અધૂરી આશ
અધૂરી આશ
મહેરુનિશા જુવાનીને ઉંબરે આવી ઉભેલી, તરવરાટને જોશથી ભરેલી સુંદર અને સુશીલ છોકરી.
પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાની ને નટખટ. આભને આંબવાના એના સપનાં પણ પિતાનો નાનકડો એવો વ્યવસાય. પાંચ વખતના નમાજી એવા ચુસ્ત અને ધર્મપરસ્ત. પણ માનવતા એમનો પ્રથમ ધર્મ સંતાનોને પણ એજ શિક્ષા આપેલ. મહેરના લાડકા નામથી ઓળખાતી મહેરુનિશાનો મામાના દીકરા સાથે, બાળપણથી જ સંબંધ નક્કી થયેલ. સુંદર ને સંસ્કારી એવાં રીઝવાન સાથે રૂપનો કટકો મહેરું સંગે નીકળે તો, એમને ઘડનારને પણ ઈર્ષા આવે, એવી સુંદર જોડી.
સમય વીત્યો રીઝવાન એમ.બી.બી.એસ. થયો. મહેર પણ બારમું ધોરણ પાસ કરી કોલેજમાં દાખલ થઈ. વધુ અભ્યાસ અર્થે રીઝવાન ઉ.એસ. ગયો. મહેરું એના પાછા, ફરવાનો ઇન્તજાર કરતી અભ્યાસમાં લાગી. બી.એ. પછી, એલ.એલ.બી. મહેરુંના, પિતાનું, દીકરીને બૅરિસ્ટર બનાવાનું સપનું સાકાર થયું. ડીગ્રી એનાયત થવાના એક દિવસ પહેલાં જ રીઝવાન પણ વતન પરત આવી ગયો. સવારનાં વિચારોમાં બંને, ખોવાયેલાં રહ્યાં, નિકાહનાં સપનાં, હવે સાકાર થવાના હતાં…
સવારે સાથે સમારંભમાં, જવું એમ નક્કી કર્યું, પણ રિઝવાનને કામ હોવાથી, મહેરુ સહેલી સાથે, સ્કૂટી પર ચાલી નીકળી.
અચાનક-સામે, એક વળાંક આવતાં, મહેરુંનું બેલેન્સ ડગ્યું પાછળ આવતી ટ્રકે હડફેટે લીધી ને ક્યાંય સુધી ટ્રક સાથે મહેરુ ઢસડાઈ. મહેરુનો ચહેરાનો અને શરીરનો એક તરફનો ભાગ માત્ર હાડકાંનો માળો જ રહ્યો
મહેરુ જીવતી તો હતી પણ ભયાનક દ્રશ્ય હતું. તે કોમામાં ચાલી ગઈ. સમયસર સારવાર ને કાળજીને લીધે શરીરના ઘા તો ભરાતા ગયા… પણ સુંદરતાની, મૂરત હવે કદરૂપી થઇ ગઈ હતી.
રીઝવાનનાં મનની પરી પ્લાસ્ટીક સર્જરી, કરાવ્યા પછી પણ કદરુપી લાગતી હતી.
સમય વીતતો ચાલ્યો. ઘરમાંથી નિકાહ માટેનું દબાણ, પણ વધ્યું. પણ રીઝવાનના મનમાં તો મહેરુની જ મૂરત હતી… અને અંતે સાચો પ્રેમ જીત્યો…
મહેરુ અઢાર મહિના પછી કોમાથી બહાર આવી.
રીઝવાનની જીદ સામે માતા પિતા પણ હાર્યા. મહેરુ અને રિઝવાનના ધામધૂમથી નિકાહ થયા.
બંનેનું જીવન સુખમય વીતવા લાગ્યું.
મહેરુ હવે સંતાનપ્રાપ્તિના વિચારોમાં ખોવાઇ જવા લાગી ને રીઝવાન એના મનમાં, જે વાત છુપાવી હતી એનાથી પરેશાન હતો. કઇ રીતે કહે? મહેરુને, કે એ ગોઝારો એક્સિડેન્ટ, એની સુંદરતા જ નહીં, સ્ત્રીત્વ પણ છીનવી ગયો છે…!
એક દિવસ અચાનક મહેરુંની તબીયત બગડી. હોસ્પીટલમાં એડમીટ કરી. જરૂરી બધાં રિપોર્ટ કરાવ્યા અને રિઝવાન રિપોર્ટ જોઈ રડી પડ્યો. મહેરુનું માથું ચુમી બોલ્યો પગલી આ તો હરખનાં આંસુ છે.
ડૉ.ની ભવિષ્યવાણી અને તબીબી વિજ્ઞાન ઇશ્વરનાં કરિશ્મા સામે હારી ગયું. જે મહેર ક્યારેય મા નહીં બની શકે એવું, કહેનાર ડૉ મહેરના... ગર્ભમાં પાંચ માસનું તંદુરસ્ત શીશું જોઈ અચંબામાં હતા... બંનેના જીવનમાં ખુશહાલી હતી.
રીઝવાનના સાચા પ્રેમ, ત્યાગ અને તપસ્યાનું મધુર ફળ અલ્લાહે મહેરની જોળીમાં ઠાલવી દીધું હતું. પૂરા માસે સિજેરીયન દ્વારા મહેરે દીકરીને જન્મ આપ્યો…
રીઝવાને નાનકડી પરીને હાથમાં લીધી અને પછી હળવેથી, મહેરનાં કાનમાં કહ્યું, "મારી સુંદર પરી "મહેર" મને પાછી મળી મારી "અધુરી આશ" આજે મને ફળી...
મહેરુ હવે દર્પણમાં નથી જોતી, દીકરીના ચહેરામાં એને જીવન આશા દેખાય છે...!

