STORYMIRROR

Jayshree boricha vaja

Classics Inspirational

4  

Jayshree boricha vaja

Classics Inspirational

ભીની લાગણી

ભીની લાગણી

3 mins
255

રોજ સવારમાં કંકુ, પહેલાં ગંગાબેનને ત્યાં કામ કરતી ને પછી બીજે જતી. આ એનો રોજનો ક્રમ. આજે પણ તે રાતની રામાયણ કામ કરતાં કરતાં એની મોસીને સંભળાવી રહી હતી.

બારીનાં સળીયામાંથી પ્રવેશી રહેલાં સૂરજનાં આછા પ્રકાશને નજરોમાં ભરતાં ગંગાબેન, જાણે અતીતની કોઈ યાદોની સફરે નીકળી ગયા હોય તેમ કંકુને કંઈ જ જવાબ આપી નહોતાં રહ્યાં. કંકુથી રહેવાયું નહીં અને સાવરણી બાજુ પર મૂકી ગંગાબેનને રીતસર ઢંઢોળતી બોલી, 'મોસી, ક્યાં ખોવાઈ ગયાં ? આજ રસોઈ ચ્યમ નય બનાઈ ?'

અચાનક યાદોની નિંદ્રામાંથી જાગતાં ગંગાબેન બોલ્યાં, 'અરે બેટા આજે મન નથી, એમ પણ એકલાં એકલાં હવે ઈચ્છા જ નથી થતી. આ તારા કાકા તો મને એકલી મૂકી જતાં રહ્યાં ઊપર, હવે હું એકલી શું કરું ? ભૂખ જ નથી લાગતી.'

'અરે મોસી એવું ના ક્યો હો, અમે તમારાં છોરું જ છીએ ને.. હાલો આજ હું તમને મારા હાથનું રેંગણનું શાક ને બાજરીનો રોટલો ખવડાવું. પસે તો રોજેય ભૂખ લાગહે.. જોજો..'

ઘણી આનાકાની કરી ગંગાબેને, પણ કંકુએ તો હાથ ધોઈ રસોડા પર કબજો જમાવ્યો. ગંગાબેન પણ, 'તું નહીં જ માને કંકુડી..' બોલી હસી પડ્યાં.

બે વર્ષ થઈ ગયાં મગનકાકાને ગુજરી ગયાને. બંને નિઃસંતાન હોઈ બસ એકબીજાને સહારે જીવન પસાર કરતાં. કાકાનાં ગયાં પછી કંકુ ગંગામાસીનું વઘુ ધ્યાન રાખતી, કેમ કે, એકલપંડે જીવવું કેટલું અઘરું છે, એ જાણતી હતી. રઘલો પણ એને એકલી મૂકી હાલતો થ્યો ઓલી વીજળી હારે. કહેતો કે, 'તને તો રોંધતો ય નહી ઓવડતું..' કંકુ કરગરી કે, 'મા તો મુને નાનકી મૂકી ને મરી ગઈ તો કુન શીખવાડે..પણ હું શીખી જાય.. તું જોજે..' પણ ઈ એક નો બે નો થ્યો.. ને નાનકડા કાળિયાને અને કંકુને છોડી વયો ગ્યો. ત્યારે ગંગામાસી અને કાકાએ મા બાપ જેમ હાચવી તી. રાંધતા તો શીખી કંકુ પણ હવે વખાણનારું કુણ ?

'હાલો લ્યો મોસી, થઈ ગયું ..'કહી કંકુએ થાળી પીરસીને ગંગામાસીને જમવા બેસાડયા ને એ લાગી બીજાં કામમાં.

ભીની આંખે ગંગામાસી ખાવા બેઠાં. 'શાક રોટલો બહુ જ મસ્ત બન્યાં છે હો કંકુડી..' કંકુને તો જાણે ધરમની મા મલી ગઈ ને લાગણીની ગંગા એની આંખોને ભીની કરી જ ગઈ. હવે તો રોજ કંકુ હરખઘેલી થતી વહેલી આવે ને પહેલાં રસોઈ કરે ને પછી બીજાં કામમાં લાગી જાય. ગંગાએ વિચાર્યું આ જીવનનો શું ભરોસો ? કંકુને પગભર કરતી જાવ તો મારી દીકરી કોઈની ઓશિયાળી ના રહે.

એમણે કંકુને થોડી માપની અને રસોઈ વિશેની બીજી શિખામણ આપી ને કંકુડી પણ ઝટપટ બધું શીખવા લાગી. ગંગાબેનનાં સહકારથી 'રસોઈની રાણી નામની ટિફિન સર્વિસ' ચાલુ થઈ કંકુ માટે. વોટ્સએપથી શરૂ થયેલી આ ટિફિન સર્વીસમાં ધીમે ધીમે ઓર્ડર વધવા લાગ્યાં. નફો પણ વધ્યો. કંકુને અડધાં પૈસા ગંગાબેન આપી દેતાં ને બાકીનાં અડધાંમાંથી સામાન લઈ લેતાં. અને એ હિસાબની સમજ પણ તેઓ કંકુને બરોબર સમજાવતાં.

'રસોઈની રાણી ટિફિન સર્વીસ' ધીમે ધીમે ખૂબ જ પ્રખ્યાત થવા લાગી. ઘરે ઘરે કામ કરતી કંકુ હવે મોબાઈલમાં ઓર્ડર લેતી કંકુબેન બની ગઈ. એણે એની આજુબાજુની બહેનોને પણ સાથે લીધી અને બધાં સાથે મળી કામ કરી વઘુ કમાણી કરવા લાગ્યા.

આજે એ વાતને દસ વર્ષ થઈ ગયાં. ગંગાબેન હવે નથી રહ્યાં. પણ 'રસોઈની રાણી ટિફિન સર્વીસ' આજે પણ ધમધોકાર ચાલે છે. કંકુનાં ટિફિનમાંથી અમૂક ટિફિન હવે એકલાં રહેતાં વૃધ્ધોને ત્યાં જાય છે, પણ હા તદન મફતમાં હો.. કંકુ ફક્ત એટલું જ કહે છે, 'મારી કમાણી તો ગંગામોસીની આંખોની ચમકમાં હતી. આ લોકો જમે ને હાશકારો કરે ત્યારે લાગે જાણે મારી ગંગામોસી જમ્યાં.' 

અને એમનાં ફોટા પાસે ભીની આંખે દીવો કરતી પહેલી થાળી એમને અર્પણ કરીને એ જ થાળીમાં પોતે જમતી, હર્ષભરી ભીની આંખે..!


Rate this content
Log in

Similar gujarati story from Classics