બુદ્ધ અને એક સ્ત્રી
બુદ્ધ અને એક સ્ત્રી
એક ગામમાં ગૌતમ બુદ્ધ વિહાર કરી રહ્યા હતા ત્યારે બુદ્ધની તેજસ્વિતા અને સંસાર પ્રત્યેના એમના અભિગમથી પ્રભાવિત થઈને એક સ્ત્રીએ એમને પોતાના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. બુદ્ધે આમંત્રણનો સ્વીકાર કર્યો.
આ વાતની ખબર આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. ગામના મુખી દોડી આવ્યા. એણે બુદ્ધને સલાહ આપી, ‘તમારે એ સ્ત્રીના ઘરે જમવા જવું જોઈએ નહીં, કારણ કે એ સ્ત્રી ચારિત્ર્યહીન છે.’ આટલું સાંભળતા જ બુદ્ધે મુખીનો એક હાથ પકડીને ઊંચો કર્યો ને તાળી પાડવા કહ્યું. મુખી કહે, ‘હું કેવી રીતે તાળી પાડી શકું ? મારો એક હાથ તો તમે પકડી રાખ્યો છે.’ બુદ્ધ કહે, ‘એક હાથે તાળી પાડી શકે નહીં એમ આ ગામમાં પુરુષો ચારિત્ર્યહીન ન હોય તો પેલી સ્ત્રી પોતાની રીતે કેવી રીતે ચારિત્ર્યહીન હોઈ શકે ? બીજા બધા ચૂપ થઈ ગયા.
