એ જીવનમાં ચોક્કસ રાહત આપશે. હવે એ ક્યાં જોવા આવવાના છે કે, મારી હાલત એવી છે કે આજે બે-ચાર પ્રવાસીઓ મળી જાય તો આજનું જમવાનું મળશે. માથે હાથ દઇને મંદિરના એક થાંભલે ટેકો દઇને વિચારમાં બેઠેલા રાજારામને પાછળથી સંત્રીએ ખભો હલાવીને કહ્યું,
“દિવાનસાહેબ બોલાવે છે.”
“શું કામ પડ્યું હશે ?”
મંદિરથી રાજમહેલના રસ્તે રાજારામ નારાજ મનથી ભગવાન સાથે વાત કરતો રહ્યો. બાપુએ માત્ર સંસ્કાર અને વ્યવસાય બન્ને વારસામાં આપ્યા. મારા હાથમાં હુન્નર તે જાતજાતની કારીગીરી હસ્તગત થઈ. ચોખાના દાણા ઉપર મંત્ર લખવા, નાળિયેરની કાચલી પર ઇશ્વરની રચના, તૈલચિત્રો બનાવવાં વગેરે. પણ આર્થિક તંગી તો તેં કાયમી આપી કિરતાર. ગામલોકો હંમેશાં મ્હેણાં મારે કે,
“આ જેટલા ચોખાના દાણા ચિતરે છે એટલા ખાવા મળે છે ?”
પણ બાપુએ કીધેલું,
“ક્યારેય શ્રધ્ધા ડગાવતો નહીં. એ બધું સાંભળેજ છે.”
લોકો કહે કે,
“એણે શું આપી દીધું તને ? બહુ મોટી ભુલ કરે છે. કોઈ બીજો ધંધો ક
ે કામ શરુ કર.”
પણ મેં બાપુના શબ્દો પકડી રાખ્યા. એ મારી ભૂલ ? કિરતાર, મેં તને ચાહ્યો એ જ ને ? મેં તારાં પારખાં ન કરતાં તને બંધ આંખે ચાહ્યો એ ભુલ ? મેં અખુટ વિશ્વાસ તારામાં મુક્યો એ ભુલ ? હવે તું આમ મંદિરમાં બેઠો બેઠો શું જુએ છે ? જો આ રાજાએ કહેણ મોકલ્યું છે. ન જાણે શું હુકમ હશે ! તારા ભરોસે રહું છું એ વિશ્વાસ તૂટે નહીં એ તારી જવાબદારી છે હોં !
રાજમહેલમાં કેટલાય તર્ક-વિતર્કસાથે રાજારામ રાજા સમક્ષ ઊભો હતો.
“પ્રણામ મહારાજ.”
“રાજારામ, આ વિદેશી મહેમાન છે. એણે આ મહેલમાં મુકેલાં છે એ બધાં તૈલચિત્રોમાં તારી કલા જોઈ. એ બહુ પ્રભાવિત થઈ ગયા છે. એ કહે છે કે વિદેશમાં ચોખાના દાણા પર લખનારા, આવાં તૈલચિત્રો બનાવનારા કલાકારોની બહુ માંગ છે. એ તને પોતાની સાથે લઈ જવા માંગે છે. તારા જેવા કલાકારને ત્યાં વધુ મહેનતાણું મળશે. તારું નસીબ ચમકી જશે.
બે વર્ષ પછી મંદિરની ચોખટ પર માથું મુકીને ગળગળો રાજારામ સ્વગત ...
'તને ચાહવાની મેં જરા પણ ભુલ નથી કરી. તેં ખોબોભર ચોખાને બદલે દરિયોભર સુખ આપ્યું.'