આત્મસંતોષનો ડકાર
આત્મસંતોષનો ડકાર


રાત્રીના દશેક વાગ્યાનો સમય હતો. હું મારા મધર ઇન્ડિયા સાથે જામનગરના રેલવે સ્ટેશને સૌરાષ્ટ્ર એક્ષપ્રેસની રાહ જોઈને બેઠી હતી. મારા વતન એટલે કે આણંદ તરફ઼ વીકેંડ માટે જઈ રહી હતી. ગાડી આવવાને હજી એકાદ કલાકની વાર હતી.
આપણાં ભારતમાં રેલવે સ્ટેશન ઉપર અમુક વસ્તુઓ અને કેટલાંક નજારા તો સમાન્ય હોવાના. ક્યાંક કોઈ "ચાય- ગરમ ચાય"નાં નારા લાગતા હોય તો ક્યાંક; બોલો સામાન? કુલી? કુલી? ના ગાન તમારો સામાન પ્રેમથી માંગતા સંભળાય. ક્યાંક રેલવે તંત્ર તરફથી "મુસાફરોની અસુવિધા" બદલ ખેદભર્યા વચનો તો ક્યાંક ચાલતી ટ્રેને ના ચઢવાના સલામતીજનક વચનો. દરમ્યાન પ્રેમ અને હૂંફનો અનોખા સમન્વયનો મે ભાળ્યો.
પોરબંદરથી આવતી સ્થાનિક ટ્રેનમાંથી ઉતરતા એક કુટુંબે મારુ ધ્યાનાકર્ષક કર્યું. અત્યંત ગરીબ જણાતા આ કુટુંબમાં ચાર સભ્યો હતા. એક વયસ્ક પુરુષ અને ત્રણ સ્ત્રીઓ; જેમાંથી લઘર વઘર વસ્ત્રોમાં સફેદ વાળમાં એક મહિલા, એ પુરુષની માતા જણાતી હતી; જ્યારે પુરૂષની સમોવડી ઉંમરની એક મહિલા તે પુરુષની બહેન તથા ત્રીજી મહિલા કે જે અત્યંત ભોળી અને વિખરાયેલા વાળ સાથે પોતના ત્રણેય સાથીદારો પાસેથી કંઈક જાણવાનો પ્રયાસ કરતી હતી; તે વયસ્ક પુરુષની ધર્મ પત્ની જણાતી હતી.
આ ક્ષણમાં કંઈક ખાસિયત હોવાનો મારો અંતરાત્મા ઊંડાણે સાદ દેતો'તો. ઠંડીનાં સુસવાટા સહન કરતા કરતા મારુ શરીર- "મને સુવા દો, મને સુવા દો"નાં નારા લગાવતું હતું. દરમ્યાન થોડી જ ક્ષણોમાં વયસ્ક પુરુષ પોતાના આ કુટુંબીજનો માટે એક પ્લેટ સમોસા લઇને આવે છે. એવુ લાગતું હતું કે એ એક પ્લેટ સમોસા એ મહાપરણે ખરીદીને લાવ્યો હશે. પોતાની આખા દિવસની કમાણી કદાચ આ બે સમોસા પાછળ ખર્ચી નાખી હશે. છતા કુટુંબના મોભ સમાન આ વયસ્ક પુરુષ અત્યંત ખુશીથી આ બે સમોસાના પાંચ -છ ટુકડા કરી અતિ ઉત્સાહે એની માતા અને અર્ધાઁગ્નીના મુખે કોળીયો કરી ધરે છે. અને એ બંને મહિલાઓ ખુબ પ્રેમથી એ આરોગી રહી હતી. દરમ્યાન બે -ત્રણ કોળીયા પોતાના કાંડે રક્ષા બાંધનાર બહેનને ધરે છે; તેણી પણ આ સમોસા ખુબ જ પ્રેમે આરોગે છે. આમ કરતા કરતા એ સમોસાનો અમ્રુતથાળ પૂરો થતો જણાય છે અને છેલ્લો કોળીયો આ મોભ પુરૂષ પોતાની અર્ધાઁગ્નીને ધરે છે; ડકાર ખાતા ખાતા એ આ છેલ્લો કોળીયો આરોગીને પોતના સ્વામીને જાણે ઇશારો કરતી હોય કે એને ભાથાનો પૂર્ણ સંતોષ વળ્યો. પણ, ત્યાર પછીના બનાવે મારા રૂંવાડાં ઊભા કરી દીધા. એ મોભાદાર પુરુષે પોતાના કુટુંબીજનોની ભૂખ ખુબ જ ભાવ અને પ્રેમથી મટાડી અને એના સંતોષરૂપે પોતાની આંગળીઓ પર ચોટી રહેલાં સમોસાના કેટલાંક અંશ આરોગ્યા; જળપાન કર્યું અને આત્મ સંતોષનો મોટો ડકાર ભર્યો.
તથ્ય સમજાય તેને દંડવત પ્રણામ. અને અતિ દીન કુટુંબના આ મોભાદાર જણને સાષ્ટાંગ પ્રણામ.
મારુ અવલોકન:
સામાન્ય કુટુંબને મે ઓછાંમાં સંતોષ પામતા જોયાં છે અને
ભલભલા ધનવાનને મંદિરોમાં હાથ જોડી રડતાં કકળતા જોયાં છે.!!