આલેખ - એક ગઝલ
આલેખ - એક ગઝલ


શ્રીલેખા એક ઉભરતી લેખિકા હતી. ફેસબુક આવા લેખકો માટે હંમેશા આશીર્વાદરૂપ બન્યું છે. દરેકને પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનું સરસ પ્લેટફોર્મ મળે છે. શ્રીલેખા પણ આખરે હતી તો એક સાહિત્યપ્રેમી જીવ. એ પોતાની અભિવ્યક્તિ એના ફેસબુક પેજ પર મૂકવા માંડી. ફેસબુક ફ્રેન્ડસ તરફથી ખુબ સરાહના મળવાથી એનો આત્મવિશ્વાસ વધ્યો.
નાના-નાના હાઇકુ ,અછાંદસ, કવિતા ,ગઝલ અને ટૂંકી વાર્તાઓ અને લઘુકથા ઓનલાઈન પોર્ટલ પર ધૂમ મચાવતા. સાદી સરળ શૈલીમાં સમાજનો અરીસો બતાવતી એની વાર્તાઓ વાચકોને ખૂબ જ ગમતી. ધીરેધીરે એનું નામ એક લેખિકા તરીકે પ્રસ્થાપિત થવા લાગ્યુ તેમ તેમ તેની મહ્ત્વકાંશાઓ પણ આકાશને આંબાવાની કોશિશ કરવા લાગી.
સતત મનમાં કંઈક ખૂટે છેનો ભાવ તીવ્ર થવા લાગ્યો. એ ભાવ એટલે એની કોઈ પણ વાર્તા કોઈ કવિતા કે ગઝલ ક્યારે પણ કોઈ સ્પર્ધામાં વિજેતા નહોતી થઈ. ક્યાંક એ અમુક ખાસ લોકોની ઈર્ષ્યા નો ભોગ પણ બની તો ક્યાંક એની સામે રાજકારણ ખેલાતું. અમુક લેખકો દ્વારા એની સરળ લખાણ શૈલી સામે પ્રશ્નાર્થ મુકવામાં આવતા. જે લેખન પ્રવૃત્તિ એ શોખ અને નિજાનંદ માટે કરતી હતી એ આજે એના માટે ઉદાસીનું કારણ બનતી ગઈ. વર્ષો વીતતા એની ઉદાસીનતાની અસર એની લેખન કળાપર પણ પડવા લાગી. એને એક જ પ્રશ્ન કોરી ખાતો હતો," મારી સાથે જ આવું કેમ ?" એ ધીરે ધીરે હતાશામાં ગરકાવ થવા લાગી. એનું ફેસબુક પેજ એના ચહેરાની જેમ જ નિસ્તેજ પડ્યું હતું.
આ વાત શ્રીલેખાના પતિ આલેખના ધ્યાન બહાર જાય એવું તો શક્ય નહોતું કેમકે આલેખે જ લગ્ન બાદ શ્રીલેખાને કવિતા અને ગઝલ લખવાનું પ્રોત્સાહન આપ્યું હતું. આલેખને શ્રીલેખાની ડાયરી યાદ આવી જેમાં સગાઇ બાદ શ્રીલેખાએ આલેખ સમક્ષ પ્રેમનો ઇઝહાર કરતી ગઝલ અને શાયરીઓ લખી હતી.આલેખે ઘરમાંથી થોડી મહેનત બાદ એ ડાયરી શોધી કાઢી.
એક દિવસ શ્રીલેખા અને આલેખ બંને સાંજના એમના ઘરના બગીચાના હીંચકે બેઠા હતા અને ત્યાંજ શ્રીલેખાનો ફોન રણક્યો ,....
"હેલો આપ શ્રીલેખાબેન બોલો છો ? હું આજિકય દેસાઈ. તમારું પુસ્તક " આલેખ -એક ગઝલ " ને ઘણો જ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન બહેન આપને. તમારો ચાહક વર્ગ એટલો વિશાળ છે, સૌ કોઈ આપને મળવા માંગે છે. શું અમે લેખક સાથેનો સંવાદ કાર્યક્રમ રાખીએ તો આપ ઉપસ્થિત રહેશો? ".
"આપ શું કહી રહ્યા છો મને કંઈ જ સમજ નથી પડી રહી. મારી બુક ક્યારે, કોણે છપાવી?"
"અરે બહેન આલેખભાઈએ જ છપાવી છે. એમને મને કહેવાની ના પાડી હતી પરંતુ તમારા પ્રિય વાચકો માટે મારે એ વચન તોડવું પડ્યું. આપ આવશો ને?"
"હા હા કેમ નહિ, હું સૌને મળીશ."
શ્રીલેખા ફોન મુક્તા જ આલેખની સામે પ્રશ્નાર્થ ભરી નજરે આંખોથી જ પૂછ્યું ," આ બધું ...કેવી રીતે ? તમે કેમ મને કંઈ ન કહ્યું!"
"સોરી ડિયર પણ હું તારી માનસિક હાલત જોઈ નહોતો શકતો. તું જે કાર્ય તારી ખુશીથી કરતી હતી એજ તારી ઉદાસીનું કારણ બને એ કેમ ચાલે ! શ્રીલેખા સ્પર્ધા જીતવી મહત્વની નથી વિજેતા તો એ કહેવાય જે એના ચાહકોના દિલ જીતે. તારા વાચકોના હૃદયમાં તારું સ્થાન એજ તારી જીત છે."
"અમોલ તમે મારી આંખો ખોલી નાખી. હું ખોટી મહ્ત્વકાંક્ષાઓના રથ પર સવાર હતી."
આલેખે પ્રેમાળ સ્મિત આપી શ્રીલેખાને બાહોમાં ભરી દીધી. શ્રીલેખા હરખ અને સંતોષની લાગણી સાથે આલેખની બાહોમાં સમાઈ ગઈ એક નવી જ ગઝલ રચવા.