રચનાઓ મીના શાહની

Inspirational Others

2  

રચનાઓ મીના શાહની

Inspirational Others

બ્રેક ધ ચેઈન

બ્રેક ધ ચેઈન

2 mins
12


હિમાલયના પર્વત પર જઈ રહ્યા હતા. ઢોળાવ ઉપર અનેક ગાડીઓ ધીમી ગતિએ ઉપર ચડી રહી હતી. એકમેકની પાછળ લગોલગ ચાલતી ગાડીઓ. બસ અને ડ્રાઇવરો સાચવીને ચલાવતા હતા. આજુ બાજુ ખીણ અને વચ્ચે કંડારેલી કેડીઓ. પાછી વર્તુળાકારે. અચાનક આગળની એક ગાડીમાં બ્રેક ફેઈલ થઈ ગઈ અથવા કશીક તો ગરબડ થઈ અને તે ઢોળાવ પરથી પાછળ ઉતરવા લાગી‌. તેના ટકરાવથી તેની પાછળની ગાડીઓ પણ નીચે સરકવા લાગી અને એક પછી એક પાછળની બધી જ ગાડીઓ નીચે સરકવા લાગી. સાત આઠ ગાડી બાદના એક ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી પોતાની ગાડીને જરાક સાઈડમાં ખીણની ધાર પર કરી લીધી. આગળની ગાડી બ્રેક મારી તેની ખાલી થયેલી જગામાં, હોશિયાર ડ્રાઇવરની ગાડીની જગ્યાએ ઊભી રહી ગઈ. પછીની બધી ગાડીઓ નુકસાનીમાંથી બચી ગઈ. નહિતર મોટો ગમખ્વાર અકસ્માત થઈ જાત. થોડા લોકોના નુકસાનથી આ અકસ્માત અટકી ગયો. ડ્રાઇવરને બધાએ શાબાશી આપી ત્યારે તે બોલ્યો." મેં તો ફક્ત ચેઈન બ્રેક કરી હતી." 

તેના આ શબ્દોએ મને વિચારમાં મૂકી દીધી. આપણી સંસારની ગાડીમાં પણ આ લાગુ નથી પડતું ? કોઈ એકાદ વ્યક્તિની એકાદ નરસી વાત જાણવા મળે અથવા તેને થયેલ કોઈ રોગ વિશે માહિતી મળે એટલે આપણે એકબીજાને જણાવીએ છીએ. કર્ણોપકર્ણ આ વાત આગળ વધતી જાય છે. કદીક તેમાં ઉમેરો પણ થાય છે. ફરતી ફરતી વાત જેના વિશે હોય તેને પણ પહોંચે છે. ઘણા પોતાને હમદર્દ સમજતા લોકો તો તે વ્યક્તિને જ મોઢામોઢ કહે છે અને તે વ્યક્તિ ગમમાં ડૂબી જાય છે. લાગતું નથી આપણે આ ચેઈન તોડવી જોઈએ ? સાંભળેલી વાત આગળ ધપાવવાની કુટેવ છોડવી જોઈએ.

હા, ખુદ પાસે સમસ્યાનો ઉકેલ હોય તો જરૂર કહો. કોઈને થયેલ રોગની ત્રાહિત વ્યક્તિ મારફત જાણ થયા બાદ અગર ઉપચાર જાણતા હો તો જરૂર તેને કહો. કોઈ સામાજીક આર્થિક સમસ્યાનું નિવારણ કરી શકો તો પિડીતને મળો. બાકી વાતોનાં વડા કરવાની એક કુટેવ પોષવી તે મૂર્ખામી પૂર્ણ ડહાપણ જ છે.

ચેઈન બ્રેક ના કરીએ તો વધુ અથડામણ થતી જ રહે. કોઈની વાતો કરવાનું મુખ્ય કારણ આપણો અહમ્ કે મને ખબર છે હું જાણું છું તે જ હોય છે. ઉકેલ ન હોય તો પેલા ડ્રાઇવરની જેમ ખસી જવું અને ચેઈન બ્રેક કરવી એ સમજભર્યો ઉપાય.

સોશિયલ મીડિયામાં પણ મેસેજ ફોરવર્ડ કરવાની વૃત્તિ આ આદતનું નવું સ્વરૂપ છે. કોઈપણ વાત રાજકારણની હોય કે સામાજિક હું જાણું છું અને તમને જણાવું એ આ પ્રવૃત્તિનું નવું સ્વરૂપ.

એ સાચું છે કે ઘણીવાર આપણને નવું જાણવા શીખવા મળે છે.પણ તે દસ વીસ ટકા.

બાકી તો ટાઇમપાસ અહમ્ પોષવાની જ એક પ્રવૃત્તિ છે. સોશ્યલ મીડિયા હોય કે રૂબરૂ વાતચીત. આપણે આ ચેઈન બ્રેક કરવી જ રહી.

'બ્રેક ધ ચેઈન ' ડ્રાયવરનો આ કોન્સેપ્ટ જીવનમાં ઉતારીએ તો ઘણા લોકો ઘણી અથડામણામાંથી બચી જાય. સામાજિક હોય કે ધાર્મિક ભેદભાવની. આગમાં કદાચ પાણીના રેડી શકીએ તો પણ પેટ્રોલ તો ના જ નાખીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational