તવંગર પ્રૌઢની દિલદારી
તવંગર પ્રૌઢની દિલદારી
કદાચ શિયાળાની સૌથી ઠંડી રાત્રિમાની એક રાત્રિ હતી. લગભગ આઠેક ડિગ્રી જેટલુ તાપમાન હતું; રાત્રે અગિયારેક વાગ્યાના સુમારે હું અને મારા મમ્મી મારા વતન આણંદ તરફ મુસાફરી પ્રયાણ કરવા જામનગરના રેલ્વે સ્ટેશને પહોચ્યા. ટિકિટબારીની નજીક સાવ ફાટેલા વસ્ત્રો અને વધેલી દાઢીમાં એક પ્રૌઢે મારું સંપુર્ણ ધ્યાન ખેંચ્યુ.
રાતના એક ટાંકના ભોજન માટે એ વડીલે કદાચ આખો દિવસ સ્ટેશન પર આવનાર જનાર દરેક મુસાફર પાસેથી પાંચ પચ્ચીસ રુપિયા ભેગા કર્યા હશે; જેમાથી તે પોતાનું રાત્રિ ભોજન માણવાની તૈયારીમા જણાતા હતા. આવા નિઃસહાય માણસોની વહારે આ સ્વાર્થસભર દુનિયામા બેશક કોઈ સહાય હોય જ કયાથી ?- મારા હૈયાએ મને પ્રશ્નન કર્યો; મનોમન વ્યથિતતા જણાતી હતી.
પોતાની વફાદારી માટે પ્રખ્યાત એવો શ્વાન બિરાદરીનો એક જીવ એ નિઃસહાય પ્રૌઢની બિલકુલ બાજુમા બિરાજમાન હતો; એવી આગવી શૈલીમાં કે જાણો વર્ષોથી એમણે નક્કી કરી રાખ્યું હોય - આ દંભી દુનિયામાં આપણે એકમેકનો સહારો બનીશુ.
એક નજરે એકદમ સ્વાદિષ્ટ જણાતા પુલાવનો યુઝ એન્ડ થ્રો બાઉલ પોતના આસનથી જરાક નજીક લાવતા તે પ્રૌઢ આખા દિવસની ભૂખ સંતોષવા તલપાપડ હોય, તેમ જણાય છે. પણ એ પ્રૌઢના એક કાર્યએ મારું અનુમાન ખોટુ સાબિત કર્યુ. (મારું અનુમાન ખોટું સાબિત થયું એ બાબતથી મને કોઈજ ઠેસ નહતી- ઉપરથી હું ખુશી મહેસૂસ કરતી હતી.)
એ પ્રૌઢે પોતના બાઉલમાંથી પ્રથમ ચાર પાચ કોળીયા પેલા શ્વાનને ધર્યા. મોઢામાંથી ઝરતા રસસાથે પેલા શ્વાને એ પુલાવ એવી રીતે આરોગ્યા જાણે એ પુલાવના કોળીયે કોળીયા સાથે એનો ગહન નાતો હોય. ત્યાર બાદ વધેલા પુલાવના લગભગ પાંચેક કોળીયા પોતે આરોગ્યા.
આ અવલોકનની ગહનતાના સાગરમાં હું ઊંડે ડૂબી ગયી હતી; ત્યા એકદમથી જ સ્ટેશન ઉપર થતા અનાઉન્સ્મેન્ટે ફરી મારું ધ્યાન ખેંચ્યુ: "યાત્રી ક્રિપિયા ધ્યાન દે; પોરબંદરસે ચલકર મુમ્બઈ કી ઔર જાનેવાલી સૌરાષ્ટ્ર એક્ષપ્રેસ કુછ હી દેર મે પ્લેટફોર્મ નંબર એક પે આનેકી સંભાવના હૈ" અને હું પ્લટ્ફોર્મ તરફ આગળ વધી.
વાહ, સાવ ગરીબ છતા દિલથી અમીર એવા આ પ્રૌઢની દિલદારીને મારા સાષ્ટાંગ પ્રણામ!!