Swati Nayak

Inspirational Others

2.5  

Swati Nayak

Inspirational Others

કોરો કાગળ

કોરો કાગળ

7 mins
14.2K


અમથું અમથું વ્હાલુ વ્હાલું, અલ્લડ નમને અડવું હતું

પથ્થર હૃદયને બાથ ભરીને ભીજવવાને રડવું હતું.

ઘેરા જાંબલી, કાળા-ભીના ભૂરા રંગોથી છલકાતું આકાશ. એના એક ખૂણે ઝાંખો ચંદ્ર, નીચે પૃથ્વી અને તારા મંડળ અને વચ્ચે તેજસ્વી સોનેરી રંગથી મંડિત તારલા જડીત પાંખોવાળી સોનપરી... એની આજુબાજુ તેજવલય... એના મોં પર ખિલતું સ્મિત... આંખોમાં ચમક... બસ હમણા બોલશે. બસ બોલવામાં જ છે. બોલશે કે વાહ ચિત્રકાર, વાહ સમર્પણ મારું અસ્તિત્વ આટલું સુંદર ?

સમર્પણ એકધારું એના ચિત્રને જોઈને જોઈ રહ્યો બસ હવે ફિનિશીંગ ટચ આપું એટલી વાર, ચિત્ર પોતે જ પોતાની ઓળખ આપશે. ફેન્ટશી ઓફ ફેરીલેન્ઙ... એક્ઝિબિશન માટે આ ઓગણપચાસમું ચિત્ર બસ હવે એક ચિત્ર હતું કે કામ પુરુ. આ વખતે સારો નફો થવાનો. આમ પણ હવે તો લોકો નામ સાંભળીને ચિત્ર ખરીદવા પડાપડી કરે છે. સંઘર્ષના દિવસો ગયા, જોકે બહુ કઠીન દિવસો હતા. સાચે કાગળ કે રંગ લાવવાના ય પૈસા ન હતા. પરિધિને ફિલ્મ બતાવવાની કે રચના માટે ઢીંગલી ખરીદવાની તો વાત દૂર રહી બે ટાઈમ પુરુ ખવાય તોય ઠીક. પણ છેલ્લા બે વર્ષથી ભગવાનની કૃપા છે. બે વર્ષ પહેલા પેલા કદરદાન ડો.સમીરા મળી ગયેલા, ચિત્ર પ્રદર્શન ગોઠવી આપ્યું. ત્યારથી જે નામ થઈ ગયું તે હવે દર વર્ષે બે વખત ચિત્રોનું પ્રદર્શન થાય કે તરત બધા ચિત્રો ઉપડી જાય. હવે વાંધો નહી આવે સારો સમય શરૂ થઈ ચૂક્યો.

પરિધિ બીજી વખત બોલાવી ગઈ. જમવાના હોશ નથી રહ્યા. કલા આગળ બધું જ તુચ્છ પરિવાર - ઘર, બે બેડરૂમનો ફ્લેટ હવે નાનો પડે છે. મોટો બંગલો હોવો જોઈએ. જેની અગાસી પર સ્ટુડીયો બનાવી શકાય. ચિત્રોયે દોરી શકાય અને ખુલ્લા આકાશને ય જોઈ શકાય. બસ આ એક પ્રદર્શન થાય કે તરત લોન લઈને પણ બંગલો અને નવી ગાડી - બસ પછી સરસ ચિત્રો દોરવાની મજા જ મજા....

પરિધિએ રચનાને મોકલી. રચનાએ આવતાવેંત ઓરડામાં બધુ આમ તેમ ફેંકવા માંડ્યું. સમર્પણ અકળાઈને એને બધુ ફેંકતી રોકવાય ઉઠવું જ પડ્યું. જમવા જવા માટે પણ હવે રચનાના તોફાન જેવું બહાનું જોઈતું હતું. સમગ્ર ધ્યાન ચિત્રો પુરા કરવામાં એટલું પોરવાયું કે હવે જાણે એનો નશો થવા લાગ્યો હતો. હવે બીજું કંઈ ન સૂઝે એ સ્વભાવિક છે.

જમતા જમતા સમર્પણનો ફોન રણક્યો. પ્રદર્શનની તારીખ નક્કી થઈ ગઈ હતી. હોલનું એડવાન્સ પણ અપાઈ ગયું હતું. ડો.સમીરાએ રંગોને માટે એડવાન્સ પણ ચૂકવી દીધા હતા. પણ હવે કોઈ નવો સ્પોન્સર આ આખું પ્રદર્શન પોતાની રીતે ગોઠવવા માગતો હતો અને વચ્ચે જાહેરાતો મૂકીને આવક ઉભી કરી આપવાની વાત કરતો હતો. સમર્પણે બધી જ વ્યવસ્થા એને સોંપવી પડે અને તાત્કાલીક બીજા પચાસ ચિત્રો દોરવા પડે તો એને ખૂબ મોટી રકમ મળી તે ઘડી પૂરતું તો સમર્પણ જવાબ આપવાનું ટાળી દીધું પણ બે દિવસમાં પાછો ફોન આવવાનો હતો.

જમવામાં આમ પણ રસ ઓછો હતો. તેમાં આ ફોન, રકમ ખાસ્સી મોટી હતી પણ ડો.સમીરાને એમની રકમ પાછી આપવી પડે. કદાચ એમને અપમાન જેવું લાગે... લાગે જ. કારણ કે જ્યારે સમર્પણને કોઈ નહોતું ઓળખતું ત્યારે ડો.સમીરાએ ઓળખી લીધો હતો. સાઈનબોર્ડ દોરવાથી ચિત્રો દોરવા તરફની સફર ડો.સમીરાને આભારી હતી અને હવે આ સ્પોન્સર પણ રકમ ખાસી મોટી હતી. બંગલાની વ્યવસ્થા થઈ જાય એવડી મોટી.

જમવાનું પતાવી વરંડામાં આંટા મારતા મારતા સમર્પણે ન ઈચ્છવા છતાં વિચારવાનું ચાલું રાખ્યું. છેલ્લું ચિત્ર બાકી હતું એમ માનીને બહાર જવાના બધા કાર્યક્રમો રદ કરેલા. હવે બીજા પચાસ ચિત્રો એટલે બીજા પચાસ દિવસ ઘરમાં નજર કેદ. અને રોજનું એક તો દોરાવું જ જોઈએ. એની ખાત્રી આયોજકો માગતા હતા. સાઈનબોર્ડવાળા કોન્ટ્રાક્ટરની જેમ. સમર્પણને ખબર હતી કે માત્ર રૂપિયાને ખાતર દોરાયેલા ઈન્સ્ટન્ટ ચિત્રોમાં ક્યારેય કળાનો સ્પર્શ ન હોય. પ્રસુતિની પીડામાંથી પસાર થયા વગર સીધા સીઝેરીયનથી જન્મતા ચિત્રો કળાના ઉત્કૃષ્ટ નમૂના ન જ બની શકે. તો પણ જેટલા ઝડપથી ચિત્રો દોરવાના હતા. એટલા જ ઝડપથી રૂપિયા પણ મળવાના હતા.

રાત સુધીમાં રૂપિયાનો રણકાર મોટો અને વધુ મોટો થતો ગયો છેવટે રાત્રે ડો.સમીરાનો ફોન આવ્યો ત્યારે તો વાતવાતમાં સમર્પણે નવા સ્પોન્સરની વાત કરી જ ને ડો.સમીરા બિલકુલ નિશબ્દ થઈ ગયા. શું ? પચાસ દિવસમાં પચાસ ચિત્ર ? પાગલ છો ? આવું કંઈ હોય ? આમ તો લોહીનું પાણી થઈ જાય અને કળાનો સાવ છેદ જ ઉડી જાય. મારી સલાહ નથી છતા તમારી કળાના માલિક તમે. તમારે જે કરવું હોય તે કરવું જ. પણ એટલું જ કહીશ કે આજ પછી હું તમને ચિત્રકાર નહી જોઈ શકું તમે રોજરોજ રૂપિયા લઈને સાઈનબોર્ડ ચીતરતા ચીતારા બનવા લાગ્યા છો. હવે.

અપમાનની હદ હોય. આમ તો કાંઈ ચાલે ? સમર્પણનું ચિત્ર ડહોળાઈ ગયું. ચિત્ર દોરવામાં ય મન ન લાગ્યું. હું આવો મોટો ચિત્રકાર, મારું નામ બોલાય અને આ ડો.સમીરા મને મામૂલી ચીતારો કહી જાય ? હું ચીતારો ? તો આ પેલા સ્પોન્સર મને કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરવાનું શું કામ કહે છે ? હા, માન્યું કે ડો.સમીરાએ મને શરૂઆતમાં ઘણી મદદ કરી. હું કદાચ એના પ્રયત્નોથી જ ઓળખાઉ છું. પણ તેથી શું ? મારી કળાનું મૂલ્ય હોય કે નહી ? પચાસ દિવસમાં પચાસ ચિત્રો દોરવા કે નહીં એ મારો પ્રશ્ન છે પણ મારો હોવાનો દાવો કરીને આવું કરવાનું ?

સમર્પણનો બીજો દિવસ પણ ખરાબ ગયો. નિર્ણય લેવો પડે એમ જ હતું. મગજ છંછેડાયું હતું. ડો.સમીરાનો ફોન ફરી ન આવ્યો ને સ્પોન્સરનો ફોન આવી ગયો. એટલે ગુસ્સામાંને ગુસ્સામાં હા કહી દીધી. હવે આજથી પચાસ ચિત્રો દોરવાના શરૂ કરવાના હતા. સ્હેજ પણ મોડું પોસાય તેમ ન હતું. સ્પોન્સરે કહ્યું ય ખરું. મહિનો હીલ સ્ટેશન પર જતા રહો કોઈ ડિસ્ટર્બ નહી કરે.

ડિસ્ટર્બ કરવા વાળા કેટલા ? ઘરમાં આમ પણ ત્રણ જણાં રચના, પરિધિ અને સમર્પણ. રચનાની સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન હતી. એણે જીદ પકડી હતી. પપ્પા જ શીખવે... સમર્પણે બે ત્રણ આડી અવળી રેખા દોરી સૂર્યોદય દોરતા શીખવવાનો પ્રયત્ન કર્યો પણ એના કુમળા હાથ બરાબર બેસતા ન હતા. ત્રીજા ચોથા પ્રયત્ને સમર્પણ કંટાળી ગયો. જા હવે મમ્મી પાસે શીખી લે. મારે બહુ કામ છે. કહેતા એણે રચનાને પરિધિ પાસે મોકલી પણ પરિધિ પાસે એણે શીખવું ન હતું. ભલે પપ્પા કાલે શીખવાડજો કહીને એ રમવા દોડી ગઈ.

પહેલા બે દિવસમાં સડસડાટ બે ચિત્રો દોરાઈ ગયા. સમર્પણનો ઉત્સાહ વધ્યો. બસ પચાસ તો આમ ચપટીમાં દોરાઈ જશે. પછી તો કરોડ રૂપિયા, બંગલો ગાડી. રચના માટે ટ્યુશન ટીચર.

ત્રીજા દિવસે દોરવા બેઠાને વિષય જડતો ન હતો. એવામાં રચના દોડતી આવી અને રંગો પર પડી. બધા રંગ એકબીજામાં ભળી ગયા. નીચે મોર્ડન આર્ટ જેવી રંગોળીથી રચના પણ રંગવાળી થઈ ગઈ. સમર્પણ જોરથી ખીજવાયો. અને એના માસૂમ ચહેરાના ગોળમટોળ ગાલ ઉપર આંસુ સરી પડ્યા. સમર્પણે જોયું ને મોબાઈલ લઈ એનો ફોટો લઈ લીધો. પરિધિને ઓરડો સાફ કરવાનું કહી એ ચિત્ર બનાવવા બેસી ગયો. વિષય મળી ગયો હતો. રડતી પરી.

વળી એક દિવસ રચના કૂદકા મારતી ઘરમાં આવી દફતર ખૂણામાં ફેંક્યું અને આખા ઘરમાં પરિધિને ખોળતી દોડી. હવે એ સમર્પણની નજીક જતા ડરતી હતી. પરિધિને જોતા જ એ કહેવા લાગી. મમ્મા, આજે સ્કૂલમાં સ્ટોરી કોમ્પીટીશન હતી. મારી ફ્રેન્ડે કેટલી સરસ વાર્તા કરી. મિડાસ ટચ તને ખબર એક રાજાને બહુ રૂપિયા જોઈતા હતા અને ગોડ મળ્યા તો એણે માગી લીધું. ગોડ, મને સોનું જોઈએ. ગોડે એને કહ્યું તું આજથી જેને અડકે તે સોનાનું બની જશે. પછી તો રાજાનો પેલેસ સોનાનો, ફર્નિચર સોનાનું...

રચના એકધારું બોલતી હતી. પરિધિએ એને બોલતા અટકાવી કહ્યું. ઉભી રહે... ખાઈ લે.. પછી વાર્તા...

હિંમત કરીને રચના સમર્પણ પાસે ગઈ એણે યાદ કરાવ્યું. પપ્પા, મને ચિત્ર શીખવવાનું છે....

પણ સમર્પણે કહ્યું... આજે છેલ્લું ચિત્ર દોરવાનું છે. આજે છેલ્લો દિવસ પછી કાલે બધા ચિત્રો આપી દઉ એટલે તને...

પણ મારી કોમ્પીટીશન કાલે જ છે... રચના બોલી.

અરે હમણા હેરાન ન કર એક તો ચિત્રનો સબજેક્ટ મળતો નથી ને તમે....

સમર્પણે જરાક ચિડાઈને કહ્યું.

રચના બોલી હું એક સ્ટોરી કરું ? એનું ડ્રોઈંગ બનાવો. એ સ્ટોરીનું નામ મિડાસ ટચ... એક રાજા હતો. એની એક રાજકુમારી પણ હતી.

રચનાને બોલતા અટકાવી સમર્પણે કહ્યું હા,,, હા, ખબર છે મને. હું એનું જ ડ્રોઈંગ બનાવી દઉ. સારો આઈડીયા છે. ચાલ તું બહાર જા મને કામ કરવા દે.

રચનાને સમજ ન પડી કે એણે પપ્પાને મદદ કરી છતાં બહાર જવાનું ? પણ પપ્પા આગળ દાદાગીરી ન ચાલે... એણે વીલા મોંએ ચાલવા માંડ્યું.

બીજા દિવસે સ્પોન્સરનો ફોન આવ્યો. ચિત્રો તૈયાર ? ટ્રક મોકલું છું. હોલ પર પહોંચાડો.

હજું છેલ્લું ચિત્ર બાકી. સમર્પણ બોલે તે પહેલા ફોન મૂકાઈ ગયો. ચિત્રો ટ્રકમાં ગોઠવી દેવાયા અને ટ્રક બહાર હોલ પર પહોંચી ગઈ. સમર્પણ પહોંચે ત્યાં સુધીમાં તો ચિત્રો ગોઠવાઈ ગયા હતા અને અડધા વેચાઈ પણ ગયા હતા. સ્પોન્સરનું આયોજન પાક્કું હતું. જેવું પ્રદર્શન ગોઠવાયું તેવું અડધા ઉપર તો સોલ્ડ વેચાઈ ગયાનું લેબલ લાગી જાય.

સમર્પણને જરા લાગી આવ્યું. ડો.સમીરા પ્રદર્શન ગોઠવતી ત્યારે તો કેવા આદરથી સમર્પણનો સત્કાર થતો એ ઉદઘાટન કરતો અને દરેક ચિત્રની ખાસીયત સમજાવતો અને લોકો આદરથી ચિત્રો ખરીદતા. આ તો?

સમર્પણ અંદર આંટો મારવા નીકળ્યો એક સજ્જને એક સામટા દસ ચિત્રો ખરીદી લીધા હતા. સમર્પણ એમને મળ્યો. પૂછ્યું સર તમે આ ચિત્રોમાં કઈ વસ્તુ ગમી ? એ કોઈ ખાસ વિષયના તો નથી બધા અલગ અલગ...

એણે તરત ખંધુ હસતા કહ્યું સબજેક્ટને બધુ કોણ જુએ છે ? આ તો મારા નવા બંગલાના દસેદસ રૂમના કલર જુદા જુદા છે એની સાથે મેચ થાય તે જોઈને લઈ લીધા....

એક તીક્ષ્ણ અણી ભોકાઈ. એણે ડો.સમીરાને ફોન જોડ્યો. પણ એનો નંબર જોતા જ ડો.સમીરાએ ફોન કટ કર્યો.

હવે શું ? એ ક્ષણ વીતી ગઈ. સમર્પણ અડધી રકમનો ચેક અને અડધા રૂપિયા ભરેલી બે લઈને ઘરે પહોંચ્યો.

રચના રડતી હતી. એણે ડ્રોઈંગ કોમ્પીટીશનમાં કશું જ દોર્યું નહતું. ચિત્ર દોરવા આપેલું કાગળ કોરું હતું. સમીરાએને ખીજવાતી હતી. કંઈ તો ચીતરવું હતું. એમ રચના રડતા રડતા કહેતી હતી. એમ કંઈપણ ન ચીતરાય જો દોરવું હોય તો સરસ દોરવું. માસ્ટરપીસ નહી તો ન દોરવું. ખબર નથી, ડેડી હંમેશા કહે છે.

સમર્પણના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ પડી ગઈ રૂપિયા વેરાયા ને એ સ્તબ્ધ સ્થિર ઉભો રહ્યો. રચનાના અવાજના પડઘા સાંભળતો.

રચના એને જોઈ બોલી પપ્પાને શું થયું મમ્મી. જો ને સ્થિર થઈ ગયા પેલા મિડાસ રાજાની જેમ રૂપિયા અડતા સોનું તો નથી થઈ ગયા ને ? જો તો...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational