આમંત્રણ
આમંત્રણ
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક કરીને તાજગી સાથે પાછા ફરી રહેલા રેખાબેને જેવો પોતાના ઘરનો દરવાજો ખોલ્યો એમની દ્રષ્ટિ ઘરના દરવાજા પાસે પડેલી આમંત્રણ પત્રિકા પડી. એમણે તરત જ પત્રિકા ઉઠાવીને પોતાના હાથમાં લઈ લીધી અને ઘરમાં પ્રવેશ્યા."સવાર સવારમાં કોણ આ પત્રિકા દરવાજા પાસે નાખી ગયું હશે ?" વિચારતા રેખાબેને ઉત્સુક હાથો વડે બહારનું કવર ખોલી અને ઉતાવળે અંદરથી પત્રિકા બહાર કાઢી. કોઈ આઈએએસ ઓફિસરના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો જેમાં રેખાબેનને મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનું આમંત્રણ હતું."કોના તરફથી આમંત્રણ છે ?"અચંબામાં પડી ગયેલા રેખાબેન ને અધીરાઈથી પત્રિકા ફરી ફરીને બે થી ત્રણ વાર ઝીણી નજર કરીને વાંચી કાઢી પણ ક્યાંય કોઈ નિમંત્રકનું નામ લખેલું ના દેખાયું. માત્ર કાર્યક્રમનો દિવસ, સ્થળ અને સમય લખ્યા હતા અને અંતમાં ફક્ત 'એક શુભચિંતક' એટલું જ લખ્યું હતું. એમણે ફરી ધ્યાનથી જોયું ... કાર્યક્રમ આજે જ સાંજે ૬.૩૦ વાગે ના સમયે હતો. કોઈ એમની સાથે મજાક તો નહીં કરી હોય ? મનમાં કેટલાય કાલ્પનિક વિચારો સાથે એમનું મન રહસ્ય ઉકેલવાની વ્યર્થ કોશિશ કરતું રહ્યું. કોઈ કામમાં ચિત ના લાગ્યું. એકવાર તો એમને એમ પણ થઈ ગયું કે કાર્યક્રમમા હાજરી નહીં આપે પરંતુ પછી પત્રિકાની નીચે'એક શુભચિંતક' લખ્યુ હોવાથી રેખાબેન વિચાર્યું કેેે કોઈએ બિચારા હૃદયથી ભાવભીનું આમંત્રણ મોકલાવ્યું હશે તો એના દિલને એમની ગેરહાજરીથી કેટલું દુઃખ થશે. આમ આખા દિવસના વિચારોના વમળના સમીકરણનો છેલ્લે એ જ ઉકેલ આવ્યો કે આમંત્રણ આપ્યું છે તો હાજરી તો આપવી જ જોઈએ. કાર્યક્રમમાં ગેરહાજર રહીને નિમંત્રકનું અપમાન કરવું એ, એક આજીવન શિક્ષિકાની ફરજ બજાવનાર સિદ્ધાંતવાદી રેખાબેનના નિયમોના વિરુદ્ધ હતું.
સાંજ પડતાં જ રેખાબેનેે એમના પ્રભાવશાળી વ્યક્તિત્વનેે ચાર ચાંદ લગાવતી તેમની મનપસંદ સોનેરી બોર્ડરવાળી ક્રિમ રંગની સિલ્કની સાડી અને ઉપર એમનો મનગમતો મોતીનો સેટ પહેરીને સન્માન સમારંભમાં મુખ્ય મહેમાાન તરીકે હાજર રહેવા તૈયાર થઈ ગયા. પોતાના ઘરેથી પ્રસ્થાન કરી ને જેવા રેખાબેન યથાવત સ્થાનેે પહોંચ્યા બહાર વોચમેનની પાસેે ઉભેલા એક સજ્જને, એને અંદરથી મળેલી સૂચના અનુસાર, રેખાબેન ને કાંઈ પણ બોલવાની તક આપ્યા વિના એમને સ્ટેજ સુધી દોરી ગયા. આખા દિવસની પ્રતીક્ષા પછી હવે રહસ્ય પર પડેલો પરદો ખૂલવામાં માત્ર્ર્ર થોડો જ સમય બાકી છે ,એમ એમ વિચારીને રેખાબેન એમના અંદર રહેલી ઉત્કંઠા ને છુપાવીને બહારથી એકદમ શાંત અનેે ધીરજપૂર્વક એ સજ્જનને અનુસરીને જેવા સ્ટેજ પર પહોંચ્યા, ઓડિયન્સમાંં બેઠેલા બધા જ પ્રેક્ષક ઉભા થઈ ગયા અને તાળીઓના ગડગડાટ અનેે ફૂલોના વરસાદથી રેખાબેન ને વધાવી દીધા. 'આટલું બધું માન સન્માન ? 'આખરે કોણ છે એ વ્યક્તિ ? ભાવનામાં વહી ગયેલા રેખાબેન ને થોડા સ્વસ્થ થઈને પોતાના ચશ્મા કાઢ્યા અને આંખો બરાબર સાફ કરી અને ફરી પાછા ચશ્મા પહેરીને, એમની પ્રેમાળ અને અનુભવી આંખો ને ભાર આપીને, ઝીણવટથી એમની સામે હાર પકડી ને ઊભી રહેલી વ્યક્તિની સામેે જોયું.... ચહેરો થોડો જાણીતો લાગ્યો. વર્ષોની એમની એક શિક્ષિકા તરીકેની કારકિર્દી દરમિયાન રેખાબેનના જીવનમાં કેટલાય વિદ્યાર્થીઓ આવીને જતા રહ્યા. કદાચ એ વિદ્યાર્થીની ભીડમાંનો જ આ એક ચહેરો હતો. એમનેે પોતાની યાદશક્તિ પર થોડો ભાર મૂક્યો. એમની વીતી ગયેલા જીવનની પુસ્તકના પાના એક પછી એક ખોલવા માંડ્યા. ભૂતકાળમાં ઝડપભેર વિહરી રહેલા મનની ગતિ અચાનક જ એક નામ પર આવીને થંભી ગઈ. સામે ઉભેલી વ્યક્તિ સામે ધારી ધારીને જોઈ રહેલા રેખાબેન ખાતરી કરવા માંગતા હોય એમ બોલ્યા,"કલ્પના.... ?!" આ સાંભળતા જ એ વ્યક્તિની આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. એ રેખા બેન ને હાર પહેરાવીને એમના પગે પડી ગઈ. હા.... એ કલ્પના હતી ! એના પગથી માથા સુધી આખા વ્યક્તિત્વની કાયા પલટ થઈ ગઈ હતી. દેખાવે તદ્દન સામાન્ય અને ક્લાસની સૌથી 'ઢ' કહી શકાય એવી કલ્પનામાં આટલું મોટું પરિવર્તન જોઈને રેખાબેન અચંબો પામી ગયા. એમની નજર સમક્ષ વર્ષો પહેલાંનું એમના ક્લાસરૂમ નું દ્રશ્ય તરવરી ઉઠ્યું, જ્યારેે કલ્પના એમની શાળામાં દાખલો લીધો હતો અને પહેલી જ વાર એમના ક્લાસમાં પ્રવેશ કર્યો. અને જ્યારે રેખાબેનને એને પૂછ્યું હતું ,"તારું નામ શું છે ?"ત્યારે જવાબમાં કાપતા અને ગભરાતા એકદમ જ ધીમા સ્વરમાં માત્ર "કલ્પના" એટલું જ બોલી શકી હતી. અને જ્યારેે રેખાબેન ફરી પ્રશ્ન કર્યો,"તારા પપ્પા શું કરે છે ?"ત્યારે જવાબમાં સંકોચ સાથે માત્ર એટલું જ પરાણે બોલી હતી,"રીક્ષાા ચલાવે છે."
નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતી કલ્પના પોતાના ગભરુ સ્વભાવ, સામાન્ય અથવા તો કદરૂપો કહી શકાય તેઓ દેખાવ અનેે તદ્દન સુસ્ત વ્યક્તિત્વને કારણે અન્ય વિદ્યાર્થીઓમાં મજાકનું કારણ બની ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓનું કલ્પના પ્રત્યેનું અનુચિત વલણથી રેખાબેન ખૂબ જ નારાજ થઈને ગયા હતા અને બધા ને ઠપકો આપ્યો હતો. એમને કલ્પનાને ખૂબ જ પ્રેમથી એમના ક્લાસમાંં આવકારી હતી. બીજે દિવસે રેખાબેન જેવા ક્લાસમાં આવ્યા એમણે છેલ્લી બેંચ પર કલ્પનાને જોઈને કયું હતું, "કેમ કલ્પના, આટલી પાછળ બેઠી છે ? અહીંયા મારી પાસે આવીને બેસ ." અને કલ્પના બધાની સામે ઝંખવાતી, સંકોચ પામતી, ધીમા પગલે રેખાબેન પાસેે આવીને બેેેેસી ગઈ હતી. અને પછી તો કલ્પના સાથે જાણે કોઈ અદ્રશ્ય તાર વડે રેખાબેનનું મન જોડાવા માંડ્યું. એ રોજ કોઈને કોઈ બહાને કલ્પનાને બોલાવીનેે તેને પ્રોત્સાહિત કરતા. ક્યારેક એના સુંદર અક્ષરોની પ્રશંસા કરતા તો ક્યારેક શાળામાં એની નિયમિત હાજરી માટે એના વખાણ કરતા. ક્યારેક આખા ક્લાસ સાથે એની સરખામણી કરીને એની નોટબુક ક્લાસમાં બધાને બતાવતા અને કહેતા,"જુઓ બધા, કલ્પનાનું કામ કેટલું સુંદર અને સુઘડ છે. તમારે બધાએ પણ આવી જ રીતે પોતાનું કામ કરવાનું". આ રીતેેે રેખાબેન બધાની સામે એની પ્રશંસા કરીને એની કક્ષાનું સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરતા. પરિણામ સ્વરૂપે કલ્પનાની બીક અને સંકોચ ધીરે-ધીરે ઓછા થતા ગયા. એની આંખોમાં તેજ અને એના વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ ઝલકવા માંડ્યો. રેખાબેન જ્યારે ક્લાસમાં રાઉન્ડ લેતા ત્યારે કલ્પના પાછળથી એમના સાડીના છેડાને સ્પર્શ કરીને એમના હૂંફનો અનુભવ કરી લેતી. ક્યારેક રેખાબેન ક્લાસમાં કોઈની ચોપડી માંગે તો એ સૌથી પહેલા એની ચોપડી કાઢીને આપી દેતી. ધીરે ધીરે કલ્પના એની આસપાસ રચેલી દીવાલની બહાર આવી ને બધા સાથે સંપર્કનો સેતુ બાંધવા માંડી. રેખાબેનના જાણે-અજાણે કરેલા એક નાના પ્રયાસથી કલ્પનાની પ્રગતિનો આખો ગ્રાફ બદલાઈ ગયો. ધોરણ દસ સુધી પહોંચતા તો એની ગણતરી ક્લાસના ટોપર્સ વિદ્યાર્થીઓમાં થવા માંડી. અને પછી રેખાબેનની શાળામાં ધોરણ દસ પાસ કરીને, બંધ કોચલામાંથી બહાર નીકળીને સંપૂર્ણ રીતે ખીલી ગયેલું એ કલ્પના નામનુંં પતંગિયું પોતાના રંગબેરંગી સપનાઓ સાકાર કરવા ઊડી ગયું રેખાબેનના સ્મૃતિ ચિત્રમાંથી, એમના જીવનમાં આવેલ કેટલાય વિદ્યાર્થીઓની ભીડમાં જઈને અદ્રશ્ય થઈ ગયું.
આજે વર્ષો પછી એમની આંખ સામે મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો ધરાવતી આઈએએસ ઓફિસર બનેલી કલ્પનાને જોઈને એ ભાવવિભોર બની ગયા. રેખાબેનને મુખ્ય મહેમાન તરીકે આપેલું નિમંત્રણ, કલ્પનાની પ્રગતિમાં એમના મહત્વના ફાળાનો પૂરાવો આપી રહ્યું હતું. પોતાના જીવનમાં સફળતા મેળવવાનો આનંદ અનેરો હોય છે પરંતુ જ્યારે કોઈ બીજાના જીવન ને સ્પર્શીને એના જીવનમાં બદલાવ લાવીએ ત્યારે પરમાનંદનો અનુભવ થાય છે, જે ખરેખર અવર્ણીય હોય છે. અને એ કાર્ય કરવાનો લાભ કદાચ એક શિક્ષિકાને જ મળી શકે એમ વિચારીનેે રેખાબેન ને આટલું ઉમદા કાર્ય કરવાની તક આપવા બદલ ઈશ્વરનો આભાર માન્યો.
