ભાઈ બીજ
ભાઈ બીજ


દિપક શાહ અને તેમના અન્ય ચાર મિત્રો સહકુટુંબ દિવાળીના વેકેશનમાં ઉત્તરભારતના પ્રવાસે ગયા હતા. દિવાળીના દિવસે તેમનો મુકામ દિલ્હી ખાતે હતો. હુમાયુના મકબરાની મુલાકાત પૂરી કરી તેઓ બહાર નીકળ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. મકબરાની દીવાલ પાસે એક પાંત્રીસ વર્ષનો દિવ્યાંગ યુવાન રાવણહથ્થા પર વિવિધ ફિલ્મી ગીતો વગાડી રહ્યો હતો. સૌ મિત્રો તેની આ કળા જોઈ ખુશ થઇ ગયા. થોડીવાર તેનું મધુર સંગીત સાંભળવા સૌ ઉભા રહ્યા. એક મિત્ર એ એક જુના ફિલ્મી ગીતની ફરમાઈશ કરી. પેલા દિવ્યાંગ યુવાને ખુશ થઇ સુંદર રીતે તે ફિલ્મી ગીતને તેના રાવણહથ્થાના સૂરોમાં ઢાળી દીધું. પછીતો એક પછી એક ફરમાઇશ આવતી ગઈ પેલો યુવાન કલાકાર ખુબ દિલથી ફરમાઈશ પૂરી કરતો રહ્યો. જોત જોતામાં ખાસું એવું મોટું ટોળું તેના સંગીતને સંભાળવા એકઠું થઇ ગયું. લગભગ અડધો કલાક આ સંગીત સંધ્યા ચાલુ રહી. બધા મિત્રોને ખુબ મજા પડી. લોકોએ તેની કલાની કદર કરી સારી એવી રકમ પુરસ્કાર તરીકે અર્પણ કરી. લગભગ હજાર- બારસો જેવી રકમ એકઠી થઇ હતી.
દિવ્યાંગ યુવાનને જાણે ખુબ મોટો ખજાનો મળી ગયો હોય તેમ તે રકમ પોતાના થેલામાં મૂકી બગલ ઘોડીના સહારે ઉભો થયો.
દિપકે તેને કહ્યું. “તહેવારોના દિવસો છે અને હજુ તો ઘણા ટુરીસ્ટ આવશે. તું સુંદર રાવણહથ્થો વગાડે છે. થોડોક વધુ સમય રોકાય તો હજુ તને વધુ રકમ મળશે.”
પેલા યુવાને કહ્યું ,” સાહેબ, આપની વાત સાચી છે પરંતુ બધા આપના જેવા કલાના કદરદાન નથી હોતા અને આજે ઘણા સમય પછી મને અડધા કલાકમાં આટલી મોટી રકમ મળી છે. કાલે ભાઈ બીજ છે. હું છેલ્લા ઘણા વર્ષોથી મારી બહેનને કોઈ ભેટ આપી શકયો નથી. આજે આટલી મોટી રકમ મળી છે તો હું મારી બહેન અને ભાણીયાઓને કોઈ ભેટ આપવા માગું છું. બજાર બંધ થાય તે પહેલાં ખરીદી કરી લઉં નહીં તો પછી બે ત્રણ દિવસ બજારો બંધ રહેશે અને હું મારી બહેન માટે કોઈ ભેટ ખરીદી શકીશ નહિ.”
ગરીબ દિવ્યાંગ યુવાનની પોતાની બહેન પ્રત્યેની આસક્તિ જોઈ દિપકે તે યુવાનના હાથમાં પાંચસો રૂપિયા મૂકી કહ્યું “તારી બહેન માટે કોઈ સારી ભેટ લઇ જજે અને મારા તરફથી મીઠાઈ પણ લઇ જજે .”
દિવ્યાંગ યુવાન આંસુ ભરેલી આંખોએ દિપકને અહોભાવથી નિરખી રહ્યો.