અનોખો રિક્ષાવાળો
અનોખો રિક્ષાવાળો
વડોદરા જીએનએફસીની બહાર કેટલાક મુસાફરો વડોદરા શહેરમાં જવા માટે બસની રાહ જોઈને ઊભા હતા. એક રિક્ષાવાળા ભાઈ પોતાનો ઓટોરિક્ષા લઈને આવ્યા અને જ્યાં આ અજાણ્યા મુસાફરો ઊભા હતા ત્યાં રિક્ષા ઊભી રાખીને કોઈએ ઈલોરા પાર્ક તરફ આવવાનું છે કે કેમ તે બાબતે પૂછ્યું.
રિક્ષા ચલાવનારા ભાઈ અપંગ હતા આથી ઊભેલા મુસાફરોને એમના પર દયા આવી અને આ અપંગને કંઈક મદદ કરીએ એવી ભાવના સાથે ઈલોરા પાર્ક તરફ જનારા મુસાફરો રિક્ષામાં બેસી ગયા. મુસાફરોને મુસાફરીની મજા આવી કારણકે આ સામાન્ય રિક્ષા કરતા જુદા પ્રકારની રિક્ષા હતી. એકદમ ચોખ્ખી ચણાક અને સરસ મજાના ગીતો પણ વાગી રહ્યા હતા.
રિક્ષામાં બેઠેલા એક મુસાફરે રિક્ષા ડ્રાઈવરને સૂચના આપતા કહ્યુ, " કાકા, પેલા વળાંક પાસે રિક્ષા ઊભી રાખજો." ડ્રાઈવરે એમને સ્મિત આપ્યુ અને રિક્ષા મુસાફરે કહ્યુ હતું ત્યાં ઊભી રાખી. મુસાફરે નીચે ઊતરીને પાકીટ કાઢયુ અને પૂછ્યું, " કાકા, કેટલા રૂપિયા આપવાના છે ? " રિક્ષાવાળા ભાઈએ બે હાથ જોડીને કહ્યુ, " બસ, આપના આશીર્વાદ આપજો." આટલુ કહીને રિક્ષા હાંકી મુકી.
રિક્ષામાં બેઠેલા બીજા મુસાફરોને આશ્વર્ય થયું કે ડ્રાઈવરે ભાડાના પૈસા કેમ ન લીધા ? એક મુસાફરે આ બાબતે ડ્રાઈવરને પૂછ્યું એટલે ડ્રાઈવરે સ્પષ્ટતા કરતા કહ્યુ , " ભાઈ, મારે ભાડાના પૈસાની જરૂર જ નથી. હું જીએનએફસીમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવું છું. મારે મારી અપંગતાને પડકારવી હતી આથી કોઈની મદદ લીધા વીના જ રોજ ઓફિસ આવન-જાવન કરવા મારે એક વાહન લેવાનું હતુંં તો મેં વિચાર્યુ કે ઓટો રિક્ષા જ લઈ લઉં અને આવતી-જતી વખતે લોકોને બેસાડું તો મારાથી એટલી સેવા થાય અને લોકોનો પ્રેમ પણ મળે." દરિયાદિલ આ માણસની વાત સાંભળીને રિક્ષામાં બેઠેલા બધા મુસાફરો અવાચક થઈ ગયા એ જેમને સામાન્ય રિક્ષા ડ્રાઈવર સમજતા હતા એ તો એક સરકારી કંપનીના ક્લાસ-1 ઓફિસર હતા.
આ સેવાભાવી માણસનું નામ છે ઊદયભાઈ ભટ્ટ. જેઓ સેવા સાથે પોતાનું કર્મ જાણે છે અને જીવન બીજા માટે જીવે છે.
