Piyush Jotania

Fantasy Romance

5.0  

Piyush Jotania

Fantasy Romance

આજે ખૂબ મજા આવી

આજે ખૂબ મજા આવી

2 mins
15.8K


“આજે ખૂબ મજા આવી.” મનમાં ને મનમાં મલકાતો રાજીવ સીટીબસમાંથી ઊતરી સોસાયટી તરફ ચાલતો થયો. રાતના દસ વાગી ગયા હતા. સ્મિતા રાહ જોતી હશે,એવું વિચારી તેણે ઝડપથી પગ ઉપાડ્યા. વરસાદ વરસીને પોરો ખાઇ ગયો હતો.

“મોડું તો થઇ ગયું છે, પરંતુ શું કરવું? માયાની માયા જ એવી છે કે તેનાથી છુટા પડવાનું મન જ ન થાય.” રંગીલા રાજીવનાં મનમાં માયાનાં રૂપનું મેઘધનુષ રચાઇ ગયું. વરસાદ મન મૂકીને વરસ્યો હતો, રાજીવ ધરાઇને પલળ્યો હતો અને ચારેકોર ખાબોચિયા ભરાઇ ગયા હતાં.

માયાના વિચારમાંને વિચારમાં રાજીવ ઘરે પહોંચી ગયો. બાલ્કનીમાં સ્મિતા રાહ જોઇને ઊભી હતી. દરવાજો ખોલતાં જ તે રાજીવને વળગી પડી.

“ઓહ રાજીવ! આટલું બધું કેમ મોડું કર્યું? આ વરસાદમાં મારી જરાય યાદ ન આવી?” સ્મિતાએ સહેજ નારાજગી વ્યકત કરી.

“અરે વ્હાલી! તારી જ યાદમાં તણાઇને, ઓફિસનાં હજાર કામ પડતાં મૂકી ઝડપથી આવી ગયો છું.” રાજીવે સ્મિતાને શબ્દજાળમાં જકડી લીધી.

“હું પણ ભીંજવા માટે ક્યારની તમારી રાહ જોતી હતી.” સ્મિતાએ પ્રેમબાણ છોડ્યું.

“તો ચાલો વરસી જઇએ...”

“જાવ... જાવ... હવે... મૂકો મને. રસોડામાં હજી ઘણાં કામ પડ્યાં છે. એટલે તમે ઝડપથી ફ્રેશ થઇ જાવ. પછી હું તમારી ફેવરીટ ડીશ પીરસીશ.”

“વાહ પ્રિયે! તો તો મજા પડી જશે.”

શરમાતાં-મલકાતાં સ્મિતા રસોડામાં ગઇ. રાજીવ ફ્રેશ થઇને છાપું વાંચવા સોફા ઉપર બેઠો.

થોડીવાર પછી ટીપોઇ ઉપર પડેલો સ્મિતાનો મોબાઇલ ધ્રૂજ્યો. મોબાઇલ સાઇલેન્ટ મોડમાં હોવાથી સ્મિતાને ખબર ન પડી.

ઉપરા-ઉપરી બે-ત્રણ વખત રીંગ આવી. આખરે કંટાળીને રાજીવે મોબાઇલ હાથમાં લીધો. અજાણ્યા નંબર ઉપરથી ત્રણ-ચાર મિસકોલ થઇ ગયાં હતાં. રાજીવ મોબાઇલ લઇને સ્મિતાને આપવાં રસોડામાં જતો હતો, ત્યાં એક મેસેજ આવ્યો, ને રાજીવ ઉપર જાણે વીજળી પડી. મેસેજમાં લખ્યું હતું : “આજે ખૂબ મજા આવી.”


Rate this content
Log in

Similar gujarati story from Fantasy