રચનાઓ મીના શાહની

Inspirational Others

4  

રચનાઓ મીના શાહની

Inspirational Others

રાધાકા ભી શામ

રાધાકા ભી શામ

5 mins
17


"રાધાકા ભી શામ વો તો મીરાકા ભી શામ " રેડિયો પર વાગતું ગીત મીતા સાંભળી રહી. સુંદર શબ્દો, તરજ અને લોકપ્રિય થયેલું આ ગીત તેણે અનેકવાર સાંભળ્યુ હતું. પણ આજે કદાચ એના શબ્દોના અર્થ તેના મનમા ગુંજવા લાગ્યા. ગીત સાંભળતા સાંભળતા તેને મિતેશ યાદ આવ્યો. મિતેશ પણ મીતાનો અને સાથે-સાથે માયાનો પણ. ગીતમાં સુરીલા લાગતા આ શબ્દોને જીવનમાં ઉતારવા કડવા લાગ્યા.

મીતા મિતેશની ઓફિસમાં અકાઉન્ટન્ટ તરીકે નિયુક્ત થઈ હતી. તેણી એક ક્લાર્ક હતી. પણ હા, હવે તો મિતેશની પત્ની હતી. મિતેશ અને પોતે ઓફિસમાં નિકટ આવ્યા.પોતે મધ્યમ વર્ગના મા-બાપની સૌથી મોટી દીકરી. પિતાના આકસ્મિક મૃત્યુ બાદ માતા અને નાની બહેનને સંભાળવાની જવાબદારી નિભાવવા ખાતર ભણતર છોડી નોકરી કરવાનું વિચાર્યુ બી. કોમના છેલ્લા વર્ષમાં હતી પરંતુ તે અધૂરું છોડી ઈન્ટરવ્યુ આપવા લાગી. ઘણી બધી કંપનીઓમાં પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ. એક દિવસ નરીમન પોઈન્ટની પાળ પર ઉદાસ થઈને બેઠી હતી ત્યા તેની બાજુમા એક યુવક આવીને બેઠો. શરૂમા અલિપ્ત બેઠા પણ પછી એકમેક સાથે વાતોએ વળગ્યા. અને ખબર પડી કે તેનું નામ મિતેશ છે. કાલબાદેવી પર તેની ઓફિસ છે. મીતાએ પોતાની વાત કરતા તેણે બીજે દિવસે ઓફિસ આવવા કહ્યું. અને અકાઉન્ટન્ટ તરીકેની જોબ આપી. કરસનભાઈ મુખ્ય હિસાબનીશ હતા, તેમની મદદનીશ તરીકે મીતા ગોઠવાઈ ગઈ. વરસેકમાં બંને ખૂબ નજદીક આવી ગયા. મીતેશ પરણેલ હતો તેની પત્ની સાથે પણ ઓળખાણ થઈ. પ્રિતી એક સારી સમજુ ગૃહિણી હતી. મિતેશ પણ તેનાથી ખુશ હતો. કોઈ ફરિયાદ નહોતી. સારી રીતે ઘર સંભાળતી.

પણ જેમજેમ આર્થિક સધ્ધરતા વધતી ગઈ તેમતેમ મિતેશના શોખ વિકસતા ગયા. મોડી રાત સુધી ક્લબ, પાર્ટી વગેરે તેનું જીવન બની ગયું. આ લાઈફ સ્ટાઈલમા પ્રિતી તેને જુનવાણી લાગતી. અને તે મીતા તરફ ઢળતો ગયો. મીતા પણ તેનાથી આકર્ષાઈ હતી. માતાએ ખૂબ સમજાવી જે પુરૂષ પ્રિતી જેવી સુશીલ નારીને છોડી તારી પાછળ છે તેનો ભરોસો ના કર. પણ પ્રણયના કેફમા મીતા માની નહીં અને પ્રીતીને છૂટાછેડા આપી મીતેશે મીતા સાથે લગ્ન કર્યા.

લગ્નજીવનનાઆ ત્રણ વર્ષ એટલે એક સુંદર સ્વપ્ન. ઝાકઝમાળભરી દુનિયા, ફોરેન ટુર્સ, હાઈ -ફાઈ ક્લાસની પાર્ટીઓ અને શું નહોતુ ? પૈસાની છોળમા કદી નહોતુ માણ્યુ એવુ જીવન જીવી રહી હતી. મા અને બહેનની જિંદગી પણ સરસ થઈ ગઈ. પ્રીતીને પણ મીતેશે સારી એવી મિલકત આપી હતી. મીતા વિચારતી તેણી પણ સુખી જ હોય. કોઈવાર બાજુના મોલમા પ્રીતી મળી જતી. હાય હેલોથી આગળ કોઈ વાત નહી. પણ હા, હવે તેની આંખમા એક તિખારો જોવા મળતો. પણ શી પરવા ?

પરંતુ આજે હવે મનને કંઈક ખૂંચી રહ્યું છે. મીતેશ ઓફિસથી મોડો મોડો આવે છે. નથી પહેલાની જેમ ક્યાંય બહાર જવાના પ્રોગ્રામ બનતા કે ના તો પહેલા જેવો પ્રેમાલાપ. હા, સામાજીક કે ધંધાકીય પાર્ટીઓમા અમે સાથે જ હોઈએ છીએ. પણ શરૂના સાહચર્યનો સદંતર અભાવ. એક રૂટિન જીવન જ.

ગઈકાલે રાત્રે મિસિસ મહેતાની પાર્ટીમા ગયા હતા. હાઈ સોસાયટીની બધી સ્ત્રીઓ અને હાથમા વાઈનના ગ્લાસ લઈને પોતાના શોપીંગ અને ઘરેણાંની વાતો કરતા હતા. ત્યાં જ મિસિસ શાહ એકદમ જ બોલી ઊઠ્યા, "મીતા હવે આપણી લાઈનમાં આવી ગયા, " અને બધા મલકી ગયા. મને ના સમજાયુ. પાર્ટી પત્યા બાદ મે મિસિસ શાહને પૂછ્યું, " તમે કેમ મારા માટે હું સર્વેની લાઈનમા આવી ગઈ તેમ કહ્યું ?" તો દુ:ખદ હાસ્ય સાથે તેણી બોલી, "મીતા ખરાબ ના લગાડતી, પણ પાર્ટીમા આવતી બધી સ્ત્રીઓ એક સમાન દુ:ખથી પીડિત છે. તેમના પતિદેવોને બીજે લગ્નેતર સંબંધો છે જ. અને સત્ય દરેકને ખબર છે. અમારા આ દર્દને છૂપાવવા અમે શોપીંગમા, હરવાફરવામા અને પાર્ટી પિકનીકમા ડૂબી જઈએ છીએ. મીતેશની પ્રથમ પત્ની પ્રીતી જેટલી અમારામા કોઈમાં જ હિંમત નથી. આ ઝાકઝમાળભરી જિંદગી, આસાયેશ, સમાજમા મળતું સ્ટેટસ ગુમાવવાની અમારામા કોઈ જ તાકાત નથી. તેથી આંખ આડા કાન કરી ચલાવી લઈએ છીએ. પ્રીતી જ હિંમતવાળી હતી. મીતેશ સાથે ઝઘડી છૂટા પડી તેણે તારો માર્ગ મોકળો કર્યો. ખરેખર તો આ પુરૂષોને તો તમે સમજીને જીવો તો કોઈ જ ફરક નથી પડતો. અમે તે જ કરીએ છીએ. તને ખબર તો હશે જ મીતેશને પણ હવે તો નિકિતા સાથે સંબંધ છે.

અને હું અકળાઈ ગઈ. મારી માન્યતા મુજબ તો મારા પ્રત્યેના પ્રેમને કારણે મીતેશે ડીવોર્સ લીધા હતા પણ અહીં તો વાત જુદીજ હતી. હાઈ સોસાયટીના આવા કલ્ચરનો હું ભોગ બની હતી. અને આજે હવે મારે પત્ની તરીકે સમાધાન કરવાનુ હતું. સુવિધાપૂર્ણ આ જિંદગી છોડી દઉ કે સમાધાન કરી લઉં ?

અને ત્યાં જ આ ગીત વાગ્યુ, "રાધાકા ભી શામ વો તો મીરા કા ભી શામ"મન ચકડોળે ચડ્યું. સાચે જ કનૈયો તો બધાનો જ. ના તો રાધાએ ફરિયાદ કરી ના તો મીરાએ.એ તો ઠીક રુકમણી પણ ગરિમાથી કૃષ્ણ સાથે રહ્યા. હા, સત્યભામા કદી રીસાતા પણ તે તો અન્ય કારણસર. મારે પણ એ જ રીતે જીવવું રહ્યું. મીતાએ મનને મનાવી લીધું.

વળી થોડા દિવસ પસાર થયા મીતાએ મનને મનાવ્યુ હતું. પરંતુ અંદર એક હતાશા,ચચરાટ તો કાયમ રહ્યો. મીતેશ સાથે પાર્ટી- ફંકશનમા જવા સિવાય કે સામાજીક વ્યવહાર સાચવવા સિવાય કોઈ સંબંધ રહ્યો નહોતો. મીતેશ પોતામા જ મશગુલ. આર્થિક- સામાજીક બધુ જ સરસ પણ મનમા ખાલીપો. માતાની શિખામણ,લગ્ન માટેનો તેનો વિરોધ યાદ આવતો. માતાને વાત કરીને કોઈ ફાયદો નહોતો. ધીરે ધીરે તેણી ધર્મ-ધ્યાન તરફ વળવા લાગી. સંત પ્રવચનો સાંભળવા જવા લાગી. ભાગવત કથા અને તેમા પણ ખાસતો કૃષ્ણ ચરિત્ર તેને ગમવા લાગ્યુ. જેમ જેમ ઊંડાણમાં ગઈ કૃષ્ણની જીવનકથની સમજાવા લાગી.

પોતાને કનૈયા સાથે સરખાવી સંબંધો બાંધતા પુરૂષો પર દયા આવતી. પોતાની જાતને કનૈયો સમજતા પુરૂષોની બે સ્ત્રીને સમાનપણે ચાહવાની કોઈ જ આવડત નથી હોતી. પોતાને ગમે તે માનીતી રાણી અને ના ગમે તે અણમાનીતી જેવું તેમનું વર્તન. જ્યારે કૃષ્ણ તો હરેકને સમાન રીતે ચાહવાવાળા. પોતાને ચાહનારને સમાન હેત કરવાવાળા. હા, રાધા તેમની પ્રિયતમા છતાં રુકમણી પ્રત્યે પણ

તેટલો જ ભાવ. રુકમણીની ગરવાઈ કે કદી કોઈ ફરિયાદ ના કરી પણ સાથે જ તેમા કૃષ્ણ તરફથી તેમને મળતા પ્રેમાદરનો મોટો ફાળો.

આજે સમજાય છે રાધા કી ભી શામ વો તો મીરા કા ભી શામ. પોતે રાધા કે મીરાની જેમ મીતેશને ચાહી નહોતી જ શકવાની. આદાન-પ્રદાનના બિંદુ પર જ તેમનો, તેમનો શું હરેક દંપતીનો સંબંધ હોય. ફક્ત સામાજીક મોભો અને આર્થિક સુખ ખાતર મીતેશ સાથે રહેવું કે મનને સાબુત કરી તેને છોડવો તેની વિમાસણ.

થોડા દિવસ બાદ પ્રીતી તેને મોલમાં મળી ગઈ. તેને ખેંચીને કોફી પીવા લઈ ગઈ. કોફી માગમાં ચમચી હલાવતા બોલી. " દ્વિધામાં છે ને ? એક સમયે હું પણ હતી. મારી ચાહત, મારી લાગણીને માન આપું કે મારા આત્મ સન્માનને, અને મે આત્મસન્માનને માન આપ્યું. આજે ખરેખર મનથી સુખી છું. પ્રફુલ્લિત છું. સડેલા એક અંગને કાપવાથી દુ:ખ થાય પરંતુ સડેલા ભાગ સાથે જીવવું મુશ્કેલ થઈ રહેશે. બાકી તારી મરજી.

વાત કરતી પ્રિતીને મીતા જોઈ રહી. પહેલા તો કેવી હતી. અરે,તમે જોયું હોય તો મોઢા પરથી માખ ના ઊડે, અને આજે તો મોઢા પરની ચમક જ અલગ. એકદમ આત્મવિશ્વાસથી ભરેલી. મીતાએ પણ નિર્ણય લઈ લીધો. એક પત્ર મીતેશને લખી તેને પોતા તરફથી છૂટો કરી દીધો. સાથેસાથે છૂટાછેડા પછી એક રૂપિયો પણ નથી જોઈતો કહી ઘર છોડી ચાલી નીકળી. સંતના આશ્રમમાં. જ્યાં તેને - તેના મનને -કૃષ્ણમય બનવાની ચાવી મળે અને રાધા-મીરાના શામને પોતે ચાહી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational