આઈ લવમી
આઈ લવમી


હું ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી સુંદર અને એમનું અતિશ્રેષ્ઠ સર્જન છું. એવું મારું માનવું છે. યાર રોજ એકવાર તો પોતાની જાતને પ્રેમ કરવો જ જોઈએ. અને હા ચોક્કસ એક એવું કામ કરવું જોઈએ કે પોતાની જાતને શાબાશી આપી શકીએ. હું તો નાના નાના કામમાં પણ શાબાશી આપું.
અરે જમવાનું બનાવું ત્યારે, મારા દિકરા પ્રહષઁ માટે જયારે ટિફીન બનાવું ત્યારે તો દુનિયાની શ્રેષ્ઠ કૂક બની જાઉં, મારા પતિને ઓફિસમાં મદદ કરું છું ત્યારે એમની સૌથી સારી પર્સનલ આસિસ્ટન્ટ બની જાઉં, મારા પપ્પા (સસરા)સાથે બેસી એમને જ એમની તબિયત માટે ખિજવાઉં ત્યારે એમની દિકરી બની જાઉં, મારા મિત્રોને ને ભણવામાં કે કંઈ સમજાવવામાં અરે ઘણીવાર તો લવગુરુ પણ બની જાઉં અને જયારે હું ટીચર બની મારા વિદ્યાર્થીઓ સામે ઊભી રહું ત્યારે તો મારા ગર્વનો પાર નથી રહેતો. હજીતો ઘણું મારો દિકરો અને મારા પતિ મને એમની બેસ્ટ ફ્રેન્ડમાને છે કેમ ના હોઉં ? હું છું જ સમક્ષ. હવે કહો આટલું બધું કર્યા પછી મારી જાત સાથે મને જ પ્રેમ ન થાય તો શું થાય !
આમતો કંઈ જ નથી મારી જીંદગીમાં ખુલ્લી કિતાબ છું. અને એક રીતે કહું તો કોરી જ કિતાબ છું. મને મારા જીવનનો રોજ જ નવો અધ્યાય લખવો પસંદ છે. એવું નથી કે હું મારા ભૂતકાળને ભૂલી જ ગઈ છું. અરે ઘણી વાર તો ભૂતકાળમાં જ જીવું છું. મારું એવું માનવું છે કે દરરોજ નવો અધ્યાય શરું કરતાં પહેલાં થોડી વાર ભૂતકાળમાં જીવી લેવું. મારી પાસે હવે મારા પપ્પા નથી તો ચોક્કસ પણે મારે ભૂતકાળમાં જવું જ રહયું. હવે મારી પાસે મારા ગુરુ મારા ભટ્ટ સાહેબ નથી તો અવશ્ય જ ત્યાં જવું રહયું. એટલે જ તો કહું છું કે હું રોજ જ ભૂતકાળ જીવું જ છું.
વાત રહી મારા જીવનની તો હું મારી બુદ્ધિ પ્રમાણે નહીં હંમેશા મારા હદયને પગલે જ ચાલુ છું. મને મારી મતિ પર જરા ભરોસો નથી, શું ખબર કયારે માત દઈ જાય. પણ હદય મારું હંમેશા સાથે જ રહે છે અને એ કોઈ દિવસ મને દગો નથી કરતું એ ભ્રષ્ટ તો નથી જ થતું.
અરે મારા જીવની રોમાંચક વાત કહું ? હું મારા સુવિચાર જાતે લખું છું. રોજ કોઈ ને કોઈ નવો નવો અનુભવ થતો રહે તો લખાય છે.
પોતાનું સન્માન કરવાથી
હંમેશા આત્મવિશ્વાસ માં
વધારો જ થાય છે.
આવા તો ઘણા. એવું નથી કે આપણા મહાન માનવોના સુવિચાર ખોટા છે. હું ચોક્કસ પણે એને સમજવાની અને જાણવાની કોશિશ કરું છું.
પરંતુ હું એમ માનું છું કે એમણે જયારે આ બધા સુવિચાર લખ્યા હશે ત્યારે એમની પરિસ્થિતિને અનુકૂળ અને એમના અનુભવ પરથી જ લખ્યા હશે. કે આવનારા સમયમાં બીજા ને મદદરૂપ થાય. એકદમ સાચું, હું માનું છું.
પરંતુ રોજબરોજની જિંદગીમાં દરેકને નવા નવા અને દરેકને અલગ અલગ અનુભવો થતા હોય છે. એવી પરિસ્થિતિમાં આ સુવિચારો અનુસરવા જઈએ તો કેમ પાર આવે. જયારે રોજ જ સવારે ઉઠતાંની સાથે આપણે જ નવો અધ્યાય લખવો છે, પોતે જ લડવાનું છે, પોતે જ જીતવાનું છે, પોતે જ હારવાનું છે, મુસીબતોનો સામનો પણ જાતે જ કરવાનો છે ત્યારે આપણે આપણા જ વિચારોને સુવિચાર કેમ ના બનાવીએ !
હવે તમે જ કહો, હુ સાચી કે ખોટી ?
હું મારા જીવનની દરેક ક્ષણને ઉત્સવની જેમ જ ઉજવવા માંગુ છું. મૃત્યુ સમયે મને ભરપૂર જીવન જીવ્યાનો સંતોષ અને આનંદ જ હોવો જોઈએ. નહિ કે કોઈ અફસોસ કે દુખ. જાણું છું આ બધું લખવા વાંચવાનું જ સારું લાગે. ના મને તો એ જીવવાનું જ સારું લાગે. અને હું આમ જ જીવીશ. મને મારી બાજુમાંથી પસાર થતા માણસને એક સ્મિત સાથે હાય-હેલો કરી બોલાવવામાં આનંદ આવે છે. ભલે એ અજાણ વ્યક્તિ કેમ ન હોય. બસ મારા જીવનમાં ફકત પ્રેમને જ સ્થાન છે પછી એ કોઈપણ હોય કે કંઈપણ હોય. જીવીશ પણ પ્રેમમાં અને મરીશ પણ પ્રેમમાં જ.
બીજી એક વાત જેનોરમલી બધાંથી જુદી જ છે. મને કોઈ હિરો અને હીરોઈન બહું પસંદ નથી. હા એમના કામ, એમનો અભિનય ચોક્કસ ગમે છે. એટલે મને નિરસ ના સમજતાં. મને પણ હિરો ગમે જ છે પણ રીઅલ હિરો ગમે છે.
જેમકે, શિવાજી, મહારાણા પ્રતાપ, ભગતસિંહ, મોરારીબાપુ, નરેન્દ્ર મોદી અને હા બ્રિજરાજ ગઢવી-ગુજરાતી સાહિત્યકાર એ મારા મોસ્ટ ફેવરીટ હિરો છે. અને હિરોઈન માં હું પોતે જ મારી ફેવરેટ છું. હું જ મને ગમું છું. મારા વાળ, મારી આંખો બધું જ મને ગમે છે. આ અભિમાન નથી પણ પોતાની જ જાતને પ્રેમ કરું છું એટલે જ પોતાની જાતનું અભિવાદન કરું છું. જયાં સુધી આપણે પોતાની જાતને પ્રેમ નથી કરતા ત્યાં સુધી બીજાને પણ નથી કરી શકતા. એવું મારું માનવું છે.