Piyush Jotania

Inspirational Others

5.0  

Piyush Jotania

Inspirational Others

જમાનો હવે બદલાઇ ગયો છે

જમાનો હવે બદલાઇ ગયો છે

4 mins
14K


“પણ બેટા, તારે મને પૂછવું તો જોઇએને...”

“ઓહ, કમ ઓન ડેડ, જમાનો હવે બદલાઇ ગયો છે. આવી વાતમાં તમને શું પૂછવાનું હોય ? અને તમને પણ ખબર છે કે તમારી આ લખલૂંટ સંપતિનો એકમાત્ર વારસ હું જ છું.”

“એ વાત સાચી બેટા, પણ તું વિચાર તો ખરો કે મે કેટલી મહેનત કરીને આ બધુ ઊભુ કર્યુ છે. રાતદિવસ જોયા વગર કામ કર્યુ, ત્યારે આ સુખનો સૂરજ જોવા મળ્યો છે.”

“ઓહ ડેડ ! તમારી આ જૂની સ્ટોરી બંધ કરો. મને એ વાતોમાં કોઇ ઇન્ટ્રેસ્ટ નથી. જમાનો હવે બદલાઇ ગયો છે.”

“ડેડ, હું જાવ છું. મારા મિત્રો નાઇટ પાર્ટી માટે મારી રાહ જોતા હશે.”

“ પણ બેટા સાંભળ તો ખરા.....”

“ અને હા ડેડ, તિજોરીમાંથી દસ હજાર રૂપિયા લેતો જાવ છું. આખી રાત એંજોય કરવા આટલા તો જોઇએને.” બેફિકરાઇથી એટલું કહી સમીર પોતાની નવી નક્કોર રેડ મર્સીડિઝ કાર સડસડાટ હંકાવી ચાલ્યો ગયો.

અવિનાશની વૃધ્ધ આંખો વિવશતાથી જોઇ રહી. આંખોમાંથી સુખનાં સપના આંસુ બની નીચે પડી ગયા. એક બાપના અરમાનોને સ્વચ્છંદી સમીરે વેરવિખેર કરી નાખ્યા હતા.

નિ:સહાયતાનો નિસાસો નાંખી અવિનાશ બેડરૂમમાં ગયો. ટેબલ ઉપર મુકેલી બ્લડપ્રેશરની ટીકડીઓ ગળે ઉતારી ગયો. જાણે સમીરના તોફાનોને એક બાપ લાચારીથી ગળી ગયો હોય. હાથમાં ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લઇને આડા પડખે થયો.

મન આજે ચકડોળે ચડ્યું હતુ. વિચોરાના વંટોળમાં અવિનાશ પૂરેપૂરો ફંસાઇ ગયો હતો. એક તરફ બાપના પ્રેમનો પવન વાતો હતો, તો બીજી બાજુથી વૃધ્ધત્વની લાચારી અને બાપની અપેક્ષાઓ તેના પ્રેમને ફગાવી દેતી હતી. ચિંતાના વાદળો ઘટાટોપ છવાઇ ગયા હતા. તો વળી તેમાંથી આશાની વીજળી અચાનક ઝબકારો કરી જતી હતી.

શું કરવું એ કંઇ સમજાતુ ન હતું. સમીરની સ્વચ્છંદતા દિવસે ને દિવસે વધતી જતી હતી. લગ્નને તો એ બંધન ગણતો. સમીર હવે કોઇની વાત માનતો નથી. બસ, બાપનાં પૈસે લીલાલહેર કરવા છે.

સમીરની મમ્મીની ખોટ ખરેખર વર્તાય છે. આજે તરલા જીવતી હોત તો સમીરનો કાન ખેંચીને સમજાવી શકી હોત. દીવાલ ઉપર ટીંગાતી તરલાની તસવીર જોઇને નિસાસો નખાઇ ગયો.

બહાર આકાશમાં કડાકો થયો ને અવિનાશ ઊભો થયો. કઠણ કાળજુ કરીને તિજોરીનો દરવાજો ખોલ્યો. કેટલાય વખતનાં મનોમંથનના અંતે આજે પાકા નિર્ણય ઉપર આવી ગયો હતો. માતાનો માયાળુ પ્રેમ આપી સમીરનો ઉછેર કરનાર અવિનાશ, આજે અડગ બાપ બની ગયો. એક સ્વચ્છંદી અને બેજવાબદાર પુત્રને લાઇનમાં લેવાનો હવે આ છેલ્લો રસ્તો બચ્યો હતો. એટલે મક્કમતાથી કામ પૂરું કરી તિજોરી બંધ કરી સૂઇ ગયો.

બરાબર રાતનો એક વાગ્યો હતો. રાત્રે એક વાગે જ તો સમીરનો જન્મ થયો હતો; એમ વિચારતા વિચારતા તરલાની મીઠ્ઠી યાદોમાં સરી પડ્યો.

અચાનક ડોરબેલ વાગ્યો. સુખનું સપનુ તૂટી ગયું. દરવાજો ખોલ્યો, ત્યાં તો દારૂનાં નશામાં લથડિયાં ખાતો સમીર અંદર આવ્યો.

“સમીર, આ શું છે બધુ ? દારૂ પીઇને આમ અડધી રાતે ઘરે આવવું યોગ્ય છે ? મને આ જરાય પસંદ નથી.”

“ ઓહ કમ ઓન ડેડ. તમારું લેક્ચર બંધ કરોને. અમારે યંગસ્ટાર્સને તો અડધી રાતે જ દિવસ ઊગે છે. જમાનો હવે બદલાઇ ગયો છે. તમારા સમયની જેમ હવે અંધકારયુગ નથી.”

“પણ સમીર, આ દારૂ.......”

“ ડેડ, આ તો આજની ફેશન છે. યુ નો ડેડ ! વ્હિસહી ઇઝ લાઇક વોટર ફોર અસ.”

“ સમીર હવે બસ કર તો સારું છે. હવે તો સુધરી જા. આ તારી હાલત તો જો.”

“ ઓહ..સ્ટોપ ઇટ ડેડ...તમે સૂઇ જાવ” એટલું બોલતા સમીર ફરીથી ગોથું ખાઇ ગયો.

“સમીર, તો તારે સુધરવું જ નથીને ? આ બાપની વાત માનવી જ નથીને ?”

“આજનાં યુવાનો બાપની વાત માને એટલા ભોળા નથી રહ્યાં, જમાનો હવે બદલાઇ ગયો છે.”

“ઓકે સમીર, તો તારે જે કરવું હોય તે કર. પણ તારા ટેબલ ઉપર એક કવર મૂક્યું છે. નશો ઉતરે ત્યારે જોઇ લેજે.” આટલું બોલી અવિનાશ ગુસ્સાથી પોતાના રૂમમાં જતો રહ્યો.

બીજા દિવસે સવારે દસ વાગી ગયા હતા. સમીરનો દિવસ હવે ઉગતો હતો. ઊઠીને ટેબલ ઊપર પડેલા કવર ઉપર નજર પડી. કવર ખોલ્યું. કાગળ વાંચતા જ સમીરનો બધો નશો ઉતરી ગયો.

તે સડસડાટ કરતો અવિનાશ પાસે બગીચામાં પહોંચી ગયો.

ગુસ્સાથી તાડુકીને બોલ્યો “ આ શું છે ડેડ ?”

“મારું વસિયતનામું” મકકમતાથી જવાબ વાળ્યો.

“પણ ડેડ, આમાં તો તમારી બધી જ સંપતિ વૃધ્ધાશ્રમને દાન કરી દીધી છે. મને એક રૂપિયો પણ નથી આપ્યો.”

“હા...તે બરાબર વાંચ્યું છે.”

“ડેડ એવું તે કંઇ ચાલતું હશે ! હું તમારો દીકરો છું. તમારો વારસદાર છું. નિયમાનુંસાર તમારી આ બધી સંપતિનો એકલો વારસદાર હું જ છું.”

“હા, એ બધી વાત સાચી. પણ મે મારી તમામ સંપતિ વૃધ્ધાશ્રમને દાન કરી દીધી છે.”

“પણ શા માટે ડેડ ?”

“યુ નો સમીર ? જમાનો હવે બદલાઇ ગયો છે.”

બાપની વાત સાંભળતા જ સમીરના હોશ ઉડી ગયાં. લાચાર અને પ્રેમાળ બાપનું આજે નવું રૂપ જોઇ સમીર અવાચક બની ગયો.

      


Rate this content
Log in

Similar gujarati story from Inspirational