Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

અગ્નિપરિક્ષા

અગ્નિપરિક્ષા

3 mins
58


તપન અને નેહાની જોડી એમના સર્કલમાં કોલેજકાળથી ઉદાહરણરુપ ગણાય.નેહા તપન વગર ડગલુંય ન ભરે અને તપન નેહા વગર પાણીય ન પીવે એમ સારસ બેલડીની જેમ બંને રહે.

લગ્નની પ્રથમ એનિવર્સરી બહુ ધામધૂમથી ઉજવાઈ. બરાબર એ જ દિવસે તપનને એની કંપનીમાં પ્રમોશન મળતાં ખુશીમાં ચાર ચાંદ લાગી ગયા. દ્વિતિય વર્ષના પ્રવેશના દિવસો ચાલવા લાગ્યા. તપનની જોબમાં જવાબદારી વધતાં એને ઘેર આવતાં મોડું થવા લાગ્યું. નેહાને સહેજ અણગમો આવતો પણ સમજણપૂર્વક એ ન ગમતો સમય પસાર કરી લેતી. 

એ દિવસે પણ તપનને નવ વાગી ગયા. નેહા ડાઈનિંગ ટેબલ પર ઝોકે ચડી હતી. તપન લેચ કીથી મેઈન ડોર ખોલીને અંદર પ્રવેશ્યો તોય નેહાને ખબર ન રહી. તપનને ટેબલ પર હાથ પર માથું મુકીને સુતેલી નેહાની દયા આવી ગઈ. નજીક જઈને એણે હજી હાથ લંબાવ્યો ત્યાં નેહાના મોબાઈલમાં મેસેજ ઝળક્યો. 

“મને તારી બહુ જરુર છે.”

તપન હજી વિચારે એ પહેલાં નેહાની આંખ ખુલી.“અરે જનરલ મેનેજર સાહેબ ક્યારે આવ્યા ?”

“હેં.. હા હમણાં જ. તું ગાઢ ઉંઘમાં હતી.”

“અરે હા રે રાહ જોતાં જોતાં ઝોકે ચડી ગઈ.”

નેહાએ બધી રસોઈ ફરી ગરમ કરી અને બંને જમીને રુમમાં આવ્યાં. 

તપનના મનમાં એ મેસેજ ઘુમરાઈ રહ્યો હતો. નેહા નાઈટ ડ્રેસ બદલવા ગઈ ત્યારે તપને એનો ફોન જોયો. 

છેલ્લા દસેક દિવસથી મેસેજ ચાલતા હતા. કોઈ દીપ લખતો હતો કે, “તું આવી જા. હવે મારા હાથમાં બાજી નથી રહી.”

નેહાએ રિપ્લાય કર્યો હતો કે “તપનને મુકીને હું ન આવી શકું. એને હું શું કહું ? મેં લગ્ન પહેલાં જ આ વાત કહી હતી. કે હવે મારું તારે ત્યાં આવવું શક્ય નહીં બને.” 

આવા ખેંચતાણીના મેસેજ તપન વાંચી રહ્યો હતો ત્યાં નેહા આવી. 

“અરે ! મારા મોબાઈલમાં શું શોધે છે?”

“ના ખાસ નહીં. આમ જ જોતો હતો.”અને એણે ફોન બંધ કરીને મુકી દીધો. તે રાત બાદ તપનના વ્યવહારમાં થોડી રુક્ષતા નેહાને મહેસુસ થવા લાગી. વાત વાતમાં ગુસ્સો આવી જવો, નેહાને પૂરતો સમય ન આપવો, સવારે ઓફિસ જતાં પહેલાં અને રાત્રે ઓફિસથી આવીને નેહા સાથેના ઉમળકામાં ફેર પડી ગયો હતો. નેહાને સમજાતું નહોતું કે આમ કેમ થઈ રહ્યું છે. વચ્ચે વચ્ચે તપન નેહાનો ફોન જોઈ લેવાની લાલચ રોકી નહોતો શકતો. બસ એ જ મેસેજ.. દીપનો આવી જવાનો આગ્રહ અને નેહાનો ઈન્કાર. એ જ રીતે એક રાત્રે નેહા બાથરુમમાંથી પાછી આવી ત્યારે તપનના હાથમાં પોતાનો મોબાઈલ અને તપનના મોં પરના અકળ ભાવ જોઈને પૂછ્યું, “શું થયું ?”

“હેં.. એક વાત પૂછું?”

“હા પૂછ.”

“આ દીપ કોણ ? તને હું સમય નથી આપી શકતો એટલે તેં પર્યાય શોધી લીધો ? હું આપણા ભવિષ્યને ઉજળું બનાવવા તનતોડ મહેનત કરું છું અને તું ઘેર બેઠા આવાં કામ !”

નેહાના ચહેરા પર પીડા ઉપસી આવી.

“અરેરે! તું જગતના દરેક સ્ત્રી-પુરુષના સંબંધને હલકી જ નજરથી જોવે છે એ જાણીને બહુ દુ:ખ થાય છે. દીપ મારા પિયરનો પડોશી છે. નાનપણથી અમે સાથે ઉછર્યાં છીએ. આપણાં લગ્નમાં એણે મમ્મી-પપ્પાને બહુ મદદ કરી હતી. હું કેટલાંય વર્ષોથી એના મંદબુધ્ધિના વિકલાંગ દીકરા પાર્થને ટ્યુશન આપતી હતી. તને એ તો જાણ જ છે ને કે મેં આવાં બાળકોને ભણાવવા અને એમને રચનાત્મક પ્રવૃત્તિમાં કેવી રીતે વાળવાં એનો ડિપ્લોમા કર્યો છે. મારાં લગ્ન બાદ પાર્થ બીજા ટીચર પાસે સેટ નથી થઈ રહ્યો એટલે દીપ મને વિનંતી કર્યા કરે છે કે તું જેટલો સમય મળે એટલો આવીને દીપની ખોરવાઈ ગયેલી પ્રવૃત્તિ ચાલુ કરાવવામાં એના ટીચરની મદદ કરું. અને તું ? સાચે રામની સીતા તરફની અગ્નિપરીક્ષા આજના યુગમાં પણ ચાલુ જ રહી છે. બેહદ અફસોસની વાત છે કે પુરુષને કોઈ નિયમ, કોઈ ધારાધોરણ નડતાં નથી પણ સ્ત્રીને મોબાઈલમા આવેલા મેસેજના પણ ખુલાસા આપવા પડે છે.”

એ રાત બહુ સુમસામ અને ભારેલી વિતી. સવારે ટેબલ પર નેહા ચુપચાપ ચા નાસ્તો લઈને બેઠી. તપન ગુનાના ભાવ સાથે ગોઠવાયો. “નેહા, સોરી. હું પુરુષની ટિપીકલ પ્રકૃતિમાં જ જીવું છું એ આ ઘટના પરથી સમજાયું. ચોરીછુપે તપાસ કરવા કરતાં સીધું પૂછી લીધું હોત તો યોગ્ય હોત. શંકા પ્રેમ પર હાવી થાય ત્યારે એક સીધો સંબંધ અટવાઈ જાય એ મને સમજાઈ ગયું છે. મેં દીપ સાથે વાત કરી છે. હું ઓફિસ જઈશ ત્યારે તને ત્યાં મુકતો જઈશ. તું બહુ ઉત્તમ કાર્ય કરી રહી છે. મને એનું ગૌરવ થશે.” 

અને એ સાંજે ફરી કેન્ડલ લાઈટ ડિનરમાં નેહા અને તપનની પ્રેમ જ્યોત ઝળકી ઉઠી. 



Rate this content
Log in

Similar gujarati story from Inspirational