ભાવિનાના ઓજસ
ભાવિનાના ઓજસ
પૅરાલિમ્પિક ચન્દ્રક વિજેતા ભાવિના પટેલ ગઈ કાલે અમદાવાદ પાછાં આવ્યાં. તેમના વિશે ગુજરાતીમાં કદાચ ઓછી જોવા મળેલી માહિતીનું અહીં સંકલન કર્યું છે.
ભાવિના એક વર્ષની હતી ત્યારે તેને પોલિઓ થયો. માતપિતાએ પૈસાની ખેંચ વચ્ચે પણ ઉત્તમ સારવાર માટે ઘણી કોશિશ કરી. છતાંય તેને હંમેશ માટે કાખઘોડીઓનો આધાર લેવો પડ્યો. મહેસાણા જિલ્લાના પંદર હજારની વસ્તી ધરાવતાં સૂંઢીયા ગામમાં શિક્ષણ મેળવીને ભાવિના અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અંધજન મંડળમાં ચાલતાં કમ્પ્યુટર સાયન્સના આઇ.ટી.આઇ.ના અભ્યાસમાં જોડાઈ. અહીં તેને 2004માં ટેબલ ટેનિસની રઢ લાગી અને રાષ્ટ્રીય કક્ષાએ તેણે પહેલી જીત 2007માં બેંગલુરુમાં પૅરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં જીત મેળવીને કરી.
ભણવા અને રમવાના સ્થળ એવા અંધજન મંડળ પહોંચવા માટે ભાવિનાને દરરોજ સંઘર્ષ કરવો પડતો. તે બાપુનગર રહેતાં.ત્યાંથી નરોડા પાટિયા પછી વાડજ થઈને તે અંધજન મંડળ પહોંચતાં. આ રોજિંદી કસોટીમાં તેમને બે બસો બદલવી પડતી, પછી છકડામાં બેસવું પડતું અને ત્યાર બાદ એકાદ માઇલનો રસ્તો અમદાવાદનાં ખતરનાક ટ્રાફિકમાંથી ઘોડી પર ચાલીને કાપવો પડતો.
આ દડમજલ દરમિયાન ભાવિનાને નિકુલ પટેલ મળ્યા જે એક સમયે ગુજરાતની અન્ડર-19 ક્રિકેટ ટીમના ખેલાડી હતા. ભાવિકાની તેમની સાથેની મૈત્રી લગ્નમાં પરિણમી. હંમેશા મદદ કરનાર મિત્ર નિકુલ સદાય સાથ આપનારા પતિ બન્યા. નિકુલ 2002 ના વર્લ્ડ કપ અન્ડર-19 ની ટીમમાં પસંદગી માટે શૉર્ટ લિસ્ટ થયા હતા.પણ એકંદરે ક્રિકેટમાં પ્રગતિની તકોના અભાવ અને કૌટુંબિક વ્યવસાયની જવાબદારીને કારણે રમતગમતની કારકિર્દી છોડી દીધી. નિકુલના કહેવા પ્રમાણે કોઈપણ અવરોધ પાર કરીને ધ્યેય પ્રાપ્ત કરવાની ભાવિનાની મક્કમતા તેમને અત્યારની સિદ્ધી સુધી લઈ ગઈ છે.
ભાવિના નિકુલને તેના ‘સર્વશ્રેષ્ઠ ગુરુ’ ગણે છે. ભાવિના ટોકિયો ઓલિમ્પિક્સના થોડા દિવસ પહેલાં તે તાવમાં સપડાયાં, પારો 103 જેટલો પહોંચ્યો, કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. તેઓ હિમ્મત હારી રહ્યાં હતા,પણ નિકુલે તેમ થવા ન દીધું.રમતજગતના દુનિયાભરના પ્રેરણાદાયી કિસ્સા સંભળાવીને પત્નીને હામ આપતા રહ્યા. ભાવિના સાજાં થયાં એટલે પણ નિકુલે ખૂબ સંભાળ લીધી. એ ભાવિનાના ફિઝિઓથેરાપિસ્ટ પણ છે. તેમની પાસે કસરતો તો કરાવે જ છે, પણ જરૂર પડ્યે એમને મસાજ પણ કરી આપે છે.
આમ તો નિકુલને ટેનિસમાં બહુ ઓછી સમજ પડતી, પણ ભાવિના માટે તેઓ એ શીખ્યા. એની માહિતીમાં એમણે એટલી નિપુણતા મેળવી કે ભાવિનાની ટેનિસ કારકિર્દીના આયોજન અને વ્યૂહરચના પણ કરતા થયા.
નિકુલે તેમના બે માળના નાનાં ઘરમાં એવા ફેરફારો કર્યા છે કે તેમાં પૈડાંવાળી ખુરશી પર બધે ફરી શકાય. ઘરના ચાર ઓરડામાંથી એક આખો ઓરડો ટેબલ ટેનિસ માટે ફાળવેલો છે. ઘરમાં મહેમાન આવે અને જગ્યાની સંકડાશ પડે ત્યારે ઓરડામાંથી ટેબલ ટેનિસનું ટેબલ વાળી દઈને જ્ગ્યા કરવી પડે. મહામારીના છ મહિના દરમિયાન ભાવિનાએ ઘરે જ પ્રૅક્ટિસ કરી. પછી જોખમ હળવું થતાં તેમનાં ઘરે કોચ અને બીજા ખેલાડીઓ આવવા લાગ્યા જેમની સાથે ભાવિકા રમતાં.
અત્યારે એમ્પ્લૉઇઝ સ્ટેટ ઇન્શ્યુરન્સ કૉર્પોરેશનમાં કેન્દ્ર સરકારના કર્મચારી ભાવિનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની શરૂઆત 2009માં જૉર્ડનથી કરી. તે 2010ની કૉમનવેલ્થ ગેઇમ્સમાં પૅરા ટેબલટેનિસમાં દેશના સહુથી આશાસ્પદ ખેલાડી હતાં, પણ તે ક્વાર્ટર ફાઇનલમાં જ હારી ગયાં. તે પહેલો ચન્દ્રક 2011માં થાઇલૅન્ડ જીત્યાં. ચડતી પડતી આવતી રહી, પણ ભાવિના નિરાશ ન થયાં. 2013માં બાદ તેમણે એશિયન રિજનલ ચૅમ્પિયનશીપમાં ચન્દ્રક મેળવ્યો.
પછી તે તાઇવાન, ચીન, દક્ષિણ કોરિઆ, જર્મની, ઇન્ડોનેશિયા, સ્લોવેનિયા, નેધરલૅન્ડમાં સિદ્ધીઓ મેળવતાં રહ્યાં. 2016 ની રિઓ ઑલિમ્પિકમાં તે ક્વાલિફાય થઈ ગયાં હતાં, પણ એક ટેકનિકલ મુદ્દાના કારણે રમી ન શક્યાં. વળી હજુ સુવર્ણ ચન્દ્રક બાકી હતો, જે તેમણે વધુ મહેનત કરીને 2019માં બૅન્કૉકમાં રમાયેલી ઇન્ટરનૅશનલ પૅરા ટેબલટેનિસ ચૅમ્પિયનશીપમાં મેળવ્યો.
અમદાવાદના રસ્તા હોય કે પછી વિશ્વના દેશો હોય, ભાવિના માટે પ્રવાસ હંમેશા એક કપરો પડકાર રહ્યો છે. સ્પેશ્યલિ-એબલ્ડ લોકો માટે યુરોપ અનુકૂળ છે,પણ બીજે ઘણી મુશ્કેલીઓ હોય છે. નિકુલને સાંભરે છે કે એક સ્પર્ધા માટે ભાવિના એકલાં ચીન ગયાં હતાં ત્યારે તેમને ધીકતા તાવમાં દોઢેક કિલોમીટર સુધી બરફવાળા રસ્તે વ્હીલચેર જાતે ચલાવીને પહોંચવું પડ્યું હતું.
મહામારી હજુ ભારતમાં આવી ન હતી, પણ યુરોપમાં વેગ પકડી ચૂકી હતી. તે વખતે આ દંપતી એક ટૂર્નામેન્ટ માટે સ્પેઇન ગયું હતું. એ સ્પર્ધા ભાવિનાની પૅરાલિમ્પિકમાં પસંદગી માટે અનિવાર્ય હતી. પહેલાં રિયો ઓલિમ્પિક પૉઇન્ટસના અભાવે હાથવેંતમાંથી સરકી ગઈ હતી. એટલે બંનેએ ચોકસાઈભર્યું આયોજન કરીને કોરોનાની વચ્ચે પણ સ્પેઇન જવાનું જોખમ ઊઠાવ્યું.
ભાવિનાને રમત માટે પૈસાની ખેંચ હંમેશા રહી. પ્રવાસ પાછળ તો ખર્ચ થતો જ, પણ સાધનો ય મોંઘાં પડતાં. દર વર્ષે 12-13 લાખ રૂપિયાનો ખર્ચ થતો. ભલે નાનકડું દેખાતું હોય, પણ ઉત્તમ કક્ષાનું બૅટ પણ 70 હજાર રૂપિયા સુધીનું હોય છે.
ટેનિસ ઉપરાંત ભાવિનાને સંગીત અને રસોઈ બહુ ગમે છે. નિકુલ કહે છે કે તમે એમના હાથના ભજિયાં ખાઓ તો બીજી બધી જ્ગ્યાના ભજિયાં ભૂલી જાઓ. અલબત્ત, નિકુલને બીજું પણ કહેવાનું છે : ‘ભાવિનાની જીતની ઉજવણી તો મહિનો દોઢ મહિનો ચાલશે. પણ અમારે હજુ ઘણું જીતવાનું છે. વર્લ્ડ ચૅમ્પિયનશીપની સ્પર્ધા આવી રહી છે, ત્યાર બાદ કૉમનવેલ્થ ગેમ્સ અને પછી એશિયન ગેઇમ્સ. અમારે કંઈ ઑલિમ્પિકથી અટકી જવાનું નથી.
લે. સં : ગાફેલ
