બોલો જય હિન્દ
બોલો જય હિન્દ


અને તે દિવસથી મને શંકા ગઈ જ્યારથી એ યુવાન મારી ડ્યુટીના સમયેજ રાતના અગિયાર વાગે રોજ આવે અને મારા નિગરાની હેઠળના એ.ટી.એમ. મશીનમાંથી માત્ર સો રૂપિયા ઉપાડીને ગાયબ થઈ જાય. હું એક કાશ્મીરની ખીણમાં આવેલી દુર્ગમ ટેકરી પર વોચમેન છું. મારી ડ્યુટી રાતે આઠથી સવારે આઠની હોય છે.
છેલ્લા સાત દિવસથી હું આ યુવાન પર વોચ રાખું છું. રોજ આ માણસ એ.ટી.એમ. મશીન પર થી રૂપિયા ઉપાડવાની શી જરૂર પડતી હશે ! આવુંજ બીજા ત્રણ દિવસ થયું. મને શંકા પડી કે જરૂર આ કોઈ વ્યક્તિ ભેદી છે. મશીન સાથે કોઈ ચેડાં તો નહીં કરતો હોય ? એના ગયા પછી હું મશીન ચેક કરું તો બધું જ બરાબર દેખાય.
એક દિવસ મારા થી ન રહેવાયું અને જેવો સો રૂપિયા લઈ નીકળ્યો એટલે મેં એને અટકાવ્યો, "માફ કરજો હું છેલ્લા દસ દિવસથી તમને રોજ અહીં આજ સમયે જોવ છું. તમે માત્ર સો રૂપિયાજ ઉપાડો છો અને જતા રહો છો. તો તમે એક સામટા પૈસા કેમ ઉપાડી લેતા નથી. આટલી સખ્ત ઠંડીમાં આવું કષ્ટ કેમ ઉઠાવો છો ? તમારી ઓળખ આપી શકો છો ?
અને તે યુવાને હસતાં હસતાં જવાબ આપ્યો ,"અરે ચાચા હું એક ફૌજી જવાન છું. હું રોજ એટલા માટે પૈસા ઉપાડું છું કે જેવા પૈસા નીકળે એટલે એક મેસેજ મોબાઈલમાં જાય.. અને મેં બેન્ક સાથે મોબાઈલ મારી પત્નીનો જોડેલો છે. એટલે જેવા પૈસા નીકળે એટલે મારા ઘરે મેસેજ પહોંચી જાય. અને મારા કુટુંબને મારી હયાતીનો સંદેશ મળી જાય એટલે પછી એ લોકો શાંતિથી સુઈ જાય. અને હું અહીં દેશની રક્ષા ચિંતા વિનાકરી શકું."
મેં એને વળતો સવાલ કર્યો, "પણ તારી પાસે મોબાઈલ તો છે ને ? એનાથી મેસેજ કરે તો ?"
એણે મને કહ્યું ,"અરે ચાચા કાશ્મીરની હાલત તો તમને ખબર છે, અહીં નેટ બંધી છાસવારે થાય છે. મોબાઈલના ટાવર જ ક્યાં પકડાય છે ? ચાચા ફૌજી બનવું એટલે લાગણીઓને પીગળાવીને લોહીમાં લોહ ભરવું પડે છે, ત્યારે એક ફૌજી તૈયાર થાય છે. અમે સીમા સુરક્ષા કરીએ તો દેશ શાંતિથી સૂઈ શકે છે. એટલે આટલો તો ભોગ અમારે આપવો પડે. એમને કોઈ ફરિયાદ નથી. બોલો ચાચા જયહિન્દ..."
મારી આંખમાંથી અશ્રુ સરી પડ્યા. જેને હું કોઈ ફ્રોડ કે આતંકવાદી સમજતો હતો તે તો દેશનો વીર સપૂત નીકળ્યો. મેં એને કહ્યું ,"જયહિંદ.." અને એ સલામ મારી નીકળી ગયો. અને મારા રેડિયો પર વંદે માતરમ્ ગુંજી ઉઠ્યું.