STORYMIRROR

Jayshree boricha vaja

Romance Others

4  

Jayshree boricha vaja

Romance Others

ચાનો એક કપ

ચાનો એક કપ

7 mins
398

શર્મિલા આજે ક્યાંક ખોવાયેલી હોય એવું લાગ્યું.

'શું થયું હશે ? કયા વિચારોમાં હતી એ ? કે પછી ..કોઈની યાદમાં ?' 'શું હું પણ ? શું વિચારી રહ્યો છું ?' વિચારતો છાપું લઈને વાંચવા બેઠો.

પણ ધ્યાન તો એની જ સામે હતું. મેં સમજવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કંઈ ખ્યાલ જ ના આવ્યો. અરે ! એવું પણ ના હતું કે મેં પૂછ્યું જ નહોતું,

'અરે ભાઈ ! બે થી ત્રણ વાર પૂછ્યું હશે..'

પણ …

'અરે કંઈ જ નથી શું તમે પણ..'

કહી એ વાતને ટાળી જ દેતી.

હું પણ મારા રોજનાં કામમાં લાગી ગયો.

હવે લગ્નનાં ૩૦ વર્ષ પછી મારું કામ હોય શું ?

બસ એય ને..

સવારે શાંતિથી ઊઠી છાપું વાંચતા આડી નજરે મારી શર્મીને જોયા કરવું, એ કામ કરતાં કરતાં જે બક બક કર્યા કરતી હોય, એ વાતનો મનમાં આનંદ લેવો. બગીચામાં છોડવાને પાણી પીવડાવતાં મારી શર્મીને બારીનાં સળિયામાંથી તીરછી નજરે જોયા કરવી.

લૉનનાં ઝૂલા ઉપર બેસીને ઝૂલતાં ઝૂલતાં જ બૂમ પાડવી,

”ઓ મારી શરમી, યાર એક કપ ચા બનાવ ને..” અને સાચ્ચું કહું તો, એણે ચા તૈયાર જ રાખી હોય અને તો પણ જયારે હું બૂમ પાડું ત્યારે જ આપવા આવે. અને આવીને પાછી રોજ સંભળાવે પણ ખરી હો,

”બસ, બૂમો જ પાડો તમે તો.. મારે તો ક્યાં કંઈ બીજું કામ હોય જ છે ? બસ ચા મૂકોની બૂમ સાંભળો, ચા મૂકો, અહીં આપવા આવો, પાછા કપ લેવા આવો.. ફરી આ કરો.. તે કરો.. હમમ.."

કહી મોં મચકોડતી, પણ અંદર છાનું હસતી, ત્યાંથી ધબ ધબ પગ પછાડતી રસોડામાં જતી. ને અંદર જતાં પહેલાં પાછી એક વાર પાછળ પલટીને મને જોતી તો જાય જ. પેલું 'દિલવાલે દુલ્હનીયા' માં શાહરુખખાન કાજોલને કહે છે ને, પલટ.. પલટ.. બસ એવું જ, એ જેવી ત્યાં પહોંચે એટલે હું પણ મનમાં બોલવાનું ચાલુ કરું જ ' એ શર્મી પલટ.. પલટ..' ને એ પલટે ને હું હસીને ચાની ચૂસ્કીની મજા માણવા લાગતો. સાચ્ચે પછી તો ચા એટલી મીઠી લાગતી.

અને આ બધાંની સાથે એની આંખોની ચમકમાં એને મારી બૂમ પાડ્યા પછી ચા આપવાની કેટલી મજા આવે છે, તે સ્પષ્ટ વર્તાઈ આવતું.

અને હું પણ ચાની ચુસ્કી લેતાં એને જતાં જોઈ રહેતો.

'મારી શર્મી .. !'

હા..

એ કઈ બહુ રૂપાળી ના હતી પણ ખૂબ જ સુંદર હતી. સાચું કહું, તો ખુબ જ સુંદર હો !

અરે ભાઈ, એના માટે દિલની આંખોથી જોવું પડે સમજ્યા ! એકદમ નમણી દરિયા જેવી આંખો એકવાર જો એની આંખોમાં જોયું તો તો પછી પતી જ ગયું હો, એ નયન સાગરમાં ડૂબી જ જાવ તમે એ ગેરંટી. હોઠ તો જાણે ગુલાબની પાંખડી એકદમ મસ્ત ગુલાબી..આહા હા ! એનાં હાસ્યની તો વાત જ શું કરું ? પાનખરમાં પણ વસંતનું આગમન કરાવી જ દે, એટલાં ઉલ્લાસથી તરબતર હોય.

જાણે ખોબામાં લઈને જ ફરતી હોય એમ કોઈ વિલાસ મોઢે એની સામે જઈ ચઢે તો બસ એને હસાવ્યે જ રહે. એ એનું ટેલેન્ટ કહો કે પછી એની સુંદરતા. ને ઉપરથી એની મારકણી કાતિલ આંખો

હાયે..તમે ઘાયલ થયા વગર રહી જ ના શકો. એની દમકતી ચાલ તમારો રસ્તો ભૂલી જ જાવ ને એના કદમથી તાલ મિલાવી એની સાથે ચાલવાની ઘેલછાને રોકી જ ના શકો. જો એક વાર એને જોઈ લો તો એના સ્વપ્નમાંથી બહાર જ ના આવી શકો. હા..જોયું ને આવી છે મારી શર્મી. અને આજે આટલાં વર્ષો પછી પણ મારી નજરમાં એ એટલી જ સુંદર છે. 

આટલાં સમયમાં મારો પ્રેમ એનાં માટે સહેજ પણ ઓછો નથી થયો હો. એનાથી બીજી મોટી સાબિતી કંઈ હોઈ શકે એની સુંદરતાની ? !

શર્મી જેટલી સુંદર એટલી જ એનાં કામમાં પણ પરફેક્ટ હો. એનાં કોઈપણ કામમાં કચાશ હોય જ નહીં અને ના કદી એને કંટાળો આવતો. એય ને FM પર ગીતો ચાલુ કરી દેતી અને સાથે પોતે પણ ગાવા લાગતી. ખૂબ સુંદર ગાતી એવું નહીં કહું પણ કર્ણપ્રિય અવાજ તો ખરો જ એનો. ખૂબ જ મધુર અવાજ, મન થાય બસ એને સાંભળ્યા જ કરું.

પણ, આજે ઉઠી ત્યારથી જ એ કૈક જુદી જ લાગી રહી હતી.

અરે બાપ્પા .. ! લગ્નનાં ૩૦ વર્ષ વીતી ગયા, તો શું હું એટલું પણ નહિ જાણતો હોવ ? એમ માનો છો તમે ? અનાડી સમજા હૈ ક્યા ભીડુ. ? કંઈ કેટલાય વિચારો એક ક્ષણમાં તો મસ્તિષ્ક વનમાં દોડી ગયા.

એની બક બક દ્વારા પણ મને બધું સંભળાવી દેતી મારી શર્મી.. આજે સાવ જ ચૂપ થઈ ગઈ હતી.

મારી બેચેની વધી રહી હતી કે એવું તે શું હતું ? જે એ મને કહેવા નહોતી માંગતી. એણે કયારેય પણ મારાથી એક નાની વાત પણ છૂપાવી ના હતી. તો પછી મને ચેન કયાંથી પડે ?

ક્યાંય સારું નહોતું લાગી રહ્યું. સાચું કહું તો જપ જ નહોતો થઈ રહ્યો. બપોરે જમવાનું પણ ના ભાવ્યું. તો પણ, 

એણે મને આજે ના ટોક્યો કે ના કઈ વધુ લેવા માટે આગ્રહ કર્યો. જમવાનું કેમ અધૂરું રહ્યું એની પર ધ્યાન પણ ના ગયું એનું. રોજ એક બટકો પણ વધે તો બૂમાબૂમ કરી મુકતી મારી શર્મી આજે સાવ ચૂપ હતી. એણે મને સહેજ પણ ના ટોક્યો બોલો. આજે એની બક બક મિસિંગ હતી હો. જાણે આજે મારા જીવનની ગાડી કોઈ સ્ટેશન પર પેટ્રોલ વગરની ઊભી રહી ગઈ હતી.

અને એ જ વિચારોમાં મારી આંખો ક્યારે લાગી ગઈ એનો મને ખ્યાલ જ ના રહ્યો.

અચાનક એણે બૂમ પાડી,

”એ સાંભળો છો. જરા ટામેટા લઈ આવો ને, કેટલું સુતા રહેશો…બસ આ ખાધું, આ ટીવી જોયું ને આ સૂતા, પાછા ઉઠ્યા, ચા પીધી, ટીવી જોયું ને આ સૂતા..હે ભગવાન.."

'અરે હા ઉઠ્યો.. 'એ વધુ કંઈ બોલે એ પહેલાં જ કહી દીધું આપણે તો.

એકદમ ઝપાટાભેર ઉઠ્યો હું તો..

સાચું કહું,

તો એટલો સારો ને મીઠો લાગ્યો એનો આ ગુસ્સો. 

થોડો હાશકારો થયો એની બૂમ સાંભળીને.

અને તો પણ એને સંભળાવવા બોલ્યો , ”કોઈ શાંતિથી સૂવા પણ નથી દેતું, આજે પણ જપ જ નથી મને ક્યાંય, હમ્મ…”

કહી એની સામે મોં મચકોડતો પણ, બીજી બાજુ જોઈ હસતો મેં ખીંટી પરથી થેલી લીધી અને ચપ્પલ પછાડતો ગીત ગણગણતો બહાર નીકળ્યો.

વળતાં રસ્તામાં મંગેશ મળ્યો. ઘણા વખતે અમે મળ્યા હતાં. બસ પછી તો પૂછવું જ શું ?

હેય ને.. અમે તો વાતે વળગ્યા.

યારો મળે પછી સમયનું ભાન ક્યાં રહે જ છે ?

બસ થઈ ગયું મોડું.. !

અને અચાનક મેં શર્મીની બૂમ સાંભળી, 

પાછળ ફરી જોયું તો એ ત્યાં ના હતી.

કદાચ ભ્રમ થયો હશે મને.

પણ યાદ આવતા જ ભાગ્યો હું તો જાણે,

મંગેશને, 'ચલ દોસ્ત આવજે, પછી મળીશું..' કહેતોક ને.

ભાગ્યો શું..કહો કે દોડ્યો જ જાણે.. !

ખબર નહીં કેમ પણ જાણે પગ મારા શરીર અને મનને પકડીને ભગાવી રહ્યાં હતા ઘર તરફ.

ઘરનાં દરવાજે એક એમ્બ્યુલન્સ ઊભી હતી. અને આજુબાજુ રહેતાં લોકોનું ટોળું એકઠું થયેલું હતું. હું કંઈ સમજી નહોતો રહ્યો આ દ્રશ્ય જોઈને, કે પછી કદાચ ના સમજવાની કોશિશ કરી રહ્યો હતો.

સાચુ કહું તો ના જાણે કેમ પણ, ધ્રાસ્કો પડ્યો મને તો.

આટલા બધાં માણસો..અને એ પણ મારે આંગણે ?

શું ક્યાંક મારી શર્મી ને કૈક થયું તો નથી ને ?

હજુ તો દોડીને ઘરમાં પગ મૂકવા જાવ હું, ત્યાં જ અંદર નજર ગઈ મારી તો ત્યાં...

હા..

એ મારી શર્મી જ હતી. એ સૂતી હતી નીચે, જાણે મારી રાહ જોતી. 

મારા હાથમાંથી થેલી પડી ગઈ.

અને બધાં ટામેટા જાણે દોડીને ટપક ટપક કરતાં

એની પાસે પહોંચી ગયા.

જાણે કહેતા ના હોય,

"એ શર્મી, જો અમે આવી ગયા ઊઠ ને હવે..”

હું એને જોઈ રહ્યો હતો એકીટસે, નિસ્તેજ ભાવે, નિસ્તેજ નજરે. જાણે પથ્થર થઈ ગયો હું, કે પછી હું પણ એની સાથે જ...

અણધાર્યા આઘાતને લીધે મારા પગ તો જાણે જમીન સાથે ચોંટી જ ગયા હતા. ઈચ્છવાં છતાં હું ત્યાંથી હલી નહોતો શકતો.

સાચું કહો તો, અબૂધ જ થઈ ગયો હતો જાણે.

મારી શર્મી મને છોડી ને ચાલી ગઈ હતી.

અને એટલે જ મંગેશ સાથે હું વાતોનાં તડાકા મારતો હતો, ત્યારે એ મને બોલાવવા આવી હતી.

"એય, ચાલને હવે મારે જોવો છે તને. મોડું ના કરને તું, ચાલ જલ્દી સમય થઈ ગયો છે મારે જવાનો.."

મારી ભીની નજરોથી હું હજુ પણ એને ઉઠાડવાની નિરર્થક કોશિશ કરી રહ્યો હતો.

તો.. આ ચુપ્પી હતી એની ? મારાથી દૂર જવાની ?

હું એને દૂર જતાં નહી જોઈ શકું, એ વાત એ જાણતી હતી. એટલે મારી બક બક કરતી શર્મી ચૂપ રહીને હંમેશાને માટે ચૂપ થઈ ગઈ ? !

શર્મી મને છોડીને જતી રહી એને આજે તેરમો દિવસ હતો.

હું એના ફોટા પાસે ઉભો રહી, એની નજરમાં નજર મિલાવી રહ્યો હતો. ક્યારેય એની સાથે વાતો ના કરતો હું આજે એને મનાવી રહ્યો હતો,

“પાછી આવી જા ને યાર, સાચ્ચે હું ખુબ જ વાતો કરીશ, તારી બધી વાતો માનીશ, પાક્કું પ્રોમિસ બસ..પણ બસ તું આવી જા ને મારી શર્મી… !

અચાનક જોરથી જાણે પવન સાથે એક આંધી આવી.

અને મને જાણે શર્મીએ ભેટીને કહ્યું,

”એય મારા સાજન, હું અહીં જ તો છું, તમારી પાસે. જુઓ.. !”

સાચ્ચું કહું,

એ દિવસે મારી આંખોમાંથી વહેતી એ આંસુઓની નદીને હું રોકી ના શક્યો. ખૂબ જ રડ્યો હું, એ મારાથી દૂર જઈ ચૂકી હતી.

અને હું અહીં એકલો બસ એની યાદો સાથે જીવતો એ જ ઝૂલા પર ઝૂલતા ચાનાં કપ સાથે ઊપર આકાશમાં જોઈ રહ્યો હતો. પણ હવે ચાની અંદર એ મીઠાશ નહોતી અનુભવાતી. રોજે રોજ 'એ શર્મી ચા આપ ને..' બુમ આજે પણ પાડું છું હો. પણ હવે જાતે જઈ ગેસ ચાલુ કરી બનાવું છું, અને જાણે શર્મી ચા આપવા આવી હોય તેમ સમજી, આકાશમાં જોઈ કપ ઊંચો કરી એને કહું છું, શર્મી જો મને ચા બનાવતાં આવડી ગઈ. તું એકવાર પી ને તો જો..

અને ભીની આંખે ચા પીતાં બસ હું એની યાદોમાં ખોવાઈ જાવ છું.

મારી વ્હાલી શર્મી ને એની મીઠડી યાદ, હવે મારી સાથે છે, બસ એ જ નથી !

એનું મનપસંદ ગીત બેસૂરો હોવા છતાં રોજ ગાઉં છું.

” મેં રહું યા ના રહું, તુમ મુજમેં કહી બાકી રહેના,

મુજે નીંદ આયે જો આખિરી તુમ ખ્વાબો મેં આતે રહેના …”


Rate this content
Log in

Similar gujarati story from Romance