અભિમન્યુ
અભિમન્યુ


દસ બાય દસ ની બે પતરાવાળી રૂમના મકાનમાં એક ખુણામાં નાનું એક ટીવી ચાલુ હતું. શ્રીનગરમાં ફરજ બજાવતાં એ યુવાન સૈનિક અર્જુનસિંહનો પરિવાર ; એની મા મધુબેન , એની પત્ની માલતી જમ્મુ કાશ્મીરના પુલાવામાં થયેલાં એક આત્મઘાતી આતંકવાદી હુમલાના સમાચાર સાંભળી ચિંતાતુર હતાં. માલતી બબ્બે મિનિટે અર્જુનસિંહને ફોન લગાડવાનો સતત પ્રયત્ન કરતી કરતી રૂમની અંદર બહાર આવ જા કરતી હતી.પણ આજે કોઈ કાળે એમનો સંપર્ક થઈ શકતો ન હતો. મધુબેનની જીભાને તો જાણે સાથ છોડી દીધો હોય એમ એ ખાટલામાં બેઠાં હતાં. એનાં એક હાથમાં માળા હતી અને બીજા હાથમાં ઘોડિયાની દોરી. બે વર્ષની સુહાની પણ આજે સતત કજીયો કરતી હતી. મધુબેનના હોઠ ધ્રૂજતાં હતાં. એમની નજર ટીવીથી ઉપર ટીંગાડેલી એમનાં શહિદ પતિની તસ્વીર ઉપર આજે વારંવાર જતી હતી અને પ્રત્યેકવાર એમને ડૂસકું ભરાય જતું. ગમે તેમ કરી એ ડુસકાંઓને દાબીને માળા ફેરવે જતાં હતાં. થોડી થોડીવારે એમને બે મહિના પહેલાં મળવા આવેલ દીકરા અર્જુન સાથે વિતાવેલ ક્ષણોનું સ્મરણ પણ આંખ સામેથી ઝડપથી પસાર થઈ રહ્યું હતું.
રાત્રીના લગભગ બાર થવા આવ્યાં હતાં. હજી અર્જુનસિંહનો સંપર્ક થઈ શકતો ન હતો.આજે ઘરનો ચૂલો ઠંડો પડ્યો હતો. સાસુ વહુ એકબીજાથી છુપાઈ છુપાઈને રડી લેતાં હતાં અને સામે આવતાં એકબીજાથી નજર ફેરવી લેતાં હતાં.મધુબેન ખાટલામાં પડ્યા પડ્યા જાગતા હતાં. માલતી બાળકીને પડખામાં રાખીને આડી પડી હતી.એવામાં ફોન રણક્યો. મધુબેનમાં શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું. મગજ શૂન્યમનસ્ક થવાની તૈયારીમાં હતું. અજાણ્યા નંબરમાંથી ફોન હતો.માલતીએ ઊંચક્યો ," હેલો , કોણ ?"
સામે છેડેથી ઘણો શોરબકોરનો અવાજ સંભળાતો હતો.
" હું અર્જુન.....બોલું છું."
માલતીની આંખમાંથી આંસુની ધાર થઈ. ડુસકા ખાતાં ખાતાં એ બોલી ," તમે ....તમે ક્યાં છો ? કેમ છો ? "
" હું ઠીક છું, ચિંતા ન કર " અર્જુનસિંહના અવાજમાં ભીનાશ આજે ઓછી અનુભવાતી હતી. " બા ક્યાં છે ?"
" અહીં જ છે , લ્યો આપું છું " કહેતાં માલતીએ સાસુના હાથમાં ફોન આપ્યો.
" બા , પાય પાગણ "
" ભગવાન સો વરસનો કરે....તું ઠીક છે ને બેટા ? રડતાં રડતાં મધુબેનએ પૂછ્યું.
" હા બા હું ઠીક છું પણ...." અર્જુનસિંહ અટક્યો.
" શુ થયું ?"
" આપણી બાજુના ગામનો મહેન્દ્ર......" બોલતાં
બોલતાં અર્જુનસિંહની આંખો છલકાઈ ગઈ. એકાદ ક્ષણ વાતમાં સુન ચોઘડિયું આવી ગયું હોય એમ કોઈ કશું બોલ્યું નહીં. " બા, મને લાગે છે હવે યુદ્ધ થશે. મને આશીર્વાદ આપજો."
" મા ના આશીર્વાદ તો કાયમ તમારી સાથે જ છે બેટા". મધુબેન હિંમત આપતાં બોલ્યાં.
" બા, રજા મળે તો મારે તમને હરિદ્વારની જાત્રા કરાવી છે, ન કરે નારાયણ ને કાલ કંઈ બને તો...હું તમારી વર્ષોની આ એક ઈચ્છાને પુરી શકું તો ઘણું."
" બેટા ,આજે મારી કરતા સીમાડાને તારી જરૂર વધુ છે . દેશ પણ તારી મા જ છે ને.! "
" પણ બા...."
" પણ બણ કઈ નહીં, દુશ્મનોની છાતી ચીરીને આવજે, હરદ્વાર તો પછી પણ જવાશે." બોલતાં બોલતાં જાણે મધુબેનના શરીરમાં નવો રક્ત સંચાર થઈ ગયો.
" બા, સૈનિકનો દીકરો છું , સૈનિકની જેમ જ વર્તીશ. "
" ઈશ્વર તમને સૌને સલામત રાખે."
આંસુ લૂછતાં મધુબેનએ ફોન માલતીના હાથમાં પરત મુક્યો. " બા ,તમે હવે તો કઈ ખાઈ લો ! " માલતીએ મધુબેનના ચહેરા પર સંતોષની રેખાઓ વાંચતા કહ્યું.
" ના બેટા, ભૂખ નથી" . મધુબેનનો અવાજ ઘણો ઝીણો નીકળતો હતો.
" બા, મને એક વાત ન સમજાયી ? " માલતીએ બા સામે જોઈને પૂછ્યું.
" શુ વળી ?"
" યુદ્ધ થાય તો પણ તમારાં દીકરા ઉપર તો એટલો જ ખતરો રહેવાનો, છતાં તમારા ચહેરા પર પહેલાં હતી એટલી ચિંતા દેખાતી નથી એવું કેમ ?"
" દુશ્મન સામે સામી છાતીએ લડતાં શહીદ થશે તો ગર્વ થશે, અત્યારે મારા ચાલીસ દીકરાઓની પીઠ ઉપર ઘા કરનાર કાયરોની છાતી ચીરતો કદાચ વીરગતિ પામશે તો મને ......" બોલતાં બોલતાં મધુબેનએ પોતાના આંખોને હાથ વડે દાબી દીધી.
થોડીવાર કોઈ કશું બોલ્યું નહીં. વળી, માલતી બોલી.
" બા, દેશની રક્ષા કરતાં આ સૈનિકો દેશ માટે મરી પણ શકે, આપણે તો કશું ન કરી શકીએ ! "
" આપણે કરી શકીએ એવું તો કોઈ ન કરી શકે " મધુબેનના અવાજમાં એક રણકાર અનુભવાયો.
" એવું તે શું ? "
" આપણે દેશને આપણો પતિ, દીકરો કે ભાઈ આપી શકીએ , બોલ આપણી જેવું કોઈ કરી શકે? " મધુબેનની આંખોમાં માલતીને ચાલીસ શહીદ જવાનોની માતા એકી સાથે દર્શન થયા હોય એવું ક્ષણિક લાગ્યું. પોતે એક સૈનિકની પત્ની હોવાનો ગર્વ લેતો એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના પેટ ઉપર હાથ ફેરવતાં મનોમન બોલી, "અભિમન્યુની જેમ તું પણ બધું સાંભળતો જ હોઈશ ને? "