હેપ્પી બર્થ ડે ટુ રીયા
હેપ્પી બર્થ ડે ટુ રીયા


આજે રીયાનો જન્મદિવસ છે. વહેલી સવારમાં રાહુલે ઊમળકાથી આંખો ખોલી. આંખો ખોલતાં જ રીયાનો સ્મિતભર્યો ચહેરો દેખાયો. દરરોજ સવારમાં સૌથી પહેલા રીયાનો ચહેરો જોવાનો તેનો નિત્યક્રમ હતો. રીયાની સામે ઊભા રહીને રાહુલે એક સુંદર ગુલદસ્તો અને કાર્ડ આપ્યું. એક પ્રેમાળ ચુંબન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. રીયાનો ગુલાબ જેવો ચહેરો, નાજુક નાક, પ્રેમભરેલી અણિયાળી આંખો અને ચહેરા પરનું સ્મિત અદભૂત હતુ. ભલભલાને મોહિત કરી દે તેવી રીયાને જોઇને રાહુલનું મન પૂલકિત બની ગયું.
રાહુલ સુખી ઘરનો લહેરીલાલો હતો. રોજ સવારે નવ વાગ્યે ઊઠે અને નિરાંતે તૈયાર થઇને પછી ઓફિસ જાય. આજે રીયાનો જન્મદિવસ હતો, એટલે ઓફિસમાંથી રજા લીધી હતી. રાહુલ ઘડિયાળમાં જોઇને ઝડપથી બાથરૂમમાં ઘુસી ગયો.
રાહુલ નાહીને તૈયાર થાય ત્યાં સુધીમાં રીયાની મમ્મીએ બેડશીટ બદલાવી નાખી. બેડશીટમાં આછા ગુલાબી ફૂલોની ડિઝાઇન રીયાનાં સ્મિતની જેમ જ મહેકતી હતી. આ બેડશીટ રીયાએ પસંદ કરી હતી, એટલે જ આજે ખાસ પાથરી હતી.
રાહુલ રીયાએ પસંદ કરેલો શાઇનીંગ પીંક શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને તૈયાર થઈ ગયો. રાહુલ આ જૂના કપડામાં પણ રૂપકડા રાજકુમાર જેવો લાગતો હતો. સવારનાં નાસ્તા માટે બધા ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ ગયા.
“ચાલો...ચાલો..ચાલો..ગરમાગરમ ઇડલી-સાંભાર તૈયાર છે.” હાથમાં નાસ્તાની ટ્રે લઇને શાંતાબાઈ આવી.
“અરે વાહ ! ઈડલી-સાંભાર?” રાહુલનાં મોઢામાં પાણી આવી ગયું.
“હા સાહેબ, આજે રીયામેડમનો જન્મદિવસ છે, તો તેનો ફેવરીટ નાસ્તો બનાવ્યો છે.” ઘરનાં સભ્યની જેમ રહેતી શાંતાબાઈ ડિશ આપતાં બોલી.
“શાંતાબાઈ, તે તો રીયાનો ફેવરીટ નાસ્તો બનાવીને સવારની બોણી સુધારી નાખી.” રીયાની મમ્મીએ વખાણ કર્યા.
“એમ જ હોયને માજી, આજે તો બધુ રીયામેડમની પસંદગી મુજબ જ થશે.” શાંતાબાઈનો હરખ સમાતો ન હતો.
“તો સાંજે શું બનાવીશ?” રાહુલે પૂછ્યું.
“સાંભળો સાહેબ, સાંજનાં મેનુમાં દૂધીનો હલવો, મગનો શીરો, ભરેલો ભીંડો, પૂરણપોળી, જીરા રાઈસ, દાળફ્રાય, લસણની ચટણી અને મસાલા છાશ મળશે.”
શાંતાબાઈ એકસાથે બધુ બોલી ગઈ.
“ઓહ માય ગોડ! આટલું બધુ? અને તે પણ રીયાની પસંદગીનું? વાહ..વાહ..”
રાહુલે હાસ્ય વેરતા રીયાની સામે જોયું. રીયાનાં ચહેરા પર સદાયની માફક સ્મિત છલકતું રહ્યું.
ખુશીથી નાસ્તો પતાવીને સૌ ઊભા થયા.
રાહુલ અને રીયા તેનાં જન્મદિવસે સૌથી પહેલાં મંદિર જતા. આથી તેણે મંદિર જઈને રાધા-કૃષ્ણનાં દર્શન કર્યા. પૂજારીને મીઠાઈનું બોક્સ ભેટ ધર્યુ.
“આજે મીઠાઈ કઈ ખુશીમાં, રાહુલસાહેબ?” પૂજારીએ પૂછ્યું.
“પૂજારીજી, આજે રીયાનો જન્મદિવસ છે. દર વર્ષની જેમ હું અને રીયા મીઠાઈ વહેંચીએ છીએ.”
“અરે હા. યાદ આવ્યુ. ભગવાન તમને સુખી રાખે.” પૂજારીએ આશીર્વાદ આપ્યા.
ભગવાનનાં દર્શન કરીને ભિખારીઓને મીઠાઈ વહેંચી.
રીયા જેટલી મોર્ડન હતી, એટલી જ ધાર્મિક હતી. પોતાનાં જન્મદિવસે ખોટા ખર્ચ કરાવાનાં બદલે ગરીબ લોકોને મદદ કરવાનું તેને વધુ ગમતું હતું. તેથી જ તો જન્મદિવસની પાર્ટી માટે તૈયારી કરતાં રાહુલ સાથે મીઠો ઝઘડો થઈ જતો હતો.
“આજે હું આખી દુનિયાને બતાવીશ કે, મારી રીયાનો જન્મદિવસ છે.”
“રાહુલ, એવો દેખાડો કરવાની જરાપણ જરૂર નથી.”
“હું તો દેખાડીશ. રાતે પાર્ટીનું એવું ભવ્ય આયોજન કરીશ કે લોકો જોતા જ રહી જશે.”
“ના રાહુલ, પાર્ટીમાં ખોટો ખર્ચ કરવો નથી. તેનાં બદલે ચાલને આપણે ગરીબ લોકોને મદદ કરીએ.”
“ઓ રીયામેડમ, હજી આપણે ઘરડા નથી થઈ ગયા કે દાન-પુણ્ય કરવાં નીકળી પડીએ. હજી તો લાઈફ એન્જોય કરવાનાં દિવસો છે. આજે આપણે આખો દિવસ ફરીશું, ફિલ્મ જોઇશું, આઈસક્રીમ ખાઈશું, લવપાર્કમાં બેસીને વાતો કરીશું અને રાતે પાર્ટી એન્જોય કરીશું.” રાહુલે આખો પ્રોગ્રામ ફિક્સ કરી દીધો.
“પણ રાહુલ, મને આવો પ્રોગ્રામ જરાપણ પસંદ નથી. પાર્ટી કરવા કરતાં આપણે અનાથાશ્રમનાં બાળકોને રમકડાં અને કપડા આપીએ. તેની સાથે આખો દિવસ રમીએ, ધીંગામસ્તી કરીએ. તને ખબર છે કે મને નાના બાળકો ખૂબ જ વ્હાલાં લાગે છે.”
“ઓ માય ડાર્લિંગ, આવું બધુ જ કરીશું….પણ પચાસ વર્ષ પછી. આજે તો ફક્ત રીયાનાં નામે ધમાલ, મસ્તી અને મોજ જ કરવાની છે.” એમ કહીને રાહુલે કાર ભગાવી.
રીયાનાં સ્મિતભર્યા ચહેરાને રાહુલ નીરખતો રહ્યો. રાહુલની કાર અનાથાશ્રમનાં દરવાજે ઊભી રહી.
આશ્રમનાં વ્યવસ્થાપક સાથે મુલાકાત કરી. કારમાંથી રમકડાં, કપડાં અને મીઠાઈ ઉતરાવી. આશ્રમનાં બધા બાળકો મેદાનમાં એકઠાં થયા. વ્યવસ્થાપકે બાળકોને સંબોધીને કહ્યું: “વ્હાલા બાળકો, તમે રાહુલસાહેબને ઓળખો જ છો. આજે તેનાં પત્ની રીયામેડમનો જ્ન્મદિવસ છે.
બાળકોએ “ હેપ્પી બર્થ ડે ટુ રીયામેડમ.....” ગાઈને આકાશ ગજાવી મૂક્યું.
“દરવર્ષની જેમ તેઓ તમારા માટે રમકડાં, કપડાં અને મીઠાઈ લાવ્યા છે, અને વિશેષ ખુશીની વાત એ છે કે તેઓ આખો દિવસ આપણી સાથે રહેવાનાં છે.” વ્યવસ્થાપકે વાત રજૂ કરી.
બાળકોએ ચિચિયારીથી વાત વધાવી લીધી.
બાળકોને રમકડાંનું વિતરણ કર્યું. નાના-નાના માસુમ ચહેરા પર ગજબની ખુશી છલકાતી હતી. નવાં કપડાં અને રમકડાંની મસ્તીમાં ચારેકોર આનંદનો માહોલ હતો. બાળકો ખૂબ ખુશ હતા, રાહુલને પાર્ટી કરતાં પણ વધુ મજા આવતી હતી અને રીયા પણ એટલી જ ખુશ હતી.
રાહુલે આખો દિવસ બાળકો સાથે વિતાવ્યો. ગીત ગાયા, રમત રમી, મીઠાઈ ખાધી અને ખૂબ મસ્તી કરી. રીયાનો માસુમ ચહેરો ખુશીથી મહેકતો હતો.
આખો દિવસ ધીંગામસ્તી કરીને રાહુલ ઘરે આવ્યો. સાસુ-સસરા રાહ જોઈને બેઠા હતા. રાહુલે આખા દિવસની બધી વાત કરી. રીયા માટે જમાઈનો પ્રેમ જોઈને તેઓ અંતરથી રાજી થયા. ઈશ્વરે જાણે દેવરૂપી જમાઈ આપ્યો હોય તેવી અનુભૂતિ થતી હતી.
રાતે બધાએ સાથે બેસીને ડિનર કર્યુ.
રાહુલ પોતાનાં બેડરૂમમાં ગયો. પોતાનાં બેડની સામે જ રાખેલી સ્વર્ગવાસી પત્ની રીયાની તસવીર સામે ઊભો રહ્યો. રીયાનાં જન્મદિવસની ઊજવણીની ઘેલછામાં જ રાહુલે સાત વર્ષ પહેલાં રીયાને ગુમાવી દીધી હતી. હવે દર વર્ષે આ મુજબ જન્મદિવસની ઊજવણી કરીને રાહુલ રીયાની ઈચ્છા પૂરી કરતો હતો. રીયાનાં ચહેરા ઉપર પણ હંમેશની માફક સ્મિત છલકતું હતું.
રાહુલે રીયાની તસવીર આગળ કેક મૂકીને મીણબતી પેટાવી. રીયાને પ્રેમાળ કિસ કરી. અંતરનો ઊભરો આંખોમાંથી ટપકી પડ્યો અને ભીની આંખે એટલું જ બોલાયું “હેપ્પી બર્થ ડે ડિયર રીયા.”