Gopal Dhakan

Drama Thriller

5.0  

Gopal Dhakan

Drama Thriller

અકબંધ

અકબંધ

6 mins
2.5K


બીના અને અનિકેત આજે લગ્નની દસમી વર્ષગાંઠ ઉજવી રહ્યાં હતાં.જવાબદારીના બોજ નીચે જીવાતા ભાગદોડવાળા આધુનિક જીવનમાં પણ અનિકેત પરિવાર માટે સમય કાઢી લેતો.

"જમવાનું સારું હતું, કેમ? " બીનાએ પોતાના વાંકડિયા વાળને વ્યવસ્થિત કરતાં કીધું. બીનાની આંખો હજુ એવીને એવી જુવાન હતી.તે મધ્યમ કદ કાઠીની અને થોડી શ્યામલ હતી. તેની નમણાશ અને વાણીની નરમાશ મોહક હતા. આછા પીળા રંગની સાડીમાં અને રૂમના આછા પ્રકાશમાં તે વધુ આકર્ષક લાગતી હતી. લગ્નના દસ દસ વર્ષો પછી પણ બંને વચ્ચે એકબીજાનું આકર્ષણ હજુ અણનમ જ હતું.

પોતાના ફોનને ચાર્જમાં મુકતા અનિકેત બોલ્યો, "પરિવાર સાથે હોય અને ઘણીવાર જમવાનું થોડું ઓગણીસ વીસ હોય તો પણ સારું જ લાગે આમેય આ નવા શહેરમાં બધું અજાણ્યું પણ પડે."

અનિકેત દેખાવે સારો હતો. પોતે એક બેંકનો મેનેજર હતો અને થોડાં સમય પહેલાં જ અહીં રહેવા આવેલો. માતાપિતાનો એકને એક હોવાથી આર્થિક સંકડામણ વચ્ચે તેનું બાળપણ લાડકોડથી પસાર થયું.

આજે પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ભોજન લીધાં પછી તેનો સાત વર્ષનો દીકરો અંશ દાદા - દાદી સાથે લટાર મારવા ગયો હતો તેથી આજે બંનેને ઘરમાં થોડો એકાંત મળ્યો હતો. કોઈ નવપરણિત યુગલની જેમ બંનેએ આછાં પ્રકાશવાળા એમના શયનખંડમાં પ્રવેશ કર્યો.

" જમવાનું મને તો ગમ્યું, અને બધાં સાથે ગયા એમાં વધુ મજા આવી એ સાચું." બીના રૂમમાં રહેલાં ડ્રેસિંગ ટેબલના કાચ સામે ઊભી રહેતી બોલી, "આ સાડી મને સૂટ તો કરતી'તી ને? " તેણે કાચમાંથી અનિકેત સામે પ્રત્યુત્તરની અપેક્ષાએ જોયું. એનાં હોઠ,આંખો અને ગાલના ખંજનોમાં મસ્તીનો ઘૂઘવતો દરિયો તેની આયુ ફરી સોળ વર્ષની થઈ ગઈ હોય એવી સાબિતી આપતાં હતાં.

અનિકેત થોડો નજીક આવ્યો અને પાછળથી બીનાની કમરે હાથ વીંટાળતા બોલ્યો,"તને બધું ભળે છે,રંગમાં કોઈ ખૂબી નથી પણ તારી ખૂબીમાં ગમે તે રંગ ખુબસુરત જ લાગે છે ".

" ઓ હો હો હો...વેરી રોમેન્ટિક ..હંમમમ " કહેતા બીના તેની સામે ફરી ગઈ. બંને એકબીજાની આંખોમાં થોડીવારમાં સ્થિર ગઇ ગયાં. એક નાનું અમથું સુન ચોઘડિયું તૂટતાં અનિકેત બોલ્યો ," આપણાં લગ્નને દસ વર્ષ થયાં, હું તને એક સવાલ પૂછું?"

" હા, બોલો "

" તને મારા પર કેટલો વિશ્વાસ છે?"

" છી... આવા સવાલો આજે નઈ કરવાના, કેટલો રોમેન્ટિક મૂડ હતો. બધું બગાડી નાખ્યું " કહીને બીના છણકો કરતા અનિકેતની છાતીએ વળગી પડી.

બીનાને થોડી દૂર કરતાં તે ફરી બોલ્યો , "ના ..પ્લીઝ કે' મને! " અનિકેતની રોજની જીદ કરતાં આજની જીદમાં તેના વ્યક્તિત્વનું જાણે બીજું પાસું દેખાતું હતું.

" જરા પણ નહીં જાવ !" બીનાના ગુસ્સામાં પણ મસ્તી સાફ દેખાતી હતી.

પણ આજે અનિકેતના મગજમાં કશું બીજું જ ચાલતું હતું. " મેં આજદિન સુધી તારાથી એક વાત છુપાવી છે " બોલતાં બોલતાં અનિકેત નજર નીચી કરી ગયો. તેના અવાજમાં ગંભીરતા આવતી જતી હતી જે બીનાએ ક્ષણમાં જ પારખી લીધી.

" એવું તે વળી શુ છે કે જે હું આજદિન સુધી જાણી ન શકી અથવા તમે મારી સાથે શેર કરવા જેટલી મને લાયક ન ગણી?" પોતાના બંને હાથની હથેળીઓને અનિકેતના ગાલ પર ટેકવીને તેના ચહેરાને પંપાળતા બોલી.

" ના તારી ખામી નથી." નીચી નજરે જ અનિકેતે જવાબ આપ્યો.

સ્ત્રી સહજ ઉત્સુકતાથી બીનાએ કહ્યું , " શું હતું બોલો ને,ખામી કોની હતી, શું હતી એ બધું પછી ."

" તારી પહેલાં એટલે કે સગાઈ પહેલાં, જોકે લગ્ન સુધી પણ....." શબ્દો શોધતો અનિકેત વાત ક્યાંથી શરૂ કરવી એમાં ગોથાં ખાતો હતો.

" લગ્ન પહેલા શું પણ? પુરી વાત તો કરો." કહેતા બીનાએ અનિકેતનો હાથ હાથમાં લીધો અને બંને પલંગ પર બેસી ગયાં.

" લગ્ન થયા ત્યાં સુધી, જોકે લગ્ન પછી પણ મારું મન એક છોકરી પર સ્થિર હતું." આટલું બોલ્યાં પછી અનિકેતે હિંમતપૂર્વક બીનાના ચહેરા સામે જોયું પણ તેનાં ચહેરાના હાવભાવ બદલાયા નહોતાં.

" શું એ પણ તમને...તમારી વચ્ચે કઈ ..."

" ના..ના, મને કોલેજ સમયથી જ એ બહુ ગમતી પણ..."

" પણ ....શું? " કહેતા બીના થોડી વધુ ગંભીર બની.

" મેં બે ત્રણ વાર મારા મનની વાત એને કીધી પણ તે સંબંધને આગળ વધારવા નહોતી માંગતી હતી. હું એને સમજી શક્યો નહીં કે એને મારામાં રસ હતો કે નહીં. "

" પછી? " બીનાએ પોતાનો હાથ અનિકેતના હાથમાંથી છોડાવી લીધો હતો.

આજે અનિકેત નિખાલસતાથી મનમાં ભરેલો એ વર્ષો જૂનો બોજ હળવો કરવા માંગતો હતો. તેથી તેણે વાતને આગળ વધારી. "કોલેજના પહેલાં વર્ષમાં જ અમે સારા મિત્રો બની ગયેલા. એના શોખ થોડાં ઊંચા હતાં અને પપ્પાની સ્થિતિ એટલી બધી પણ સારી નહોતી તે છતાં હું તેની સાથે રહેવા પ્રયત્નો કરતો. પણ..."

" હમ્મ, પછી? " ભ્રકુટી તાણતી બીના બોલી.

" એક દિવસ મેં એને મોઢેમોઢ મારા મનની વાત કહી દીધી. શરૂઆતમાં કશું બોલી નહીં, માત્ર હસી. અમારી મિત્રતા એમનેમ ચાલુ રહી એટલે મને થયું કે આજ નહીંતો કાલે એ માની જશે અને મને સ્વીકારશે."

બીના એકીટશે નીચી નજર કરીને બોલ્યે જતા અનિકેત સામું જોઇ રહી હતી.

" મેં બે વર્ષ સુધી એનાં જવાબની રાહ જોઈ. જવાબ ન મળ્યો અને અમારી કોલેજ પણ પુરી થઈ ગઈ. હું એને સાચો પ્રેમ કરતો હતો. મારો એક દિવસ પણ ચેનથી પસાર થતો ન હતો. મેં એનો સંપર્ક કરવા ઘણાં પ્રયત્નો કર્યા પણ તે શક્ય ન બન્યું."

" પછી તમે ક્યારેય મળ્યાં જ નહીં?" બીનાએ પૂછ્યું.

" મેંને છેલ્લે એની ખાસ બહેનપણીનો સંપર્ક થયો અને એ ભલી છોકરીએ મને સમજાવ્યો. " અનિકેતની અસ્ખલિત વાણીમાંથી જાણે અતીત વરસતું હતું.

" શું સમજાવ્યા?"

"એ જ કે આરતીનો પીછો કરવાનું છોડી દે. એ છોકરી ઘમંડી છે. માત્ર પૈસાદાર છોકરાને જ જીવનમાં સ્થાન આપશે. મારી અને આરતી વચ્ચે થયેલી વાતની આને પણ ખબર હતી. તેણે મારા વિશે કીધેલું કે અનિકેત સારો છે, હોશિયાર પણ છે પરંતુ એનાં બાપનું બૅંક બેલેન્સ ઓછું પડે."

"પછી તમને ક્યારેય મળી? "

"ના એ ન મળી પણ હું સાવ ભાંગી પડ્યો. મને પહેલ વ્હેલ કોઈ ગમેલી. આ વાત પછી મેં બે ત્રણ નોકરી પણ બદલી નાખી પણ મારો જીવ ક્યાંય ન લાગ્યો. મેં અંતે બિઝનેસમાં ઝંપલાવાનું વિચાર્યું .લગ્ન કરવાની કે સંસારસુખની કોઈ તમન્ના મનમાં નહોતી. આત્મહત્યા હું કરી શકું એમ નહોતો. એ સમય બહુ ખરાબ ગયો " બોલતાં બોલતાં અનિકેતની આંખમાં ઝળઝળિયા આવી ગયાં.

" પછી?"

"પપ્પાના કહેવાતી મેં બેંકની પરીક્ષાઓ આપી અને એક બેંકમાં નોકરી મેળવી અને પપ્પાએ આપણી સગાઈ નક્કી કરી નાખી."

"તમારી ઈચ્છા નહોતી, ખરું?" બીનાનો આ સવાલો અનિકેતને ખૂંચ્યો.

"મને એવું જ હતું કે હવે હું જીંદગીભર કોઈ પણ સ્ત્રી સાથે એડજસ્ટ નહીં કરી શકું. કદાચ એટલે જ લગ્ન પછી પણ મેં તારી નજીક આવવામાં સમય લીધો." થોડું અટકીને અનિકેત બોલ્યો ,"મને એમ જ હતું કે સ્ત્રી જાત આખી આરતી જેવી જ હશે. પણ, તે મને ખોટો પડી દીધો. મને સગાઈ પછીથી તારી સાથે હૂંફ મળવા લાગી. તને હું મારી સારી દોસ્ત માનવા લાગેલો. એટલે જ મેં તને સંપૂર્ણ સ્વીકારવા થોડો સમય લીધો. લગ્ન પછીના લગભગ બે મહીનાં સુધી હું શરીરથી ઘણો તારી નજીક પહોંચી ગયેલો પણ મન તો ક્યાંય ભટકતું જ રહેતું."

" તો હવે,આરતી તમને મળી જાય તો તમે મને છોડી દ્યો ખરા? "

અનિકેતને આવા કોઈ પ્રશ્નની અપેક્ષા નહોતી. થોડીવાર ચૂપ રહીને જાણે મનનો બધો બોજ હળવો થઈ ગયો હોય એમ અનિકેત બોલ્યો ,"ના ,તને ક્યારેય નહીં છોડું. તારી સાથે પરણ્યો એમાં મને જીવનની બહુ મોટી શીખ મળી છે."

"કઈ શીખ?" બીનાએ પૂછ્યું.

"આપણે જેને પ્રેમ કરીએ તેની કરતા આપણને પ્રેમ કરનાર સાથે જીવન ગાળવું ખૂબ રંગીન હોય છે." ભવાવેશમાં અનિકેતે એ બીનાના કપાળ પર એક ચુંબન કર્યું.

બીનાનું વાત ડહાપણ અને એનાં કોઠા સૂઝથી અનિકેત પણ અજાણ નહોતો. તેણે અનિકેત સામું જોતાં પૂછ્યું ," આજ તમને અચાનક, ઓચિંતા તમારી એ આરતી કેમ યાદ આવી ગઈ, એ તો કહો ".

અનિકેતએ હાથ ખેંચીને બીનાને બાથમાં લઈ લીધી અને તેના કાન પાસે એક ચુંબન કર્યું અને ધીમે સ્વરે કહ્યું ," રેસ્ટોરન્ટમાં જે રિસેપનિષ્ટ ટેબલ પર બેઠી હતી તે આરતી હતી."

સાંભળીને બીનાને પણ પોતાની વાતનો અપેક્ષિત જવાબ મળ્યો હોય એમ પોતાના હાથ અનિકેતને વીંટાળીને વધુ ભીંસથી તેને જકડી લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama