Swati Nayak

Classics Tragedy

4  

Swati Nayak

Classics Tragedy

અગ્નિશિખામાં કૂંપળ

અગ્નિશિખામાં કૂંપળ

7 mins
14.7K


એક શબ્દ પડઘાય ગઝલના આકારે,

એક નાવ અજાણી કિનારે લાંગરે.

અગ્નિ શિખામાં પછી કૂંપળ પાંગરે,

એક માવઠું આવે ને વસંત સાંભરે.

પાનખર બેસવામાં જ હતી. હવે ચોમાસે પોચી કરેલી જમીન અને ભીંજવેલી ડાળોને શિયાળાની ઠંડી હવાએ સૂસવાટા મારી મારીને રૂક્ષ કરી દીધા હતા. હવે તો રહી રહી લીલાશ પણ ખરી પડવાની. હવે કૂંપળ શાની ફૂટે...

દેવસેવાના ફૂલ ચૂંટવા અવની વિચારી રહી હતી... ઠંડીમાં ફૂલ પણ ઓછા જ ખીલતા હતા. ભડભડતા પલાશ ખીલે ને તેય ઝાડની ટોચે. દેવસેવા માટે બારમાસીથી જ ચલાવવું પડે.

આછા ધુમ્મસની આછી રૂપેરી સવારમાં લીલી બાંધણી પહેરી, ભીના વાળના છેડે ટપકતા જલબિંદુઓથી તેજસ્વી લાગતી અવની આંગણામાં એક મનોરમ દૃશ્ય ઉભું કરી રહી હતી. જાણે વધુ એક સરસ સ્વપ્ન જેવું.

ત્યાં જ ઘરમાંથી એક કરડા. તોછડા અવાજે બૂમ પાડી... "મારા કપડા ક્યાં છે? આ અવની ક્યાં મરી ગઈ?" ને તેની પાછળ ધ્રુજતા તીક્ષ્ણ અવાજે સૂર પુરાવ્યો. "અવની, ઘરમાં આવ, સવાર સવારમાં નાહક કોકને અપશુકન કરાવશે. વાંઝણી – આટ આટલા દેવલા પૂજ્યા પણ વાંઝણી નસીબમાં પેટ મંડાયાનું હોત તો ક્યારનું મંડાઈ જાત. અલ્યા આકાશ તને ય હું તો કહી કહીને થાકી. આને કાઢ ને બીજી લાવ. નકર પાછર સરાધ કરનારું કોઈ નહીં રહે. આ તનેય પાંત્રીસ થવા આવ્યા..." ને પાછું ડોકું બારીની બહાર કાઢીને ઈચ્છાબાએ અવનીને બૂમ પાડી...

અવની ઘરમાં પાછા ફરતા આમતેમ જોઈ રહી. મારું મોં જોઈ અપશુકન થાય કે સવાર સવારમાં ડોશીની વાણીથી અપશુકન થાય? આ ઘરમાં આવ્યાને ચૌદ વર્ષ થયા હજુ સુધી એકપણ સવાર મંગળમય થઈ નથી. વારાફરતી આકાશ અને બાનો કકળાટ ચાલુ જ હોય. શરૂશરૂમાં તો એ ડરી જતી. આવા રૂક્ષ માણસો હોઈ શકે? પ્રેમથી વાત કરતા તો કોઈ શીખ્યું જ નથી. દયા પણ આવતી કે પ્રભુએ આ બે જીવનાં ખાતામાં કાયમનો અજંપો શું કામ લખી દીધો હશે? આવા સરસ વિસ્તારમાં વિશાળ આંગણામાં બદલાતી ઋતુઓની મજા માણવાને બદલે દર ચોમાસે રેતી પથરાવી આંગણાને સૂકું રાખતા ને મનને સાવ કોરું રાખતા હતા આ લોકો. ચોવીસ કલાકમાંથી સવારે વહેલા ઉઠીને એક કલાક દેવસેવા માટે અને બપોરે બે કલાક વાંચવા માટે અવનીને મળતા. તે ત્રણ કલાકની મૂડી ચોવીસ કલાક ખેંચી કાઢવાનું બળ પુરું પાડતી. હવે તો એ પથ્થર જેવી થઈ ગઈ હતી. કોઈ વાકપ્રહારોની એના પર અસર થતી જ નહીં. બસ સ્થિર, સપાટ ચહેરે ભાવ વિહિન રહીને રોજીંદુ કાર્ય કર્યે જતી હતી.

બૂમ પડતા જ અવની અંદર દોડી... ઝડપથી આકાશને જોઈતી વસ્તુઓ આપી. ચા-નાસ્તો કરીને આકાશ બહાર જવા નીકળ્યો કે પાછી બા એ ટકોર કરી, "બેટા, છેલ્લીવાર આ વાંઝણીને પેલા નવા ડોકટર પાસે લઈ જા ને... આગળનું પછી વિચારીએ..."

અવનીએ આકાશ તરફ જોયું. આગળનું એટલે બીજા લગ્નનું. આ માણસ ફરી લગ્ન કરે ખરો? એને કદાચ બાળક થાય તોય એને એ પ્રેમ કરી શકે ખરો? ને બીજી પત્ની પોતાની જેમ મૂંગે મોઢે મહેણા સહી શકે?

કોઈ પ્રશ્નનો ઉત્તર આકાશની આંખોમાં દેખાતો ન હતો. બસ, અફાટ રણ .મૃગજળ વિનાનું રણ... દુનિયામાં મોટાભાગના લોકો આવા જ હશે. સુક્કા,સૂસવાટા મારતા ઠંડા વાયરા જેવા, રહી સહી લીલાશ પણ ઉડી જાય એવા... એમને અંકુરીત થતા આવડે શાનું?

આકાશે કહ્યું, "આજે ટાઈમ નથી. અવની તું એકલી જઈ આવ... ને સાથે સાથે ફોનનું બિલ ને અનાજના હિસાબનું પતાવજે...."

અવનીએ કહ્યું." મને ખબર છે ડોકટર શું કહેવાના છે. 'બધુ નોર્મલ છે. કોઈ ખામી નથી. 'ચાર-પાંચ ડોકટરો પાસે સાંભળ્યું છે. હજુ કેટલી વખત સાંભળવું છે? ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે બાળક થશે..."

એટલે તરત સાસુમાં તાડૂક્યા... "આ અક્કલ વગરનીને બોલવાનું કોણે કીધું? "

આકાશ તુ જ લઈ જજે કાલે, નહીં તો આ જૂઠું બોલે તોય ખબર ના પડે. "

આકાશે કહ્યું "જવા દે બા, ચૌદ વર્ષમાં જે ચમત્કાર નથી થયો તે હવે થોડો થવાનો? મારે કામ બહુ છે... હું જાઉં છું..."

અવની તરફ નજર સુધ્ધાં નાંખ્યા વગર જવાની આકાશને પહેલેથી જ ટેવ હતી. એની હાજરી હોય ન હોય બધુ એક સમાન. ને સાસુજી બોસ વધારે ને બા ઓછા. ખરેખર બાળકની જરૂરત તો અવનીને જ વધારે હતી. ધગધગતા રણ જેવી જિંદગીમાં એક પાંદડીનો છાંયડો મળે એવી ઝંખના એનેય હતી. પણ આ ઘરમાં બાળક નહીં આવી શકે એવું એને કોણ જાણે કેમ સતત લાગતું. કદાચ ઈશ્વર પ્રેમાળ પરિવારને જ વારસદાર આપતા હશે. વ્હાલના વારસદાર કડવાશને આગળ વધતી અટકાવી જ દેતા હશે ને?

સગાવહાલા કહેતા, બાપ વિનાના દીકરાને મા એ બહુ મહેનતથી ઉછેર્યો છે. મોટો કર્યો છે... વાત સાચી હશે પણ તેથી જીંદગીમાંથી સ્નેહની બાદબાકી થઈ જતી હશે?

ચબૂતરે ચણ ને પાણી ભરી અવની આસપાસના વૃક્ષો તરફ જોઈ રહી. ઝીણો કલરવ સંભળાતો હતો. બધા માળામાં બચ્ચાં હશે. ચાંચમાં ચાંચ દઈ ચકી એને દાણા ખવડાવતી હશે. હાથ અનાયાસ પેટ પર ગયો, 'મારી કૂખમાં આવવું નહીં ગમતું હોય કોઈ જીવને?'

...હાથ પગે ખાલી ચઢી ગઈ. અવની ઓટલા પર બેસી પડી. સ્કૂલેથી છૂટીને આવતા બાળકો અવનીને બૂમ પાડતા પાડતા ઘરે ગયા. અવની ચોકલેટ રાખતી એ બધાંને આપવા. પણ વાંઝણીના હાથનું ન ખાવું એવી શીખામણ ખુદ અવનીના ઘરમાંથી જ બાળકોની માને અપાતી. ને પછી તો અવનીએ પણ ખોટું લગાડવાનું છોડી દીધું હતું. અસ્તિત્વની આસપાસ કવચ રચાતું જતું હતું. અભેદ કવચ. એની અંદર અવની એકલી હતી. સાવ એકલી.

ત્યાં સામેના બંધ ઘરમાં આગળ આવીને એક ટ્રક ઊભી રહી. સામાન નીચે ઉતારાયો. ઘર સાફ થયું ને એક ત્રીસેક વર્ષનો માણસ એકલો એની એકલી દુનિયા વસાવી રહેવા આવી ગયો.

"ચાલો જંગલ સાફ થયું. હવે રસ્તો ચોખ્ખો દેખાશે." આકાશ બોલેલો.

"વાંઢો લાગે છે. કા’તો વિધુર." બાએ ખણખોદ ચાલુ કરી દીધેલી ને તપાસને અંતે પરિણામ પણ મળેલું. લગ્ન કર્યા જ નથી. કોઈ ગમી જ નથી.

બાએ બડબડાટ ચાલું કરી દીધેલો. 'ગમી શાની, આવી જ નહીં હોય, મા-બાપ વગરના અનાથને કોણ દીકરી આપે?"

"મલ્હાર, સરસ નામ છે." અવની વિચારી રહી. મલ્હાર પણ સવારે બાગમાં ખોદકામ કરતો. નવા છોડ, બીજ રોપતો. સીડી પ્લેયર પર ક્લાસીકલ ભજનની સીડી મૂકતો. એક કલાક બાગ કામ કર્યા પછી એ પણ અવનીની જેમ ઘરના રોજિંદા કામમાં પરોવાઈ જતો. ને અગિયારના ટકોરે તૈયાર થઇ ઓફિસ જતો.

છેવટે અવની એ ફરી નવા ડોકટરને બતાવ્યું. 'બંનેમાં કોઈ ખામી નથી.' ફરી એ જ રિપોર્ટ... બાળક ન થવાનું કોઈ કારણ નહીં ને તોય...

જોકે હવે અવની ટેવાઈ ગઈ હતી. ઘરમાં પ્રવેશતા જ બાનાં મહેણાંટોણાંથી..

એણે આકાશને કહ્યું, 'ક્યાંક નોકરી કરું તો?' આકાશે ખીજવાઈને કહ્યું, 'તને કોણ નોકરી આપવાનું આ ઉંમરે? સીધા સીધા ઘરના કામ કરો.'

પાનખરના પાંદડાની પથારી થઈ ગઈ હતી. અવનીએ વાળીને ઢગલો કર્યો. સળગાવી દીધો. બે ત્રણ દિવસ આંગણું ચોખ્ખું લાગશે ને પાછું એનું એજ. સામે મલ્હારે રોપેલા છોડવાને ઝીણા લાલ-પીળા ફૂલ બેઠા હતા. રોજ પાણી-ખાતર સીંચવાની ટેવ. પાણીનો પાઈપ તો અવની પણ મૂકતી બગીચામાં પણ જમીન જ સુક્કી ભઠ થઈ ગઈ હતી. મલ્હારની જેમ ક્યારી બનાવવી જોઈએ. હિંમત કરીને એક દિવસ કોદાળી માંગી. મલ્હારે તો તરત જ હસીને કહ્યું, "અરે લ્યો ને એમાં શું?" ને સાંજે પાછી આપી ત્યારે ક્યારીઓ જોઈને ખુશ થઈ કહેલું 'વાહ, હવે જોજો ફૂલ કેવા ખીલે છે તે...'

બાને પૂછીને સાંજે શીરો ને બટાટા વડા બનાવેલા તે આપી દીધેલા. ઘરમાં તો ન ગઈ પણ દરવાજેથી દેખાતું હતું. ઘરમાં સ્વચ્છ સુઘડ. પારંપરિક બેઠકવાળો આગલો રૂમ એમાં સિતાર, હાર્મોનિયમ – બીજી તરફ ચોપડીઓથી ભરેલો કબાટ... ઈચ્છા તો ઘણી થઈ કે વાંચવા માટે માંગે એકાદ પણ પછી માંડી વાળ્યું. આમ, સાવ નવી ઓળખાણ... ને માગવું.

આકાશ સાથે વાત કરવાની કોશિશ મલ્હારે કરેલી. પણ વાત બે ત્રણ વાક્યોથી વધુ આગળ વધી નહીં. ને બાને ય થોડો બાઘો લાગેલો. ફૂલ તોડતી વખતે અવની સાથે એકાદ સ્મિતની આપ-લે થતી બસ.

ફરી પાંદડાને ભેગા કર્યા ત્યારે મલ્હારે કહેલું. 'એને સળગાવી ન દેતા. ખાડો કરી ભરી દો. ખાતર થશે એનું. વનસ્પતિઓ તો જમીન પાસે જે લે તે એને પાછું આપે...'

એક સાંજે અચાનક માવઠું થયેલું. આંગણામાં સૂકવેલા કપડા એકઠા કરે કરે ત્યાં તો અવની તરબોળ. ઓફિસથી પાછો ફરેલો મલ્હાર દરવાજો બંધ કરવા ઉભો રહ્યો તે ઉભો જ રહી ગયો. અવનીના વાળ પરથી ગરદન પર અને ખભા પર ઉતરતા પાણીના બિંદુઓ જોઈ રહ્યો. અનાયાસ બોલી પડ્યો, "અદભૂત ! તમે ખરેખર ખૂબ સુંદર છો..." ને પછી... "માફ કરજો... સોરી..." કહીને ઝડપથી ઘરમાં જતો રહેલો.

"આ વરસાદે શું તોફાન માંડ્યું છે ?" બોલતી અવની ઘરમાં કપડા નાંખીને સીધી અરીસા સામે... તે બાની બૂમ પડી ત્યાં સુધી. ભીના કપડા બદલવાના ય હોશ ક્યાં હતા? ને મહેણા સાંભળવા કાન ક્યાં હતા? એ તો 'અદભૂત' શબ્દના ઉચ્ચારના પડઘા પાડવામાં મશગૂલ...

ગરમા ગરમ ભજીયા બનાવ્યા ને હંમેશની જેમ મલ્હારના દરવાજા પાસે જ ડીશ આપી ઝડપથી પાછી અરીસા સામે...

અરીસાને આંખો આવી હતી. એકધારું જોઈને અવનીને શરમાવતો હતો. નજર જ લાગી ગઈ હશે એની... તે થોડા દિવસોમાં જ અવનીને તાવ આવ્યો. બે ત્રણ દિવસના તાવમાં અશક્તિ તો એવી કે ચક્કર આવે, જાણે હમણા પડીશ.

નાછૂટકે ડોકટરને બતાવવા લઈ જવી પડી આકાશે. ઘરે આવીનને સીધો દોડ્યો બા પાસે.. "બા અવનીને સારા દિવસો જાય છે. તારી પ્રાર્થના ફળી બા, તું દાદી બનવાની છે. આટઆટલા વર્ષોની પ્રાર્થના ફળી."

પાછળ પાછળ ઝાંપામાં પ્રવેશેલી અવનીએ જોયું. એણે કરેલી ક્યારીમાં આગળ ક્યારેક રોપેલા બીજમાંથી કૂંપળો ફૂટી હતી. ને એમાંથી પાંગરેલા છોડ પર ઝીણા લાલ-પીળા ફૂલો આવ્યા હતા. એક જ દિવસના માવઠાના પાણીએ ચમત્કાર કર્યો હતો. અવની ઝીણી રેશમી કૂંપળને સ્નેહથી જોઈ રહી... પાનખરમાં વસંતે માવઠાનો સંગાથ કરી પગરણ માંડ્યા હતા. હવે બધું આહલાદક હતું.... ભીની, અંકુરિત ધરતી જેવું... મહેકતું...


Rate this content
Log in

Similar gujarati story from Classics