Piyush Jotania

Crime Others

5.0  

Piyush Jotania

Crime Others

આખલો

આખલો

1 min
14K


સભા ખીચોખીચ ભરી હતી. ગૌભક્ત સ્વામીજીનું પ્રવચન સૌ એકચિતે સાંભળતાં હતા.

“ગૌમાતા તો દેવલોકનું પ્રાણી છે. મનુષ્યના ક્લ્યાણ માટે ગૌમાતાએ પૃથ્વી ઉપર અવતરણ કર્યું છે. ગૌમાત આપણા સૌ માટે અત્યંત કલ્યાણકારી છે, માતા સમાન વિશેષ પૂજનીય છે.”

“બોલો, ગૌમાતની જય...”

“ભક્તો, ગાયનું પાલન અને રક્ષણ કરવું એ આપણો ધર્મ છે. ગૌમાતાનાં મુક્ત વિહાર અને પોષણ માટે ગામે-ગામે ગૌચરની જમીન હોવી જ જોઇએ.”

“બોલો, ગૌમાતની જય...”

“ભક્તો, આજે ગૌમાત માટેની ગૌચર પર આખલા જેવા સ્વાર્થી લોકોએ કબજો જમાવી લીધો છે. ગૌમાતાઓ ભૂખી રખડે છે, અને આખાલાઓ બેફામ ફરે છે. પરંતુ હવે ગૌચરનું રક્ષણ કરવાનો સમય આવી ગયો છે.

“બોલો, ગૌમાતની જય.....”

 “હું ગામે-ગામથી આવા આખલાઓને હાંકી કાઢીશ. ગૌમાતનાં ભાગની જમીન પર કોઇને ઘુસવા નહી દઉં. તે માટે ભલે મારે પ્રાણ પણ દેવા પડે, હું પાછો નહી પડું.”

“બોલો, ગૌમાતની જય.....”

સ્વામીજીની વાત સાંભળીને ભક્તોનાં રગેરગમાં લોહી ઉકળવા લાગ્યું. સૌએ ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની પ્રતિજ્ઞા લીધી. હવે તો આખલાઓને હટાવીને જ ઝંપીશું.

“બોલો, ગૌમાતની જય...”

“બોલો, ગૌમાતની જય...” સ્વામીજીનો ચારેકોર જયજયકાર થઇ ગયો.

ગૌમાતનો જયજયકાર કરીને સ્વામીજીએ પ્રવચન પૂરું કર્યું.

આસન પર બેસીને જળપાન કર્યું, ત્યાં જ સ્વામીજીનાં એક સેવકે સહેજ નજીક આવીને ધીમેથી કાનમાં કહ્યું : “ સ્વામીજી, આપનો નવો આશ્રમ બનાવવા માટેની ગૌચરની જમીન મળી ગઇ છે.”

“બોલો, ગૌમાતની જય...


Rate this content
Log in

Similar gujarati story from Crime