બિન પરંપરાગત લગ્ન
બિન પરંપરાગત લગ્ન
ભારતીય સંસ્કૃતિમાં આવા સંબંધની વાત પૌરાણિક સમયના રાજા ભગીરથના જન્મ વખતથી જાણીતી છે. બે સ્ત્રીઓ વચ્ચેના આકર્ષણથી બંધાયેલો સંબંધ એટલે સમલૈંગિક. સંબંધ જેને બિન પરંપરાગત સંબંધ પણ કહી શકાય.
એવું કહેવાય છે કે રાજા ભગીરથનો જન્મ પણ બે મહિલાઓથી થયો હતો. વશિષ્ઠ ઋષિએ આપેલા વરદાન મુજબ બે વિધવા રાણીમાંથી મોટી રાણી પ્રસાદ ખાય છે અને નાની રાણી પુરુષનો અવતાર ધારણ કરે છે અને પછી રાજા ભગીરથનો જન્મ થાય છે. એવી કથા બંગાળમાં ખૂબ જ પ્રચલિત છે.
આમ જોઈએ તો આવા સંબંધોમાં સંતાન થવાની શક્યતા ઓછી હોય છે. આજના સમયમાં આવા સંબંધો સમાજની દ્રષ્ટિએ સ્વીકારતા નથી. એના કારણે આવા સંબંધો ધરાવતી વ્યક્તિએ ઘણીવાર આત્મહત્યા કરવાનો વારો પણ આવે છે. સમાજ એવી વ્યક્તિને તિરસ્કારથી જુએ છે. સમાજમાં આવી વ્યક્તિઓએ લગ્નેતર સંબંધથી જોડાઈને રહેવું બહુ જ કપરું થઈ પડે છે.
આવી જ બે સ્ત્રી મિત્રોની વાત આપને સમક્ષ રજૂ કરવા જઈ રહી છે જે કદાચ મારા વાંચવામાં આવી હતી. આંતરજ્ઞાતિય લગ્નથી જોડાયેલા એક દંપતિને ત્યાં દીકરીનો જન્મ થયો. ઘરમાં લક્ષ્મીના પગલા થયા એટલે સૌની ખુશીનો પાર ન રહ્યો. મીઠાઈ વહેંચી. નામ કરણ વિધિમાં પરિવારના સૌ સભ્યો ભેગા થયા અને નામ પાડ્યું ખુશી. ખુશી મોટી થવા લાગી, પણ એને છોકરીઓ કરતા પણ છોકરાઓ સાથે રમવા વધારે ગમતું. છોકરાની જેમ જ રહેતી. બાળપણ હતું ત્યાં સુધી તો માતા-પિતાને પણ ગમતું હતું. હવે ખુશી મોટી થઈ પછી એને ટોકતા કે હવે તો તું મોટી થઈ છે હવે તારે છોકરીઓની જ મિત્રતા રાખવી જોઈએ, પણ ખુશીના મનમાં આ વાત બેસતી જ નહીં. એ તો એની મસ્તીમાં રહેતી. હા, પણ એને છોકરીઓની જેમ કોઈ વ્રત ઉપવાસ આ બધું કરવું ગમતું નહીં.
ધીમે ધીમે ખુશી કોલેજમાં આવી. હવે એને કોઈ સારી છોકરીને જોઈને એવો ભાવ ઉભો થતો કે જાણે એની પ્રેમિકા હોય ! ખુશીને અંદરથી એક છોકરાને કોઈ છોકરીને જોઈને જે શારિરીક ઉત્તેજના થાય એવું થતું હતું. એની સાથે ભણતી છોકરીઓને એણે ઘણીવાર વાત વાતમાં 'આઇ લવ યુ' પણ કહી દીધું હતું, પણ સાથે ભણતી છોકરીઓ એની વાતને મજાક ગણતી હતી. તો ઘણીવાર ખુશીની માંગણીઓને વધુ પડતી સેન્સિટિવ છે કહીને હસવામાં કાઢી નાખતા હતા.
ખુશીથી આ બધું સહન નહોતું થતું. પણ પોતે કહે કેવી રીતે ? હવે તો એ પોતે જ મોટી થઈ ગઈ હતી. એટલે એનામાં એટલી તો સમજણ હતી કે પોતાનામાં જે લક્ષણો છે એ એક સમલૈંગિકતાના જ છે. એટલે જ એને ક્યારેય કોઈ છોકરાની વાતમાં રસ નહોતો પડતો.
એની સખીઓ ઘણીવાર કહેતી કે, "જો પેલો રાજ કેટલું હેન્ડસમ છે. મને તો એ બહુ જ ગમે છે.એની સાથે ફરવા જવું છે. મોજ મસ્તી કરવી છે." તો ખુશી તરત જ કહેતી કે "જવા દેને, એના કરતા તો હું તને વધારે ખુશી આપુ,બોલ મારી સાથે મોજ મસ્તી કરવી છે ? " પણ પેલી છોકરીઓ બધું હસવામાં લેતી. હવે આગળ વધારે અભ્યાસ માટે ખુશી બીજા શહેરમાં ગઈ. મેડિકલના અભ્યાસમાં તે ખૂબ જ હોશિયાર હતી. અહીં તેને હોસ્ટેલમાં રહેવાનું થયું. તેની રૂમ પાર્ટનર સુરજા હતી. તે પણ ખૂબ જ હોશિયાર હતી. બેઉને એકબીજા સાથે સારું બનવા લાગ્યું. સાથે જ ભણતા એટલે ૨૪ કલાકકલાક સાથે ને સાથે જ હોય.
આમ સુરજાની સાથે સતત રહેવાથી ખુશીને મજા આવતી હતી. એકવાર રાત્રે બેઉ સૂતા સૂતા વાતો કરતા હતા, અને એણે સૂરજાને પોતાની બાહોમાં લઈને ભીંસી દીધી. ખુશીમાં એકાએક જ છોકરાની ફિલિંગ આવી ને એ રીતે જ એને આલિંગન કરીને પોતાની અંદરનો જે ભાવ હતો તે બતાવ્યો.
આ બાજુ સૂરજા માટે આ એકદમ નવો જ અનુભવ હતો. થોડીવાર તો એ પણ ગભરાઈ ગઈ. પણ યુવાનીનો જોશ તો એનામાં પણ હતો અને એક છોકરી જ એની સાથે શારીરિક અડપલાં કરીને એને આનંદ આપતી હતી. તેથી એને પણ આ બધું ગમવા લાગ્યું. હવે ધીમે ધીમે બે વચ્ચે સંબંધ બંધાઈ ગયો. એટલે ખુશી તો સમલૈંગિક હતી જ, પણ હવે ધીમે ધીમે સૂરજા પણ એવી બની ગઈ. હવે બેઉ એકબીજા વગર રહી નહોતા શકતા.
અભ્યાસમાં અવ્વલ એવા બંને મેડિકલના છેલ્લા વર્ષમાં હતા. હવે એક જ ચિંતા હતી કે છૂટા પડીશું તો કેવી રીતે રહી શકીશું ? બેઉએ પોતપોતાના ઘરે વાત કરી કે અમે બેઉ લગ્ન કરવા માંગીએ છીએ. ઘરવાળાએ આ સંબંધને સ્વીકારવાની ના પાડી. પરંતુ આ બેઉ મક્કમ હતા. જીવીશું તો સાથે જ.
ખુશી એ એક દિવસ મેડિકલ કોલેજના કોઈ ડોક્ટરને વાત કરી કે મારે જેન્ડર ચેન્જ કરાવવું છે. મારામાં છોકરીના કોઈ જ લક્ષણો નથી. હું માત્ર દેખાવે છોકરી છું,પણ મારી અંદરના લક્ષણો હાવભાવ બધું છોકરાના છે. એટલે મારે આ સૂરજા સાથે લગ્ન કરીને અમારો સુખી સંસાર માણવો છે. ડોક્ટરની સલાહ મુજબ ખુશી એ જેન્ડર બદલાવ્યું. હવે તે 'ખુશમન' બની ગયો.
લગ્ન કરી લીધા. સૂરજા અને ખુશ્મન આજે પણ સુખી લગ્નજીવન માણે છે. હવે તો સમાજે અને એમના પરિવારે પણ એમનો સંબંધ સ્વીકારી લીધો છે. બેઉએ અનાથ આશ્રમાંથી એક સુંદર બાળક (દીકરી) દત્તક લીધી છે અને સૌ માન સન્માનથી જીવે છે.
આથી કહી શકાય કે સમલૈંગિકતા એ એક શારીરિક લક્ષણો અને હોર્મોન્સની બાબત છે. જે કોઈ કોઈનામાં જોવા મળે છે. પણ આવા કપલો એકબીજા સાથે લગ્ન કરીને જીવે તો સમાજે પણ એમને સ્વીકારવા જોઈએ.
