Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

અજવાળું

અજવાળું

5 mins
371


"એ રામ રામ... માસ્તર સાહેબ"

"હા વસ્તા ભાઈ, રામ રામ, હાલો...આવવું છે બજારે ?"

"ના રે...સાયેબ, તમ તમારે જઈ આવો, અમારે તો ખેતરના શેઢા બોલાવે સે"

નરસિંહ માસ્તરને આખું ગામ ઓળખે.. લગભગ આયખાનો અડધો ભાગ આ ગામમાં જ પસાર કર્યો. નરસિંહ ભાઈ એકવીસના હતાનેે નોકરી લાગી પ્રાથમિક શિક્ષક તરીકેને આ ગામમાં વસી ગયા. મૂળ તો ચાર ગાઉં છેટે આવેલ રૂપપુરના પણ હવે આ ગામ જ જાણે તેમનું વતન થઈ પડ્યું હતું. બાવન વર્ષના થયેલ માસ્તરને એક જ દીકરી નામે પન્ના. જાણે પન્ના નામના વિસ્તારની હીરાની ખાણમાં થી આવેલું રત્ન. રૂપે ને ગુણે માસ્તરની શોભા વધારે તેવી દીકરી યુવાનીને આંબી ગઇ હતી. માસ્તરને આ એકજ ચિંતા રહ્યા કરતી કે આ કોહિનૂર શોભે તેવો મુકુટ ક્યાં મળશે ?

***

માસ્તર બજાર જઈ હટાણું કરી ચારની ગાડીમાં ઘરે આવી ગયા હતા. ચા પાણી પતાવી ઓસરીમાં બેસી છાપું હાથમાં લીધું ને માસ્તરાણીએ લહેંકો કર્યો.

"સાંભળો છો, પન્નીના બાપા... કાંય વિચાર્યું કે નઈ ?"

"શું વિચારવાનું હતું તે ?"

"તમે જાણીને અજાણ્યા થાઓ નહિ.., પન્ની માટે માંગુ આવ્યું છે તેની વાત કરું છું.."

"સાંભળો, એ શાંતિનો દીકરો એન્જિનિયરિંગ નું ભણે છે તે સાચું પણ બાપની છાયા વગરનું ઘર ને વળી મારી દીકરી તો કોઈ મોટા દાક્તર સાહેબના ઘેર શોભે એવી છે. જોઈએ વિચારવા ધ્યો હમણાં મને"

***

માસ્તરને ડોક્ટરના વ્યવસાય અને માન મરતબા પ્રત્યે ઘણો અહોભાવ રહેતો. વાસ્તવમાં, ગામડા ગામમાં માસ્તરને બધા સાહેબ સાહેબ કરે પણ માસ્તર કોઈને સાહેબ કહે તેવો વ્યક્તિ એક જ હતો અને તે ગામમાં રામજી મંદિરની બાજુમાં ભાડાના ઘરમાં દવાખાનું કરી બે વરસથી રહેતા ડોક્ટર મનીષભાઈ!

હજુ બે દિવસ પહેલાની જ વાત છે. માસ્તરાણી માટે વા ની ટીકડી લેવા માસ્તર દવાખાને ગયેલા. ડોક્ટર બીજા દર્દીને તપાસતા હતા દરમ્યાનમાં શિવો પટેલ મોટો થેલો ભરીને રવૈયા ને દૂધી લઈને દવાખાને આવી પૂગ્યો હતો. ડોક્ટરના પત્નીને 'મેડમ મેડમ' કરીને હરખભેર થેલો આપી માસ્તરની સામે મલકતો નીકળી ગયેલો. માસ્તર અચંબામાં પડેલ કે જે શિવો પટેલ તેના ઠોઠ દીકરાને આગળના વરસમાં પાસ કરી ધકેલવાની લાલચે વરસમાં માંડ એકવાર ચાર રીંગણાં મથી મથીને મોકલતો એ આ રીતે કેટલું બધું આ ડોક્ટર માટે ઘસાઈ જતો હતો ! વળી, ગામડા ગામમાં મામલતદાર કે ટીડીઓ અથવા સર્કલ સાહેબની સવારી આવે તો પણ તેઓની હરોળમાં ડોક્ટર સાહેબને બેસાડવામાં આવતા. માસ્તર તરીકે પોતાનોને સરપંચનો નંબર તેમના પછી જ આવતો. આવું તો કંઈ કેટલુંય માન પાન ડોકટરને મળતું એ જોઈ માસ્તરનો અહોભાવ ડોક્ટરના હોદ્દા માટે વધતો ચાલેલો. મનમાં નક્કી કરેલું કે મારી પન્ની માટે મુરતીયો કોઈ ડોક્ટર જ ખોળીશ.

***

શાંતિનો દીકરો સુકેતુને પન્ના નાનપણમાં એક જ નિશાળમાં ભણેલા. સુકેતુ પહેલેથી હોશિયાર અને નમણો હતો. હવે, યુવાનીને ઉંબરે ઉભેલા બન્ને પાત્રો એકમેકને પૂરક બને તેવા હતા. ગામના કાંધિયા પણ એ વાતે સંમત હતા કે માસ્તરની દીકરી માટે ગામમાં જ કોઈ યોગ્ય પાત્ર હોય તો તે વિધવા શાંતિનો એકનો એક દીકરો સુકેતુ જ છે. મેડીબંધ મકાન, લિલી છમ વાડીને ગામનો એકમાત્ર એન્જિનિયર થતો સોહામણો મુરતીયો હોય તો તે સુકેતુ !

સુકેતુના મનમાં પણ સંસ્કાર અને રૂપની દૃષ્ટિએ માસ્તરની દીકરી વસી હતી. માસ્તર તરફથી કોઈ જવાબ ન આવતા એક દિવસ સુકેતુ પોતાની મા શાંતિ સાથે માસ્તરના ઘરે પણ કહેણ નાખવા રૂબરૂ થયો. આ મુલાકાત સુકેતુ અને પન્નાને એકબીજા તરફ લગાવ ઊભો કરવા માટે અને પોતે એકબીજાને અનુકૂળ થઈ શકે તેવા વ્યક્તિત્વ વાળા છીએ તેટલું સમજી લેવા પૂરતી થઈ પડી હતી. પણ, નરસિંહ માસ્તર જેનું નામ, 'હજુ વિચારીયે ' તેવું ઠંડુ પાણી વાત ઉપર રેડીને માં-દીકરાને પાછા મોકલેલ. આ બાજુ સુકેતુ અને પન્ના એકબીજાને મનોમન પસંદ કરી રહ્યા હતા પણ કરે શું. ?

***

સવાર સવારમાં માસ્તર નિશાળમાંથી અચાનક ઘરે આવ્યા.

"અરે, સાંભળો.. પન્નીની બા, એક સરસ સમાચાર આપુ...!"

"હા, ઇ તો નિશાળથી અચાનક આવી ગ્યા એટલે મનમાં હતું જ , કંઇક નવાજૂની હશે..."

"તો, સાંભળો, શહેરમાં રહેતા કારભારી પૂંજા કાંતિના ડોક્ટર દીકરાનું માંગુ આવ્યું છે. આપણી પન્ની હારું!

નસીબ વાળી ખરી ક નઈ...મારી દીકરી"

"એ ખરું પણ, ..."

"એ પણ ને બણ, મે'માન આપણા ઘરે આવશે આવતી અગિયારશના દા'ડે, તૈયારી કરો"

***

કારભારી એ દીકરાને ડોક્ટર તો 'બનાવ્યો' ...પણ સમાજમાં છાપ બગડેલ બાપના બગડેલ દીકરા જેવી. ડોક્ટર જેવા ઉમદા વ્યવસાય માટે પ્રતિકુળ લક્ષણો વિકસ્યા હતા જાણે ! દારૂની લત હોવાની વાતો પણ છાને છપને થતી રહેતી. પણ, એક તો રૂપિયાની રેલમછેલ ને કારભારીનો રૂઆબ ! કોણ દુશ્મની વહોરવા રાજી હોય !

આ તરફ માસ્તર તો દીકરી 'મેડમ ' થઈને રહેશે ને પોતે ડોક્ટરના સસરા થઈ કેવો દમામ ભોગવશે તેની જ કલ્પનાએ ચઢ્યા હતા. છેવટે, ઔપચારિકતાઓ શરૂ થઈને પૂરી થઈ ! દીકરીને સાસરે વળાવી માસ્તર રાજીના રેડ થયા. પોતાની દીકરી પન્ના પણ હવે 'મેડમ' થઈ ગઈ તે વાતનું જબરું મહત્વ હતું તેમના અંતરે.

સુકેતુ નિસાસા સિવાય કંઈ વ્યક્ત કરીના શક્યો, પણ.. એન્જીનીયરીંગના છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારીમાં મન પરોવી લીધું હતું. 

***

આઠ માસ વીત્યા, પન્ના હવે માટે ભાગે સાસરે જ રહેતી. પિયરમાં આવવાનું હવે નહિવત થયું હતું. મા એ દીકરીના ચહેરાને વાંચી લઈ પીડા પારખી હતી પણ, માસ્તર હજુ કેફમાં હતા. ને થવાનું હતું તે થયું... સતત દારૂની લત ડોક્ટરના લિવર ઉપર સવાર થઈ ગઈ. પાણીની જેમ વેરાયેલા કારભારીના નાણાં દીકરાને બચાવી ન શક્યા. માસ્તર ઉપર દુઃખનો પહાડ તૂટ્યો. કુમળી વયે વિધવા દીકરી ઘરનો ખૂણો બની ગઈ હતી હવે ! પન્નાના જીવનમાંથી રંગો ઊડી ગયા હતા અને સફેદી એ કાયમી મુકામ હાંસલ કર્યો હતો.

***

વરસ દોઢ વીત્યું, સુકેતુ હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈ સરકારી વીજળી વિભાગમાં રૂઆબદાર ઇજનેર હતો. તેની મા શાંતિ, દીકરાને પરણાવવા એકથી એક ચઢિયાતી કન્યાનાં માંગા તેની આગળ ધરતી હતી પણ સુકેતુ દર વખતે વાત ટાળી જતો !

દરમ્યાનમાં એક ઘટના ઘટી...! માસ્તરના મકાનમાં અડધી રાતે શોર્ટ સર્કિટથી આગ લાગી. ગામના લોકોએ જેમતેમ કરી આગ બુઝાવી પણ ત્યાં સુધી માસ્તરની ઠીક ઠીક ઘરવખરી બળી ગઈ. ગનીમત રહી કે માસ્તરનો નાનો પરિવાર બચ્યો. મદદનીશ ઇજનેર તરીકે નુકસાની તથા અકસ્માતના કારણનું સરવે કરવા અને ઘરની લાઈટ ફરી ચાલુ કરવા માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા કરવા સુકેતુ એ જ ટીમ લઈ માસ્તરના ઘરે જવાનું થયું.

માસ્તર, હવે એ સુકેતુને આવકારવા વિવશ હતા. પોતે જેને એક વાર ઠોકર મારેલી એ પત્થર હવે સાચો હીરોનીકળ્યો હતો. ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી રહેલ સુકેતુનું સમગ્ર ધ્યાન આ દરમ્યાન શૂન્ય મનસ્ક રહેતી પન્ના તરફ પણ હતું. નજર મળી પણ પન્ના નીચું જોઈને આંખના ખૂણા લૂછતાં રસોડામાં વહી ગઈ.

સુકેતુનું કામ પૂરું થયું. બીજા દિવસે ધુળેટીની રજા હોવા છતાં,સુકેતુની સૂચનાને કારણે વીજ કંપનીના ઈલેક્ટ્રીશિયન ધુળેટીના દિવસે પણ આવી લાઈટ કનેક્શન જોડી દેવાના હતા. માસ્તર આ ગોઠવણથી અજાણ હતા.

"એન્જિનિયર સાહેબ આભાર. તમે ગામના હતા એટલે જલદી બધી કાર્યવાહી થઈ, અવ ઘરની લાઈટ પણ તરત ચાલુ થાય એટલું કરજો"

"હા, સાહેબ...આ તો મારી ફરજ હતી. મારું કામ જ અજવાળું કરવાનું છે ને ! કાલે સાંજ સુધીમાં તમારા ઘરમાં અજવાળાને આવકારવા તૈયારી રાખજો." 

હસી રહેલો સુકેતુ, એમ કહી, રસોડા તરફ લાગણી ભરી નજર નાખી રહ્યો જ્યાં રસોડામાં બારણાં પાછળ એક ઓછાયો તેને સાંભળી રહ્યો હતો. માસ્તરની નજર અને મન આ બધાથી જાણે સભાન હતા. રસોડામાં ઉભી દીકરીના અડવાયા હાથો સામે જોઈને બોલ્યા, 

"પન્ની બેટા, આપણા ઘરનું અજવાળું પાછું આવશે. હવે એ અજવાળાને ચા પિવડાવે છે ને ?"

સુકેતુ, કંઈ સમજ્યો નહિ પણ માસ્તર ઘણું સમજી ચૂક્યા હતા જાણે !

***

ધુળેટીની સવારે, માસ્તર વહેલા ઉઠ્યા, સરસ મજાના બગલાની પાંખ જેવા કપડાં પહેરી, હાથમાં ગુલાલની પડીકી લઈ ઘરની બહાર જવાા નીકળ્યા ને...,

"પન્નીના બાપુ, આજ ધુળેટી છે, કો'ક રંગી નાખશે...નીકળ્યા છો તે !"

"આજ તો રંગવુ છે ને રંગાવું છે..."

"કોને રંગવા નીકળ્યા...હેં ?"

"આ ઘરના અજવાળાને !"

આટલું બોલી, માસ્તર પન્નાના માથે હાથ ફેરવીને...ઝડપથી ઘરનો ઉંબરો ઓળંગી ગયા...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational