વસંતમાં...
વસંતમાં...
"ઝાડેથી પાન ખર્યું એક ભર વસંતમાં,
એ પાનમાં મેં પેખી પાનખર વસંતમાં !"
"પાંપણ એ વાતથી પોતે જ છે અજાણ કે,
શોધી રહી છે કોને આ નજર વસંતમાં?"
"વગડાની ડાળ કલરવ જ્યાં કરી રહી છે ત્યાં,
ચાતક પુછે છે વર્ષાની ખબર વસંતમાં !"
"મ્હેકી રહ્યો છે આખો બાગ ખુશ્બુ થી છતાં,
બેઠી છે રાતરાણી બેઅસર વસંતમાં !"
"પામી શકે ના કંટક 'ફૂલ' પોષવાં છતાં,
કુદરત તણી આ થોડી છે કસર વસંતમાં"
"સૌની મઝાર પર ફૂલો ચડી રહ્યાં છે પણ,
સૂની 'ગરીબ'ની બેઠી કબર વસંતમાં !"
(ગાગાલ ગાલગા ગાગાલ ગાલગા લગા)
