૨૦૭૦
૨૦૭૦


૨૦૭૦નું વર્ષ શરુ થઇ ગયું છે. દુનિયા આખી બદલાઈ ગઈ છે. માણસોનું રાજ ચાલતી દુનિયામાં આજે મશીનોનું રાજ ચાલે છે. મનુષ્ય પણ મશીન જેવો જ બની ગયો છે. ઘણી બધી જગ્યાએ મનુષ્યોનું સ્થાન રોબોટે લઇ લીધું છે. આજે મનુષ્ય પહેલાના સમય (એટલે કે સાલ ૨૦૦૦નો સમય) જેવો નથી રહ્યો. મનુષ્ય એકદમ સંવેદના હીન બની ગયો છે.
આવા અદ્યતન ટેક્નોલોજીવાળા યુગમાં વાહનો રસ્તા ઉપર ચાલતા નથી પરંતુ ઉડે છે. ગાડીઓ પોતાની રીતે જ ચાલે છે ડ્રાઈવરની જરૂર જ નથી. એવી ટેક્નોલોજી આવી ગઈ છે કે જેમાં મનુષ્યો પોતાના વિચારમાત્રથી મશીનોને ચલાવે છે. પૃથ્વીનું વાતાવરણ રોબોટ્સ દ્વારા કંટ્રોલ થાય છે. અમુક ખતરનાક કર્યો, નોકરીઓ કે જે મનુષ્ય માટે જીવલેણ છે એવા કર્યો રોબોટ પાસે કરાવાય છે. રોબોટ આ યુગમાં મનુષ્યના ઉત્તમ મિત્રો સાબિત થયા છે. આ દુનિયા હવે ચોતરફ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેંસીથી ઘેરાઈ ગઈ છે. પણ હા, મનુષ્યોની વસ્તી ઘણી ઘટી ગઈ છે.
ભારત આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. આવા જ શક્તિશાળી ભારતમાં વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અનુપમ સહાની રહે છે. કે જેમના ન જાણે કેટલા બિઝનેસ છે ! કોમ્યુનિકેશન્સથી માંડીને ટેક્સટાઇલ્સ, એરલાઇન્સ, ટ્રાન્સપોર્ટ, ફાર્માસૂટિકલ્સ અને આવા જ ઘણા બધા. લગભગ બધા જ ક્ષેત્રે એમને સફળતા મળી છે. અનુપમ સહાનીના ઘણા બધા રિસર્ચ સેન્ટરો પણ છે. અલગ અલગ રિસર્ચ સેન્ટરોમાં અલગ અલગ રિસર્ચ થાય છે. ક્યાંક દવાઓ ઉપર, ક્યાંક વાઇરસ ઉપર તો ક્યાંક ટેક્નોલોજી ઉપર.
હાલમાં અનુપમ સહાની એક અલગ જ ટેક્નોલોજી ઉપર રિસર્ચ કરાવવામાં રસ લે છે જે માટે એમણે વૈજ્ઞાનિક ડો. વિશ્વનાથ પ્રસાદ ને બોલાવ્યા છે.
"ડો., શું થયું આપણા રિસર્ચનું ? છેલ્લા ૭-૮ વર્ષથી તમે એની ઉપર કામ કરી રહ્યા છો. શું પરિણામ છે આપણા હાથમાં ? હું પાણીની જેમ પૈસા વેડફુ છું આ ટેક્નોલોજી માટે. તમને અંદાજ પણ છે કે આ ટેક્નોલોજીથી શું શું થઈ શકશે ?"
"અનુપમ સર, હું મારી બધી જ કોશિશ કરી રહ્યો છું. અને મને મહદઅંશે સફળતા પણ મળી છે. પણ આપણે કુદરતના નિયમની વિરુદ્ધ આ ટેક્નોલોજી વિકસાવવા જઈ રહ્યા છીએ. એમાં થોડો સમય તો લાગે જ ને ? તમે માનો છો એટલું આસાન નથી આ બધું. અત્યંત આધુનિકતા આવી ગઈ છે છતાં પણ કુદરત આપણાથી આગળ જ છે."
"ડો. વિશ્વનાથ, મેં તમને અહીં તમારું ભાષણ સંભળાવવા નથી બોલાવ્યા. મને પરિણામ જોઈએ અને એ પણ સફળ પરિણામ."
"સર, હું આવતી કાલે એક પ્રયોગ કરવા જઈ રહ્યો છું. જો એ સફળ થશે તો આપણું રિસર્ચ સફળ થશે. હું જલ્દીથી તમને સફળતાના સમાચાર આપીશ."
"ઠીક છે. મને પણ પરિણામ ની આતુરતા રહેશે."
સાલ ૨૦૦૦માં મનુષ્યના જન્મ માટે સરોગસી, આઈ.વી.એફ. જેવી પદ્ધતિઓ આવી હતી પરંતુ હવે ૨૦૭૦માં મનુષ્ય આ બધી પદ્ધતિઓથી ઘણો આગળ નીકળી ગયો છે. લેબોરેટરીમાં કૃત્રિમ ગર્ભ બનાવી એમાં જ યોગ્ય સમય સુધી બાળકનું પોષણ કરે છે. એટલે કે કુદરતના નિયમોની વિરુદ્ધ બાળકનો ઉછેર માતાના ગર્ભની બદલે કૃત્રિમ ગર્ભમાં થાય છે. આ જ કારણોસર ૨૦૭૦નો માનવી લગભગ સંવેદનહીન બની ગયો છે. ગુસ્સો, પ્રેમ, દુઃખ, સુખ આ બધી સંવેદનાઓ બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ અનુભવે છે. પરંતુ કૃત્રિમ ગર્ભના કારણે આ બધી સંવેદનાઓ અનુભવી નથી શકતો. માટે જ ૨૦૭૦નો માનવી મહદઅંશે સંવેદનાહીન બની રોબોટ જેવો થઈ ગયો છે. નવી ટેક્નોલોજી સાથે કંઈક નવું કરવાની ચાહનામાં મનુષ્યએ પોતાની હાથે જ પોતાના પગ ઉપર કુહાડી મારી છે.
હા, ૨૦૭૦ની દુનિયામાં મનુષ્ય ભલે પોતાને સર્વોપરી માનતો થઈ ગયો હોય, પરંતુ કુદરત હંમેશા મનુષ્યથી ૧૦૦ કદમ આગળ જ રહેશે. કુદરત ના નિયમોની વિરુદ્ધ જઈને મનુષ્ય ભલે જ મનુષ્યનો કૃત્રિમ જન્મ કરાવવામાં સફળ રહ્યો હોય, પરંતુ મૃત્યુને રોકી શકતો નથી. મૃત્યુ એ કુદરતના હાથમાં જ છે. હજી સુધી એવી ટેક્નોલોજી શોધાઈ નથી કે જે મૃત્યુને રોકી શકે.
અનુપમ સહાની એવી જ ટેક્નોલોજી ઉપર રિસર્ચ કરી કરાવી રહ્યા છે. આ ટેક્નોલોજીથી ભૂતકાળમાં કોઈ પણ સમયે મૃત્યુ પામેલા કોઈ પણ વ્યક્તિને જીવિત કરી શકાય. આ જ ટેકનોલોજી ઉપર ડો. વિશ્વનાથ રિસર્ચ કરી રહ્યા છે. ડો. વિશ્વનાથ સાથેની મિટિંગના એક મહિના બાદ અનુપમ સહાનીને સફળતાના સમાચાર મળે છે. ડો. વિશ્વનાથ એવી ટેક્નોલોજીવાળું મશીન બનાવવામાં સફળ રહ્યા કે જેનાથી ભૂતકાળમાં મરેલા માણસને ફરીથી જીવંત કરી શકાય. પરંતુ ડો.વિશ્વનાથને એ ખબર નથી કે અનુપમ સહાની એ શા માટે આવી ટેક્નોલોજી ઉપર રિસર્ચ કરવા કહ્યું. આ ટેક્નોલોજી અત્યંત મોંઘી છે. જે અનુપમ સહાની જેવા બિઝનેસ ટાયફૂનને જ પરવડે એમ છે.
અનુપમ સહાની આ સફળતાથી ખુબ ખુશ છે. એ પોતાની બીજી રિસર્ચ ટિમને અત્યંત મહત્વના ડેટા એકઠા કરવાનું કહે છે.
જી હા, અનુપમે આ ટેક્નોલોજી પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે. એક એવી વ્યક્તિને જીવિત કરવા માટે કે જે ભૂતકાળ માં સફળ વૈજ્ઞાનિક હતા. જેમણે અવનવી ઘણી શોધો કરી હતી અને એમાં પણ સૌથી મહત્વની શોધ એટલે કે અમરત્વ મેળવવાની...
હા, અનુપમ સહાનીને અમર થવું હતું. કુદરતના નિયમોને પડકાર આપી અમરત્વ મેળવવું હતું. આ જ માટે એણે એની રિસર્ચ ટીમને ડેટા એકઠા કરવા માટે કહ્યું હતું. આ સફળ વૈજ્ઞાનિક એટલે કે ડો. રામ નેથીન્તિ. ડો. રામ એક રસાયણશસ્ત્રી હતા. એમણે અવનવી શોધો કરી હતી. એમણે ઘણા બધા રોગોની દવાઓ, સોનુ બનાવનાની પદ્ધતિ અને એવી તો ઘણી બધી. એક શોધમાં તો એમણે એવું રસાયણ બનાવ્યું કે જેને છાંટવાથી માણસ ગાયબ થઈ જાય. પરંતુ એમની આવી અનોખી શોધો જાહેરમાં આવી ન હતી. એટલા માટે જ અનુપમ સહાનીની ટીમને થોડો ટાઈમ લાગ્યો ડો.રામની માહિતી મેળવવા માટે. ડો. રામે અમરત્વ પામવા માટે અમૃતની શોધ કરતા હતા. ત્યારે એમના દુશ્મનોએ એમની હત્યા કરાવી નાખી. પરંતુ મરતા પહેલા ડો. રામે પોતાના બધા જ રિસર્ચ પેપર નષ્ટ કરી નાખેલા એટલે એમના દુશ્મનોને કઈ જ હાથ ન લાગ્યું.
હવે અનુપમ સહાની ડો. રામને જીવતા કરી એમની પાસેથી અમૃત મેળવવા માંગતા હતા. ડો. વિશ્વનાથ, અનુપમ સહાની અને એમની રિસર્ચ ટીમ રિસર્ચ સેન્ટરમાં ભેગા થયા છે. ડો. રામને જીવિત કરવા માટે. એક કાંચની પેટીમાં ડો. વિશ્વનાથે બનાવેલું મશીન રાખેલું છે. ડો. વિશ્વનાથ એ મશીનની સ્વિચ ચાલુ કરે છે અને તુરંત જ કાંચની પેટી અત્યંત પ્રકાશિત થાય છે. અને ડો. રામ ત્યાં જીવિત થાય છે.
ડો. રામ ૧૯મી સદીના વૈજ્ઞાનિક હતા એટલે એ જયારે જીવિત થયા ત્યારે પણ એ ૧૯મી સદીના માનવ જેવા જ રહ્યા. ડો. રામને ૧ મહિનો કાંચની પેટીમાં જ રાખવામાં આવ્યા. જ્યારે ડો.રામ બહાર આવ્યા ત્યારે ડો. વિશ્વનાથે પોતાની ઓળખ આપી અને ૨૦૭૦ની બધી વસ્તુઓનો પરિચય પણ આપ્યો. ડો. રામના આશ્ચર્ય નો પાર ન હતો. એમણે આવા ભવિષ્યની કલ્પના તો કરી હતી પરંતુ એ આમ રૂબરૂ જોવા મળશે એ જાણતા ન હતા. ડો. રામને ૨૦૭૦માં ગોઠવાતા ૬ મહિના નીકળી ગયા.
હવે અનુપમ સહાનીની ધીરજ નો અંત આવ્યો અને એ ડો. રામને મળવા આવ્યા. એમણે પોતાનો પરિચય સવિસ્તાર ડો. રામને આપ્યો. આ મિટિંગ માં ૩ જ વ્યક્તિ હતા ડો. વિશ્વનાથ, અનુપમ સહાની અને ડો. રામ.
"મિ. અનુપમ સહાની, આટલો બધો ખર્ચ કરીને મને શા માટે જીવિત કર્યો છે ? તમારો આ પાછળ શો ઉદ્દેશ્ય છે ?"
"ડો. રામ, અમને માહિતી છે કે તમે અમરત્વ મેળવવા માટેના અમૃતની શોધ કરતા હતા અને મહદ અંશે તમને સફળતા પણ મળી હતી. મારે એ અમૃત જોઈએ છે."
"અમૃત જોઈએ છે ? શા માટે ? શું કરશો અમરત્વ પામી ને ? આ કુદરતના નિયમની વિરુદ્ધ છે. હું આ માટે તમને સહાય નહીં કરું."
"તો પછી તમે શા માટે અમૃત શોધ્યું હતું, ડો. રામ ?"
"મને જ્ઞાન થયું એટલે તો મેં એ શોધને નષ્ટ કરી નાખી હતી, મિ. અનુપમ."
"પણ મારે એ અમૃત જોઈએ છે. તમને અમે જીવિત કર્યા છે એટલે તમે હવે અમારા ગુલામ છો."
"ઠીક છે મિ. સહાની. પણ મારી કેટલીક શરતો છે. મને એક અલગ રિસર્ચ સેન્ટર આપવામાં આવે જેમાં મારી અનુમતિ સિવાય કોઈ ને પ્રવેશ મળશે નહિ. કોઈ પણ જાતની ગુપ્ત ટેક્નોલોજી એમાં નહિ લગાવવામાં આવે. હું ક્યાં જાઉં છું, શું કરું છું એ બધા સવાલો પૂછવામાં નહિ આવે. જો મને ખ્યાલ આવ્યો કે તમે જાસૂસી કરો છો તો હું એ જ ક્ષણે બધું જ નષ્ટ કરી દઈશ અને તમારા હાથમાં કઈ જ નહિ આવે. બોલો મંજુર છે તમને ?"
"મને તમારી બધી જ શરતો મંજુર છે ડો. રામ. મને ફક્ત અમૃત જોઈએ છે."
ડો.રામને અલગ રિસર્ચ સેન્ટર આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાનું રિસર્ચ કરે છે. એક વર્ષ બાદ દર થોડા થોડા સમયે ડો. રામ દુનિયાના ખૂણે ખૂણે જાય છે. દોઢ વર્ષ પસાર થઈ ગયા પછી અનુપમ સહાની ડો. રામને મળવા આવે છે.
"ક્યાં પહોંચ્યું રિસર્ચનું કામ, ડો.રામ ?"
"બસ ચાલુ છે મિ. સહાની. બે વર્ષ પુરા થતા જ તમને મળી જશે."
બે વર્ષ પૂર્ણ થયા અને ડો. રામ ફરીથી મૃત્યુ પામ્યા. આ સમાચાર જાણીને અનુપમ સહાનીને આઘાત લાગ્યો. તુરંત જ ડો. વિશ્વનાથને લઇને રિસર્ચ સેન્ટર પહોંચી ગયા.
"ડો.વિશ્વનાથ, આ કેવી રીતે શક્ય છે ? ડો. રામ કેવી રીતે મૃત્યુ પામી શકે ? અને એમની શોધ ? અમૃતનું શું થયું ?"
"અનુપમ સર, શોધ તો એમણે કરી લીધી અને એમની શોધ સફળ પણ થઈ છે."
"શું વાત કરો છો,ડો. વિશ્વનાથ ? ક્યાં છે એમની શોધ ? ક્યાં છે અમરત્વ મેળવવાનું અમૃત ?"
"અમૃત તમને સોંપતા પહેલા ડો. રામે એક પત્ર આપ્યો છે તમારા માટે અનુપમ સર."
અનુપમ સહાની એ પત્ર વાંચે છે.
'મિ. અનુપમ સહાની,
તમારો ખુબ આભારી રહીશ કે જે દુનિયા મેં ફક્ત સ્વપ્નાઓમાં જોઈ હતી એ તમે મને ફરી જીવિત કરીને રૂબરૂમાં દેખાડી. જ્યાં સુધીમાં તમને આ પત્ર મળશે ત્યાં સુધીમાં તો હું મૃત્યુ પામ્યો હોઈશ. તમને એ સવાલ થતો હશે કે મારુ મૃત્યુ કેવી રીતે થઈ શકે ? તો ડો. વિશ્વનાથે એક વાત તમારાથી છુપાવી છે. ભલે તમે ભૂતકાળમાં મરેલી વ્યક્તિને જીવિત કરી શકવાની ટેક્નોલોજી શોધી હોય પણ એ મશીનથી જીવિત થયેલી વ્યક્તિ ફક્ત ૨ જ વર્ષ જીવિત રહી શકે છે. હું અહીં તમારા માટે અમૃતની શોધ કરવા નહોતો આવ્યો. મેં સંવેદનાના રસાયણ ની શોધ કરી છે અને એ રસાયણ મેં આખી દુનિયામાં ફેલાવ્યું છે. જે આજના ૨૦૭૦ના સંવેદનહીન મનુષ્ય માં સંવેદના ફેલાવશે અને આ દુનિયા ફરીથી જેવી કુદરતે બનાવી હતી એવી જ સંવેદનશીલ બની જશે.
જીવન અને મૃત્યુ એ કુદરતના હાની જ વાત છે. કુદરત હુંમેશા આપણા થી આગળ જ રહેશે. આશા રાખું છું કે તમને તમારા સવાલોના જવાબ મળી ગયા હશે. અને હા ,તમારી અંદર ગુસ્સો અને આંખોમાં આંસુ એ મારી શોધના જ પરિણામ છે.
- ડો.રામ નેથીન્તિ