બ્લેકમેઇલ
બ્લેકમેઇલ


ઈશા ભવ્ય મહેલની જેમ સજાવેલા ઘરને નિહાળી રહી હતી. મનોમન વિચારી રહી હતી, "સગાઈમાં આટલો બધો ખર્ચ પપ્પા કરી રહ્યા છે, તો લગનમાં તો શું કરશે? " બધાના ઉત્સાહ જોઈને એને અંદરથી ગભરાટ થતો હતો. ઈશા ખુદને પણ આ સવાલ કરી રહી હતી, "આવો ભય કેમ ? બધું બરાબર તો થઈ રહ્યું છે! વિહાન જેવો હેન્ડસમ, કામદેવને ય શરમાવે એવો છોકરો લાઈફ પાર્ટનર તરીકે મેળવીને તો એ કેટલી છોકરીઓની ઇર્ષ્યાનું કારણ બની છે." ચાલતા ચાલતા ઘરનાં પૂજા રૂમ આગળ ઉભી રહી ગઈ. વિધ્નહર્તા ગણેશજીની સામે બે હાથ જોડી સૌ શુભ મંગળ થાય એવા આશીર્વાદ માંગી, એ વિહાનને તૈયાર થવા જે રૂમ આપ્યો હતો એ તરફ વળી. પણ એના પગ રૂમની બહાર જ થંભી ગયા. વિહાન ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, "જો તું મને આ રીતે બ્લેકમેઇલ ના કરી શકે. તે જેટલા પૈસા માંગ્યા, જે કીધું એ બધું મેં તને આપ્યું. હાથ જોડું છું તને, મારો પીછો છોડી દે. હું ઈશાને હદથી પણ વધુ ચાહવા લાગ્યો છું. તારા લીધે હું ઈશા જેવી નિર્દોષ છોકરીને દગો આપવા કરતાં તો મરવાનું વધુ પસંદ કરીશ."
ત્યાંજ ઈશાએ વિહાનના હાથમાંથી મોબાઈલ લઈ લીધો, "ડિયર, એક્સ, વાય, ઝેડ, તું જે પણ હોય, તને હવે કશું જ નહીં મળે. કેમકે વિહાનને હવે ઈશાનો સાથ મળી ગયો છે."
વિહાન આશ્ચર્ય અને અહોભાવથી ઈશાને જોઇ રહ્યો. ઈશાએ પ્રેમથી વિહાનનો હાથ પોતાના હાથમાં લીધો.
"ઈશા આટલી મોટી વાતને તે આટલી સહજીકતાથી લઈ લીધી? હું તો તારી માફી માગવાને લાયક પણ નથી. ઈશા હું તારો ગુનેગાર છું."
"વિહાન માણસ માત્ર ભૂલને પાત્ર. તારા દિલમાં જે પ્રેમ મારા માટે છે એ હું જાણી ગઈ છું. બધું ભૂલી આપણે આજે એક નવી જિંદગીની શરૂઆત કરીએ. એકબીજા પ્રત્યેની વફાદારીના વચનથી બંધાઈને." વિહાન અને ઈશા એકબીજાને પ્રેમથી ભેટી પડ્યાં.
ત્યાંજ ઈશાની મમ્મી એને શોધતી શોધતી રૂમમાં આવી , "અરે ઈશા, તું અહીં છો બેટા? તારે તૈયાર નથી થવાનું. મહુરત સાચવવાનું છે બેટા !"
"મમ્મી, જ્યારે દિલ દિલથી મળેને એજ સાચું મુહરત. કેમ સાચું ને વિહાન?"
વિહાને આંખોના ઇશારાથી હામી ભણી.
" હું ફટાફટ તૈયાર થઈને આવું છું. "
"હા, ઈશા જલ્દી હો, હવે રાહ નહિ જોવાય." વિહાને તોફાની સ્મિત આપ્યું અને ઈશા શરમાઈ ગઈ.
રૂમની બહાર નીકળતા જ ઈશાની નજર સામે એનો ભૂતકાળ તરી આવ્યો. એ દિવસે પપ્પાને હિંમત કરીને શેખરે આપેલ દગા વિશે અને એના બ્લેકમેંઇલિંગ વિશે ના કહ્યું હોત તો આજે .." ઈશા એ વિચાર માત્રથી ધ્રૂજી ગઈ. બીજી જ ક્ષણે, એ ભૂતકાળને એણે ત્યાજ ખંખેરી દીધો. એનું મન અને દિલ હવે વિહાન સાથેના મધુર જીવનના સ્વપ્નાઓ જોતું કલ્પનાઓના ઘોડા પર સવાર થઈ મેઘધનુષી રંગોમાં રંગાવા લાગ્યું...!