Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

ભગવાનનું હાસ્ય

ભગવાનનું હાસ્ય

3 mins
326


અહર્નિશ ધમધમતો સરખેજ- ગાંધીનગર હાઇવે અને અડાલજ સર્કલથી આગળ રોડની એક તરફ સલામત અંતરે જયંત ભાઈ ખમણવાળાનો ડેલો રોજ સવારે જામે અને રોજ સાંજે તેની 'વસ્તી' થાય.                

જયંતભાઈ મૂળ તો ગાંધીનગર જિલ્લાના કલોલનાં રહેવાસી અને મૂળ શેર બજારનાં નાના ખેલાડી પણ ખરા...!

નેવુંના દાયકામાં શેર માર્કેટમાં આવેલ ઉથલ પાથલમાં જયંતભાઈ પણ ભરાયા અને જીવનની ભેગી કરેલ મૂડી ગુમાવી બેઠા..

ઘણા સંઘર્ષો વેઠી છેવટે ખમણ બનાવવાની હથોટી ફાવી ગઈ છે હવે....!

કોરોના કાળની થપાટે કલોલ જેવા નાના પણ ધમધમાટવાળા શહેરમાં પણ ખાણી પીણીનાં નાના વેપારીઓની માઠી દશા લાવી દીધી અને આ કપરા સમયનો ઉકેલ લાવવા જયંતભાઈ પોતાની કાર વાનમાં વહેલી સવારે ખમણના ખુમચા ભરી આ રોડ પર યોગ્ય અને સમતલ જગ્યાએ ઊભા રહેતા થઈ ગયા છે હવે.

આ જુગાડ કામ કરવા માંડ્યો અને બે લીંક સિટી વચ્ચે મુસાફરી અને દૈનિક અવર જવર કરતા કેટલાક નિયમિત ગ્રાહકો હવે જયંતભાઈના હાથના જાદુઈ સ્વાદના શોખીન થઈ પડ્યા છે.

આજે આ અસ્થાયી દુકાનની સાંજે સમેટવાની વિધિ દરમ્યાન અનોખું કૌતુક થયું.

સિક્સ લેન રોડના કામમાં દૈનિક મજૂરી કરતા ગરીબ શ્રમજીવીઓના અસ્થાયી રહેણાંકો નજીકમાં જ હતા.

એક નાનકડી બાળકી તેના ભૂખરા અને અસ્તવ્યસ્ત વાળની લટો સંકેલતી જયંતભાઇના આ ખમણ કેન્દ્રથી આશરે દસ બાર ફૂટના અંતરે પડેલ સિમેન્ટના મોટા પાઇપની આડશ લઈ અનિમેષ નજરે ખમણની છેલ્લી પૂરી થયેલ પ્લેટની થતી સફાઈ જોઈ રહી હતી.

જયંતભાઈની જ્યારે નજર પડે ત્યારે પાઇપની ઓથે સંતાય અને જેવા તેઓ પ્લેટની સફાઈમાં પ્રવૃત્ત થાય એટલે પાછું..ત્રાટક ચાલુ...!

બીજા દિવસે સાંજે આ જ પુનરાવર્તન...!

આજે જયંતભાઈ એ કઈંક વિચાર કર્યો અને ખાલી પ્લેટ ધોતા પહેલા વધેલ ખમણ ના બે ટુકડા કાગળની પ્લેટમાં કાઢી લીધા.

શ્રમજીવીની સોનેરી વાળવાળી પરી આજે પણ ગઈકાલની ચેષ્ટાઓ નિભાવી રહી હતી અને જયંતભાઈ ના હૃદયમાં તેની બાળ સહજ નિર્દોષતા પ્રત્યે રુચિ જગાવી રહી હતી.

ખમણ ના બે ટુકડાની પ્લેટ બેઠકના બાંકડે મૂકી જયંતભાઈ એ તે બાળકીને આ લેવા ઈશારો કર્યો.

થોડો ભય, થોડું અચકાવું અને સંકોચ ના ભાવ સાથે તેણે સહસા દોડી આવી ખમણ ની પ્લેટ ઉઠાવી અને " ભગવાન હસે " તેવું હાસ્ય ગાલે ભરી તેની વસાહત તરફ દોડી પડી....!

પછી તો આ નિત્ય ક્રમ થઈ પડ્યો. જયંત ભાઈ ના દૈનિક વ્યવસાયમાં આ નિત્ય બનતી ઘટના હવે રોજ લખતા રોજમેળ સમાન ઘટવા લાગી. જયંતભાઈ પણ સાંજે રોજ આ બાબતની ઇંતેજારીમાં છેલ્લે વધેલ ખમણના એક બે ટુકડા અલગ કાઢી લેતા.

આ મૌન વ્યવહાર નિરંતર ચાલતો રહ્યો. બસ સ્નેહ સભર હાસ્ય અને પિતા તુલ્ય વ્હાલપનો વધારો થતો રહ્યો. હવે, જયંતભાઈ ખુમચામાં છેલ્લી ડીશ તૈયાર થાય તેટલું ખમણ હોય તો પણ છેલ્લા ગ્રાહક ને 'ખમણ પૂરું થઈ ગયું' તેવો જવાબ આપી ... એ બાળકી માટે એક ડીશ રાખી મૂકતા. એ બાળકી આવવામાં મોડું કરે તો ચકળ વકળ નજરે વસાહત તરફ તાકી રહેતા...!

આ નિરંતર ચાલતી પ્રક્રિયામાં કુદરતે અણધાર્યો વળાંક મૂક્યો.

જયંતભાઈ કોરોનાની બીમારીથી ગ્રસ્ત થયા અને કલોલની સરકારી હોસ્પિટલમાં ગંભીર અસર હેઠળ દાખલ કરવામાં આવ્યા.

આ બાજુ પેલી બાળકી રોજ નિયત સમયે સિમેન્ટના મોટા પાઈપની આડશે આવી જયંતભાઈ ની રોજની ઊભા રહેવાની ખાલી રહેતી જગ્યાએ તાકી રહેતી અને સૂરજ ડૂબવાના સમયે ધીરા પગલે પરત ફરતી.

આવું સતત બે માસ ચાલ્યું અને એક દિવસ જયંતભાઈ બીમારીમાંથી ઉગરી સવારે વહેલા પોતાની કાર સાથે નિયત જગ્યાએ ખમણના ખુમચાઓ ભરી આવી પહોંચ્યા. આખા દિવસના વેપાર દરમ્યાન તેઓનું ધ્યાન સતત પેલી વસાહત તરફ હતું...પણ ત્યાં આજે કંઇક સૂનકાર લાગતો હતો. કારણકે શણ ના કોથળાઓથી બનાવેલ તે આડશો જાણે ખાલી ખાલી અને જીર્ણ થયેલી દૂરથી ભાસતી હતી...

સાંજે દુકાનની સમાપન વિધિમાં પાછું પેલી ખમણની ડીશ તૈયાર થઈ એ સોનેરી વાળ વાળી બાળકીની રાહ જોવા લાગી..!

સૂરજ ડૂબ્યો પણ સોનેરી લટો ના ફરકી...અને જયંતભાઈ નું મન અહી આકુળ વ્યાકુળ થઈ રહ્યું. ઘણા દિવસે એ " ભગવાન નું હાસ્ય " નિહાળવા તેઓ ખરેખર આતુર હતા.

આખરે, ધીમા પગલે હાથમાં ખમણની ડીશ લઈ તેઓ વસાહતના વૈભવમાં પ્રવેશ્યા...!

પણ આ શું..?

એ ત્રણ ચાર કહેવાતા ઝુંપડાઓમાં નિરાકાર શાંતિ અને શૂન્યતાનો જ વસવાટ હતો...અહી બાળકીની સોનેરી લટો ના બદલે શણ ના કોથળાના તૂટેલા ભાગની લટો પવનના સંગેઊડી રહી હતી. બજાર માં જીવનની ભેગી કરેલ મૂડી ગુમાવ્યાનો અનુભવ મેળવનાર જયંતભાઈ આજે ફરી એ અણમોલ અને નિર્દોષ હાસ્ય રૂપી મૂડી ખોઈ બેઠા હતા...!

ભગ્ન હૃદયે ત્યાં જ બેસી રહ્યા....!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational