Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

PRAVIN MAKWANA

Inspirational


4  

PRAVIN MAKWANA

Inspirational


આઈ.સી.યુ. હોલની બહાર

આઈ.સી.યુ. હોલની બહાર

9 mins 271 9 mins 271

રામજીની માનવતા જોઈ શેઠ ગદગદ થઈ ગયા, એમના મનમાં પેલી પંક્તિઓ ગુંજવા લાગી : 'તું નાનો, હું મોટો એવો ખ્યાલ બધાંનો ખોટો, ખારા જળનો દરિયો ભરિયો મીઠા જળનો લોટો.'

ઇન્દ્રવદનનું ભર્યું- ભાદર્યુ કુટુંબ. એમનો સ્વભાવ જ એવો કે સહેજ લાગણી દેખાડો એટલે વરસી પડે. બે દીકરીઓ : દિવ્યતા અને નવ્યા. વિધુર કાકા અને અંધ ફોઈ. ઉપરાંત સાધુ- સંતો પણ ગામમાં ઉતારા માટે ઇન્દ્રવદનના દરવાજે જ ટકોરા મારે. કોઈનેય ના કહેવાનો એમનો સ્વભાવ નહીં.

ખેતી-વાડીની આવક, પણ ઇન્દ્રવદનના અતિથિપ્રિય સ્વભાવને કારણે ખર્ચ પણ ભારે. એમનાં પત્ની નમ્રતાનો સ્વભાવ બિલકુલ વિપરીત પ્રકારનો. ઇન્દ્રવદન વૃદ્ધ કાકા અને અંધ ફોઈની સેવા કરવાનું કહે ત્યારે નમ્રતા આક્રમક બનીને કહેતાં :

'હું આ ઘરમાં વૈતરું કરવા નહોતી આવી. મેં માન્યું હતું કે તમારા લાગણીશીલ સ્વભાવને કારણે હું સુખી દામ્પત્યનો આનંદ માણી શકીશ. પણ તમે તો ઘરને ધર્મશાળા બનાવી દીધી. સાધુ-સંતો અહીં પડયા- પાથર્યા રહે એ બધાનું ધ્યાન મારે રાખવાનું ? હવે કાન ખોલીને સાંભળી લો. વિધુર કાકાને એમના દીકરા પાસે મોકલી દો અને તમારાં વહાલસોયાં ફોઈબાને અંધો માટેના આશ્રમમાં. હવે સાધુૃ- સંતોના ઉતારા આ ઘરમાં બંધ, સમજી ગયા ?

ઇન્દ્રવદન એટલે સહિષ્ણુતાનો અવતાર. નમ્રતાની વાતનો તેઓ ક્યારે, ઉત્તર આપતા નહોતા. તેઓ ગામમાં પણ એટલા જ લોકપ્રિય. કોઈને કોર્ટ- કચેરીનું કામ હોય તો ઇન્દ્રવદનકાકા પાસે દોડી આવે. કોઈ માંદુ હોય તો શહેરમાં હોસ્પિટલ લઈ જવાની જવાબદારી પણ તેઓ હરખભેર સ્વીકારે. ગામમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હતું, એટલે ઇન્દ્રવદન રાત્રે પ્રૌઢશિક્ષણ વર્ગો ચલાવે. લોકોને કાયદા- કાનૂનનું જ્ઞાાન આપે. ધાર્મિક પર્વો વખતે તેઓ ભજન- મંડળીમાં મોડી રાત સુધી ભજનો ગવડાવે. ગરીબ બાળકોને ગણવેશ અને પુસ્તકો માટે મદદ કરે. પરિણામ એ આવ્યું કે આર્થિક દ્રષ્ટિએ તેઓ સાવ ઘસાઈ ગયા !

દીકરીઓને શહેરમાં ભણાવવા માટે કન્યા- છાત્રાલયમાં દાખલ કરવા માટે પૈસા જોઈએ. ઇન્દ્રવદને માની લીધું હતું કે એમણે અનેક લોકોને મદદ કરી છે એટલે લોકો એમનો પડતો બોલ ઝીલશે. પણ એમની આશા ઠગારી નીકળી લોકો બહાનાં કાઢી તેમની માગણીને ઠુકરાવી દેતાં. અંતે ઘીરધારનો ધંધો કરતા એક શરાફને તેમણે આર્થિક મુસીબતની વાત કરી. નમ્રતાને ખબર ન પડે એ રીતે ઘર ગીરો મૂકવાની શરાફની દરખાસ્ત એમણે સ્વીકારી લીધી.

સેવાપ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેવાને કારણે તેઓ ખેતીવાડીમાં પૂરતું ધ્યાન આપી શક્તા નહીં. જામફળી કે આંબાવાડિયાને કોન્ટ્રાકટરને હવાલે કરી રોકડા પૈસા લઈ લેતાં. કોન્ટ્રાકટરો પણ એમની લાચારીનો લાભ લઈ એમનું શોષણ કરતા.

નમ્રતાદેવી માટે આ બધું અસહ્ય થઈ પડયું. એમણે કાકા અને ફોઈને બારોબાર વિદાય કરી દીધાં. સાધુ- સંતો રાબેતા મુજબ ઘરનો દરવાજો ખખડાવે એટલે નમ્રતાદેવી ઇન્દ્રવદનને મળવા દેવાને બદલે બહારથી જ વિદાય કરી દેતાં.

નમ્રતાદેવીને ખબર પડી કે ઇન્દ્રવદને ઘર ગીરો મૂકી શરાફ પાસેથી વ્યાજે પૈસા લીધા છે, ત્યારે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે ઇન્દ્રવદનનું એટલું બધું અપમાન કર્યું કે તેઓ ધુ્રસકે - ધુ્રસકે રડી પડયા. તેમ છતાં એમણે નમ્રતાને એક પણ શબ્દ કહ્યા વગર બધું સાંખી લીધું.

બીજે દિવસે નમ્રતાએ પિયરમાંથી પોતાના ભાઈને બોલાવ્યો. પિયરપક્ષ ધનાઢ્ય હતો એટલે ઇન્દ્રવદનને કહ્યું : 'તમે મારી બહેનની જિંદગી બરબાદ કરી છે. સેવાના અભરખા હતા તો સંસાર શું કામ માંડયો ? તમે ૫૫ વર્ષના થયા છતાં એટલી ખબર નથી કે ઘર બાળીને તીરથ ન થાય !' મારી બહેન અને બન્ને દીકરીઓ તમારા જેવા ભિખારીના ઘરમાં રહે એ મને મંજૂર નથી. બોલો, કેટલા રૃપિયાનું દેવું કર્યું છે ? હું રોકડા રૃપીઆ લઈને આવ્યો છું. દેવું ચૂકવ્યા પછી તમે તમારે રસ્તે અને મારી બહેન તથા બન્ને દીકરીઓ પિયરમાં રહેશે.

એટલામાં વ્યાજ નહીં ચૂકવી શકવાને કારણે શરાફે કરેલા કેસની નોટીસ બજાવવા માટે અદાલતનો માણસ આવી પહોંચ્યો. એના દેખતાં જ નમ્રતાએ પોતાના પતિને ઉધડો લીધો અને ભાઈ સાથે પીયરમાં જવા માટે બૅગ ભરવાનું શરૃ કરી દીધું. નમ્રતાના ભાઈએ બાજી સંભાળી લીધી અને શરાફને બોલાવી વ્યાજ સાથે રકમ ચૂકવી દીધી. ઘર ગીરોમુક્ત થઈ ગયું.

દિવ્યતા હાયર સેકંડરી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને નવ્યા ધોરણ દસમામાં નમ્રતાએ કહ્યું :' દીકરીઓને ભણાવવાની તો તમારામાં શક્તિ નથી એટલે મારો ભાઈ તેમને શહેરના છાત્રાલયમાં દાખલ કરી ખર્ચની વ્યવસ્થા ગોઠવી લેશે. તમે આ ઘરમાં એકલા- એકલા સડયા કરજો. સહનશીલતાની પણ એક હદ હોય છે. એકલા પડશો ત્યારે ખબર પડશે કે જેમના માટે તમે ઘસાઈ છૂટયા એમાંનુ કોઈ તમારી સામે પણ નહીં જુએ. છતાં આશરા ખાતર ઘર જમાઈ બનવું હોય તો પિયરમાં આવજો. હું આ ઘરમાં હવે પાછી ફરવાની નથી.

અને ઇન્દ્રવદનને એકલા- અટૂલા મૂકી નમ્રતા પોતાના ભાઈ સાથે પિયર જવા રવાના થઈ ગઈ !

ઇન્દ્રવદનને પોતાની ભૂલ સમજાઈ અને ઘરની બરબાદી માટે પોતાને જવાબદાર માની પારાવાર દુ:ખ અનુભવ્યું.

હવે પેટગુજારા માટે ખેતીવાડીમાં ધ્યાન આપ્યા સિવાય છૂટકો નહોતો. ખેતરની રખેવાળી કરવા એમણે ખેડૂતને નાનકડું ઘર બાંધી આપ્યું હતું. ખેડૂતને જ્યારે ખબર પડી કે નમ્રતા શેઠાણી શેઠને એકલા મૂકીને પિયર ચાલ્યાં ગયાં છે, ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો. એણે પોતાની પત્ની જમનાને કહ્યું : 'આજે ભલમનસાઈનો જમાનો નથી. દેવ જેવા ઇન્દ્રવદન શેઠની પત્ની નમ્રતા શેઠાણી આવી નિર્દયતા દેખાડે એની હું કલ્પના પણ નથી કરતો.

આપણે ભલે રોટલો અને ડુંગળીનો ડચકો ખાઈ પેટગુજારો કરીએ, પણ એમાં આપણને સંતોષ હોય છે.તું એક પગે લંગડી છે, પણ તારો એક પણ દુર્ગુણ મેં ક્યારેય જોયો છે ? અને શારીરિક રીતે તારી મર્યાદાઓ હોવા છતાં તેં મને કોઈ પણ પ્રકારની ખોટ વરતાવા દીધી નથી. કહેવાતા ભણેલા લોકો કરતાં આપણા જેવા અભણનું લગ્નજીવન લાખ દરજ્જે સારું.'

'તમારી બધી વાત સાચી પણ ઇન્દ્રવદન શેઠ આપણા માલિક છે. એમના પડખે ઊભા રહેવું એ આપણી ફરજ છે. તમે અત્યારે જ શેઠને ઘેર જાઓ અને એમને તેડી લાવો. ઇન્દ્રવદન શેઠને સાદી જિંદગી ગમે છે. એટલે તેમને આપણે જે રીતે રાખીશું, તે રીતે રહેવામાં વાંધો નહી આવે. હું એમની સેવામાં કશી જ કસર નહીં રાખું.'

ખેડૂત રામજી મનોમન વિચાર કરી રહ્યો હતો. અમીરોનું ખિસ્સુ ગરમ હોય છે પણ દિલ ઠંઠુંગાર ! ગરીબો પાસે ધન ભલે ન હોય, પણ મનની મોકળાશ અને ઉદારતાને કારણે એમનું હૃદય માનવતાને ક્યારેય ભૂલતું નથી !

અને રામજી ખેતરમાંથી સીધો જ ઇન્દ્રવદન શેઠના ઘેર પહોંચી ગયો હતો. ઇન્દ્રવદન જાતે રસોઈ કરી રહ્યા હતા. એ જોઈ રામજી રડી પડયો. એણે કહ્યું : 'શેઠ, હજી તમારા દીકરા જેવો આ રામજી હયાત છે, ત્યાં સુધી તમારે કશી ચિંતા કરવાની જરૃર નથી. તમે આ ઘરમાં એકલા રહેશો તો તમારી દરકાર કોણ રાખશે ? હું અને મારી પત્ની અહીં રહેવા આવીએ અને તમારી સેવા કરીએ તો નમ્રતા શેઠાણીને ખબર પડશે તો ઝઘડાનું મૂળ ઊભું થશે.

લોકો પણ માનશે કે રામજી શેઠનું મકાન પચાવી પાડવા માટે વફાદારીનું નાટક કરી રહ્યો છે ! એટલે મને ખેતરમાં બાંધી આપેલું ઘર તમારું જ છે. મારે બાપ નથી એટલે મને બાપના વહાલનું સુખ મળશે અને મારી પત્ની જમનાને વડીલની સેવાનો આનંદ મળશે. તમે મારી વાતનો નક્કારો ના ભણશો. તમને મારા સોગંદ !'

રામજીની લાગણી જોઈ ઇન્દ્રવદન શેઠ ગદગદ થઈ ગયા. એમના મનમાં પેલી પંક્તિઓ ગુંજવા લાગી : 'તું નાનો હું મોટો, એવો ખ્યાલ બધાંનો ખોટો, ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો !'

એમણે રામજીને કહ્યું : 'ભગવાને મને દીકરો ન આપ્યો, પણ દીકરાની ખોટ ન વરતાય એવા તને મારી જીવનસંધ્યાએ મોકલીને મારી પર મોટો ઉપકાર કર્યો છે. આમેય વાનપ્રસ્થની ઉમ્મર કુદરતના ખોળે રહી આત્માના કલ્યાણ માટે જપ-તપ કરવાની હોય છે. પણ તારે પણ મારી એક વાત સ્વીકારવી પડશે.'

'આપ જે કાંઈ કહેશો એ મને કબૂલ જ હશે. હું આપનો સ્વભાવ જાણું છું. આપ હંમેશાં બીજાના ભલાનો વધુ વિચાર કરો છો અને પોતાની જાતનો પછી. બોલો, આપની કઇ વાત મારે સ્વીકારવાની છે ?' રામજીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું.

'એટલું જ કે હું તારે માથે પડવા ઇચ્છતો નથી. અત્યાર સુધી સમાજ માટે ઘસાતો રહ્યો, હવે તને ભારરૃપ બનું એ મને મંજૂર નથી. હું તારી સાથે ખેતરમાં અવશ્ય રહીશ અને આ ઘર ભાડે આપી દઈશ. ભાડાની જે કાંઈ રકમ આવે તે તારે સ્વીકારવી પડશે. તારી લાગણી અને પ્રેમ આગળ ભાડાની રકમનું કોઈ જ મૂલ્ય નથી. મારા અવસાન પછી આ ઘરનો માલિક તું જ હોઈશ. હું વીલમાં તેની જોગવાઈ કરીશ.' ઇન્દ્રવદનની આંખ બોલતાં- બોલતાં ભીની થઈ ગઈ.

રામજીએ કહ્યું : 'એ બધી વાત પછી. હું ટ્રેકટર લઈને આવ્યો છું. આપનાં કપડાં અને જરૃરિયાતની વસ્તુઓ લઈ લો એટલે વહેલી તકે આપણે ખેતરે પહોંચી જઈએ. જમના આપણી રાહ જોતી હશે. એને એ વાતની ખાત્રી હશે કે શેઠ મારી વાત અવશ્ય માનશે.'

અને ઇન્દ્રવદન આજ્ઞાાંકિત બાળકની જેમ ટ્રેકટરમાં બેસી રામજી સાથે વિદાય થયા.

ઇન્સાનિયતને મરવું ગમતું હોતું નથી. માણસ જ લોભ- લાલચ અને સ્વાર્થ ખાતર ઇન્સાનિયતને ગળે ટૂંપો દેતો હોય છે. રામજી જેવા નાના માણસમાં માનવતાનું અમી-ઝરણું વહી રહ્યું હતું.ઇન્દ્રવદન રામજી પર મૂંગા આશીર્વાદ વરસાવી રહ્યા હતા. પોતીકાં ક્યારે પારકાથી પણ બદતર વ્યવહાર કરશે એની કોને ખબર ? કોઈક અજ્ઞાાત શક્તિ ઋણાનુબંધે પારકાને પોતીકો બનાવી મોકલતી હશે ?

ઇન્દ્રવદન શેઠ ખેતરમાં પહોંચ્યા ત્યારે એમણે જોયું કે જમાનાએ ઘરને આસોપાલવના તોરણથી સજાવ્યું છે. દીવા ઝળહળી રહ્યા છે અને આરતીની થાળી સાથે શેઠને આવકારવા ઉંબરે ઊભી છે. જમનાના આનંદની કોઈ સીમા નહોતી. એણે કહ્યું : 'શેઠ, આ ઘર આપનું જ છે.

આપ પરાયે ઘેર નથી આવ્યા પણ તમને પિતાની જેમ ચાહતો મારો પતિ તમારા પોતાને ઘેર લઈ આવ્યો છે. મને સસરાની સેવાનો લહાવો મળશે. અમે પૈસે- ટકે ગરીબ છીએ, મેં ખીચડી, શાક અને રોટલા બનાવ્યા છે. બાકી ભણેલા- ગણેલા લોકો જેવી જાતજાતની વાનગીઓ બનાવતાં અમને ના આવડે.'

રામજીએ ઇન્દ્રવદન શેઠને કંકુ અને અક્ષત સાથે વધાવ્યા અને પતિ- પત્નીએ ઉમંગભેર આરતી ઉતારી સજાવેલા ખાટલા પર શેઠને બેસાડયા. ઇન્દ્રવદન શેઠને આ બધું ચમત્કાર જેવું લાગતું હતું. એમનું મન કહી રહ્યું હતું. ઇશ્વરની કરુણાનો કોઈ પાર નથી. દુનિયામાં શેતાનો છે, તો રામજી જેવા દેવદૂતો પણ છે.

કુદરતની ગોદમાં રહેવાનું મળતાં ઇન્દ્રવદન શેઠ રાજી- રાજી થઈ ગયા. રામજી તથા તેની પત્ની જમના ખરા દિલથી તેમની સેવા કરતા હતાં.

એ વાતને દસકો વીતી ગયો. નમ્રતાએ ક્યારેય પોતાના પતિને યાદ ન કર્યા એ વાતનું શેઠને દુ:ખ હતું. પોતાની દીકરીઓ ક્યાં અને કેવી સ્થિતિમાં હશે એની કલ્પના કરી એકાન્તમાં તેઓ રડી લેતા. આઘાત તેઓ ભૂલી શક્તા નહોતા.

અને અંતરને કોરી ખાતી વેદનાએ તેમને અકાળે બીમાર બનાવી દીધા. એમની તબિયત લથડી. રામજીએ ડૉક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તેમને તપાસ્યા બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.

રામજી અને જમનાએ એમ્બ્યૂલન્સ મંગાવી તેમને મોટી હૉસ્પિટલમાં દાખલ કર્યા. દવા અને સારવાર માટે પૈસાની જરૃર હતી. જમનાએ એ વાતનો વિચાર કરીને પોતાના દાગીના સાથે લઈ લીધા હતા.

ડૉક્ટર જ્ઞાાનેશની નાઈટ ડયૂટી હતી. તેમણે દર્દી ઇન્દ્રવદન શેઠના કેસ પેપરનો અભ્યાસ કર્યો. રામજીને બોલાવીને વિશેષ વિગતો મેળવી લીધી. ડોક્ટર જ્ઞાાનેશ તે હોસ્પિટલના સુપરિન્ટેડેંટ હતા. એમણે ડોક્ટર્સની ટીમને ઇન્દ્રવદન શેઠની સારવારનું વિશેષ ધ્યાન આપવાની સૂચના આપી.

રામજી તથા જમનાને ડૉક્ટર માટેની હોસ્ટેલમાં રહેવા- જમવાની વ્યવસ્યા ગોઠવી આપી. પણ રામજી અને જમનાએ કહ્યું કે જ્યાં સુધી ઇન્દ્રવદન શેઠની તબિયત સુધારા પર હોવાના સમાચાર નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ્યાં- તરસ્યાં રહીશું. અને હા, શેઠની સારવારના ખર્ચ માટે પૈસાની જરૃર પડે એટલે આ દાગીના વેચવાની વ્યવસ્થા કરી આપશો. આપ નિસ્વાર્થ ભાવે આટલી બધી સેવા કરી રહ્યા છો, એનો આભાર અમે કયા શબ્દોમાં માનીએ ?'

આખી રાત જમના અને રામજી આઈ.સી.યુ. હોલની બહાર બેસી રહ્યાં.

અને સવારે ડોક્ટર રાઉન્ડમાં આવ્યા ત્યારે તેમની સાથે એક રૃપાળી યુવતી પણ આઈ.સી.યુ હોલમાં પ્રવેશી. એણે ઇન્દ્રવદન શેઠને શાન્તિપૂર્વક તપાસ્યા અને કહ્યું : 'પપ્પા, તમે હવે ભયમુક્ત છો. રામજી અને જમનાને પણ હું હમણાં જ બોલાવીને ખુશીના સમાચાર આપું છું.'

'પપ્પા' શબ્દ સાંભળીને ઇન્દ્રવદન શેઠ આશ્ચર્યચક્તિ થઈ ગયા ! એમણે કહ્યું : 'બેટા, તું મને ઓળખે છે ? તારું નામ શું છે ?''

ડો.જ્ઞાનેશે તેના વતી જવાબ આપતાં કહ્યું : 'એનું નામ છે ડો. દિવ્યતા. અમે બન્ને સાથે જ અભ્યાસ કરતાં હતાં અને લગ્ન પણ કરી લીધાં છે. આ તમારી દીકરી દિવ્યતા અને હું તમારો જમાઈ ડૉ. જ્ઞાનેશ.'

દિવ્યતાને ઇન્દ્રવદન શેઠ ભેટી પડયા. બન્નેને આશીર્વાદ આપ્યા. ખેડૂત રામજી અને જમનાને મળી બન્નેએ પોતાનો પરિચય આપ્યો. પિતા-પુત્રીના મિલનના સમાચાર જાણી તેમના હરખનો પાર ન રહ્યો.

ડૉ. જ્ઞાનેશે કહ્યું : 'હવે મારા સસરાજી અમારી સાથે જ રહેશે અને તમારા બન્નેએ પણ મારા બંગલાની અલાયદી ઓરડીમાં રહેવાનું છે.

હું રામજીને વૉચમેન તરીકે અને જમનાને આયાબેન તરીકે આ જ હોસ્પિટલમાં નોકરીએ રાખીશ. તમે જે લાગણી અને પ્રેમથી ઇન્દ્રવદન શેઠ એટલે કે મારા સસરાજીની સેવા કરી તેનું ઋણ મારે ચૂકવવું જોઈએ. ચાલો, મારી સાથે કેન્ટીનમાં, તમારા ઉપવાસનાં પારણાં કરાવું અને રામજી જમના અને ડૉ. જ્ઞાનેશ તથા ડૉ. દિવ્યતા કેન્ટીનમાં પહોંચ્યાં. હવામાં જાણે શબ્દો પડઘાતા હતા : માનવતા હજી મરી નથી.


Rate this content
Log in

More gujarati story from PRAVIN MAKWANA

Similar gujarati story from Inspirational