Gopal Dhakan

Inspirational Thriller Tragedy

4.5  

Gopal Dhakan

Inspirational Thriller Tragedy

મારે શું થવું ?

મારે શું થવું ?

4 mins
1.8K


આજે કોર્ટ રૂમમાં બહુ ગીર્દી ન હતી. એક ડિવોર્સનો કેસ બોર્ડ પર હતો. વકીલો,જજ અને વડીલોના અથાગ પ્રયત્નો પછી પણ કોર્ટમાં આ કેસ ચર્ચાયો અને અંતે ઘણી તારીખો સુનાવણીઓ પછી જજે પોતાનો ફેંસલો સંભળાવી દીધેલો. પતિ પત્ની બંનેને કોઈપણ રીતે એકબીજા સાથે રહેવા તૈયાર ન હતા. હવે સાથે રેહવું તેના માટે જીંદગી બરબાદ કરવા સરખું લાગતું હતું. બંને પક્ષને સાંભળી બંનેની રાજીખુશીથી છુટા થવા ઇચ્છતા હોય તે બાબતને ધ્યાનમાં લઈ બંનેને છુટા થવા આદેશ અપાઈ ચુક્યો હતો. પતિ; નિર્ભય અને તેની પત્ની - રક્ષણા લગભગ સમવયસ્ક હતા પણ વિચારોથી તદ્દન ભિન્ન હતાં. જોકે પોતાના માં બાપની સમજાવટને લીધે આજ દિન સુધી સાથે રહી શક્યા હતાં. લગ્નના દસ વર્ષ સાથે પસાર કર્યા પછી પણ ઝઘડાઓ એટલે સુધી પહોંચી ગયા મામલો કોર્ટ સુધી પહોંચ્યો.

વડીલો, મિત્રો, સગાસંબંધીઓની ઘણી સમજાવટ પછી પણ બંને પોત પોતાના નિર્ણય પર અડગ હતાં. તેઓથી એક ક્ષણ પણ સાથે રહી શકાય તેમ નથી તેવું સ્પષ્ટ સંભળાવી દીધેલું.

કોર્ટે ફેંસલો સંભળાવી દીધેલો પણ બાળકના કબજા બાબતનો કેસ ચાલુ હતો અને જેની આજે સુનાવણી થવાની હતી. નિર્ભય અને રક્ષણાને એક પુત્ર પણ છે; પર્વ. આજે કોર્ટમાં તે પણ હાજર છે. હાલ તેનો કબજો તેની માતા પાસે હતો પણ નિર્ભય તેને પોતાની પાસે રાખવા માંગતો હતો.

બપોરના સમયે કોર્ટમાં વિરામ હતો. બધા લોબીમાં હતા. આઠ વર્ષનો પર્વ આજે સીધો નિશાળેથી જ આવ્યો હોય એમ લાગતું હતું કારણ કે તેનું દફતર તેની સાથે હતું અને તે યુનિફોર્મમાં હતો. નાના- નાની અને બીજા સભ્યો વાતોમાં વળગેલા હતા, ત્યારે પર્વ થોડે દુર પડેલા એક બાંકડા પર જઇને બેઠો. પોતાની બેગમાંથી નોટબુક કાઢી અને તેમાંથી એક કાગળ કાપ્યો. પેન્સિલને થોડી છોલી કાગળ પર લખવા મંડ્યો. થોડીવાર લખ્યાં બાદ તેણે કાગળને ગડી કરી પોતાના શર્ટનાં ખિસ્સામાં મુક્યો અને બેગ ઉચકી બધા બેઠેલાં હતાં ત્યાં જઈને બેસી ગયો. કોર્ટની કાર્યવાહી શરૂ થવાની હતી એટલે બધા ધીરે ધીરે શાંતિથી અંદર પ્રવેશ્યા. માત્ર પર્વ અને તેનાં નાના જ બાકી હતાં. નાનાની આંગળી થોભી પર્વ કોર્ટમાં પ્રવેશે તે પહેલાં જ તેણે નાનાને પુછ્યું, "નાનું, અહીં મમ્મી ડેડી કેવા ચૂપ ઉભા હતા, ઘરે તો આમ રહેતાં જ નહીં. આવું કેમ?" પોતાના પાસે વિશેષ કંઈ જવાબ ન હોવાથી તેના નાનાએ બાળકને ચૂપ રહેવા ઈશારો કર્યો. પરંતુ પર્વના મનમાં આવા કેટકેટલાય પ્રશ્નોનો જાણે વંટોળ ચડ્યો હતો.

થોડીવારમાં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. વકીલોએ પોતાની દલીલો શરૂ કરી. આરોપો - પ્રત્યારોપો વચ્ચે પર્વને જજ સામે રજૂ કરવાની પરવાનગી મંગાઈ. પર્વને રજૂ કરવાનો સમય થયો. વકીલ સાહેબે પોતાની બાજુમાં તેને બેસાડ્યો. કોઈ વકીલ કંઈ પણ બોલે તે પહેલાં પર્વએ વર્ગખંડમાં હોય એમ હાથ ઊંચો કર્યો. જજ સાહેબે માથું ધુણાવી જાણે મંજૂરી આપી એટલે પર્વ બોલ્યો, "સર, મને ડર લાગે છે"...આટલું બોલી એક ક્ષણ પૂરતી તેણે તેના મમ્મી પપ્પા સામે એક દ્રષ્ટિ કરી અને ફરી જજ સામે જોઇને બોલ્યો, "મને ડર એ વાતનો છે કે હું કશું બોલીશ તો મારા મમ્મી ડેડી ફરી ઝઘડી પડશે તો?" કોર્ટ રૂમમાં આ વાતથી નિર્ભય અને રક્ષણા ક્ષોભીલાં પડી ગયાં. પણ તેમના અહમને લીધે તેઓ ટટાર બેઠેલાં હતાં. પર્વએ પોતાની વાત આગળ વધારતાં કીધું, "સર, મારી વાત મેં આ કાગળમાં લખી રાખી છે." એમ કહી તેણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. કાગળ જજ સાહેબ પાસે પહોંચાડવામાં આવ્યો. જજ સહિત સમગ્ર કોર્ટ રૂમ નાનકડા બાળકની વાંકપટુતાથી અવાક બની ગયા હતા. કાગળમાં શું લખ્યું હશે તેનો સહું કોઈને વિચાર થતો હતો.

જજ સાહેબે કાગળ શાંતિથી વાંચ્યો. કોર્ટરૂમમાં ટાંકણી પડે તેવી શાંતિ છવાયેલી હતી. ગડબડીયા અક્ષરે લખાયેલા એ કાગળે કોર્ટમાં કુતુહલ સર્જ્યું. જજ સાહેબે વાંચીને પેપર વેટ નીચે દબાવીને મુક્યો. આધેડ વયના જજે પોતાના ચશ્માં ઉતારીને બાજુ પર મુક્યા અને આંગળીઓથી પોતાની આંખોને બે ક્ષણ માટે દબાવીને બેસી રહ્યાં. જજ સાહેબને આમ જોઈને કોર્ટમાં વધુ કુતુહલ સર્જાયું. વકીલો વાત આગળ વધારે તે પહેલાં જ જજ સાહેબે સ્વસ્થતા પ્રાપ્ત કરતાં પર્વ સામે જોઇને બોલ્યા , " બેટા, તું કેટલામું ધોરણ ભણે છે?" પર્વએ હળવા સ્મિત સાથે કહ્યું , "ત્રીજું". જવાબ સાંભળીને જજ સાહેબના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. બદલાયેલા હાવભાવ સાથે સાહેબ બોલ્યાં, "આ બાળકનો કાગળ હું પોતે કોર્ટમાં તમામની હાજરીમાં વાંચી સાંભળવું છું". એમ બોલી તેમણે કાગળ ઉપાડ્યો. હાજર તમામ લોકોના કાન જજ સાહેબનો અવાજ ઝીલવા અધીરા બન્યાં હતાં. જજ સાહેબે શરૂ કર્યું ,"મને બધામાં પેલ્લો નંબર જ આવતો પણ આજે મને એક પણ નંબર ન મળ્યો.ખબર છે શું કામ? આજ ના વિષય પર મને કશું આવડતું ન હતું. આજનો વિષય હતો ' મારે શું બનવું છે?' હું શું લખું? મારે ક્યાં રહેવાનું છે એ જ નક્કી નથી. ડેડી મને ડોકટર બનાવા માંગે છે અને મમ્મી એક્ટર. મારે શું લખવું? પહેલીવાર મારું પેપર કોરું છૂટ્યું.".

આખા કૉર્ટ રૂમમાં શાંતિ અસ્ખલિત રહી. જજની દ્રષ્ટિ નિર્ભય અને રક્ષણા પર સ્થિર થઈ.બંનેના ચહેરા ઉતરેલા અને ફિક્કા પડેલાં જણાતાં હતાં અને આંખો છલકવાની તૈયારીમાં હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational