અનુભૂતિ
અનુભૂતિ
એક વખતનો કાપડ સ્ટોરનો માલિક મયુરશેઠ આજે પોતાની એકની એક લાડકવાઈ દીકરીની સારવાર માટે મદદની પોકાર કરતો દર-દર ભટકે છે. લાચારી અને ગરીબીની ખરી અનુભૂતી આજે એને થાય છે. ક્યાંયથી મદદ મળે એવું લાગતું નથી. નિરાશ વદને ઘર તરફ જાય છે. પત્નિ થોડોક સમય પહેલાં મૃત્યુ પામી હોય છે. ધંધામાં ખોટ જતાં સગા-વહાલાં પણ મોં ફેરવી લે છે. એ સત્ય બરાબર સમજાય જાય છે.
બીમાર દીકરીને તેડી વિચારમાં ચાલતાં-ચાલતાં એક ભાઈ સાથે અથડાય છે. તે સોરી બોલી ચાલવા જાય છે. ત્યાં પેલો ભાઈ તેને રોકે છે અને કહે છે, ''અરે! શેઠ તમે ? મને ઓળખ્યા કે ? હું તમારા સ્ટોરમાંજ નોકરી કરતો એ ભીખો ?' મયુર શેઠ તરત ઓળખી જાય છે. અને ભીખાને નાની એવી ભૂલમાં કામચોર ભીખારી કહીને નોકરીમાંથી કાઢી મૂક્યો હોય એ યાદ આવે છે. તે હાથ જોડીને માફી માંગે છે. ત્યારે ભીખો એને કહે છે. હાથ જોડી મને શરમીંદો ન કરો શેઠ. તેને શેઠની પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે. તે શેઠને કહે છે,''શેઠ હું તમારે ત્યાંથી નીકળ્યા પછી લારીમાં કાપડાનો વેપાર કરતો હતો, ધીમે ધીમે એક દુકાન ખરીદી. અને આજે તો મારો કાપડનો ધીંકતો ધંધો ચાલે છે.
એ શેઠને પોતાની ઘરે લઈ જાય છે અને દીકરીની સારવાર પણ કરાવે છે !
અનુભૂતિ થાય ત્યારેજ માણસ બીજાની પરિસ્થિતિને ખરા અર્થમાં સમજી શકે છે.
