yuvrajsinh Jadav

Drama Romance Thriller

3  

yuvrajsinh Jadav

Drama Romance Thriller

બે પ્રેમી વૃક્ષની બેલડી

બે પ્રેમી વૃક્ષની બેલડી

2 mins
229


બે પ્રેમી વૃક્ષની બેલડી.

લેખક

યુવરાજસિંહ જાદવ


  • પ્રસ્તાવના


ભારત દેશમાં વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. તેમ છતાં અખંડ ભારત ક્યારેય વિખેરાયું નથી. તેમ છતાં ભારતમાં અનેક એવા બનાવો બન્યાં છે કે, જેમાં બે અલગ-અલગ જાતિના પ્રેમી પંખીડાઓને જાતીભેદના લીધે વીંધી નખાયા છે. એવી જ એક અદ્ભૂત પ્રેમની વાર્તા લઈને આજે હું આવ્યો છું. જેમ અનેક હુલ્લડો છતાં ભારત અખંડ રહ્યોં છે. તેમજ અનેક વિઘ્નો છતાં પ્રેમ અમર રહ્યોં છે. રાધા-કૃષ્ણના પ્રેમ જેવા અનેક અમર પ્રેમ ગુજરાતમાં પણ પ્રકટી રહ્યાં છે. જેને ખોટા સમાજવાદી ઘમંડમાં ઉશ્કેરાયેલા લોકો દબાવી રહ્યાં છે. પરંતુ, અનેક દેશોની કોશિશ છતાં જેમ ભારત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. તેમજ તેમનો પ્રેમ પણ પોતાની અડગતાને વધુ મજબૂત કરી દે છે.

***

“કુદરતની સુંદરતા નિહાળવા,

  મારી આંખો નાની છે.

  આંખ બંધ કરી જોયું તો,

  દુનિયા એક સપનું બનીને આવી છે.”

***



આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે. 

© યુવરાજસિંહ જાદવ

 આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.

આ વાર્તામાં આવતા દરેક પાત્ર, સ્થળ અને સમય કાલ્પનિક છે. જેને સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી. 

***

        

  • અનુક્રમણિકા         

  1. કોર્ટ 
  2. પ્રેમનું પ્રાગટ્ય
  3.  વિજુડો અને ધમલી
  4.  ધમલીની ચિઠ્ઠી 
  5. લગ્ન 
  6. મિલન


  ***



                1. કોર્ટ

   
(ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ મુજબ. કલમ-26 અનુસાર,  વૃક્ષ કાપવાના ગુનાહથી સરલ ઝાપડિયાને ચાર વર્ષની કેદ અને ચાર લાખ રૂપિયા જુર્માના તરીકે કોર્ટને આપવાના. ‘ઓર્ડર-ઓર્ડર...ઓર્ડર.’) ત્રણ વાર જજસાહેબ બોલીને સરલ ઝાપડિયાને સજા ફટકાવી.

કોર્ટમાં બેઠેલા લોકોમાં ચર્ચાઓ થવા લાગી. “અરે હવે તો ભારે કરી. માણસ કરતા ઝાડવા મહાન થવા લાગ્યા છે.”

ફરી એક મોટો અવાજ ઉમટયો. “હા તે હોય જ ને. એ થોડા કોઈ આમ ઝાડવા હતા.”

“મતલબ આ સરલે તે બંને ઝાડવાને કાપી નાખ્યા?”

“ના એને તો એક જ કાપ્યું હતું, પણ તેના દસેક દિવસમાં વીસ ફુટ ઉંચી અને ઘમઘોર લીલી આમલી પણ સુકાઈ ગઈ.”

“હે... તે આમલી પણ સુકાઈ ગઈ. હું જ્યારે પણ તમારે ત્યાં આવતો ત્યાં કાતરા ખાવા જરૂર રોકાતો.” તેની જુની યાદો આમલી સાથે જોડાયેલી હોય તે રીતે તે વ્યક્તિ બે મિનિટના મૌનમાં આવી ગયો. પછી એક ઊંડો નિસાસો લઇ બધા જ કોર્ટ બહાર નીકળ્યા.

આજે એક કેસનું ભારણ જજના માથેથી ઉતર્યું હતું અને એક વેપારી જે બારી-બારણાં માટે આખા કચ્છમાં વખણાતો તે ચાર વર્ષ જેલમાં જઈ રહ્યોં હતો. તેને માત્ર પોતાનો ધંધો જ નય પણ પત્નીને પણ ખોઈ છે અને આજે તેને એહસાસ થયો કે તે ગાંડો બાવળ એક ઝાડવાની તુલનામાં કેટલાય ગણો શક્તિશાળી અને પૂજનીય હતો.

***

      


         2. પ્રેમનું પ્રાગટ્ય


કચ્છના નાનારણમાં કેટલાંય ગાંડા બાવળો જોવા મળે છે, પણ તેમાંથી એક પણ વિજુડા જેવો ન હતો. રણની અંદર બે નાના ગામ હતાં. તે બંને વચ્ચેનું અંતર લગભગ પંદર કિલોમીટર જેટલું હતું. એક ગામથી બીજા ગામે જવા માટે વચ્ચે એક બારફુટ પોહળો રસ્તો હતો. તે બંને ગામ વચ્ચેના રસ્તામાં આરામ કરવા માટે કોઈ જ વ્યવસ્થા ન હતી.

જો કે લોકો ક્યારેક જ ત્યાંથી નીકળતા કેમકે ચોમાસું આખું ત્યાં પાણી ભરાયેલું રહેતું અને ઉનાળામાં મીઠું જ મીઠું.

પરંતુ તેમ છતાં ત્યાં આવરો-જાવરો તો રહેતો જ. બંને ગામને જોડતા એ રસ્તામાં માત્ર એક જગ્યાએ જ આરામ કરવા મળતો અને તે જગ્યા તે રસ્તાની તો બાજુમાં પણ બંને ગામોની એક સમાંતર દૂરીએ ઉભા હતા. લોકો હંમેશા રસ્તાની એક બાજુ આવેલી આમલીના છાંયડે જ બેસતાં અને તેને ઉગાડવા વાળાને દિલથી આશિષ દેતા. પરંતુ તે આમલીની એકદમ સામે એક મોટો ઘટાઘોર ગાંડોબાવળ જે આમલીથી બરોબર બારફુટની દૂરીએ જ ઉભો હતો.

લોકો તેને પસંદ નહોતા કરતાં કેમકે, તેના કાંટા સીધાં જ ઉડીને આમલીના ખોળામાં (આમલી નીચેની જમીનમાં) જ પડતા. એટલે ક્યારેક તો કાંટો ચુભેલા લોકો બાવળને ખુબ જ ગાળો પણ આપતા. પરંતુ ઉદાર દિલનો એ બાવળ તેમને બાળક સમજીને સાંભળતો જ નહીં.

એ તો બસ આમલીને જ એક ટક જોયાં કરતો. તેની સાથે મસ્તી કરતો. તેને હસાવવાનો પ્રયત્ન કરતો. જ્યારે પવનનું લહેરકું આવે ત્યારે તેને અડકી (સ્પર્શી) લેતો. તે સમયે આમલી પણ શરમાઈને મોંઢું છુપાવવા લાગતી. તેમની એ મસ્તી, એ પ્રેમની અંદર ક્યારે પણ પાણી નડતું નહીં કે ન તેમને મીઠાનો ક્ષાર નડતો.

એ પાણી અને ક્ષાર તો જાણે તેમની માટે કુદરતી સુંદરતા વધારી રહ્યાં હતાં. જાણે કુદરત પણ તેમના આ પ્રેમના દ્રશ્યો જોવા માટે વર્ષાના રૂપે આભમાંથી જમીન પર ઉતરી આવતી. પરંતુ તે બંને બીજા કોઈને જોયા વગર બસ એક-બીજામાં જ ખુશ અને રચ્યા પચ્યા રહેતા.

લોકોનું માનવું છે કે, તે બંને રોજ રાત્રે વાતો કરે છે. એકબીજા માટે ગીતો પણ ગાય છે અને જાણે કોઈ પતિ-પત્નીના ઝગડાને દૂર કરવા પત્ની. તેના પતિને મનાવતી હોય તેવા અવાજો આવે છે. ઘણા ઘરડાં લોકો કહેતાં ગયા છે કે, આ બન્ને જુના પ્રેમીઓ છે. વિજુડો અને ધમલી. એટલે લોકો પણ તે બાવળને વિજુડો કહેતા અને આમલીને ધમલી જ.

***



            3. વિજુડો અને ધમલી


વિજુડો અને ધમલી બંન્ને એક મેળામાં મળ્યાં હતાં. તે સમયે વિજુડો પાંચ હાથ પુરો જવાનયો હતો અને ધમલી અઢારે વર્ણમાં એક જ નજરાય એવી અઢાર વરહની યુવતી હતી. મેળામાં વિજુડો અને તેનાં મિત્રો નવા ચકડોળમાં બેસવા જતાં હતાં. ત્યારે જ ધમલી વિજુડા સાથે ભટકાઈને નીચે પટકાઈ અને ધમલીના મોઢામાંથી એકાએક શબ્દો નીકળ્યા.
“બાડો છે ભાળતો નથી. હાલા આવો આમ તેમ ભટકતા.”

વિજુડાના મિત્રો હસવા લાગ્યાં. જો કે, વિજુડો પણ કાંઈ ઓછો ન હતો. 
“માની લે કે હું નથી ભાળતો પણ તું તો ભાળતી’તી ને.” અને પછી બધા ખડખડાટ હસવા લાગ્યા.

ધમલી ઉભી થઈને ચાલી ગઈ અને અચાનક જ તેને યાદ આવ્યું ભાઈના છોકરાં માટે લીધેલું રમકડું તો ચકડોળમાં જ પડ્યું રહ્યું. તેને આ વાત તેની સહેલીઓને કરી અને બધી જ ચકડોળ તરફ પાછી ફરી. ચકડોળ ચાલી રહ્યું હતું અને ધમલી પોતાના બેઠેલા ડબ્બાને ગોતી રહી હતી. તેનો ડબ્બો લગભગ પચ્ચીસ નંબરનો હતો અને માથે પીળો રંગ ચડાવેલો હતો. ધમલીની નજર તે ફરતા ચકડોળમાં તે પચ્ચીસ નંબરના ડબ્બા ઉપર જ રહી.

જેવું ચકડોળ ઉભું રહ્યું કે તે પાછળની બાજુ ઉતરવાની જગ્યાએ જઈને ઉભી રહી. તેના ડબ્બામાં બેઠેલાંનો ઉતરવાનો વારો હતો. ધમલી એકટક તે જોઈ રહી હતી અને જેવાં તેમાંથી બે જુવાન ઊતર્યાં કે ધમલી ચોકી ગઈ. આ તો એ જ નાલાયક છે, જે મારી સાથે ભટકાયો.

વિજુડો અને તેના મિત્રો નીચે ઉતરી રહ્યાં હતાં અને વિજુડાના હાથમાં એ જ ઢીંગલાવાળું રમકડું હતું, જે ધમલીએ લીધું હતું. વિજુડો હજુ નીકળવાના દરવાજેથી બાર નીકળે એ પહેલા તો ધમલી આડી ફરી.
“એય... છોકરા. આ રમકડું મારું છે. મને આપી દે.”

“એકવાર ભટકાઈને શાંતિ ન થઈ કે જુવાન્યાઓને આડે ફરે છે અને આમાં ક્યાં તારું નામ લખ્યું છે.” વિજુડો બોલ્યો.

“હા તું મને પેલાં મારું રમકડું આપ. પછી બધી વાત.”

ને આ રીતે થોડીવાર ઝગડયા બાદ ધમલીએ અને વિજુડાએ એક સોદો કર્યો. બંને ફરી એ જ ચકડોળમાં એ જ ડબ્બામાં બેસશે અને ધમલીને તેનું રમકડું મળી જશે.

આમ મેળે મળેલા આ પંખીડાઓ હવે ચકડોળની પાંખે ઉડવા જઇ રહ્યા હતા. ત્યાંથી નીકળ્યા બાદ ધમલી વિજુને જોઈને શરમાઈને ચાલવા લાગી. એટલે વિજુડાએ તેને પૂછ્યું,
“અલી તારા ગામનું નામ તો કે'તિ જા.”

“એ... તારા ગામની લગોલગ સામે જ તો છે. જોઈ લેજે જીણી આંખો કરીને.” ધમલી હસ્તા-હસ્તા બોલીને ચાલતી થઈ.

***



               4. ધમલીની ચિઠ્ઠી


“પ્રેમમાં પડવું એના માટે એક રમત છે,
ભલે પછી દિલના કટકા થઈ જાય.”

જેમ-જેમ પ્રેમ આગળ વધે. તેમ-તેમ વેદનાઓ પણ વેગ લે છે. એ જ રીતે વિજુડો અને ધમલી પણ હવે આ રમતના ખેલાડી થઈ ચૂક્યા હતાં. તેમનાં મિત્રો તો તેમને રાધા-કૃષ્ણની જોડી જ કહેતાં. પણ ક્યાં સુધી પ્રેમમાં સુખ હોય એ તો એમને કોઈને જાણ જ ન હતી.

એક દિવસ ધમલી વિજુડાને લગનની વાત કરે છે. સામ-સામાં ગામ હોવા છતાં લોકોના અંદર વર્ષો જુના ઝેર પડ્યાં હતાં અને વધુમાં ઓછું વિજુડો અને ધમલી બંને તેમના ગામના મુખીની એકની એક સંતાન. મતલબ કે તેમના માતા-પિતા તો કોઈ કાળે તેમનાં પ્રેમને સ્વીકારે એવા હતા જ નહીં.

જે લોકો પંદર કિલોમીટરના અંતરમાં પણ સાત-સાત કિલોમીટરના ગામની સીમના ફાંટા પાડીને વચ્ચે એક કિલોમીટરની બોર્ડર જેવી લાઇન રાખતાં હોય. તેમનાં સંતાનના પ્રેમને સ્વીકારવો કોઈ સહેલી વાત ન હતી.

સાચે જ એવું થયું, ધમલીના ગામનો એક ડોહલ્યો એકદિવસ ધમલીની પાછળ છુપી રીતે જઈને તેમનું આ પ્રેમકાંડ જોઈ ગયો. તેને ગામના મુખી એટલે ધમલીના બાપુને આ વાત કરી. મુખી ધુઆ-ફુઆ થઈ ગયો. તેને પોતાની પત્નીને આ વાત કરી અને ધમલીને મારી જુડીને ઘરમાં પુરી દેવામાં આવી.

સામેના ગામના મુખીને પણ ધમલીના બાપાએ લાલ આંખ બતાવી કેવડાવ્યું હતું. “તું અને તારો દિકરો જે ખેલમાં હોય તે. જો હજું વધું ખુન-ખરાબા નો જોતવા હોય તો સાંભળી લે' જે કાયર. મારી દિકરીને હું મારી નાખીશ પણ તારા ઘરે માથું જુકાવવા નય આપું.”

આ વાત જાણીને વિજુડાને વળી-વળીને મારતો તેનો બાપ કે'તો જાય છે, “હું તને મરેલો જોઈ શકીશ પણ તે ઉતાર ગામના ઉતારમાં ઉતાર મુખીનો સબંધી તો ક્યારેય નય થાઉં!”

મતલબ હવે ધમલી અને વિજુડાના પ્રેમને પાણીની જેમ પોતાના આસુંડાથી ધોયા સિવાય કોઈ ઉપાય ન હતો. બે મહિના બાદ વિજુડાનો એક ભાઈબંધ ધમલીની ચિઠ્ઠી લઇને વિજુડાને આપે છે. પાછો કે’તો  જાય, “માંડ કરી એ ગામની સરહદ વટાવી આ ચિઠ્ઠી પહોંચાડી તારે...”

ધમલીની ચિઠ્ઠી જોઈ વિજુડો એકદમ તેના હાથમાંથી લઈને તે વાંચે છે.

“વિજુ હું ધમલી. મારી ચિઠ્ઠી કદાચ તને મળશે કે નય એ મને નથી ખબર. પણ હું તને પ્રેમ કરતી હતી, કરું છું અને મારા મર્યા પછી પણ કરતી જ રહીશ. શરદ પૂનમની રાતે મારા બાપુ મારા લગ્ન કોઈ બીજા સાથે કરી રહ્યાં છે. જો તું મને અહીંથી ભગાડીને નઈ લઇ જા, તો હું તે પરણવા આવશે તે પેલાં જ ઝેર પી'ને મારો જીવ આપી દઈશ.”

વધુ કાંઈ લખ્યું ન હતું. વિજુડાને એકદમ ઝટકો લાગ્યો.
“અલા... રમાં આજે શરદ પુનમ જ છે નય!”

“હા! વિજુ ભાઈ.” રમેશે જવાબ આપ્યો.

“એક કામ કર. મારા ઘેર જઈને એક જોડ કપડાં લઈ આવ અને મારી બા પૂછે તો કે’જે વિજુડો બાર ગામ કામ અર્થે જાય છે. બે-ત્રણ દિવસમાં આવતો રે'શે.” અને તે ચિઠ્ઠીને ફગાવી વિજુડો વિચારમાં પડી ગયો.

થોડા સમયમાં રમલો વિજુડાના કપડાં લઈ આવ્યો અને ગામની સરહદ સુધી વિજુડાને મુકવા ગયો. સરહદે પહોંચતા જ વિજુડો બોલ્યો.
“મારા ભાઈ તારું કામ પૂરું. હવે તું ઘરે પાછો ચાલ્યો જા. તને મારા સમ, આપણી મૈત્રીના સોગંધ.”

રમલો વિજુડાનો પરમ મિત્ર હતો. હંમેશા તેનું કીધું માનતો પણ આજે તેનું મન વિજુડાને છોડીને જવાનું ન હતું. પણ મૈત્રીની સોગંધ આજે આડી ફરી હતી. રમલો વિજુડાને ગળે લાગી. એક પળ બાળપણના એ જ વિજયાને ઠપકો આપીને કહેતો ગયો.

“જો મારા ભાઈ! તારો બાપ ભલે રાક્ષસ છે પણ ગામ આખું મોળું નથી. હું તારા માટે પ્રાર્થના કરીશ કે તું અને ધમલી મળી જાવ.”

***



                  5. લગ્ન


સાંજને ટાણે સુધીમાં વિજુડો ધમલીના ઘર સુધી પહોંચી ગયો. ધમલીએ પણ તેની સહેલી પાસે ઝેરનો ઓર્ડર કરાવી રાખ્યો હતો. સંકટ સમયે તે પીવાના સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. જાન રાતના ફેર માટે આવી ચૂકી હતી. બીજી બાજુ વિજુડાએ પણ ધમલીને ગામ પાદરના મંદિર આવવાની વાત પોહચાડી દીધી હતી. વિજુડો પાદરના મંદિરે ધમલીની રાહ જોઇને બેઠો હતો. બીજી બાજુ ધમલી પણ પરણવા આવેલી જાન અને પોતાનું બાળપણ છોડીને નીકળી પડી હતી.

બંને પ્રેમી એકબીજાને મળ્યાં અને ભેટી પડ્યાં. તે બંને હવે અહીંથી દુર જવા રણ તરફ નીકળી પડ્યા. પણ જો કુદરતને એ મંજુર હોત તો કદાચ વિજુડા એ ફેંકેલી ચિઠ્ઠી તેના બાપ સુધી નો જાત અને ધમલીની માંને તેની ધમલી ભાગ્યાની વાત મંદિરનો પુજારી નો કઈ જાત.

હવે, મોડું થઈ ગયું હતું. ધમલીનો બાપ અને વિજુડાનો બાપ બંદૂક લઈને એકબીજાના ગામના માણસો લઈને નીકળી પડ્યાં હતાં. સાથે આવેલા લોકોમાંથી કોઈ કેહતું, “આ વિજુડાના બાપે આપણા ગામનું નાક કાપવા આ કાંડ કરાવ્યું છે.”

અને સામે ચાલી આવનારો બોલે, “મર્દ મરીજયા કે બાઇડયુંમાં અમારા ગામના છોકરાંને ફસાવીને પોતાની તરફ ખેંચવા કરે છે.”

બધા જ લોકો ધુવા-ફુઆ થઈને ચાલી નીકળ્યા હતા. ગામમાં આવેલી જાન પાછી વળી હતી. પણ જાનૈયામાં આવેલો વરરાજાનો બાપ વહુંને લીધાં વગર જવા માંગતો ન હતો. એટલે તેને પુજારીને પુછીને રણમાં ઊંટ ફંટાવ્યું. જાણે ઘોડો દોડે એમ ઊંટ દોડતું. ને વિજુડાનાને ધમલીના પગલે-પગલાં વીંખતું જાતું. આજે યમ ઊંટનીં સવારી કરીને જાણે વિજુડાને લેવા આવ્યો હોય તેમ વરરાજનો બાપ મુછો મરડી રહ્યો હતો.

હજું ગામનાં લોકોએ તો ભડાકા ચાલું જ કર્યાં કે વિજુડાને અને ધમલીને લઈને વરરાજનો બાપ ગામની સરતે(સરહદે) લઈ પહોંચ્યો. વિજુડો આખો લોહી... લોહી ભરેલોને રણની ધૂળમાં ખસડાઈને ઘસતો-ઘસાતો ઊંટ પાછળ ધૂળ ખાતો નીચે પડેલો હતો. ધમલીના બાપે ભડાકા રોક્યા. વિજુડાનો બાપ પણ ધીમે પડ્યો. ધમલીના સસરાએ મર્યાદા ઓળંગી તેનું બાવડું જાલી ઘસડીને તેની ઉત્તર તરફ પડેલી ઉટ ગાડી તરફ તેને લઈ ગયો. હવે પૂર્વમાં ઉભેલો ધમલીનો બાપ અને પશ્ચિમમાં ઉભેલો વિજુડાનો બાપ આ જોઈ રહ્યાં હતાં. વિજુડાની અને ધમલીના વચ્ચે ઉત્તર દક્ષિણની રેખા બનતોએ બાર ફુટનો રસ્તો આજે જ જન્મી રહ્યો હતો.

ધમલીએ અચાનક જ તેના સસરાના હાથમાંથી પોતાનો હાથ છટકાવ્યો અને તેના મોંઢા પર તમાચો લગાવી ચોંટાડયો. ઈજ્જતદારોને આ તમાચો પુત્રવધુના હાથ પકડીને ઉભેલા સસરાના એ કાંડ કરતાં વધું ચોટયો. આ તમાચા બદલ લોકોએ ધમલીને ભડાકો કરી મારી નાખવા કહ્યું. પણ કોઈની બંદૂકનું નાળચૂં તેના તરફ ન વળ્યું. એ જ સમયે એક ધડામ સલાનો અવાજ થયો ને ધમલી વિજુડાની સામે જ જમીન પર ઢળી પડી.

જોયું તો એ નરાધમ બીજું કોઈ નહીં એનો જ સગો બાપ હતો. તે જોઈ વિજુડો લોહી-લુહાણ... હાલતે પણ ઉભો થઇ ગયો અને જોરથી ચીંખ્યો. “નય....!”

અને પશ્ચિમબાજુથી બીજો ભડાકો થયો. વિજુડો પણ ઢળી પડ્યો.

“બે બાપે બાળી સંતાન...
બાપ અનાર્થ રાખજે અનેક અવતાર,
પણ નો દે કોઈ ને આવો બાપ!”

“રુવે રણ, કંપે ધરતી, આભમાં અશ્રુની ધાર રે...
પ્રેમીને મારી ઈજ્જતદારની ઈજ્જત,
હરી તું જ વધાર રે...

નાત જાતને, સમાજના વાડા કરી બેઠેલા,
ક્રૂર માણસને તું જ સમજાવને.

હું તો જોઈ થાક્યો. 
ઈજ્જતદારની પાઘડીના વળને 
એ હરિ હવે એ વળને તું જ ઉતાર રે... ઉતાર રે...”

*** 



                  6. મિલન


એકાદ વરહબાદ વિજુડો તેના પ્રેમમાં પાગલ ગાંડોબાવળ થઈ ઉગ્યોને ધમલીને તેની જ સામે ઉભી કરી દીધી. એ ખાટી-મીઠ્ઠી ધમલી ફરી ખટાશના ઝટકા આપવા ઉભી થઇ. સમય જતાં બંને ગામને તેમની ભૂલ સમજાઈ. બે બાપ ગામના લોકોની વાતને વળગીને કરી બેઠેલી ભૂલને આજે તે બાપ એકલતામાં અનુભવી રહ્યાં હતાં. રોજે એકાદ આટો મારતાને અડગ ઉભેલા વિજુડા અને ધમલીને જોઈને પોતાના આસું સારતા. જતાં-જતાં બંને બાપ માફી માંગતા ગયા અને કરેલાં કર્મોને તેમની સંતાન સામે જ અશ્રુની ધારા વહાવીને ધોવાનો પ્રયત્ન કરતાં રહ્યાં.

પ્રેમ તો ઈશ્વરની દેન છે. તેને પામનાર ઈશ્વરને પણ પાછો પાડી દે છે. આવા અણમોલ પ્રેમી અને પ્રેમિકાએ તેમને માફ કર્યા.

પણ ઈશ્વર હજુ તેમની પરીક્ષા કરવા માટે એક ચિંતા તૂર કચ્છનો સોની સુથાર તરીકે પ્રખ્યાત એવો સરલ વેપારીના રૂપમાં આવી ઉતર્યો. તે રસ્તેથી ગુજરી રહ્યોં હતો. તેના મનમાં એ ચિંતા હતી કે, લાકડાના ભાવમાં વધારો થયોને મારા ધંધામાં ખાસ્સું નુકસાન કરી ગયો. જો આજે પણ મને માત્ર ત્રણ બારણાં જેટલું લાકડું જ મળ્યું તો સામે વાળો ગ્રાહક નારાઝ થઈને મને બદનામ કરી દેશે.

“રૂપિયા લેતા પહેલા વિચાર્યું હોત તો સારું હતું. જો કે પુરખોની મિલકત કરી લીધી છે એટલે કાંઈ મગજમારી નથી. થોડા ઘણા આપી દઈશ.” આવા વિચાર કરતો-કરતો સરલ ઉનાળાના ખરા તડકે ચાલીને જઈ રહ્યો હતો. ખંભે થેલો, ઠેલામાં સુથારના સાધનોને ફરતે રણની લું નો વાયરો સરલને શક્તિહીન કરી રહ્યો હતો.

એટલાં માં જ તેને આમલી દેખાઈ. ચાલવાની ઝડપ વધી ગઈ અને જોત-જોતામાં તો એ ઘટાઘોર બાવળની છાંયડીમાં ઉભેલી છાંયડો આપતી આમલી નીચે બેસી ગયો. રણમાં બપોરની લું લૂગડાને જેગવીને શરીર સાથે ચોંટાડી દે એવી હતી. જ્યારે આમલી પાસે તો શિયાળાની ઋતુનો એહસાસ થતો હતો.

એટલાં મસ્ત ઠંડા વાતાવરણમાં સરલ આડો પડવા લાંબો થયો અને એક મોટો શ્વાસ લઈને જમીન સાથે ચોટયો. જેવો તે સુતો કે, “ઑય... માડી... કરતો ઉભો થયો.” તેનો હાથ પોતાના વાહામાં (બરડો અથવા પીઠમાં) ગયો. પાછળ લોહી વહી રહ્યું હતું. એકદમ લાંબો અને મોટો કાંટો ખેંચીને કાઢ્યો. તેની નજર સામે ઉભેલા બાવળ પર પડી. તે ખુબ જ ક્રોધે થયો તેની ચિંતામાં વધારો થયો કે તરત જ એક શબ્દ ઉચ્ચાર્યો.

“હવે, આ બાવળને ખબર પડશે. મને કાંટો વગાડવાની ભુલ તેને સો જનમ સુધી યાદ રહેશે.”
અને ઉભો થઈને પોતાના ઠેલામાંથી એ બધી વસ્તુઓ કાઢી જેથી તે બાવળને સરળતાથી કાપી શકાય.

જોત-જોતામાં તો કેટલાય વર્ષોથી અડગ ઉભેલા આ બાવળને સરલે કઈક કલાકોમાં જ જમીન દોસ્ત કરી નાંખ્યો. બાવળને જોઈને હસ્યાં પછી ઉચ્ચાર્યું. “તું જીવતો નય મરીને મને કામ આવશે.”

તે સમયે એક સારો માણસ તે જગ્યાએથી પસાર થઈ રહ્યોં હતો. તેને આ વાતની જાણ પોતાના ગામના મુખીને કરી અને તે મુખી પોલીસ લઈને ઘટના સ્થળે પહોંચ્યા. પછી અદાલતે સરલને ખુબ જ આકરી સજા ફટકારી. તેની સાથે-સાથે સરલે પોતાની ભૂલના લીધે ગુમાવેલ પત્નીના વિરહના દુઃખથી જ પોતાની ભૂલ પણ સમજાણી.

“પ્રેમી તો સાચો એ કહેવાય,
જે મરીને પણ જીવતો થાય.

મારે માણહ કે ખુદા જ કેમ નય
પ્રેમની તોય હાર નો થાય.”

એમજ એક ચોમાસાની ઋતુ સાથે ફરી ફુટી આવેલો વિજુડો બાળરુપમાં તેની પ્રેમિકા ધમલી સામે આવી પડ્યો. તે જોઈ દેહ છોડવાની તૈયારીઓ કરતી ધમલી પોતાની સુકાઈ ગયેલી ડાળીઓથી વિજુડાને જાણે પોતાના પાલવમાં ઢાંકી રહીં હતી.

ફરી એકવાર પ્રેમની જીત થઈ અને માણહની હાર. પ્રેમને તમે ઝુકાવી શકો પણ તેને મારી ન શકો. તે આત્માને એકબીજા સાથે જોડતી કડી છે.

“સાત જન્મ સંત બનો,
  બાર જન્મ બલી કો બકરો.
તબ જાકે એક આત્મ કી સુનો આવાજ.

એક જન્મ જોડી જુવો, 
મળશે અનેક મોક્ષ અવતાર.
પ્રેમ થાય તેને ખબર બાકી ખોખલો સંસાર.”


***                સમાપ્ત.                 ***



નોંધ : મિત્રો હું આજે આપની સમક્ષ એક પ્રેમવાર્તા લઈને આવ્યો છું. મારી આ વાર્તા વાંચવા બદલ હું આપનો ખુબ ખુબ આભારી છું. મિત્રો “બે પ્રેમી વૃક્ષોની બેલડી” લખવા પાછળ મારા બે ઉદ્દેશ્ય છે.

 1. વૃક્ષને બચાવો અને તેની સાથે લાગણી જતાવો.

2. કોઈ રીતિ રીવાજની અંદર એટલા પણ ન ચાલ્યા જાઓ કે સંતાન વિહીન થઈ જાઓ.

                       

 મારો સંપર્ક :

 yuvrajsinhjadav555@gmail.com

https://www.instagram.com/yuvrajsinhjadav555/

https://www.facebook.com/profile.php?id=100069185992637

https://twitter.com/Yuvrajs63131385?s=09

    ✍️  યુવરાજસિંહ જાદવ


Rate this content
Log in

Similar gujarati story from Drama