આશા
આશા


ઉનાળાના દિવસોની કોઈ રજા નો દિવસ હતો. એ સવારમાં એક કસબાની શાકમાર્કેટમાં સારી એવી ગીર્દી હતી. કેરીના શોખીનોની સતત અવરજવર હતી. શાકમાર્કેટની બહારની બાજુએ, મુખ્ય માર્ગની બંને બાજુએ કેરીઓ વેચાતી હતી. કેટલીક લારીમાં તો કેટલીક ભાર રિક્ષામાં. કોઈ કોઈ જગ્યાએ જમીન પર પાથરણાં પાથરી ને ઢગલા કરીને પણ વેંચાતી હતી. વાહનોની સતત અવર જવર અને ગ્રાહકોને આકર્ષવા પડતાં સાદનો અવાજ ઘણો જ હતો. પોતાના ફળ સૌથી સારા અને સસ્તાં છે એ સાબિત કરવા બધા કેરીવાળા મથી રહ્યાં હતાં.
એક યુવાન ; ઝીણી દાઢી, ઘાટા વાળ, ખુલતાં કપડાં, પગમાં સ્લીપર અને પ્રત્યેક ડગલાંમાં કૈંક વિચારતો હોય એવી ધીમી ગતિએ, કેરી ખરીદવાના ઇરાદે એક પછી એક ઢગલા, લારી અને રિક્ષામાં ખડકાયેલ પેટીઓ પર નજરથી ક્યાંસ કાઢતો હોય એ રીતે ચાલતો હતો. એવામાં બધા વેપારી પોતાનું ગ્રાહક બાજુમાંથી પસાર ન થઇ જાય એ રીતે ગળા ઘસી ઘસીને કેરીના વખાણ કરતાં થાકતા ન હતાં. એમનો એક બોલ્યો," બોલો સાહેબ કેટલી આપું? મીઠું ફળ છે હોં !" યુવાન કેરીનો કોઈ ખાસ જાણકાર હોય એ રીતે એક કેરી હાથમાં લઇ ચારેબાજુ નિરીક્ષણ કરીને બોલ્યો," ક્યાંની છે ભાઈ ?"
" ધારગણી ની છે," વેપારી એક હાથમાં એક કેરી લઈને બોલવા માંડયો," સાહેબ, બોણીમાં આજ તમને ખવડાવી છે, બોલો કેટલી કરું?"
યુવાનને કેરી સારી લાગી છતાં મનથી લેવાની ઈચ્છા ન થઇ એટલે સહેજ હાથમાં રહેલી કેરી પડતી મૂકીને લારીથી સહેજ આગળ ચાલ્યો. ત્યાં જ કેરીવાળો ફરી બોલ્યો, " ઉભાતો રયો, કેટલી લેવી છે? તમારા ભાવ માં આવશે, બોલો !"યુવાન કોઈ કારણવશ તેની સામું જોયા વિના જ ત્યાંથી આગળ ચાલ્યો. એ જ હરોળમાં સાવ છેડે અંદાજે પદંર વીસ કિલો કેરીનો વ્યવસ્થિત જમીન પર ગોઠવી રાખેલો એક ઢગલો જોયો. થોડા ડગલાં આગળ ચાલીને તેણે જોયું. એક પંદર સોળ વર્ષની છોકરી, જમીન પર સિમેન્ટની બોરીમાંથી સેવેલી પાંચ બાય પાંચની તરફાળ પાથરીને નીચું જોયને બેઠી હતી. બધા વેપારી કેરી વેચવા જાત જાતનું બોલતાં હતાં. પણ આ છોકરી નીચું મોઢું કરીને બેઠેલીબેઠેલી હતી. યુવાનને અજુગતું લાગતાં તે છોકરીની વધુ નજીક ગયો.
એ છોકરીના વાળ વ્યવસ્થિત ઓળેલા હતાં. શારીરિક રીતે મધ્યમ કદ કાઠી, વાન તડકો ખાયને શ્યામ થયેલો જાણતો હતો. પહેરેલા કપડાંનો રંગ કજોડો હતો. બાજુંમાં એક પાંચેક વર્ષનું બાળક ; કદાચ એનું ભાઈભાંડુ હોય એમ રમતું હતું. યુવાન નજીક ગયો એટલે પોતાનાં આસન નીચે કંઇક મૂકતાં ,યુવાન સામે જોતા બોલી, " બોલો સાય'બ?"
યુવાન હાથથી ઈશારો કરતાં બોલ્યો, " શું ભાવ છે?"
"આખી મારકીટ માં જે હાલતો હોય ઈ ". છોકરીના અવાજમાં હાજરજવાબીપણાંનો પડઘો હતો. યુવાને ઝુંકીને એક કેરી હાથમાં લઇ; સૂંઘી ચારે બાજુથી ફેરવીને જોતા બોલ્યો, "ક્યાંનો ઉતારો છે?"
"ગાંગડા ગામની છે."આટલું બોલી તે વધુ કંઈ બોલે તે પહેલા જ યુવાન બોલી ગયો, " પાંચ કિલો કરી દે".
છોકરી મોટી અને સારી કેરીને અલગ કાઢવા લાગી. ત્યાં યુવાન બોલ્યો, " તારી પાસે ત્રાજવું તો છે નહીં, જોખીશ કેમ ?"
" આ પડખેની લારીમાં, જાણીતા જ છે." આટલું બોલીને બાજુની લારીના ત્રાજવાનું છાબડુ લઇ અલગ તારવેલી કેરીને ભરીને, ઉભા ઉભા જોખી પેલા યુવાનની થેલીમાં ભરી દીધી. છોકરીની બોલીમાં દ્રઢતા અને એના શરીરની ચપળતા ઉડીને આંખે વળગે એવી હતી.
જોખાઈ ગયેલી કેરીની થેલી બે પગના પંજા પર ટેકવીને યુવાન ખિસ્સામાંથી પૈસા કાઢી છોકરીના હાથમાં આપ્યાં. પરત લેવાના થતા પૈસા આસન નીચેથી કાઢી આપી રહી હતી ત્યાં જ યુવાને કુતૂહલતાથી પૂછ્યું," બધા કેરીવાળા રાડો પાડી ને ગ્રાહકને બોલાવે છે. તું એક કેમ શાંત બેઠી છો ?"
છોકરીએ મલકાતાં મોઢે પોતાના આસન નીચેથી ધોરણ- ૧૧ નું અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક કાઢ્યું અને બતાવતા બોલી, "ઈ તો હું આ વાંચતી હતી."
ઘોંઘાટીયા વાતાવરણમાં પણ યુવાન પોતાના હૃદયના ધબકારા સ્પષ્ટ સાંભળી શકે એવો સૂનકાર થઇ ગયો. ક્ષણભર છોકરીને જોયા પછી બોલ્યો," તારું નામ શું છે, બેન?"
છોકરીએ સ્મિત સાથે કીધું , "આશા ".