અનોખું બંધન
અનોખું બંધન


"નેહાના લગ્નને આજે પચ્ચીસ વર્ષ પૂરા થયા. અરીસામાં દેખતા માથા પર તેની નજર પડી. તેના સફેદ વાળ દેખી વિચાર્યું, "આ સમય જાણે રેતીની જેમ સરી પડ્યો ! જરાય ખબર જ નહી પડી !" આ દાયકામાં બંનેએ કેટલા સુખ-દુઃખ જોયા. ચડતી પડતી માંથી પસાર થયા. બંનેએ એકબીજાનો સાથ ઈમાનદારીથી નિભાવ્યો. છતાં એક કમી હતી!!
વિચારો ને વિચારોમાં તેઓની પ્રથમ મુલાકાતમાં વીસરી ગઈ. પહેલી નજરે જ મમ્મીને રોહન ખુબ જ ગમી ગયા.. મોટું ઘર, સમાજમાં સારું નામ, અને હીરો જેવી પ્રતિભા હતી. આ એક સંજોગ જ હતો. પપ્પાની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી. તેથી મમ્મીએ તેઓને સાફ શબ્દમાં કહી દીધું કે, "અમારી પાસે કંકુની કન્યા છે. !" બીજું કંઈ અમે આપી શકીએ તેમ નથી !' જો તમને આમાં કોઈ આપત્તિ ના હોય તો આપણે આગળ વાતચીત કરીએ. ત્યારે તેના મમ્મીએ પણ હામી ભરી, "અમારે પણ કંકુની કન્યા જ જોઈએ,બીજું કંઈ જોઈતું નથી. માટે તમે આ વિશે કોઈ ચિંતા કરતા નહીં!!"
બસ અડધો કલાકની જ મુલાકાત હતી. તેમાં પણ એકાંતમાં ફકત દસ મિનિટ વાત કરવા માટે સમય મળ્યો. મેં તો અમને ખાલી એક નજર ઉંચકી જોયા હતા! નામ અને તે નોકરી શું કરે છે! એથી વિશેષ કંઈ પુછી શકી નહીં ! તેમણે પણ કંઈ વધુ પૂછ્યું નહિ.
બે દિવસ પછી અમે જવાબ આપીશું. એમ કહી તેઓ છૂટા પડયા! પપ્પાએ પણ સમાજમાં લાગતી પૂછપરછ કરી. ઉચ્ચ કુટુંબ અને છોકરો સારો હોવાથી પપ્પાએ પણ હા પાડી. અને અમારી સગાઈ નક્કી થઈ. તે પહેલી વખત સાસરે આવી તે ક્ષણોમાં પહોંચી જાય છે. ઘણા બધા મહેમાનો હતા.. મનમાં સહેજ ડર થોડી શરમ પણ હતી. ઘરે જો ક્યારે મહેમાન આવતા, તો હું બેડ રૂમમાં જતી રહેતી. અચાનક, "અજાણ્યાં લોકો સાથે મળવું, મારે માટે પહેલી વખત હતું." આટલા બધા અજાણ્યામાં એકને જ હું જાણતી હતી, તે રોહન હતા. તેમણે પહેલી વખત મારો હાથ પકડી મને રીંગ પહેરાવી હતી. પછી શરમાઈને મારી પાંપણો ઝૂકી હતી. મને આજે પણ યાદ છે.
પહેલીવાર અમે મંદિરે એકાંતમાં મળ્યા, "ત્યારે પણ કંઇક ખાસ વાતો થઈ નહોતી. હું એટલી શરમાળ હતી કે કંઇક પૂછે તો તેનો જવાબ નજર ઝુકાવી આપતી."
મને સમજી તેઓ પણ મનમાં હસતાં હતાં. તેઓએ મને પૂછી જ લીધું.. "શું ખરેખર તમે આટલા શરમાળ છો!" આજે આપણે ત્રીજી વખત મળ્યા છે. તારે મને કંઈ પૂછવું હોય તો, "પૂછી શકે છે !" મેં તને તારા વિશે ઘણું બધું પૂછ્યું! તે હજુ પણ મને મારા વિશે કંઈ પૂછ્યું નથી! "શું તું આ સગાઈથી ખુશ છે ને?"
"ત્યાં તો મારી આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા.."
અરે..! "શું થયું..?" આમ રડે છે કેમ? મારાથી કંઇક ખોટું પૂછાય ગયું? બધા આપણી સામે જુએ છે. પ્લીઝ, લે રૂમાલ!
રડવાનું બંધ કર! હું શું સમજુ ? હું તને પસંદ તો છું ને ? એટલી વારમાં કેટલા સવાલો પૂછી લીધાં ! અને મારો હાથ પકડી લીધો. હું આવી જ છું. મારા દિલની વાત કોઈને કહી શકતી નથી એમ કરી,"મેં હાથ છોડાવી લીધો હતો." મને વધુ વાત કરવું ગમતું નથી. અજાણ્યા સાથે તો બિલકુલ નહિ.
તો, "શું હું તારા માટે અજાણ્યો છું ?"
"મને થોડો સમય આપો !"
સારું... પણ,"એક શરત પર ?"
"શું ?"
"મને તારા દિલની બધી વાતો કરશે !"
હું તને અજાણ્યો લાગુ છું! તેથી આપણે મિત્રતા કરી લઈએ. પછી તો આપણે અજાણ્યા નહિ રહીશું!! કહો મારી સાથે મિત્રતા કરશો? તેમણે મિત્રતા માટે હાથ લંબાવ્યો..
મેં થોડા ખચકાટ સાથે તેમની જોડે હાથ મેળવ્યો. મુલાકાતોની સાથે ઓળખ વધતી જતી હતી. હવે આંખોની
વાતો પણ સમજી શકાતી હતી. મિત્રતાથી આગળ વધી એક નવો સબંધ આકાર લઈ રહ્યો હતો. મને રોહન હવે મારાથી પણ વધુ ઓળખી રહ્યો હતો. એક બીજાની પસંદ, નાપસંદ, ખામી, ખૂબી જાણતા થયા. નજદીકી વધતી જતી હતી.
એક દિવસ બંને બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે તેઓ મને બાઈક મીરર માંથી દેખી રહ્યા હતા. અચાનક મારી નજર એક થઇ ગઈ. મેં નજર ફેરવી નાખી..
હવે, "શું થયું?" મીરર માંથી જોવાનો હક પણ નથી??
બાઈક ઉભી રાખો...
"કેમ?"
તમારે મને જોવી જ હોય તો બાઈક ચલાવાની કોઈ જરૂર નથી..
મતલબ..!!
એ જ કે બાઈક સાઈડ પર મૂકો મને જુઓ. "મારી ઉપર નજર રાખશો તો એક્સીડન્ટ થશે?"
એ તો આમેય થયું છે?
"શું?"
કંઈ નહીં!! એક વાત કહું જો તું ખોટું ના લગાડે તો?
"શું?"
બાઈક પર બધા કપલ જેમબેઠા હોય, "તું નહિ બેસી શકે !?" આપણે કપલ ઓછા ને ભાઈ બહેન વધુ લાગી રહ્યા છે?
"શું?"
આનાથી વધારે કંઈ બોલશે? આ એક શબ્દ સાંભળી હું થાક્યો!!
"શું?"
"મને તારી સાથે પ્રેમ થઈ રહ્યો છે!" હજુ પણ સમજ નથી પડતી? એમ કહી મને ખભા પર હાથ મુકવા કહ્યું હતું.
મેં ખચકાતા તેમના ખભા પર હાથ મૂક્યો. તો તેમણે હાથે ચૂમી લીધું. હું મૂર્તિ થઈ ગઈ. હું એક શબ્દ પણ બોલી નહિ! તેમણે ગાર્ડન પાસે બાઈક ઉભી કરી. થોડી વાર અહીં બેસીએ. હું કંઈ બોલી રહી નહોતી. આમ જ બેસવું છે કે કંઈ વાત કરવી છે?
તમે મારા હાથ પર ચૂમ્યા કેમ?
ફરીથી તેમણે મારો હાથ ચૂમી કહ્યું: "આમ.." પણ અત્યારે મારો ઈરાદો કંઈ બીજો જ છે, "જો તું હા પાડે તો?"
આપણે ઘરે જઈએ, "અત્યારે મોડું થઈ ગયું છે!"
વાત ફેરવામાં હોશિયાર છે! તું તો તારા દિલની વાતો છુપાવે છે, મને તો કહેવા દે.. પાછી મળશે ત્યારે મારો ઈરાદો જરૂરથી જણાવીશ. તને જ્યારથી જોઈ છે, મારા દિલમાં વસી ગઈ છે. આઈ લવ યુ નેહા.. હું તને પ્રેમ કરૂં છું. તું પણ મને પ્રેમ કરે છે ને?
આપણે ઘરે જઈએ...
મને તારો જવાબ જોઈએ. "તું મને પ્રેમ કરે છે?"
હા, ખબર નહિ ક્યારે!? કેવી રીતે? પણ મને પણ પ્રેમ થયો છે. હું પણ તમને પ્રેમ કરું છું.
ત્યાં તો રોહને તેને બૂમ પાડી!! નેહા શું વિચારે છે? ક્યાં ખોવાયેલી છે? મારો અવાજ પણ સંભળાતો નથી!
"તમારામાં જ ખોવાયેલી છું." કેવી ભુલભુલામણી છે કે બહાર આવવાનો રસ્તો મળતો જ નથી!
"પચ્ચીસમી એનીવર્સરી મુબારક.." એમ કહી તેણે નેહાને કપાળે ચૂમી લીધું.
"મારું ગિફ્ટ?"
હજુ પણ તું ગિફ્ટ લેવાનું ભૂલી નથી! "શું જોઈએ છે તારે?"
જેની ખોટ છે?
"શું?"
"બાળક!" આપણે અનાથ આશ્રમમાંથી અડોપ કરી લઈએ!
ના, "હું નથી ઈચ્છતો.." હવે આ શક્ય નથી?
"કેમ?"
જો નેહા પચ્ચીસ વર્ષ પુરા થયા છે, તો બાકીની જિંદગી પણ નીકળી જશે! તું ખોટી જીદ ના કર.. આપણા ભાગ્યમાં આ જ લખ્યું છે..
આપણે બે માંથી એક ના હોઈશું તો? એ એકલતા કેવી રીતે દૂર થશે?
આપણે એટલું તો ભેગુ કરી લીધું છે, જિંદગી આરામથી નીકળી જાય.
તમે જીવી શકો છો, "હું નહિ?"
જીદ છોડી દે, આજના દિવસે શું માંડ્યું છે! તારા માટે હું અને મારા માટે તું, એટલું જ પૂરતું છે. આ જિંદગી જીવવા માટે, મારા માટે તું બાળક ને તારા માટે હું બાળક.. એમ કહી રોહન, નેહાને ભેંટી પડે છે!
નેહા પણ તેના આલિંગનમાં સમાઈ જાય છે ! આ એક અનોખું બંધન છે, જે શાશ્વત છે..