બસ થોડો વધુ પ્રયત્ન
બસ થોડો વધુ પ્રયત્ન
ગામની મીઠી સવાર. આકાશમાં હજુ કેસરી છાયા હતી અને હવામાં ભીંજાયેલી માટીની સુગંધ તરી રહી હતી. એક ખેડૂત પોતાના ખેતર તરફ ચાલ્યો જતો હતો. તેના પગના નિશાન માટીમાં ઊંડા પડતા હતા, જાણે તેના મનની ચિંતા પણ જમીનમાં ઊતરી રહી હોય. ખેતરના મધ્યમાં એક પથ્થરનો ટુકડો જમીનમાંથી બહાર નીકળેલો હતો. વર્ષોથી તે પથ્થર તેના જીવનનો ભાગ બની ગયો હતો. કેટલી વાર તેની ઠોકરે તે પડી ગયો હતો, કેટલી વાર હળ તોડી નાખ્યો હતો, કેટલી વાર કુહાડીના ધાર કુંઠિત થઈ ગયા હતા. છતાં તે પથ્થર ત્યાં જ પડ્યો રહ્યો—જાણે કોઈ અદૃશ્ય શાપ.
આજે પણ એ જ થયું. હળનો ફાળો પથ્થર સાથે અથડાયો અને કડકડાટ સાથે તૂટી ગયો. ખેડૂતનું મોં લાલ થઈ ગયું. ગુસ્સાથી લાલ ચોળ થઇ ગયો. વર્ષોની સહનશીલતા એક ક્ષણમાં ભાંગી પડી.
પણ આજે તે ક્રોધને અંકુશમાં લાવ્યો. તેણે નિર્ણય કર્યો—આજે જ આ શીલાને ઉખેડીને ખેતરની બહાર ફેંકી દઈશ. તે ગામમાં ગયો અને ચાર-પાંચ મિત્રોને સાથે લાવ્યો. બધા ફાવડા-કુહાડીઓ લઈને પથ્થર પાસે ઊભા થયા. ખેડૂતે કહ્યું, “આ જુઓ! આ ચટ્ટાને મારું જીવન ખરાબ કરી લીધું છે. આજે આપણે સૌ મળીને તેને બહાર કાઢીશું.”
नाद्यः श्वश्च कुर्वीत कर्म कल्याणमतन्द्रितः।
मृत्युः कृतस्य वा नास्य समकालं कृतं भवेत्॥
કલ્યાણકારી કાર્ય માટે ક્યારેય આવતીકાલની રાહ ન જોવી જોઈએ, આળસ ત્યાગીને આજ અને અત્યારે જ પ્રશાસન કે પુરુષાર્થ કરવો જોઈએ; કેમ કે સમય કોઈની પ્રતીક્ષા કરતો નથી.
તેણે ફાવડો ઉપાડ્યો અને પથ્થરની કિનારે એક મારો માર્યો. બીજો મારો… અને પછી તો અચાનક જે થયું તે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. આખો પથ્થર જમીનમાંથી સરકીને બહાર આવી ગયો. કોઈ મહાન શિલા નહોતી—માત્ર એક સામાન્ય, નાનકડો પથ્થર!
મિત્રોમાંથી એક હસીને બોલ્યો, “અરે ભાઈ! તું તો કહેતો હતો કે ખેતરમાં મોટી શિલા દબાયેલી છે. આ તો કાંઈ નથી!”
ખેડૂતની આંખોમાં આશ્ચર્ય અને પછી ઊંડો પસ્તાવો પણ થયો. વર્ષોથી જેને તેણે અજેય પર્વત સમજ્યો હતો, તે માત્ર એક નાનકડો પથ્થર હતો. જો તેણે એક વાર પણ પૂરા પ્રયત્નથી તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો હોત તો…સો ટકા થઇ કામ થઇ જાત.
भयस्य मूलं संकल्पः।
ઘણી વખત ભયનું મૂળ વાસ્તવિકતા કરતાં આપણા મનની કલ્પના અને શંકા હોય છે.
“ડરપોકને દુનિયા ભૂતની લાગે, હિંમતવાનને તો પથ્થર પણ નરમ લાગે.”
ખેડૂતે પથ્થરને હાથમાં ઉપાડ્યો. તે હળવો હતો.
વર્ષો વીત્યા, ભયના સાયે, પથ્થરને પર્વત કરી માન્યો,
હિંમત હારી બેઠો મનથી, અણસમજમાં કાળો કેર જાણ્યો.
એક ઘા માર્યો સાહસનો, ત્યારે ભ્રમણા તૂટી તત્ક્ષણ,
નાની સમસ્યા પર્વત જેવડી, બસ ડર હતો મનની ક્ષણ!
તે પથ્થરને ખેતરની બહાર ફેંકી દીધો. માટી હવે સાફ હતી. હળ ફરી ચાલી શકતો હતો. પણ તેના મનમાં એક ઊંડો સવાલ રહી ગયો—કેટલી બીમારીઓ, કેટલી ચિંતાઓ, કેટલી સમસ્યાઓ આપણે મોટી શિલા સમજીને વર્ષો સુધી સહન કરીએ છીએ, જ્યારે તે માત્ર એક નાનકડો પથ્થર હોય છે, જેને એક જ સાચા પ્રયત્નથી દૂર કરી શકાય.
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका ।
तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः ॥ પંચતંત્ર
નાની વસ્તુઓનું પણ એકત્રિકરણ કાર્ય સાધે છે. ઘાસના તણખલાઓથી પણ મદોન્મત્ત હાથીને બાંધી દેવામાં આવે છે.
ખેડૂતે આજે શીખ્યું—સમસ્યાને મોટી બનાવવી એ મનની આદત છે. સાહસથી તેને સામનો કરવો એ જીવનની સાચી વિદ્યા છે.
उद्यमं साहसं धैर्यं बुद्धिः शक्तिः पराक्रमः।
षडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृत्॥
જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ—આ છ ગુણ હોય છે, ત્યાં ઈશ્વર પણ સહાયક બને છે
