રચનાઓ મીના શાહની

Tragedy

3  

રચનાઓ મીના શાહની

Tragedy

અમારા એ આવી ગયા

અમારા એ આવી ગયા

1 min
15


"સવારે ભૂલ્યો સાંજે ઘરે આવે તો ભૂલ્યો ના ગણાય." નાનપણથી સાંભળતી આવી છું. મારી હાલત એવી જ હતી. લગ્નજીવનની શરૂઆતના થોડા વર્ષોમાં જ એટલે કે સવારમાં જ પતિને વૈરાગ્ય આવી ગયો. ઘર છોડી તિર્થાટન અને સાધુના આશ્રમમાં રહેવા લાગ્યા. હું એકલી મારા સાસરીયા સાથે રહેતી. વર્ષો વીતી ગયા. તેમણે તો સન્યાસ લીધો હતો. હા, તેમના દર્શન કરવા પરિવાર સાથે જતી‌.

ઘણાએ બીજા લગ્ન કરવા કહ્યું‌.પણ મન ના માન્યું. સાસુ સસરાની સેવામાં સમય પસાર કરતી રહી. સખીઓના સંસાર જોઈ કવચિત દુઃખ થતું પણ પછી સેવા સ્મરણમાં મનને વાળી લેતી. વળી સાસુ સસરાના મૃત્યુ પછી તેઓ એકના એક હોવાથી કોઈ જ ના રહ્યું. પિયરમાં તો પહેલેથી જ માવતર ન હતા અને બહેન તેના સંસારમાં. જીવનમાં એકલતાથી ટેવાઈ ગઈ.

વર્ષોના વહાણા વિતી ગયા. અને સંધ્યાકાળે જીવનના એ પડાવે અચાનક એક દિવસ તો તેઓ ઘરે આવી ગયા. કદાચ ત્યાંના વાતાવરણથી અકળાઈ ગયા હતા અથવા વયસ્થ થતા જોઈતા હુંફ કે સહકાર નહોતા મળતા. ખૂબ અફસોસ કરતા અને માફી માગતા. એક પળ મને ઇન્કાર કરવાનું મન થયું. હવે શું ફાયદો ? જીવન આખું તો અભાવમાં જ કાઢી નાખ્યું. પછી વળી મનને બનાવ્યું ,છોડ જીવ આખરે ઘરે આવી ગયા છે. તને પણ આ અવસ્થામાં કોઈ જોઈશે જ. અને મેં આનંદથી બધાને કહ્યું "અમારા એ તો આવી ગયા."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy