STORYMIRROR

Shalini Thakkar

Inspirational

4  

Shalini Thakkar

Inspirational

અલાઉદ્દીન નો ચિરાગ

અલાઉદ્દીન નો ચિરાગ

5 mins
233

સરલા રોજની જેમ ગુમસુમ થઈને બારી પાસે બેઠા બેઠા વિચારોના વમળમાં ક્યાંક ખોવાયેલી હતી. અતીતની યાદોના મોજા ઊછળી ઊછળીને એના મનને ભીંજવી રહ્યા હતા. ભીંજાયેલા મનની અભિવ્યક્તિ આંખમાંથી નીકળતા આંસુ કરી રહ્યા હતા. કોણ જાણે કેમ પણ આજકાલ એને સારિકાની ખોટ ખુબ સાલતી. કાળી રીબીનથી બાંધેલા બે ઊંચા ચોટલા અને જુલવાળું ફ્રોક પહેરીને ઊછળતું કૂદતું એનું અને સારિકાનું બાળપણ, એ ફળિયુ બધું નજર સમક્ષ ફરી રહ્યું હતું. જાણે ગઈ કાલની જ વાત હોય એવું લાગતું. એની અને સારિકાની દોસ્તીનો તો એમના મહોલ્લામાં અને સ્કૂલમાં ઉદાહરણ અપાતો, એવી અતૂટ મિત્રતા હતી બંનેની. બંનેની દુનિયા એકબીજાની આસપાસ જ રચાયેલી રહેતી. બંને એકબીજાને પૂછ્યા વગર પાણી પણ ના પીએ. લગભગ જીવનની દરેક પરીક્ષામાં બંને એકબીજાના પડખે ઊભી રહી,આધાર બનીને. લગ્ન પછી પણ બંનેની દોસ્તીમાં કોઈ અંતર ના આવ્યું. અંતર આવ્યું તો માત્ર માઈલોનું. હૃદયથી તો બંને જોડાયેલા જ રહ્યા. જ્યારે પણ બંને મળતા ત્યારે દિલ ખોલીને એકબીજા સાથે સુખદુઃખની વાતો કરી લેતા. ક્યારેક લાંબા સમય સુધી ના મળી શકાય તો પત્ર વ્યવહારથી પણ સંપર્ક થઈ જતો. વહેતા સમયની ધાર સાથે, સાંસારિક જવાબદારીઓ માં વ્યસ્ત, બંને વચ્ચે સંબંધની પકડ ક્યાંક સહેજ ઢીલી થઈ ગઈ અને ક્યારે છૂટી ગઈ એનો એમને અહેસાસ જ ના થયો. પૂરઝડપે દોડતી જિંદગીની ગાડી ને સહેજ બ્રેક મારીને, હૃદયનો કોઈ મહત્વ નો ખૂણો ધીરે-ધીરે ખાલી થઈ રહ્યો છે, એવો અહેસાસ હોવા છતાં પણ, એને પુરવાનો સમય હાથમાંથી ક્યારે સરી ગયો એની એમને ખબર જ ના પડી. અને જ્યારે ખબર પડી તો ક્યાંક સમય બદલાઈ ગયો અને ક્યાંક સરનામા ! એ જમાનામાં ક્યાં ઈન્ટરનેટ હતું અને વાતચીત અને સંદેશા વ્યવહાર પણ એટલા સરળ ન હતા કે સ્ક્રીન ટચ કરો અને બીજી ક્ષણ સામે છેડે મેસેજ પહોંચી જાય. સંબંધ જાળવવા અને બે જણા વચ્ચેનું અંતર પુરવા સમયની જરૂર પડતી અને જ્યારે જવાબદારીઓ હોય છે ત્યારે સમયનો અભાવ હોય છે.

સરલા ના સુખદ દાંપત્ય જીવનનો પણ સુરેશ નીી વિદાય થી દુઃખદ અંત આવી ગયો હતો. દીકરો અને વહુ ખૂબ જ કાળજી લેતા પણ પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે સરલાને સમય ઓછો આપી શકતા. આવા સમયમાં જો એના હૃદયનો ખાલીપો દૂર કરી શકે એવી કોઈ વ્યક્તિ હતી એ હતી સારિકા. સરલાની ઢળતી ઉંમર પણ બારીની બહાર આથમી રહેલા સમી સાંજના સૂરજની જેમ ધીરે ધીરે મોહ માયા થી અલિપ્ત થઈને જાણે આથમી રહી હતી. સરલા દિશા શૂન્ય થઈને બેસી રહી હતી "ક્યાં હશે મારી સારિકા? એ હશે પણ કે... ના ના.. એવું વિચારીને પણ હૃદય કાપી જાય છે. કાશ મારી પાસે અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ આવી જાય તો માંગી ફરી લઉ એનું નવું સરનામું " સરલાના અંતરમાંં વસેલું એનુંં બાળસહજ મન સારિકા ને મળવાની તીવ્ર ઝંખના ને વશ થઈને તર્ક વગરના વિચારો કરવા માંડ્યું.

અચાનક સરલાના રૂમમાંં છવાયેલી શાંતિ ને ચીરતી રુચિ વાવાઝોડાની જેમ"દાદી...."કરતી પ્રવેશી. ધગધગતા ઉનાળાના તાપમાં જાણે ઠંડી હવાનુંં ઝોકુ રાહત આપે બસ એવો જ અનુભવ સરલાને રુચિ નો અવાજ સાંભળીને થતો. રુચિ એટલે સરલાના નીરસ થયેલા ચહેરા પર સ્મિત લાવી શકે એવું એક જ નામ ! રુચિ પોતાનું લેપટોપ લઈને દાદીની સામે પલંગ પર આવીને બેસી ગઈ. રુચિ આઈટી એન્જિનિયરિંગ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હોવાથી ખૂબ જ વ્યસ્ત રહેતી, પણ સમય કાઢીને દાદીના રૂમમાં અચૂક જતી અને એમને ખુશ રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતી. દાદી પણ રુચિના નિષ્ફળ પ્રયાસને નકલી મુખવટો પહેરીનેે સફળ બનાવવા સહકાર આપવાનો પ્રયત્ન કરતા પણ બધું વ્યર્થ ! દાદી પોતાના ભૂતકાળનાા જીવનના પોપડા ઉખાડવાનું શરૂ કરતાં અને રુચિને લગભગ ક્રમ બંધ ખબર પડી જતી કે દાદી હવે કયો કિસ્સો સંભળાવશે. એમની કેસેટ સારિકાની વાતથી શરૂ થતી અને સારીકાના વાતથી જ બંધ થઈ જતી. ઘણીવાર કામમાં ખૂબ જ વ્યસ્ત હોવાથી રુચિ માત્ર એમની વાત સાંભળવાનો ડોળ કરતી. હાથની આંગળીઓ કીબોર્ડ પર ફરતી હોય અને નજર લેપટોપની સ્ક્રીન પર હોય અને વચ્ચે વચ્ચે ઊંચી નજર કરીને દાદીની સામે જોઈ લેતી અને એમની વાતમાં હામી ભરી લેતી. આજે દાદીનો ચહેરો થોડો વધારે જ ઉદાસ લાગતો હતો. રુચિ એ એમના ખભા પર હાથ મૂક્યો અને વહાલ કરતાં પૂછ્યું,"દાદી, આજે તમને સારિકા આંટીની બહું યાદ આવે છે નહીં ? સરલાએ ઊંડો નિસાસો નાંખીને જવાબ આપ્યો,"હા બેટા. ખબર નથી ક્યાં અને ક્યારે ખોવાઈ ગઈ મારી બહેનપણી. હવે તો અમારી"બહોત ગઈ થોડી રહી"બસ આમ જ જૂની વાતો વાગોળતા વાગોળતા એક દિવસ જીવનનો અંત આવી જશે અને ફરી અમે ક્યારેય નહીં મળી શકીએ..... સરલા વધુ ન બોલી શકી. અચાનક ફોનની ઘંટડી વાગતા એ થોડી સ્વસ્થ થઈને ફોન ઊંચક્યો સામે છેડેથી અવાજ આવ્યો."હલો સરુ?" અવાજ સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. આ નામથી તો માત્ર સારિકા જ એને બોલાવતી. થોડી ક્ષણો માટે એ કશું બોલી જ ન શકી. સામેથી ફરી અવાજ આવ્યો,"હા હા હું જ બોલું છું સારિકા. તું કોઈ સપનું નથી જોઈ રહી સરુ. હા એ સાચે જ સારિકાનો અવાજ હતો. સરલા ને લાગ્યું કેે એ જાણે કોઈ સપનું જોઈ રહી છે. સારિકા જણાવ્યું કે એ છેલ્લા પાંચ વર્ષથી પરદેશમાં હતી અને એના જીવનની એકલતા દૂર કરવા માટે એના પૌત્ર એ એને ફેસબુક પર એકાઉન્ટ્ટ ખોલી આપ્યું હતું અને એને ચલાવતા પણ શીખવ્યું હતું. ત્યાંથી એ સરલાને શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. એવામાં રુચિએ ફેસબુક પર સારિકાને શોધી લીધી અને એનો સંપર્ક કર્યો. અને પછી બંને મળીને સરલાને સરપ્રાઈઝ આપી. પછી તો બંને બહેનપણીઓએ મન ભરીનેે વાતો કરી. સારિકા એ કહ્યું કે એણે  ફેસબૂક પર એમના ફળિયાની બીજી બે-ત્રણ બહેનપણીઓ પણ શોધી લીધી હતી અને એ લોકોનું"મહિલા મંડળ" નામનું ગ્રુપ વોટ્સએપ પર હતું. એમાં એ સરલાનું નામ પણ જોડી દેશે .પછી તો રોજ બધા ભેગા થઈને ગપ્પા મારવાની મજા. ટૂંક સમયમાં સારિકા પોતાના વતન પાછી ફરવાની હતી અને બધાં એ ભેગા થઈને મળવાની યોજના કરી હતી જેમાં સરલા એ પણ મળવાનું વચન આપતા ફોન મુક્યો. "આ ઈન્ટરનેટ તો વળી કેવું જાદુ કે તમે એક સ્ક્રીન ટચ કરો અનેેે સામેની વ્યક્તિ સાથે સંપર્ક જોડાઈ જાય. આ તો ભાઈ આધુનિક અલ્લાઉદ્દીનનો ચિરાગ જ છે."અને થેન્ક્યુ કહેતા સરલા રુચિનેને ભેટી પડી. રુચિ એ હસતા હસતાં જવાબ આપ્યો,"દાદી, યાદ છે તમને જ્યારે હું નાની હતી અને મારી ઢીંગલી ખોવાઈ જતી ત્યારે તમે મને કહેતા કે મારી પાસેે અલ્લાદીનનો ચિરાગ છે અને પછી ક્યાંકથી પણ મારી ખોવાયેલી ઢીંગલી શોધી લાવતા. હવે હું મોટી થઈ ગઈ છું,"રુચિ પોતાના લેપટોપ તરફ હાથ લંબાવતા આગળ બોલી"એટલેે મેં મારા અલ્લાઉદીન ના ચિરાગથી તમારી ખોવાયેલી બહેનપણી શોધી આપી."કહીને બંને ખડખડાટ હસવા માંડ્યા. સરલાના આખા રૂમમાં જાણે એક સકારાત્મક ઊર્જાનો સંચાર થઈ ગયો. એક ક્ષણમાં તો જાણે આખુંં જીવન બદલાઈ ગયું. બારીની બહાર જોયું તો સૂરજ આથમી ગયો હતો અને એની જગ્યા પૂર્ણ ખીલેલા ચંદ્રમા એ લઈ લીધી હતી. સરલા અને રુચિ વહાલ થીએકબીજાનેે ભેટી પડ્યા અને સરલા ને પોતાના પાનખર થઈ ગયેલા જીવનમાં ફરી એકવાર બહાર આવવાના ભણકારા સંભળાવા માંડ્યા અને રુચિને દાદીના ધબકારા.....!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational