અશરફ અને તેની ટ્યુશન ફી
અશરફ અને તેની ટ્યુશન ફી
આજે જ્ઞાનયજ્ઞ ટયુશન ક્લાસીસમાં વિજ્ઞાનના પેપરનો ટેસ્ટ હતી. બધા જ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી રહ્યા હતા. જાન્યુઆરીની સવારની ટાઢ હતી જ. ઉપરથી આવી ટેસ્ટનુ આયોજનવિદ્યાર્થીઓને વધુ ધ્રુજાવી રહી હતી. કલાસ સુપરવાઇઝર બ્લેકબોર્ડ પાસે ઉભા ઉભા દરેક વિદ્યાર્થીઓનુ નિરીક્ષણ કરી રહ્યા હતા. સૌ વિદ્યાર્થીઓઓ પેપર લખવામાઁ મશગુલ હતા.
એટલામાં જીતુ સાહેબનુ આગમન થયુ. જીતુ સાહેબ એટલે જીતુભાઇ પઁડયા. સ્વભાવે ઉગ્ર. સામન્ય રીતે સામાજિક વિજ્ઞાન વિષય લેતા જીતુભાઇ ટયુશનની ફી ઉઘરાણીનુ કાર્ય સઁભાળતા. સંસ્થાના આયોજકોએ આ જવાબદારી એમને સોપેલી. જીતુ સાહેબના આગમનથી બધા જ વિદ્યાર્થીઓ સમજી ગયા કે આજે કોઇકનુ આવી જ બન્યુ.
જીતુ સાહેબ કલાસમાં પ્રવેશ કરી સીધા જ અશરફની પાસે આવીને ઉભા રહ્યા. અશરફની પાસે આવીને શાંતિથી કહ્યુ, ”ભાઇ તારી ફી બાકી છે, લાવ્યો તુ ?”, અશરફ જાણે ધ્રુવ પ્રદેશમાં આવીને ઉભો હોય એવી રીતે ધ્રુજી ગયો. સાહેબની સામે જોઈને ડરતાં ડરતાં કહે,”સાહેબ, મારા મમ્મી ફી ભરવા આવશે, મૈ ઘરે વાત કરેલી છે જ.” બસ આ વાકય સાંભળતા જ જીતુ સાહેબ ના હાવભાવ બદલાય ગયા. જોરથી તાડુકીને આખા ક્લાસ વચ્ચે તાડુકી કહ્યુ, ”કયારે આવશે તારા મમ્મી, મારે કેટલી રાહ જોવી ?, હવે બહુ થયું, તું છેલ્લા ત્રણ મહિનાથી મને કહે છે કે તારા મમ્મી આવશે, તારા મમ્મી આવશે, તું અત્યારે જ અહીંથી જા, ફી લઈને આવીશ પછી જ બેસવા દઇશ.”
આ સાંભળીને અશરફે પોતાનું કીટ ( ટયુશનમાં લઈ જવાનું દફતર) પેક કરીને રડતાં રડતાં બહાર નીકળી ગયો. કલાસના સુપરવાઇઝર જીજ્ઞેશભાઈ મુકપ્રેક્ષક તરીકે આ બધુ જોઈ રહ્યાં. એમને આ બાબતમાં વચ્ચે પડવું હતું આ પણ વિધ્યાર્થીઓની પરીક્ષામાં વધુ ખલેલ પાડવા માંગતા ન હતા. અશરફને રડતાં જતો જોઈ રહ્યાં. એસ.એસ.સી. ના વિધ્યાર્થીઓની પરીક્ષાને હવે વધુ દિવસો બાકી હતા નહીં. બસ હવે આવી પરીક્ષાઓ વડે જ વિદ્યાર્થીઓને તૈયાર કરવાના હતા. જેથી પરીક્ષાપદ્ધતિ અંગે તેઓ વધુ માહિતગાર થાય અને ઘડાય.
આ એ સમય હતો જયારે ટયુશન જ મહત્વનુ ગણાતું હતું, શાળાઓમાં સિલેબસ તો અડધો પણ ભણાવવામાં આવતો ના હતો. ટ્યુશન એ એક દૂષણ હતું. વિકસીત અવસ્થામાં જ હતું એમ કહો તો પણ ખોટું નથી. બીજી તરફ અશરફ એ એક ગરીબ પરીસ્થતિમાથી આવતો હતો. એને મનમાં થતું ખરી કે ‘યાર અશરફ, જેના વાલી ગરીબ કે લાચાર હૉય એના બાળકો પણ સારા નંબર કે ટકા લાવે છે ને, જ્યારે તારે તો ફક્ત એસ.એસ.સી.માં પાસ જ થવાનું છે. આ વખતે પણ એ જ તરકીબ અજમાવીશું. જે છેલ્લા બે વર્ષથી અજમાવતા આવી રહ્યા છીએ. બસ આ જ ગણતરીએ અશરફે જ્ઞાનયજ્ઞ ટયુશન કલાસીસમાં જોડાયો હતો.
ટ્યૂશનની ફી તો કુલ આઠ હજાર રૂપીયા હતી. પ્રવેશ વખતે જ અશરફે પહેલાં બે હજાર ભરી દીધા. પછી જયારે જયારે જીતુભાઈ ઉઘરાણી કરે એટલે કેહે કે,”મારા મમ્મી ફી ભરવા માટે આવશે, મમ્મી ફી ભરવા માટે આવશે”, આમ ગાડું ગબડાવ્યા કરે. આવી રીતે છ મહિના તો પસાર કરવી દીધેલાં. પછી જ્યારે જીતુ સાહેબની ઉઘરાણી કડક થઈ એટ્લે પાછા બીજા બે હજાર રૂપીયા લઈને હાજર થઈ ગયો. જ્ઞાનયજ્ઞ ટયુશન કલાસીસની ઓફિસમાં ફી જમા કરાવતા તેણે સંચાલક સાહેબને કહ્યું, ”સાહેબ, બાકીના ફીના રૂપીયા મારા મમ્મી કોઈપણ સમયે આવીને ભરી જશે, તમે ચિંતા નહિ કરતાં.” પછી તો બીજા બે મહિનાતો અશરફે જીતુભાઈ ને આવે એટલે એમ જ કહી દેતો કે,”સાહેબ, સંચાલક સાથે વાત કરી લીધી છે.”
જયારે જયારે જીતુભાઈ આવેએટલે આ એક જ જવાબ મળે. આમ અશરફે આઠ મહિના ટ્યુશન કલાસીસમાં કાઢી નાખેલા. કદાચ જીતુ સાહેબ અને સંચાલક બંનેને આ અંગે વાત થઈ હશે. એટલે જ જીતુ સાહેબ વધુ ગુસ્સે થયા હતાં.
અશરફ તો રડતાં રડતાં પરીક્ષા ખંડની બહાર નીકળી ગયો. ત્યાર પછી કદી દેખાયો નહીં. જો કે આવા કલાસીસોમાં આવી ઘટનાઓ સામાન્ય હૉય છે કે કોઈ વિદ્યાર્થી ફી ના ભરી શકે એટલે એને કાઢી મૂકવામાં આવે, જીજ્ઞેશભાઈ માટે આ સામાન્ય લાગ્યું કારણ કે અશરફે અડધી ફી ભરીને પણ આઠ મહિના સંસ્થામાં શિક્ષણ લીધું હતું જે એમની દ્રષ્ટી એક સમાન્ય વાત હતી. પણ સમય સમયનું કામ કરે. બધા આ વાત સામાન્ય ઘટનાની જેમ ભૂલી પણ ગયાં. પરીક્ષાઓ પણ પુરી થઈ ગઈ હતી. ઉપરાંત પરિણામો પણ સામે આવી ગયેલા હતા. જ્ઞાનયજ્ઞ ટયુશન કલાસીસનું એસ.એસ.સી.નું પરીણામ 85% આવેલું હતું.
આ તરફ અશરફ પણ સારા ટકાએ પાસ થઈ ગયેલો. એણે મનોમન નક્કી જ કરી લીધુકે હવે તો કોર્મસ જ રાખવું છે. પણ મિત્રોએ જણાવ્યું કે, ”ભાઈ કોર્મસનો નવો સિલેબસ પણ તે જોયો નથી. અગીયારમું ધોરણ તો પાયો છે. જો તું એ ચુકી ગાયોને તો એચ.એસ.સી.માં પણ કશી ગતાગમ પડશે જ નહિ, આપણી નિશાળની તો તને ખબર જ છે.“ આ સાંભળીને ફરી અશરફ થોડો નિરાશ થઈ ગયો. ત્યાં જ બીજા એક મિત્ર એ સલાહ આપી કે “તું બે વરસ માટે કોઈ સારું ટ્યુશન બંધાવી લે, તો તારે સરળ થઈ પડશે.” બસ ભાવતું હતું ને વૈદે કહ્યું એમ આ વાકય સાંભળતા જ જાણે નવું જોમ આવ્યું હૉય તેમ અશરફ ખુશ થઈ ગયો. ફરી એ જ તરકીબ અજમાવવાનું નક્કી કરી લીધું. તેણે સારા ટ્યુશન કલાસીસ અંગેની માહિતી એકઠી કરવાની મહેનત શરુ કરી..
આ વખતે અશરફે મહેતા ગૃપ ટ્યુશન પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. ફી આમ તો પરવડે એવી હતી જ નહીં. બે વર્ષના પંદર હજાર રૂપીયા !, બધા જ વિષયો સાથે. દરરોજ અશરફ નિયમિત કલાસ ભરવા લાગ્યો. પણ એને ખબર ના હતી કે આ ટ્યુશન કલાસીસમાં જીજ્ઞેશભાઈ વાઘેલા વાણિજ્ય વ્યવસ્થાનો વિષય ભણાવવા આવતા હતાં. આ જીજ્ઞેશભાઈ એ જ કે જેઓ જ્ઞાનયજ્ઞ ટયુશન કલાસીસમાઁ કલાસ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતાં.
એક તાસ દરમ્યાન તેઓ અશરફને જોઈને ઓળખી પણ ગયા. પછી એના પર નઝર રાખવા લાગ્યાં. ટ્યુશનના મુખ્ય સંચાલક ધીરુભાઈ મહેતાને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, અશરફની મમ્મી એની અનુકૂળતાએ ફી ભરી જશે. હાલ એને ફક્ત બે મહિના આપણે ભણવા દેશું પરંતુ સંસ્થા તરફથી કોઈપણ પ્રકારનું પરીક્ષાલક્ષી મટીરીયલ આપવામાં આવશે નહીં. થોડી ફી આવશે પછી જ મટીરીયલ પૂરું પાડવામાં આવશે.
એક વખત જીજ્ઞેશભાઈ જયારે બધા શિક્ષક મિત્રો સાથે રવિવારે ફરવા નીકળેલ હતાં. ત્યારે એમણે પોતાના મિત્રોને વાત કરી કે, “હમણાથી એકા વિધાર્થી પરા નજર રાખું છુ. મારો બેટો ગયા વર્ષે જ્ઞાનયજ્ઞમાં અડધી કિમતે શિક્ષણ લઈ ગયેલો. આ વખતે મહેતા સાહેબને માથે હાથ ફેરવવા આવેલો છે, પણ હું આ વખતે એને સફળ નહીં થવા દવ.” આ સાંભળીને એક મિત્ર એ કહ્યું, ”શું તું પણ યાર, તારે તારા પગારથી મતલબ રાખવાનો હોય, મહેતાનું ભલેને કોઈ બુચ મારી જાય, તારે શું લેવા દેવા.” આ સાંભળતા જ બીજા મિત્ર એ ટાપસી પુરી ,”યાર આ સંતાનોના માતાપિતાઓ પોતાને પરવડે નહીં એવા ટ્યુશન કલાસીસમાં ના બેસાડતા હોય એ જ સારું, અમારે પણ એક વરસ પહેલા માતૃદેવો ભાવઃ કલાસીસમાં એક વિધ્યાર્થી એ છ મહિના અમારા સંચાલકને રમડેલા કે મારા મમ્મી આવશે અને ફી ભરી જશે, મારા મમ્મી આવશે અને ફી ભરી જશે પણ અડધી જ ભી ભરીને પછી એ દેખાયો જ નહિ.”
આ વાકય સાંભળતા જ જાણે જ જીજ્ઞેશ ચોકી ગયો. બોલી પડ્યો, "એ વિદ્યાર્થી એટ્લે અશરફ શેખ નામ હતું ?" સામે મિત્ર એ પણ હા પાડી. પુછ્યું,”કેમ ?”. હવે જીજ્ઞેશ કશું જ બોલ્યો નહીં. બસ હવે આવતીકાલે સાંજે અશરફીયાને પકડું અને સારી રીતે સરભરા કરું કે ભાઈ તારી ભક્તિ હવે અહી નહીં ચાલે.
બીજા દિવસે સાંજે મહેતા ગૃપ ટ્યુશનમાં જયારે એક વિષય ચાલી રહ્યો હતો ત્યારે જ જીજ્ઞેશભાઈ એ અશરફના નામે એક વિધાર્થી ધ્વારા કહેણ મોકલેલું કે ટ્યુશન પૂરું થાય એટલે તને સાહેબ ઓફિસમાં બોલાવે છે. જીજ્ઞેશભાઇ અને તેના મિત્ર બંન્ને અગાઉથી જ ઓફિસમાં હતાં. અશરફ ટ્યુશન પૂરું થયા પછી સાયકલ લઈને નીકળતો જ હતો ત્યાં એને યાદ આવ્યું કે ઓફિસમાં સાહેબ એને બોલાવતા હતાં. ફરી સાયકલ પાર્ક કરીને એ ઓફિસમાં ગયો.
અંદર પ્રવેશ કરતી વખતે સાહેબ ને પુછ્યું,” સાહેબ, આવું ?”, જીજ્ઞેશભાઈ તેની તરફ જોઈને કટાક્ષમાં કહ્યું,”આવ ભાઈ આવ, તારી જ રાહ જોઈ રહ્યા છીએ.“ અશરફને ખુરશી પર બેસાડયો. અશરફને કઈ પૂછાય એ પહેલા જ એ કહે, ”સાહેબ, મારા મમ્મી આવીને ફી ભરી જશે.”, આ વાક્ય સાંભળીને જીજ્ઞેશભાઈ ખડખડાટ હસી પડયા. એની સામે જોઈ ને કહે, “તું આ ભાઈને ઓળખો છો ?” તો અશરફે જોઈને કહ્યું, “ના, મને યાદ નથી આવતું.” આ સાભળીને જીજ્ઞેશભાઈએ કહ્યું,”ભાઈ, ગયા વર્ષે જીતુભાઈ એ તને જ્ઞાનયજ્ઞ ટયુશનમાંથી કાઢ્યો હાથોને ત્યારે હું ત્યાં કલાસ સુપરવાઇઝર તરીકે હાજર જ હતો અને આ સાહેબ તું જયારે નવમા ધોરણમાં માતૃદેવો ભાવઃ ટ્યુશન કલાસમાં જતો હતો ત્યારે ત્યાં એક વિષય શિક્ષક હતાં. હવે બોલ તારે શું કહેવું છે ?”
આ સાંભળતા જ જાણે અશરફને આંચકો લાગ્યો. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. જીજ્ઞેશભાઈ તરત જ કહ્યું,”ભાઈ, તારા આ મગરનાં આંસુ રહેવા દે, અને જે સાચું હૉય એ જણાવ નહીં તો અમે તારું આ આખું નાટક આ ટ્યુશન કલાસના સંચાલકોને પણ જવાવી દઇશું. આવું સાંભળતા જ અશરફ બોલી પડ્યો, સાહેબ, આ આંસુ નથી, પણ હું જયારે ગભરાઈ જાઉં છું ને ત્યારે આંખોમાં પાણી આવી જ જાય છે. સાચું કહું છુ સાહેબ, મારી શાળામાં સરખા તાસ (પીરીયડ) લેવાતા નથી. મારે ભણવું છે. એટલે આવું કરું છું, મારા માતા-પિતા મજૂરી કરીને માંડ ઘર ચલાવે છે. આવી પરીસ્થતિમાં ટ્યુશનની ફી કઈ રીતે પરવડે !,
હું દર વરસે ટ્યુશન બદલું છુ, જયારે ટ્યુશન શરૂ કરું એટલે કહી દવ કે મારા મમ્મી આવશે ફી ભરવા. હું નાની મોટી રજાઓમાં ચાની હોટલમાં કામ કરું, ત્યાં જે રૂપીયાની બચત કરીને જેમ તેમ કરીને ફી ભરું. ખેંચાય એટલા દિવસો ખેંચી કાઢું. બસ પછી જયારે ટ્યૂશનના મુખ્ય સંચાલક મને કાઢી ના મૂકે ત્યાં સુધી મારા મમ્મી ભરી જશે એમ કહ્યા કરું, છેવટે કાઢી મૂકે તો પણ જયારે કોઈ સંચાલક ભવિષ્યમાં મળે તો એમ જ જણાવું કે તમે મને કાઢી મુક્યો, બાકી મારા મમ્મી તો તમારી સંપૂર્ણ ફી ભરી જાત. જેથી ભવિષ્યમાં એ સંચાલકો સાથે સંબંધો પણ સારા જ રહે.”
આમ વાતા કરતાં અશરફ હવે ખરેખર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. “સાહેબ મને જવા દો. આવતીકાલથી હું નહીં આવું, કોઈ ટ્યુશન કલાસીસ સાથે આવું કરીશ પણ નહીં.“ જીજ્ઞેશભાઈ આ બધુ શાંતી સાંભળતા હતાં. એ જ વખતે જીજ્ઞેશભાઈના મિત્ર બોલી પડ્યા ,”બેટા, તારે આવતીકાલે પણ આવવાનું જ છે, તારી આ વરસની ફીની પણ ચિંતા ના કરીશ એ ભરાઇ જશે. આ અશરફને હવે કોઈ તકલીફ ના પડે એ જોવાની જવાબદારી તારી. હવે તું રડીશ નહીં. તું શાંતીથી ઘરે જા, અને હા ભવિષ્યમાં પણ તને કોઈ તકલીફ હૉય અભ્યાસ અંગેની તો જણાવજે.
આ સાથે અશરફે મહેતા ગૃપ ટ્યુશનમાંથી વિદાય લીધી.
