STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

આશા કંડારા : અમર આશા

આશા કંડારા : અમર આશા

2 mins
208

રાજસ્થાનના જોધપુરની 40 વરસની આશા કંડારા સફાઈ કામદાર હતી; એનું કામ રસ્તાઓ સાફ રાખવાનું હતું. તેમના પિતા રાજેન્દ્ર કંડારા ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ઓફિસર હતા. માતા ઘર સંભાળતી હતી. સામાજિક દબાવના કારણે 12 ધોરણ પછી તેના લગ્ન થઈ ગયા; પરંતુ તેના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને છૂટાછેડા લેવા પડ્યા. તે વખતે તેની ઉંમર 32 વરસની હતી અને બે બાળકોની માતા હતી. છૂટાછેડાને કારણે સંબંધીઓ વિરોધ કરતા અને ટીકા કરતા હતા. પરિવારનું નામ ખરાબ કર્યું એવી ફરિયાદ કરતા હતા. પરંતુ આશાના માતા-પિતા કહેતા હતા કે ખરાબ સમય છે, જતો રહેશે.

આશાને લાગતું હતું કે જિંદગી સ્થગિત થઈ ગઈ છે ! મધ્યમવર્ગીય પરિવારમાં છૂટાછેડા લેવા તે બહુ મોટી વાત હોય છે; હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડે ! 2013 માં, આશાએ ફરી અભ્યાસ શરુ કર્યો. 2016માં સ્નાતક થઈ. તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરુ કર્યું. લોકો મજાક કરતા હતા કે શું તું કલેક્ટર બનીશ ? શું તારા ખાનદાનમાં કોઈ બન્યું છે ? પરંતુ આશાએ લક્ષ્ય નક્કી કરી લીધું કે વહિવટી સેવામાં જ જવું છે ! એની ઉંમર IAS માટે વધુ હતી; એટલે RAS-રાજસ્થાન વહિવટી સેવા માટે તેણે તૈયારી શરુ કરી. તેમાં છૂટાછેડાવાળી મહિલાઓ માટે ઉંમરની મર્યાદા હોતી નથી. 2018 માં આશાએ RAS માટે ફોર્મ ભર્યું. દરમિયાન અગાઉ કરેલ અરજીના આધારે મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નિયુક્તિ મળી ગઈ. આશાએ સફાઈનું કામ શરુ કરી દીધું. તે કહેતી કે કોઈ કામ નાનું-મોટું નથી હોતું ! બે બાળકોની દેખભાળ અને ઘર ચલાવવા માટે નોકરીની જરૂર હતી. સવારે છ વાગ્યે જવાનું, સફાઈ કરી પરત આવી ઘરનું કામ અને પરીક્ષાની તૈયારી. માનસિક અને શારીરિક રીતે થાક લાગતો હતો; છતાં પરિવારના પ્રોત્સાહનના કારણે આશાએ મહેનત ચાલુ રાખી. ઘરવાળા આરામ કરવાનું કહેતા; પરંતુ આશાનું ઝનૂન તેને આરામ કરવા દેતું ન હતું. તેણે પોતાના શરીરને એ રીતે ઢાળી દીધું હતું કે ઓછું ઊંઘતી હતી અને મોડી રાત સુધી વાંચતી હતી. મહેનત રંગ લાવી. આશાએ ઈન્ટરવ્યૂમાં પણ સફળતા મેળવી. આશા ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ ! આશા કહે છે કે ‘જો હું સફળ થઈ શકું તો કોઈ પણ મહિલા સફળ થઈ શકે છે ! ’જોધપુર મેયર વિનીતા શેઠ કહે છે : “આશાને જોઈને કેટલાંય લોકોને પ્રોત્સાહન મળ્યું છે ! આશા એ મહિલાઓ માટે પ્રેરણાદાયક છે જે માત્ર ચૂલો અને ઘરની ચાર દિવાલોને જ પોતાની કિસ્મત માની જીવન વિતાવી દે છે ! આશા સફાઈનું કામ કરવા ઘરથી વહેલી નીકળી જતી. આજુબાજુના લોકો આંગળી ઉઠાવતા; પરંતુ આશાએ બધાંને ચૂપ કરી દીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational