ચાલો માનસિકતા બદલીએ
ચાલો માનસિકતા બદલીએ


આસો વદ અમાસ એટલે દિવાળીનો શુભ દિવસ હતો. કોઇક જરૂરિયાતમંદની દિવાળી સુધારી શકુ અંતરનાં ઊંડાણમાં ક્યાંક એવી ખેવના હતી. મન નિરંતર એજ વિચારોમા વ્યસ્ત હતું. દરમ્યાન એકાએક અંદરથી અવાજ આવ્યો કે અન્યને મદદરૂપ થવાની ભાવના તો છે જ; પરંતુ આવા શુભ કામ માટે પ્રયાણ કરતા પહેલા એક નાની ખુશી ઘરનાં બધા સદસ્યનાં મુખાર્વિંદ પર શા માટે ના ફેલાવુ ? અને એટલે જ, માવતર સમા મારા રાજુ માસીને સાથે લઈ એક્ટિવાની સવારીએ બપોરના ત્રણ વાગ્યાના સુમારે આણંદમા સાઇબાબા મંદિર નજીક આવેલા રીલાયન્સ વન મોલમાં પહોચી.
માસી રહ્યા સૌદર્યતજજ્ઞ ! એટલે સ્વાભાવિકપણે મૉલમાં એમનાં પ્રોફેશનને લગતા સંશાધનો તરફ તેમણે પગ માંડ્યાં. "બેટા, આની એક્સપાઇરી ડેટ જો તો" ગાર્નીયરની ફેરનેસ સીરમ ક્રીમ અંબાવતા મને કહ્યુ. "રાજુ, 31/07/2021" મેં સાહજિકતાથી કહ્યુ.
"જો તો બેટા, આવી કોઈ બીજી સારી કંપનીની સીરમ ક્રીમ હોય તો જરા જો ને" રાજુએ કહ્યું. મે પોન્ડ્સ, લોરીયેલ, પી એન્ડ જી, યુનીલિવર જેવી ઘણી બધી બ્રાન્ડ્સ જોઈ. પણ એ સમયે સીરમ ક્રીમ ગાર્નીયર સિવાય બીજી કોઈ બ્રાન્ડમાં ન મળી.
અંતે તે જ કમ્પાર્ટમેન્ટમાં અન્ય સૌંદર્યસંશાધનોને બારીકીથી ગોઠવતા એક જુવાન રીલાયન્સ કર્મિને મે અત્યંત નરમાઇથી પુછ્યુ: "સરજી, સીરમ ક્રીમ આ (ગાર્નીયર) સિવાય કોઈ બીજી બ્રાન્ડમાં હશે ?" પેલા ભાઈ પાસેથી મને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. તેથી ફરી વખત મેં સહેજ મોટા અવાજે પુછ્યુ: "ભાઈ, સીરમ ક્રીમમાં બીજી કોઈ બ્રાન્ડ છે ?" પોતાના કામમાં રચ્યા પચ્યા પેલા નવજુવાને ફરી કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.
હવે સહેજ લોહી ઉકળ્યું કે આ માણસ છે કે કોણ છે ? કોઈ ગ્રાહક કઈક પૂછે તો એનો જવાબ આપવા માટે એ બાધિત છે , તો આ શા માટે આમ રૂઆબ બતાવે છે. એક છેલ્લી વાર નીચા અવાજે શાંતિપૂર્વક એ જુવનિયાને પુછવાનો પ્રયાસ કર્યો - "એક્સક્યુઝ મી......" અને કોઈ પ્રત્યુતર ન મળતા મારો પિત્તો ગયો. "ઓ હૅલો", સામાન્ય કરતા ઊંચા સ્વરે અને થોડી કડકાઈથી હું બોલી. છતા હજી કોઈ જ જવાબ નહી.
"બહેરો છે કે શુ; આ કેમ આમ કરે છે?" ઉકળતા લોહીએ મેં માસીને કટાક્ષમાં કહ્યું. ત્યાં જ એકા એક એ સમોવડીયો કે જે મારી સામે પીઠ ફેરવીને (મારા મતે) કામમાં વ્યસ્ત હોવાનો ડોળ કરતો ઊભો હતો એ પાછો વળ્યો અને અમારી નજર એક થઈ. મુખ ઉપર નાજુકતા અને હાસ્યમાં અપાર નિખાલસતા સાથે તેણે એક્શન ધ્વારા મને સમજવાનો પ્રયત્ન કર્યો કે મારે શુ જોઇયે છે ? હુ સીરમ ક્રીમ બોલી રહુ એ પહેલા જ મારા રૂંવાડા ઉંચા થઈ ગયા.
નિખાલસતાથી સભર એવા એ નિર્માની મુખે મને સહજ અદાપૂર્વક સમજાવ્યું કે તે સાંભળી કે બોલી શકતો નથી. કદાચ મારા ચહેરાના હાવ ભાવ પરથી એ મૂક બધીર જીવ સમજી ગયો હતો કે મારો પારો સાતમે આસમાને પહોચી ગયેલો છે. પરંતુ, આ પરિસ્થિતિ અને સત્ય જાણ્યા પછી મને મનોમન રંજ અને પ્રશ્નોનો સીધો સામનો ચાલુ થયો -
એ માણસ પ્રત્યે આવી "ખોટી માનસિકતા" કેટલા "ઓછા સમયમાં" બાંધી લીધી ? આ "માનસિકતા" ફક્ત એટલે જ બંધાયી કારણકે એ માણસે મારી "આશા કરતા વિપરીત વર્તાવ" કરેલો ? કે પછી એટલા માટે કે તેણે "મારા " પ્રશ્નનનો જવાબ ના આપ્યો ? યા પછી એટલા માટે કે "મને માસીની ઇચ્છા પૂરી કરવાની ઉતાવળ હતી"
પ્રશ્નોા ઘણા; જેના જવાબમાં માત્ર એ માણસનું નિખાલસ હાસ્ય- મારી ટુંકા ગાળામાં માનસિકતા બાંધવાની શૈલી પ્રત્યે આખ ઉઘાડી ગયું.
અંતે ગાર્નીયરની સીરમ ક્રીમ સહિત ઘરના સદસ્યો માટે દિવાળીની ખરીદી કરી અમે ઘરે પરત ફર્યા; ખરીદી ઘરે હસ્તાર્પણ કર્યા પછી સર્વના મુખાર્વિઁદ ઉપર અપાર ખુશી હતી. ખુશ હું પણ હતી પણ હવે મારી ખુશીનું કારણ હતું. દિવાળીની અંધારી રાત્રિએ એક મુક બધીર શખ્સ એની નિખાલસ હાસ્યરૂપી રોશનીથી મારા હદયમાં અજવાળુ ફેલાવી ગયો.!