PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

અર્જુન ઉવાચ

અર્જુન ઉવાચ

6 mins
212


વહેલી સવારે ભગવદ્ગીતાના ભવ્ય, અદ્ભુત બ્રહ્માંડવ્યાપી તત્ત્વજ્ઞાનમાં હું મારી બુદ્ધિને સ્નાન કરાવું છું. એની રચના થયા પછી યુગો વીતી ગયા છે અને એની સરખામણીમાં આપણી અર્વાચીન દુનિયા અને એનું સાહિત્ય વામણાં ને તુચ્છ લાગે છે. હું એ ગ્રંથો નીચે મૂકીને પાણી લેવા જાઉં છું તો ત્યાં ગંગાકિનારે મંદિરમાં વેદપાઠ કરતા બેઠેલા બ્રહ્મા-વિષ્ણુ અને ઈન્દ્રના પુરોહિત, બ્રાહ્મણના કિંકરને જોઉં છું. એ કિંકર પોતાના ગુરુ માટે પાણી ભરવા આવ્યો છે. અમારી બાલદીઓ જાણે એક જ કૂવામાં અફળાઈ રહી છે. વોલ્ડનનું વિશુદ્ધ જળ ગંગાના પવિત્ર જળ સાથે સંમિશ્રિત થયેલું છે.

આ વાત અમેરિકાના સાધુચરિત વ્યક્તિ હેન્રી ડેવિડ થોરોએ પોતાના પુસ્તક વોલ્ડનમાં લખી છે. સરોવરનાં પાણીમાં થોરોને ગીતાના શ્લોકો દેખાયા. એ પણ છેક અમેરિકામાં. ભગવદ્ગીતાનો વૈશ્વિક વ્યાપ અને ઊંડાણ આ છે. જેમ વિશ્ર્વમાં કોઈ યુદ્ધની વાત અર્જુન વગર ન થાય એમ અર્જુનની વાત પણ યુદ્ધ વગર થઈ ન શકે. મહાભારત મહાકાવ્ય અને એના યુદ્ધનું મહત્ત્વ યુગોથી છે. એમાંનું એક અત્યંત સબળ કારણ છે એ યુદ્ધ પહેલાં કહેવામાં આવેલી ભગવદ્ગીતા.

મહાભારતનો જ એક હિસ્સો હોવા છતાં, ભીષ્મપર્વમાં એ સંવાદ હોવા છતાં એક સ્વતંત્ર કૃતિનો દરજ્જો ગીતા ધરાવે છે. એક ઝુંબેશ કેટલાંક વર્ષોથી ચાલે છે-ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરો. અરે, આ ફક્ત રાષ્ટ્રીય ગ્રંથ છે ? આ તો વૈશ્વિક ગ્રંથ છે. સુનીતા વિલિયમ્સ અવકાશમાં વિહાર માટે ગયાં ત્યારે જે પુસ્તકો સાથે લઈ ગયાં હતાં એમાં એક ભગવદ્ગીતા પણ હતી. અંગ્રેજ અધિકારી વૉરન હેસ્ટિંગ્ઝ, સિદ્ધાર્થ નામની પ્રસિદ્ધ નવલકથાના લેખક હરમાન હેસ ગીતાથી પ્રભાવિત હતા. આ યાદી તો મોટી છે. ભારતમાં આદિ શંકરાચાર્યએ ગીતાજી પર ભાષ્ય કર્યું. સ્વામી વિવેકાનંદ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બાળગંગાધર ટિળક, મહર્ષિ અરવિંદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્, ગાંધીજી કે વિનોબા... કોઈ બાકી નથી, જેમણે આ સતત વહેતા પ્રવાહમાંથી આપણને આચમન આપ્યું ન હોય.

દિવ્ય છતાં વ્યવહારમાં પણ ઉપયોગી નીવડે એવો આ સંવાદ આપણને મળ્યો એમાં આપણો અર્જુન નિમિત્ત છે. મહાભારત વાંચતા હોઈએ, ઉદ્યોગપર્વ સમાપ્ત થાય થાય ત્યાં તો આપણને એમ થાય કે હવે ધબધબાટી થશે અને ત્યાં વચ્ચે અચાનક આવી જાય ધૃતરાષ્ટ્ર અને સંજય.

યુદ્ધ માટે મારા પુત્રો અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રમાં એકઠા થયા ત્યારે એમણે શું કર્યું, સંજય ?

આ પ્રશ્ર્નનો જવાબ-ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ... એમ કરતાં કરતાં અઢાર અધ્યાયમાં ફેલાયો. ભગવદ્ગીતા માત્ર મોક્ષ કેમ મળે કે મૃત્યુ શું છે એ શીખવતો ગ્રંથ નથી, એ જીવતા માણસ માટેનો માર્ગદર્શક ગ્રંથ છે. મૃત્યુ પામેલી વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનું આ શાસ્ત્ર નથી, એ જીવન સાધનાની માર્ગદર્શિકા છે. અનુભવ અને વ્યવહારથી જીવનને સમજવાનો પ્રયાસ છે. માણસની અને એના માનસની વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રકૃતિનો એમાં ઉલ્લેખ છે. આપણે અહીં ગીતા પરનું ભાષ્ય નથી કરી રહ્યા, પરંતુ આવો યુગાતીત ઉપદેશ આપણને મળ્યો એ અર્જુનના નિમિત્તે મળ્યો છે.

અર્જુન, મેઘની ઘટા જેમ સૂરજને ઢાંકીને એના પર છવાઈ જાય એમ આ સેનાઓ ભીષ્મને ઢાંકી રહી છે. એ બધાને હણીને ભીષ્મ સાથે લડવાની તું તૈયારી કર, ઈચ્છા કર. એ પછી સેનાને જોઈને અર્જુનના મનમાં ઊઠેલા પ્રશ્નો મુખ પર આવ્યા: રાજ્યસુખના લોભે અમે સ્વજનોને હણવા તૈયાર થયા. સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું ? કૃષ્ણએ કહી દીધું હોત કે અત્યારે છેલ્લી ઘડીએ ક્યાં આવું બધું માંડ્યું, ભાઈ ? તું લડવાનું શરૂ કર તો અર્જુને માનવું જ પડત, પરંતુ કૃષ્ણ જાણતા હતા કે અર્જુન યોદ્ધા તરીકે સક્ષમ છે એટલો જ સજ્જ અને વિચક્ષણ શ્રોતા છે અને અર્જુનને પણ ખાતરી હતી કે મને જવાબ મળશે. અર્જુને બુદ્ધિપૂર્વક સવાલ પૂછ્યા અને જે જવાબ મળ્યા એનો શ્રદ્ધાથી સ્વીકાર કર્યો.

આપણને-આજના માણસને એટલે કે અર્જુનના એક પ્રકારના વારસને ઈશ્ર્વરની વ્યવસ્થા માટે, જીવનમાં આવી પડતી યુદ્ધ જેવી અવસ્થા માટે પ્રશ્ર્ન થાય. જેમ અર્જુન વિષ્ટિ વખતે કે યુદ્ધ પહેલાંના થોડા જ સમય અગાઉ પોતાના અન્ય ભાઈઓને પ્રોત્સાહન આપતો હતો અને છેલ્લે પોતે જ ફસડાઈ પડ્યો એવું ક્યારેક આપણને પણ થાય... તો જે કંઈ હોય એ કહી દેવું, પૂછી લેવું. હતાશ માણસ જ ક્યારેક સાચી તલાશનો નિમિત્ત બની શકે !

ગીતાની ચર્ચા તો પુષ્કળ થઈ છે અને થાય છે. મહાભારતનાં અનેક પાત્રો છે, પરંતુ ગીતાસંવાદ તો કૃષ્ણ અને અર્જુન બે વચ્ચે જ છે, પરંતુ એના દરેક અધ્યાયમાંથી આપણને કંઈ ને કંઈ એવું મળે, જે આપણા જીવનનો નવો અધ્યાય શરૂ કરવામાં નિમિત્ત બની શકે.

જેમ કાચબો તમામ તરફથી પોતાનાં અંગો સંકોરી લે છે એમ પુરુષ (માણસ) જ્યારે વિષયોમાંથી પોતાની ઈન્દ્રિયોને સમેટી લે ત્યારે એની બુદ્ધિ સ્થિર થઈ એમ કહેવાય. કેવડી મોટી વાત કેટલા સરળ ઉદાહરણ સાથે સમજાવી છે ! અર્જુન સંવેદનશીલ છે એમ કહેવું ખોટું નથી, પરંતુ એ સંવેદનાને વશ થઈને હથિયાર હેઠાં મૂકી દે એ કૃષ્ણને નથી ગમતું. કૃષ્ણને પણ લડવા-લડાવવામાં રસ નથી. એનો એજન્ડા તો ધર્મની સ્થાપના છે. અર્જુનને લડવા ખાતર લડવાનું એ નથી કહેતા.

આધુનિક યુગના અર્જુન એટલે કે આપણને પણ સમજાવવામાં આવ્યું તો એ છે કે ગીતા યુદ્ધનું નહીં, પણ સ્વધર્મ સમજાવતું, આસક્તિમાંથી મુક્ત કરતું શાસ્ત્ર છે. યુદ્ધ જ કરવું એવું ગીતાકાર નથી કહેતા. ઉપદેશ એટલો જ છે કે જો માણસ માટે યુદ્ધનો વિકલ્પ ન હોય, એણે એ કરવું જ પડે એમ હોય તો યુદ્ધ કરતાં અચકાવું ન જોઈએ. આસક્તિ છોડી રાગરહિત થઈને તું યુદ્ધ કર... એવું કૃષ્ણ અર્જુનને કહે છે. આપણે છેલ્લો શબ્દ પકડી લીધો છે... તું યુદ્ધ કર. મુખ્ય મુદ્દો આગળ છે-આસક્તિ છોડીને તું લડ. લડવું એટલે તીર-તલવાર ચલાવવાં એ સીમિત અર્થ નથી. આપણે જ્યાં હોઈએ ત્યાં અને આપણે જે કરવાનું છે એ આપણે આસક્તિ છોડીને, આ હું કરી રહ્યો છું-કરી રહી છું એવો કર્તાભાવ ત્યજીને કરીએ એ જરૂરી છે.

જાતને શૂન્ય કરી નાખવાની વાત છે. સંસારીઓ માટે એ અઘરી છે, પરંતુ અશક્ય નથી, કારણ કે ગીતા એક સંસારી વ્યક્તિએ બીજા સંસારીને કહેલી છે. સ્વધર્મપાલન, અનાસક્તિનો મહિમા મોટો છે. આપણને બીજાનો ધંધો, બીજા જેવી નોકરી ગમે છે. હું આમ હોત તો... પણ એ બધું દૂરથી રળિયામણું છે.

પરધર્મનું સમ્યકભાવે પણ અનુષ્ઠાન કરવા કરતાં આંશિકપણે સ્વધર્મનું પાલન કરવું વધારે સારું છે. સ્વધર્મનું પાલન કરતાં મૃત્યુ મળે તો પણ એ સારું છે. પરધર્મ તો ભયાનક છે અને આ ધર્મ એટલે પેલો મંદિર-મસ્જિદવાળો ધર્મ નહીં. માણસના પોતાના માટે જે કાર્ય સહજ નથી એ પરધર્મ. જ્યાં છીએ, જે છીએ ત્યાં અને એ રહીને કરવાનું છે એ કામ કરીએ એ સ્વધર્મ. જે નથી કરવાનું છતાં એની ઈચ્છા થાય એ પરધર્મ છે. માનવીના ડિપ્રેશનનું લોકેશન ગૂગલ નકશામાં નહીં મળે. માણસ જે છે અને એને જે બનવાની-થવાની ઈચ્છા થાય છે એ બે વચ્ચે માણસના ડિપ્રેશનનું સરનામું છે. આપણે કરવાનું કાર્ય નાનું લાગે, આપણી ક્ષમતા કરતાં ઓછું લાગે તોય આપણે આપણું કામ કરવું જ જોઈએ. શિક્ષકનું માનસિક સ્તર કૉલેજમાં ભણાવવા જેટલું હોય, પરંતુ કૉલેજમાં નોકરી ન મળે ત્યાં સુધી એનાથી પોતાની સ્કૂલનાં બાળકોને અન્યાય ન કરાય.

ભગવદ્ગીતા એ માત્ર અધ્યાત્મ ચર્ચા નથી. અર્જુને ક્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની ઍડ્વાઈઝરી છે. આ ગીતા કહી તો કૃષ્ણએ, એ પણ અર્જુનને. જો કે વરસાદી પાણી જમીનમાં ઊતરે તો એ જમીનની આસપાસના વિસ્તારનાં તળ પણ સાજાં થાય એમ અર્જુનને કહેવામાં આવેલી ગીતાનું ભૂગર્ભજળ આપણે આજેય ધારીએ તો ઉલેચી શકીએ. એ તો વહેતો વીરડો છે.

યુદ્ધ કરવું એ અર્જુનની સમસ્યા નહોતી. એ અહિંસક હતો એવી પણ વાત નથી. અગાઉ યુદ્ધ કરવા ગયો ત્યારે એ કંઈ ગીતા સાંભળીને નહોતો ગયો, પરંતુ સામાન્ય યોદ્ધા જેમ લડે એ રીતે અર્જુને આ યુદ્ધ લડવાનું નથી એવું ગીતા ઉપદેશ દ્વારા સ્પષ્ટ થયું. ત્યાં લડાઈનો અલગ અભિગમ, અલગ સ્તર છે. યુદ્ધ માટે કુરુક્ષેત્રમાં ગયેલા અર્જુન અને ગીતાનું શ્રવણ કરનારા અર્જુન વચ્ચે સમયની દૃષ્ટિએ થોડું જ અંતર છે, પરંતુ માનસિક ભૂમિકા કેટલી બધી અલગ છે. આજનો મનુષ્ય પણ ગીતા વાંચ્યા, સાંભળ્યા કે સમજ્યા વગર જીવી ન શકે એવું નથી, પણ જો એ વાંચવા-સમજવાનું શક્ય બને તો જીવનના યુદ્ધનો અભિગમ અને સ્તર બદલાઈ જાય. કર્મ, જ્ઞાન, ભક્તિને સમજ્યા વગર પણ જીવી શકાય. એ સમજાઈ જાય તો જીવન સહજ, સરળ થઈ જાય એ પણ નક્કી. કેવી રીતે થાય ? અર્જુનને પણ આ અને આવા જ સવાલ થયા હતા. આપણને પણ થાય. કૃષ્ણ જવાબ આપે, આપે અને આપે જ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational