STORYMIRROR

Hina dasa

Drama Inspirational

4  

Hina dasa

Drama Inspirational

અદકેરા માનવીઓ

અદકેરા માનવીઓ

5 mins
207

સવાર નહીં આજે તો સાંજ રંગીન લાગે છે. હરહંમેશ શરૂઆત સવારથી થાય છે. અહીં શરૂઆત સાંજથી કરીએ તો કેવું રહે ? શરૂઆત માટે કોઈ સમય થોડો જરૂરી છે. ગમે ત્યારે શરૂઆત કરી શકીએ. શબનમી રાત ને પૂર્ણિમાની કળા, શુ રાત છે, પ્રેમીજનો માટે તો જાણે સોનાનો સૂરજ ઊગે. મદહોશીનો પ્યાલો પીવાયો હોય એમ પ્રણયીજન રાત વિતાવતા હોય છે. 

આવી જ એક રાતે બે ઓળા ગામ તરફ ચાલ્યા આવે છે. એક જમાનાની ધૂળ ચાટેલ હોય એવું અનુભવી હશે, એની ચાલમાં મક્કમતા હતી, ને બીજો હજી તો મૂછનો દોરો પણ નહીં ફૂટ્યો હોય એવો, ફુંટુ ફુંટુ થઈ રહ્યો હોય એવો તરવરાટ ચાલમાં વરતાતો હતો. ગામના પાદરને પણ થયું કે બે ઘડી આ બંનેને રોકી લઉં ને કહું કે શ્વાસના ધમણ ફાટી જશે બે ઘડી અહીં આશરો કરો, પણ એમની ચાલમાં ઉતાવળ એવી હતી કે પાદર પણ સુનમુન બસ મૂક દર્શક બન્યા સિવાય કાંઈ કરી શકે એમ ન હતું.

કિશોરાવસ્થાના ઉંબરે ઉભેલો છોકરો બોલ્યો, "હે બા !..."

'શશશશ.....' ધીર ગંભીર ને મક્કમ ચાલે ચાલતી એ સ્ત્રીએ નાક પર આંગળી મૂકી બસ ઈશારો કર્યો ને છોકરો ચૂપ થઈ ગયો. 

ઉતાવળા પગલે તખુભાની ડેલીએ પહોંચ્યા. ને એ ગામડાગામનો માણસ તખુભા કઈ પણ વિચાર્યા વગર ડેલી ખોલવા ઉઠ્યો. જે માણસ સ્વાર્થ વિચારી ન શકતો હોય એને નકારાત્મક વિચારો ઓછા આવે. ઊઠીને એણે ડેલી ખોલી. બે અસ્પષ્ટ ચહેરા દેખાયા, તખુભા ઓળખી ન શક્યા કે કોણ છે પણ એટલી ખબર પડી કે એક બાઈ માણસ ને એક તરુણ છોકરો છે, તેણે કહ્યું કે 

"કોનું કામ છે ?"

સ્ત્રી બોલી,

"ભાઈ, આપ જેવા વડલાની ઓથે આશરો લેવા આવ્યા છીએ. પાછળ મોત ભમે છે ને એવા ટાણે બસ તમે એક જ છો જે સાચવી શકશો એવું તમારા ભાઈબંધ કરમણ પટેલે કહ્યું હતું....."

તખુભા બોલ્યા, "બેન તમારું નામ શું ?"

સ્ત્રી બોલી, "હું શારદા ને આ મારો છોકરો જીવણ."

તખુભાએ નામ સાંભળી કહ્યું અંદર ચાલ્યા જાઓ બેન, તમારા ભાભી સૂતા છે હમણાં ઉઠાડું એટલે ઓરડો ખાલી કરી દે. 

સ્ત્રી કઈ બોલે એ પહેલા તો તખુભાએ દરવાજો ખખડાવી પોતાની પત્નીને ઉઠાડી કહ્યું કે,"ભાભી ને આ ભાણો આજથી આપના આ ખંડમા રહેશે જરા ખાલી કરી આપજો. 

ને શુ ખાનદાની એ ઠરેલ બાઈની, એક પણ પ્રશ્ન ન પૂછ્યો એ નમણી નારે ને કહ્યું કે, 

"આવો ભાભી સૂઈ જાઓ હું પથારી સરખી કરી દઉં."

શારદા કઈ બોલે ત્યાં તો એ જાજરમાન રજપુતાણી બધું વ્યવસ્થિત કરવા લાગી. ને કહે 

"કઈ પણ જોઈએ તો સંકોચ વગર કહી દેજો, તમારું જ ઘર છે, ને અત્યારે સૂઈ જાઓ થાકી ગયા લાગો છો. સવારે નિરાંતે વાત કરીશું."

એ લજામણીના છોડ જેવી રજપુતાણી પોતાના સ્વભાવ જેવા જ ધીર ગંભીર પગલે બહાર જતી રહી. ફરી યાદ આવ્યું તો જમવાનું પૂછવા આવી પણ શારદા ને જીવણ એ સ્થિતીમાં ન હતા કે કઈ જમે એટલે શારદાએ ના પાડી એટલે બહુ આગ્રહ ન કર્યો ને ફરી ભલામણ કરતી ગઈ કે કઈ પણ જોઈએ તો બસ કહી દેજો. હેમની પૂતળી સમ લાગતી એ રજપુતાણીને શારદા જતી જોઈ રહી. 

"જીવલા, હાલ સૂઈ જઈએ બેટા !" 

શારદા બોલી એટલું જ બાકી એ બંને મા દીકરો જાણતા હતા કે હવે એમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. છતાં બંને પથારી પર આડા પડયા. બંનેના મન વિચારે ચડયા. 

જીવણ એની ઉંમર મુજબ વિચારી શકે, વિચારોમાં બહુ પુખ્તતા નહીં ને એવા આડાઅવળા વિચારોના વમળથી કંટાળી તેની આંખોમાં ઊંઘ ઘેરાવા લાગી ને એ ઊંઘની આરસીમાં જડાઈ ગયો. પણ શારદાને કોઈ વાતેય ઊંઘ આવે તેમ હતી નહીં. એ ભૂતકાળની ગોદમાં જઈ બેસી ગઈ ને તણાવા લાગી. છેક પોતાના ફેરા થયા ત્યારે કરમણ પટેલની પાઘડી ઘૂંઘટમાંથી કેવી દેખાતી એ એને દેખાયું. જાણે પોતે પાછળ પાછળ ફેરા ફરતી કરમણ પટેલને હમણાં જ પકડી લેશે એવું એને લાગ્યું. અંધારામા શારદાએ હાથ વીંઝ્યા પણ બધું અંધકારમય, નિરાવકાશ. ત્યાં કોઈ હતું જ નહીં. ઘડીભર શારદા ઝાંઝવાના વમળમાં ડૂબતી ચાલી ને ઘડીભર ભૂતકાળને મમળાવતી ચાલી. 

ત્રેવીસ વર્ષ પહેલા કરમણ પટેલનો ઘરસંસાર શારદાએ માંડ્યો હતો. ગામના મુખીના એકના એક દીકરા એટલે લગ્નના જલસામા કઈ કમી રાખી ન હતી ભગત બાપાએ. મુખીનું નામ તો કોઈનેય ખબર ન હતી ગામ આખું ભગત બાપા કહીને બોલાવતા હતા. એમનો પડ્યો બોલ ઝીલાતો ગામમાં. એવા ખાનદાનની શારદા, વહુ બની હતી. નામ પ્રમાણે જ ગુણિયલ હતી શારદા. ભગત બાપા પછી ગામની પટલાઈને યોગ્ય એક જ વ્યક્તિ હતી ને એ હતા કરમણ પટેલ. ને ભગત બાપા પછી એમણે એ પદને શોભાવ્યું પણ હતું. 

ભૂતકાળને વાગોળતા વાગોળતા શારદા ક્યારે ઊંઘમાં સરી પડી ખબર ન રહી. છેક સવારે ઊંઘ ઊડી ત્યારે પ્રખર સવાર થઈ ગઈ હતી. લક્ષ્મીબા બહાર રાહ જોઈને બેઠા હતા, ઊઠે તો કાલનું કઈ જમ્યા નથી એટલે જમાડી દઉં. 

શારદાએ ઓરડાનો દરવાજો ખોલ્યો, અત્યારે લક્ષ્મીને નીરખીને જોઈ ભાગીરથી ગંગા જો માનવ રુપ ધરે તો અદ્દલ આવા જ લાગે, એવું નિરાળું રુપ ને ચહેરા પરની નિખાલસતા જોવા મળી. 

શિરામણ પતાવીને શારદા ને જીવણ નવરા થયા. તખુભા બહાર પરસાળમાં બેઠા હતા. એને કઈ જાણવાની જિજ્ઞાસા ન હતી પણ જો શારદાને કઈ કહેવું હશે તો ? એમ વિચારી એ આજે સવારની સેર પર ગયા ન હતા. શારદા ને જીવણ ત્યાં ગયા, શારદાને માંડીને બધી વાત કરવી હતી. એ બોલી, 

"ભાઈ, તમારા ભાઈબંધ તો દેવ થયા એ તો તમે જાણો, પણ એમના ગયા પછી કુટુંબી ભાઈઓએ મને ને આ મારા જીવલાને શાંતિથી જીવવા નથી દીધા, છેલ્લે વાત અમને મારી નાંખવા સુધી આવી ગઈ. બધી જમીન જાયદાદ એમને જોઈતી હતી. મેં કહ્યું, લઈ લો બધું અમારે કઈ નથી જોઈતું, બસ મારા જીવલાને કોઈ કઈ ન કરતા. પણ વેરનું ઝેર એમની આંખોમાં પુરેલું હતું એ ક્યાંથી માને. બસ એટલે જ અમે મા દીકરો ત્યાંથી ભાગી આવ્યા. હવે તો તમારે ભરોસે છીએ ભાઈ. તમારા ભાઈબંધ જીવતા હતા ત્યારે કહ્યું હતું કે કઈ પણ મુસીબત આવે તો તખુભા પાસે જજો એ તમને નિરાશ નહીં કરે, ને એમણે તમને ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા એવું કહેતા હતાં. એટલા રૂપિયામાં તો અમારી આખી જિંદગી નીકળી જશે."

શારદા એકી શ્વાસે બધું બોલી ગઈ. જીવણને હવે આખી વાત સમજાઈ. બધાની આંખોમા ભીનાશ હતી. 

તખુભા બોલ્યા, "ભાભી, તમારું જ ઘર છે ચાહો ત્યાં લગી અહીં રહી શકો છો, તમારી અમાનત આજે જ આપને આપી દઉં." 

તખુભા સાંજે આવ્યા ત્યારે બધા રૂપિયા લઈને આવ્યા હતા. શારદાને બધા આપી દીધા. શારદાએ કહ્યું, 

"ભાઈ, કાલે હું ને જીવલો મારા પિયર જતા રહીશું. આપનો ખુબ ખુબ આભાર કે અમને આશરો આપ્યો."

તખુભાએ સમજાવ્યા કે અહીં રહેવું હોય તો તમારું જ ઘર છે પણ શારદા હવે તસ્દી આપવા માંગતી ન હતી, ને તખુભાએ પણ બહુ જિદ ન કરી, કે જેવી આપની મરજી. 

રાત પડીને બધા ઊંઘવા ગયા. લક્ષ્મીબાને ઊંઘ ન હતી આવતી, મન વિચારે ચડ્યું હતું. એક દ્રશ્ય એમની નજર સમક્ષ આવતું હતું. 

કરમણ પટેલ છએક મહિના પહેલા આવ્યા હતા, ને તખુભા પાસે ૫૦,૦૦૦ ની માંગણી કરી હતી. પોતાના પાંત્રીસ હજાર ને બીજા જરૂર હતી તો, તખુભાએ ભારે જહેમત બાદ આટલા રૂપિયા એકઠા કર્યા હતા. 

ને ફરી શારદાને આજે આપ્યા. લક્ષ્મીને થયું દરબાર આ ક્યાંથી લાવ્યા હશે ? પછી થયું કે કઈ નહીં લાવ્યા હશે ક્યાંકથી ને ફરી આપવાના થશે તો આ દાગીના ક્યારે કામ આવશે. 

ને એ બે ખાનદાની જીવ હકીકત કોઈને પણ કહ્યા વગર સૂઈ ગયા.

આવા અદકેરા માનવીઓ થકી જ લાગે કે સતયુગ કદાચ એમને દ્વારે અટકી ગયો હશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama