STORYMIRROR

Jignasa Mistry

Inspirational

4  

Jignasa Mistry

Inspirational

અજાણી વ્યક્તિ

અજાણી વ્યક્તિ

2 mins
336

લગ્નના જમણવારમાંથી આવી રહેલી સુંગધ રાજેશની ભૂખને વધુ તીવ્ર બનાવી રહી હતી. અરે ! બીજા પાંચસો માણસો જમી શકે એટલો અન્નનો બગાડ ! પાકની રોપણીથી લઈ કાપણી સુધી ખેડૂતો કેટલી મહેનત કરે છે ત્યારે અનાજ પાકે છે. અન્ન દેવતા અને જગતના તાતનું આટલુ બધું અપમાન ! એક તરફ અવનવી વાનગીઓનો એંઠવાડ હતો. જ્યારે બીજી તરફ એક ટંકનો રોટલો પણ માંડ મેળવતા તેના જેવા અનેક લોકો હતા. 

રાજેશના પગ શહેરની જાહોજલાલી જોતા આગળ વધ્યા. પોતાના ખેડૂત પિતાએ દેવુ કરી અનેક સપનાઆે સાથે તેને ભણાવી, ગણાવીને શહેરમાં કમાણી કરવાં મોકલ્યો હતો. બે દિવસ પહેલા તેના પિતાએ કહ્યું હતું કે,

"દિકરા બે વર્ષથી મેઘરાજા રિસાયા હોય એમ ધરતીમાતાને તરસાવે છે. ગામનાં શેઠજી પાસેથી તને ભણાવવા તથા રોપણી કરવાં લીધેલી રકમ હજી પરત કરાઈ નથી. તારી બેનનાં લગ્ન નજીકમાં છે એટલે તું તાત્કાલિક પૈસા મોકલજે."

રાજેશના મનમાં ભીષણ યુધ્ધ ચાલી રહ્યું હતું. પિતાના શબ્દો તેના કર્ણપટલ પર અથડાયાં કરતા હતા. ખેડૂતપૂત્રોની આવી અવદશા કેમ ? જગતનો તાત જ ભૂખે મરે ? પિતાને કોણ સમજાવે કે, પોતે શહેરમાં કેવી રીતે જીવે છે ? છેલ્લાં બે વર્ષથી નોકરી શોધતાં તેના ચંપલ ઘસાઈ ગયા હતા. અરે ! તેની પાસે ઝેર ખાવાનાં પણ પૈસા નથી !

જીવનની સમસ્યાઓથી નાસીપાસ થયેલા રાજેશના પગ નદીનાં પુલ તરફ વધ્યા ! તે જેવો નદીમાં કૂદવાં જતો હતો ત્યાં એક અજાણી વ્યક્તિએ તેનો હાથ ખેંચ્યો. 

"મિત્ર, આમ આપઘાતનો પ્રયાસ કેમ?"

રાજેશે અજાણી વ્યક્તિને પોતાની આપવીતી સંભળાવી. 

"મિત્ર, ભૂમિપુત્રો હિંમત ન હારે. તારા આપધાત કરવાથી શું સમસ્યાઓનો અંત આવશે ? મિત્ર ગામડે જઈ પરિવારને તારી સમસ્યાઓ જણાવ."

અજાણી વ્યક્તિની સહાયથી રાજેશ ઘરે પાછો ફર્યો અને પોતાના પિતાને ભેટીને ખૂબ રડયો. બીજા દિવસથી રાજેશ પિતા સાથે ખેતરમાં જવાં લાગ્યો. પિતાના માર્ગદર્શનનો તથા પોતાના શિક્ષણનો ઉપયોગ ખેતીમાં કરવાં લાગ્યો. ખેતરની ચોતરફ ઉગાડેલી નારિયેળીની તેણે માવજત કરી. તેણે સરકારની અવનવી યોજનાઓ તથા ખેડૂત સહાયની જાણકારી મેળવી.

વર્ષાઋતુ આવતાં ખેડૂતો પોતાનું કર્મ પ્રેમથી કરવા લાગ્યાં. ઉપરવાળો પણ તેમની તનતોડ મહેનતથી ખુશ થયો હોય એમ આ વર્ષે મેઘરાજાની પધરામણી થઈ. ખેતરમાં ડાંગરની રોપણી કરાઈ. ટૂંક સમયમાં ધરતીમાતા કોઈ મહારાણીની જેમ લીલી ચુંદડીમાં શોભી ઊઠ્યા ! રાજેશની મહેનતની મોસમ રંગ લાવી ! રાજેશે ખેતીની આવકમાંથી દેવું ચૂકતે કર્યુ. લોકોને રોજી, રોટી પણ આપી. 

વળી, રાજેશ ખેતીમાં આધુનિકતા લાવવાં તથા અન્નનાં બગાડને અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવા લાગ્યો. તેના જીવનમાં ખેતીની જેમ હરિયાળી છવાઈ ગઈ. તેના કાર્યોની સુવાસ ભીની માટીની સુગંધની જેમ ફેલાવા લાગી. 

તેણે ઈશ્વરને પ્રાર્થના કરી, "હે પ્રભુ ! મારા જીવનની કપરી ક્ષણને સાચવવાં તે અજાણી વ્યક્તિ મોકલી. એમ બધાનાં જીવનમાં કોઈ દેવદૂત, સારથી કે અજાણી વ્યક્તિ ચોકકસ મોંકલજે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational