“અખંડ સૌભાગ્યવતી”
“અખંડ સૌભાગ્યવતી”


ગામને છેવાડે આવેલી ચાલીમાં રોશની લબુકઝબુક થતી હતી. મંગુમાના દિકરા કાલુના વિવાહ હતા એની ખુશીમાં ઢોલ ઢમકતા હતા. આખી ચાલીમાં ચર્ચા તો એ વાતની હતી કે નામ પ્રમાણે જ કાળા રંગના કાલુને સુંદરી જેવી ગોરી કન્યા મળી હતી.
રંગેચંગે કાલુના વિવાહ સંપન્ન થયા. મંગુ જેટલાં ઘેર કામ કરતી હતી એ બધી શેઠાણીઓએ મદદ કરી એટલે કાલુના વિવાહ ચાલીના રહીશોને યાદ રહી જાય એવા મોભાદાર થયા. લગ્નને પંદર દિવસ થયા એટલે મંગુએ સુંદરીને કહ્યું,
“જો વહુબેટા, આપણે રહ્યાં ગરીબ માણસ. જણે જણ દાડિયું મજૂરી કરે તોજ બે ટંક રોટલા પાણી મળે. એટલે હવે બે ઘરનાં કામ તમે સંભાળજો તો એટલી મદદ રહે.”
સુંદરી પણ સમજણી એટલે એણે કામ ઉપાડી લીધાં. રોજ સવારે આખો પરિવાર કામે નીકળી જાય. સુંદરી પ્રેમથી કાલુને ભાથું બનાવી આપે અને સાંજ પડે પંખીઓ પાછાં માળામાં ગોઠવાઈ જાય. રાત્રે નવયુગલની વાતો જાણે વસંત આણતી.
વર્ષમાં એક વાર સૌભાગ્ય માટેનું વ્રત આવે એ કરવું જોઇએ એમ મંગુએ સુંદરીને કહ્યું હતું એ સુંદરીને બરાબર યાદ રહી ગયું હતું. એ જે ઘરમાં કામ કરતી એ મિનલશેઠાણી પણ આ વ્રત કરતી. અને એ દિવસે એ પોતે નવી સાડી લેતી અને સુંદરીને એકાદ જુની સાડી આપતી. બે વર્ષથી આમ ચાલતું. સુંદરીને પોતાની જિંદગી કે વર સામે કોઈ જ ફરિયાદ નહોતી. બસ, આ વ્રતના દિવસે મનમાં સહેજ ખૂંચતું. આગલી રાત્રે કાલુને કહેતી,
“આ ભગવાન પણ જરા જેટલો વેરોવંચો રાખે હોં ! આ જુઓને! અખંડ સૌભાગ્યવતીનું વ્રત હુંય કરું અને પેલી મારી મિનલ શેઠાણી પણ કરે. હવે હુંય માણસજ છું ને! તે મનેય આ દિવસે નવું લુગડું પહેરીને પૂજા કરવાની હોંશ ન હોય!”
કાલુ ઓશિયાળી નજરે સુંદરીના ગાલે ટપલી મારીને કહેતો, “અરે એ લુગડાંનાં બહારના દેખાવથી બીજા બધા ભલે રુપાળા લાગવાનો ઢોંગ કરે, તું તો આ ચિંદડીમાંય બહુ રુડી-રુપાળી લાગે છે.”
ડાહી સુંદરી પતિની પરિસ્થિતિને સમજી એને ઓછું ન આવે એટલે કહેતી, “અરે હું તો અમસ્તી જ કહું. મારું સૌભાગ્ય તો તમેજ. સાડી-સેલાંથી થોડું સૌભાગ્ય મપાય!”
અને આમ પતિ-પત્ની બંને પોતાની નાનકડી દૂનિયામાં ખોવાઈ જતાં. આ વર્ષના વ્રતને હવે ત્રણ દિવસની વાર હતી. મિનલ શેઠાણી બજારમાં ગયાં હતાં સુંદરીને એમણે સવારેજ પોતે ગયે વર્ષે લીધેલી સાડી આપી હતી. સુંદરી પણ ઝટ કામ પતાવીને ઘેર જવાની વેતરણમાં હતી. વ્રતની તૈયારી કરવાની હતી. મનમાં વિચારતી હતી, પૈસાવાળા લોકો તો બજારમાંથી મિઠાઈ લઈ આવશે પણ આપણે તો પોષાય નહીં. મંગુમાએ કહ્યું છે કે બે ઘેરથી પૈસા માગી લેશે એટલે ઘેર જઈને લાડુ બનાવશું.
એ સાંજે સાસુ-વહુએ મળીને થોડા લાડુ બનાવ્યા. કાલુ પણ નાની ખુશી જોઈને આનંદમાં હતો.
બીજે દિવસે સુંદરી કામે જવા નીકળી ત્યારે મંગુમાએ કીધું, “જો શેઠાણી પાસે કાલે વ્રતના દિવસે અરધો દિવસની રજા માંગી લેજે એટલે વહેલું અવાય.”
સુંદરી મિનલને ઘેર પહોંચી ત્યારે એક સાવ અલગ જ વાતાવરણ જોવા મળ્યું. ઘર આખું માણસોથી ભરાયેલું હતું. રોકકળ ચાલતી હતી. અંદર જઈને જોયું તો શેઠને નીચે સુવાડેલા હતા. રસોઈ કરતાં બેનને પૂછ્યું તો ખબર પડી કે રાત્રે શેઠને શ્વાસની તકલીફ થતાં દવાખાને લઈ ગયા પણ સવારે એમણે વિદાય લીધી.
સુંદરી ડઘાઈ ગઈ. ચુપચાપ એક તરફ ઉભી રહી ગઈ. અંતિમયાત્રાની તૈયારી થઈ અને એમ્બ્યુલન્સમાં શેઠને સ્મશાને લઈ ગયા. પાછળ મિનલશેઠાણી ચોક સુધી પરિવારની સ્ત્રીઓ સાથે ગયાં. એમના હાથમાં ગઈ કાલે ખરીદેલી નવી સાડી હતી. એમણે આક્રંદ સાથે એ સાડી ચોકના ખૂણે મુકી દીધી.
આખી ઘટનામાં સુંદરીને આ પળ બહુ સ્પર્શી ગઈ. બધાં ઘરમાં આવ્યાં અને પરિવારમાં આગલી ક્રિયાઓ વિશે ચર્ચા ચાલતી રહી. પણ... સુંદરીનું મન રહીરહીને ચોકના ખૂણે મુકાયેલ પેલી નવીનક્કોર સાડી તરફ ખેંચાતું હતું.
મને મંથન શરુ થયું. “તે એ લેવાય ? આમ તો એમાં શું વાંધો ? કદાચ મારા નસીબમાંજ હોય.. એટલે જ આમ બન્યું ! પણ આ રીતે લેવાય ? હા નવી જ કોરી છે પછી શું વાંધો ?"
સુંદરી કામ પતાવીને નીકળી ત્યારે સહેજ ધબકારા વધી ગયા હતા. એ ચોક સુધી પહોંચતાં તો પરસેવો વળી ગયો. ત્રાંસી નજરે એ ખૂણો જોયો. હજી તો એમ જ ગડી વાળીને પડી છે. અનાયસે એ તરફ પગલાં મંડાયાં. હાથમાં સુંવાળું પોત આકર્ષિત કરી રહ્યું હતું. ઝડપથી ચોતરફ નજર ફેરવી કે કોઈ જોતું તો નથી ને ! નાનકડી ગડી વાળીને પાલવ નીચે સંતાડીને લગભગ દોડતાં એ ઘેર પહોંચી. મનમાં બહુ આનંદ થતો હતો કે, કાલે વ્રતમાં નવી સાડી પહેલી વાર પહેરીશ.
રાતે કાલુ આવ્યો. વાળુ પતાવીને મંગુમાએ કાલના વ્રત વિશે થોડી સૂચનાઓ આપી. ઓરડીમાં કાલુ અને સુંદરી એકલાં પડ્યાં. કાલુએ ખીંટીએ ટિંગાડેલી થેલીમાંથી એક નાની કોથળી કાઢી.
“આંખ બંધ કર તો !”
સુંદરી પોતાની વાત કરે એ પહેલાં નવી વાત બની એટલે આતુરતામાં આંખ બંધ કરી. કાલુએ સહેજ સંકોચથી એક સાડીનું પેકેટ કાઢ્યું.
“જો બહુ કિંમતી તો નથી પણ મારા પ્રેમથી ભરપૂર છે એવી સાડી તારા વ્રત માટે લાવ્યો છું.”
અને...સુંદરીને મનમાં પારાવાર પસ્તાવો શરુ થયો.
“અરેરે! જીવ કેટલો ભુખડો તે કોકના નંદવાયેલા સૌભાગ્યની નિશાનીથી મારે મારા અખંડ સૌભાગ્યનું વ્રત કરવું હતું ! ભગવાને બચાવી લીધી. કોકની વેદના પર મારી ખુશી કેમ ટકે!”
એણે કાલુના બે હાથ પોતાના હાથમાં લઇને તરબતર આંખ સાથે કહ્યું, “મારું સૌભાગ્ય તો તારા થકી. આ બહારના શણગાર તો નક્કામા. કાલે હું વધુ શુધ્ધ મનથી વ્રત કરીશ.”
સુંદરીએ આવીને પટારામાં સંતાડેલી સાડીની પોટલી જોઈ ગયેલી મંગુએ માળા આંખે લગાડીને પ્રભુનો પાડ માન્યો.