અતુટ સંબંધ
અતુટ સંબંધ


આજે ફરી એ દિવસ યાદ આવી ગયો જ્યારે તમે મારી સાથે હતા અને આપણે જીવનનાં સુખદ પળો જીવી રહ્યા હતા. ખબર નહિ કેમ એ રાત આવી જ્યારે તું...
હું સ્વીકારી પણ નહોતી શકી કે તુ આમ મને મૂકીને ચાલ્યો ગયો આ દરિયા જેવા જીવનની મજધારમાં. પણ જતા જતા તમે મને તમારી નિશાની આપતા ગયા અને એ આપણું બાળક.
તમારા ના હોવાના વિચારથી જ હું થથરી જતી, દરેક પળ તમારી રાહ જોઈ છે અને હજી પણ જોઉ છું. ખબર નહી તમે ક્યારે પાછા આવી જાવ એટલે જ તમારી બધી નિશાની સાચવીને રાખી છે. તમને જેવી રીતે ગમે છે એવી જ રીતે.
આજે પણ હું જ્યારે તમારી રાહ જોતી બેઠી હોઉં છું ત્યારે ઘણીવાર ચિરાગ કહે છે ,"મમ્મી કેટલી રાહ જોશો? તમને પણ ખબર છે અને મને પણ કે પપ્પા હવે ક્યારેય પાછા નહી આવે. એમને ગયે વારસો થઇ ગયા."
ત્યારે મારું કંઈ કહેવું એણે ઉદાસ કરી જાય છે જ્યારે હું આપણા મળવાની વાત કરું છું. એને ડર છે કે કદાચ હું પણ એને છોડી ને ચાલી ના જઉં.
આખરે સુખડનો હાર કબાટમાં મૂકી હું મારા રોજિંદા કામમાં પરોવાઈ. હા, આ એજ હાર છે જે મે ક્યારેય તમારા ફોટા પર ચડાવા નથી દીધો.
કેટલાક સંબંધ અતુટ હોય છે જે વ્યક્તિના ગયા પછી પણ એ પુરા નથી થતા. એ તો શ્વાસની જેમ હૃદયમાં ધબકતા રહે છે. જ્યાં સુધી આપણું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી એ સંબંધ પણ અસ્તિત્વમાં રહે છે.