આઈ.સી.યુ.
આઈ.સી.યુ.


સમય : સાંજના 6 વાગ્યાં
સ્થળ : સિવિલ હોસ્પિટલ સેલવાસ
આઈ.સી.યુ (ઇન્ટેનસીવ કેર યુનિટ) કેબીન નં - ૪ હું સેમી કોન્સિયસ (અર્ધ બેભાન) હાલતમાં બેડ પર સુતેલ હતો, મારા હાથમાં નાખેલ સોઈમાંથી બાટલાં ચડી રહ્યાં હતાં, જ્યારે બીજા હાથમાં અલગ- અલગ પ્રોબ લગાવેલ હતાં, જે મલ્ટીપેરા મોનીટર સાથે એટેચ હતાં, જેમાંથી બીપ - બીપ અવાજ આવી રહ્યાં હતો. ક્યારે દિવસ કે ક્યારે રાત પડે એ આઈ.સી.યુની કેબીનમાંથી મને જરાપણ ખ્યાલ આવતો ન હતો.
એવામાં અચાનક મારા કપાળ પર કોઈએ એક વ્હાલ ભર્યું ચુંબન કર્યું, અને પ્રેમથી મારા માથાં અને કપાળના ભાગે હાથ ફેરવ્યો, આંખો ખોલીને જોયુ તો બીજું કોઈ નહીં ખુદ મારા પિતાજ હતાં, જે એકપણ શબ્દ બોલ્યાં નહીં પરંતુ તેની આંખો મને ઘણું બધું સમજાવી ગઈ, એવામાં સિક્યુરિટી ગાર્ડે મારા પિતાને આઈ.સી.યુ ની બહાર જવાં માટે વિનંતી કરી, અને આંખોમાં આંસુ સાથે તેઓ બહાર જતાં રહ્યાં.
ત્યારબાદ પેલાં સિક્યુરિટી ગાર્ડે મને જણાવ્યું કે તમારા પિતાએ આઈ.સી.યુ. ની અંદર આવવા માટે મારી પાસે ઘણી વિનંતિ કરી. મેં એમને ના પાડી, પછી એમની સાથે આવેલાં તમારા મોટાભાઈએ મને જણાવ્યું કે જ્યારે અમને ખબર મળી કે મારા નાનાં ભાઈને આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવેલ છે, અને તેની તબિયત થોડી નાજુક છે, તમારે તાત્કાલિક સેલવાસ આવવું પડશે. ત્યારથી માંડીને અત્યાર સુધી તેઓએ અન્ન તો શું પાણીનું એકપણ ટીપું નહીં પીધું. તેઓ આઈ.સી.યુ માં રહેલ મારા ભાઈનું એકવાર મોં જોઈ લઈ અને મળી લે પછી જ પાણી પીશે. એવું નક્કી કરેલ છે. માટે તમે એકવાર એમને આઈ.સી.યુમાં જવાં દો.. આથી મેં તેમને આઈ.સી.યુમાં આવવા માટે પરમિશન આપી દીધી !" - આ સાંભળી મારી આંખોમાં પણ આંસુઓની અશ્રુધારા વહેવા લાગી.
મિત્રો પરિવાર, ભાઈઓ, માતા - પિતા, બહેનો ભલે આપણી સાથે ગમે તેવુ વર્તન કરે પરંતુ તે લોકોનાં હૃદયનાં કોઈ એક ખૂણામાં તો આપણાં માટે સદાયને માટે પ્રેમ રહેલો હોય જ છે....જ્યારે આપણને કોઈપણ મુશેકેલીઓ આવે ત્યારે આપણાં પરિવારજનોજ આપણો સાથ આપે છે. અને સ્વાર્થી સગાઓ જતાં રહે છે.