આત્મા
આત્મા


હું ઘરનાંને સમજાવી સમજાવીને થાકી ગઈ કે આ ધ્રૂજારી ઠંડી ચડીને આવતા તાવની છે. એને તાંત્રિકની નહીં દવાની જરુર છે.
પણ અંતે..
રાતીચોળ આંખવાળો એ તાંત્રિકબાબો ઘરમાં દાખલ થયો. ગામવાળા પાસેથી એની મેલી ગંદી રમતની થોડી વાત તો ખબર પડી જ હતી. આવીને એણે ધુમાડો ઉડાડ્યો અને એનો લાભ લઇને મારો હાથ પકડી લીધો.
મેં ખંખેરી નાખ્યો અને એની મેલી નજરની રમત શરુ થાય એ પહેલાં એની આંખમાં જોયા વગર મેં એનો હાથ જોરથી મચેડી નાખ્યો.
”ભલાભોળા અભણ લોકોની શ્રધ્ધા સાથે રમત કરે એના આવા જ હાલ થાય સમજ્યો! ચાલ ભાગ!"
”ઓય મા મરી ગયો..”
“બાબાજી શેની રાડ પડી?”
“એ તો તમારી વહુમાં પહેલવાનનો આત્મા હતો એને મેં ચંબુમાં બંધ કરી દીધો છે. એ પ્રકિયામાં મને થોડી ઇજા થઈ.”
બાબાએ મારી સામે બે હાથ જોડ્યા અને એ તાંત્રિકબાબો મારાં રાજી થઈ ગયેલાં સાસુની સામે જોયા વગર પોબારા ગણી ગયો. સાસુ એની વિદ્યાના ગુણગાન ગાવામાં પડ્યાં.
મેં તાવની દવા લઇને નિરાંતનો શ્વાસ લીધો.
”ચાલો, પિયરમાં બાપુ સાથે અખાડામાં જઇને લીધેલી તાલિમ આજ બરાબર મોકે કામ આવી.”